મલકાણી, નારાયણ રતનમલ

January, 2002

મલકાણી, નારાયણ રતનમલ (જ. 1890; અ. 18 ફેબ્રુઆરી 1974, ગાંધીધામ, કંડલા) : નિષ્ઠાવાન દેશસેવક અને સિંધી ભાષાના કથા-વાર્તા સિવાયના ગદ્યસાહિત્યના લેખક. બિહારની સરકાર-માન્ય કૉલેજમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1915માં ગાંધીજીનું ભક્તિપૂર્ણ સ્વાગત કરવાના પરિણામે તેમને નોકરી છોડવી પડી. અસહકારના દિવસોમાં તેઓ કૃપાલાની સાથે અમદાવાદ ખાતે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ગાંધીજી ભારત આવ્યા ત્યારથી ગાંધીઢબે રાષ્ટ્રસેવામાં મૃત્યુ પર્યંત પૂરી નિષ્ઠાથી જીવન સમર્પણ કર્યું. સ્વતંત્ર ભારતમાં તેઓ રાજ્યસભાના નામનિયુક્ત સભ્ય તરીકે 1952થી 1961 સુધી રહેલા.

ત્યારબાદ તેઓ દેશની સામાજિક-સાંસ્કૃતિક ઉન્નતિને વરેલી સંસ્થા–લાજપતભવનમાં જોડાયા. ત્યાં રહીને તેમણે સિંધીમાં ‘નિરાલી જિંદગી’ નામક આત્મકથા પ્રગટ કરી (1973).

વિનોદવૃત્તિ અને વક્રોક્તિપૂર્ણ શૈલી તથા તત્વમાં સામાજિક-આર્થિક સ્થિતિના સંવેદનશીલ ચિત્રાંકન દ્વારા ગણનાપાત્ર બનેલા નિબંધસંગ્રહ ‘અનારદાણા’માં ‘ગોથાની ચાહિરા’ના 2 ગ્રંથોમાંથી કેટલાક પસંદગીના ભાગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમણે સિંધીમાં ‘ગોથાની ચાહિરા’ ગ્રં. 1 1933માં; ગ્રં. 2 1934માં અને ‘અનારદાણા’ 1942માં પ્રસિદ્ધ કર્યા હતા. ‘અનારદાણા’ વ્યક્તિગત નિબંધસંગ્રહ છે, જેમાં સિંધી ગદ્યનાં પાઠ્યપુસ્તકો માટે સારી એવી વાચનસામગ્રી છે. તેઓ તેમની પોતાની લાક્ષણિક શૈલી માટે જાણીતા છે. ‘નિરાલી જિંદગી’ ગાંધીજી અને જવાહરલાલ નહેરુ સાથેના તેમના સાહચર્યની યાદ તાજી કરાવે છે. તેમાં 1947ના દેશની આઝાદી પૂર્વેના અને પછીના સમયની ઝાંખી થાય છે.

બળદેવભાઈ કનીજિયા