મલકાણી, મંઘારામ ઉધારામ

January, 2002

મલકાણી, મંઘારામ ઉધારામ (જ. 24 ડિસેમ્બર 1896, હૈદરાબાદ, સિંધ; અ. 1 ડિસેમ્બર 1980, મુંબઈ) : સિંધી સાહિત્યકાર. તેમના પિતા ઉધારામ જમીનદાર હતા. બચપણથી જ મંઘારામને સાહિત્ય, રંગમંચ અને રમતગમત પ્રત્યે રુચિ હતી.

બી.એ. થઈને કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. 1924થી 1930 સુધી અંગ્રેજી સાહિત્યની ચુનંદી કૃતિઓના સિંધીમાં અનુવાદ કરવાની કામગીરી. મૌલિક સર્જનના પ્રારંભ રૂપે ‘ખનજી ખતા’ (ક્ષણિક ભૂલ – 1930) નામે પ્રથમ નાટક. ઐતિહાસિક પાત્રો લઈને ‘અનારકલી’ નાટક અને સામાજિક વિષયો લઈને આદર્શોન્મુખ એકાંકીઓ લખ્યાં. અભિનયશોખના કારણે કૉલેજની ડ્રામૅટિક સોસાયટીનાં નાટકોમાં સ્ત્રીપાત્ર પણ ભજવ્યું હતું.

તેઓ રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યથી અત્યંત પ્રભાવિત થયા અને 1923માં ખાનચંદ દર્યાણીની સાથે ‘રવીન્દ્રનાથ ડ્રામૅટિક ક્લબ’ની સ્થાપના કરી, તેમનાં નાટકો ભજવ્યાં. ‘ચિત્તા’ નાટક રવીન્દ્રનાથની ઉપસ્થિતિમાં કરાંચીમાં ભજવાયું હતું. તેમાં મંઘારામે અર્જુનનું પાત્ર ભજવ્યું હતું.

તે દિવસોમાં ખૂબ લાંબાં પંચ-અંકી નાટકો ભજવાતાં. મંઘારામે ત્રિઅંકી તથા દ્વિઅંકી નાટકો ભજવીને રંગમંચને નવો વળાંક આપ્યો. વળી એકાંકીઓના પ્રચલનમાં તેમનો વિશેષ ફાળો રહ્યો હતો. તેમણે ફિલ્મ ‘ઇન્સાન યા શૈતાન’(1933)માં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

1941થી તેમણે નિબંધો અને વિવેચનના લેખનનો પ્રારંભ કર્યો હતો.

વિભાજન પછી તેમણે મુંબઈની જયહિન્દ કૉલેજમાં અંગ્રેજી વિભાગના વડા તરીકે કાર્ય કર્યું.

તેમણે સિંધી સાહિત્યકારોને સંગઠિત કરવા અને પ્રોત્સાહન આપવા, કૉલેજમાં સાપ્તાહિક સાહિત્યિક બેઠકોનું આયોજન કરેલું. તેઓ સિંધી સાહિત્યનાં વાર્ષિક સંમેલનો સાથે સંકળાયેલા રહ્યા હતા. 1962માં નિવૃત્તિ બાદ કલકત્તા સ્થાયી થયા.

1968માં તેમણે ‘સિંધી નસુર જી તારીખ’ (સિંધી ગદ્યનો ઇતિહાસ) નામે ગ્રંથ પ્રગટ કર્યો. 1947ના વિભાજન સુધીના સિંધી ગદ્યસાહિત્યની પ્રગતિ અને પ્રવૃત્તિઓનો સવિસ્તર અહેવાલ તેમાં સંગૃહીત કરેલો છે. તે ગ્રંથને 1969માં સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. 1980માં તેમણે વિભાજન બાદ ભારતમાં રચાયેલા સિંધી સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પ્રગટ કરેલો. અકાદમીએ તેમને ‘ફેલો’ તરીકે પણ નવાજ્યા હતા.

1975માં તેમણે ‘જુવાનીઅજા-જઝબાએં પીરીઅજૂં યાદું’ (વૃદ્ધાવસ્થાએ યુવા ઊર્મિઓની સ્મૃતિઓ) નામે કાવ્યસંગ્રહ આપ્યો. આ અછાંદસ કાવ્યસંગ્રહમાં તેમણે આંતરમનના સૂક્ષ્મભાવો પ્રગટ કર્યા હતા અને નારીને પ્રકૃતિની સર્વોત્તમ સુંદર દેન તરીકે સ્થાપિત કરી હતી. તેમણે રવીન્દ્રનાથના કાવ્યસંગ્રહ ‘ગાર્ડનર’નો સિંધીમાં અનુવાદ પણ કર્યો હતો. અમેરિકા અને યુરોપની વિદેશયાત્રા ખેડીને તેમણે ‘પશ્ચિમ યાત્રા’ નામે પ્રવાસવર્ણનનું પુસ્તક આપવાની સાથે ‘સાહિત્યકારન જૂં સ્મૃત્યું’ નામે લેખકો સાથેનાં સંસ્મરણો પણ પ્રગટ કર્યાં છે.

1980ના અંતિમ માસે મુંબઈમાં સિંધી નાટ્ય શતાબ્દી ઉત્સવના આયોજન પ્રસંગે 84 વરસની જૈફ અવસ્થાએ પણ કલકત્તાથી ભાગ લેવા તેઓ આવ્યા હતા; તે પ્રસંગે જ તેમનું અવસાન થયું હતું.

જયંત રેલવાણી