મલખમ : કુસ્તી (મલ્લવિદ્યા) માટે શરીરને તૈયાર કરવામાં ઉપયોગી ભારતીય વ્યાયામપ્રકાર. ‘મલ્લ’ + ‘ખંભ’  એ બે શબ્દો પરથી ‘મલખમ’ શબ્દ બનેલો છે. મલખમ જમીનમાં દાટેલો લાકડાનો થાંભલો છે. તેના પર વિવિધ કસરતો કરવામાં આવે છે. પ્રાચીન કાળથી ભારતીય વ્યાયામપદ્ધતિના કેન્દ્રમાં કુસ્તી (મલ્લવિદ્યા) પ્રચલિત છે. કુસ્તી માટે શરીરને તૈયાર કરનાર કસરત-પ્રકારોમાં મલખમ પરનો વ્યાયામ શ્રેષ્ઠ અને લોકપ્રિય પ્રકાર ગણાય છે. ભારતના પરંપરાગત રીતે ચાલતા અખાડા યા વ્યાયામશાળામાં મલખમને અવશ્ય સ્થાન હોય છે. મહારાષ્ટ્રમાં તો તે ખૂબ લોકપ્રિય કસરત છે.

આકૃતિ 1 : મલખમ ઉપર સંતુલન કરતો વ્યાયામવીર

અગાઉના સમયમાં કુસ્તીની પૂર્વતૈયારીરૂપે મલખમનો ઉપયોગ થતો હોવાથી તે મલખમ કમર જેટલો જાડો અને 1.83 મીટર (6 ફૂટ) ઊંચો રાખવામાં આવતો. આવા મલખમની શોધ છેલ્લા બાજીરાવ પેશ્વાના મલ્લવિદ્યાગુરુ બાળભટ્ટદાદા દેવધરે (1780–1852) કરી હતી. વર્તમાન કાળમાં મલખમના વ્યાયામમાં શારીરિક કસરત અને પ્રદર્શનીયતાની ર્દષ્ટિએ ઉપયોગી એવા અનેકવિધ દાવો શોધાયા, સર્જાયા અને ઉમેરાયા હોવાથી મલખમનો થાંભલો પહેલાં કરતાં પાતળો અને ઊંચો બન્યો છે; એટલું જ નહિ, પણ તેમાં લટકતો મલખમ, અંતરપકડ, નેતરનો મલખમ, રોપ મલખમ વગેરે અન્ય મલખમપ્રકારો પ્રચલિત બન્યા છે.

મલખમનો થાંભલો સીસમ અથવા સાગના લાકડાનો લગભગ નીચે મુજબ માપનો હોય છે. (જુઓ ઉપરની આકૃતિ) :

1. ટોચનો ઘેરાવો :       25.4 સેમી. (10 ઇંચ)

2. મૂઠની ઊંચાઈ :       15.24 સેમી. (6 ઇંચ)

3. મૂઠનો ઘેરાવો :       17.78 સેમી. (7 ઇંચ)

4. ઉપરના ભાગનો ઘેરાવો :       30.02 સેમી. (13 ઇંચ)

5. મધ્યભાગનો ઘેરાવો : 37.45 સેમી. (17½ ઇંચ)

6. જમીન પાસેના ભાગનો ઘેરાવો : 55.88 સેમી. (22 ઇંચ)

7. જમીન ઉપર ઊંચાઈ : 2.745 મીટર (9 ફૂટ)

8. જમીનમાં દાટેલા ભાગની ઊંચાઈ : 1.220 મીટર (4 ફૂટ)

મલખમની કસરતો ખુલ્લા શરીરે લંગોટ અને તે પર જાંઘિયો પહેરી કરવાની હોય છે તથા કસરત કરતા અગાઉ હથેળીમાં થોડું દિવેલ લઈ મલખમના સમગ્ર થાંભલા પર આછું ઘસી દેવાનું હોય છે.

આકૃતિ 2 : સોય-દોરા અને ફીરકી શ્રેણીઓના દાવ

મલખમ ઉપરની કસરતોને એકંદરે 16 શ્રેણીઓમાં વહેંચવામાં આવી છે : (1) અઢી, (2) ઊંડી, (3) સલામી, (4) તિડી, (5) બગલી, (6) દસરંગ, (7) ફીરકી, (8) ઊતરતી, (9) વેલ, (10) સોયદોરો, (11) ફરારો, (12) આસન, (13) વૃક્ષ, (14) દીપકામ, (15) હથિયારકામ અને (16) ચમત્કૃતિકામ.

મલખમના દાવ કરતી વખતે ઉપયોગમાં લેવાતા શરીરને વાળવાની, મરડવાની, ફેરવવાની તથા ઊંચકવાની કસરતો તેમજ સમતોલન, ઝાટકી અને હાથ તથા પગની ર્દઢ પકડો વગેરે ગતિઓ, કુસ્તી માટે ખેલાડીને તૈયાર કરવામાં ખૂબ ઉપયોગી થાય છે. કબડ્ડી માટે પણ આ ગતિઓ ઉપયોગી છે. એટલું જ નહિ, કરોડને સુર્દઢ, નમનીય અને સ્થિતિસ્થાપક બનાવવામાં તેની કામગીરી અજોડ છે.

ચિનુભાઈ શાહ