મર્ઝબાન, અદી ફીરોઝશાહ (જ. 17 એપ્રિલ 1914, મુંબઈ; અ. 26 ફેબ્રુઆરી 1987, મુંબઈ) : નાટ્યકાર, નટ, દિગ્દર્શક, પ્રસારણકર્તા અને નવા પારસી થિયેટરના પ્રવર્તક. 1926માં મૅટ્રિક અને 1933માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. 1936થી ‘જામે જમશેદ’ સાપ્તાહિકના તેમજ ‘જેમ’ વીકલી અને ‘ગપસપ’ માસિકના તંત્રી. 1947થી આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પર અંગ્રેજી તેમજ ગુજરાતી નાટકોના નિર્માતા. સાથે સાથે ઍમેટર ડ્રામૅટિક સર્કલ, ઇન્ડિયન નૅશનલ થિયેટર, ઇન્ડિયન પીપલ્સ થિયેર એસોસિયેશન અને બીજાં નાટ્યજૂથોને ઉપક્રમે નાટકોમાં અભિનય અને દિગ્દર્શન આપવાનું શરૂ કર્યું. 1953માં નાટ્યતાલીમ માટે ઇન્ટરનૅશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ(યૂનેસ્કો)ની શિષ્યવૃત્તિ મેળવીને પરદેશમાં અભિનયની તાલીમ લીધી.
તેમણે ‘કાતરિયું ગૅપ’, ‘અર્ધી રાતે આફત’, ‘કાકા થયા વાંકા’, ‘બહેરામની સાસુ’, ‘મોટા દિલના બાવા’, ‘માથે પડેલા મફતલાલ’, ‘બૈરી કે બલા ?’ ‘ઘરડી ઘોડી લાલ લગામ’ વગેરે પંચાવન જેટલાં નાટકો લખ્યાં છે અને દિગ્દર્શિત કર્યાં છે. ‘ચાર્લિઝ આન્ટ’ અને ‘ઍન ઇન્સ્પેક્ટર કૉલ્સ’ જેવાં અંગ્રેજી નાટકોની પ્રસ્તુતિ માટે અદી મર્ઝબાન જાણીતા બન્યા હતા.
સ્વભાવે રમતિયાળ અને રમૂજી અદી મર્ઝબાને લેખન, અભિનય અને દિગ્દર્શન ઉપરાંત નાટ્ય-તાલીમમાં પણ એવું જ મહત્વનું પ્રદાન કર્યું છે. ફીરોઝ આંટિયા, હોમી તવડિયા, બરજોર પટેલ, રૂબી પટેલ વગેરે નટ-દિગ્દર્શકોએ અદી મર્ઝબાનના શિષ્ય સાથીદારો તરીકે ગુરુને પગલે મુખ્યત્વે પારસી રંગભૂમિક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે.
પ્રસારણકર્તા તરીકે એમની અને ચંદ્રવદન મહેતાની મુંબઈ રેડિયો પર જોડી જામી પડેલી. તેમનો ‘ધાનશાક મંડળ’ નામનો સાપ્તાહિક રેડિયો-કાર્યક્રમ એક આખી પેઢીએ રસપૂર્વક માણ્યો છે. ટી.વી. પરથી પણ ‘આવો મારી સાથે’ જેવી નિયમિત લોકપ્રિય શ્રેણી તેમણે પ્રસારિત કરી હતી. નયનરમ્ય સંનિવેશ અને અર્થપૂર્ણ પ્રકાશઆયોજન, વાસ્તવદર્શી ર્દશ્યસજાવટ અને રમૂજી સંવાદોની રમઝટ અદી મર્ઝબાનની નાટ્યપ્રસ્તુતિ-કલાનાં વિશિષ્ટ લક્ષણો ગણાયાં છે. સંગીતના પણ તેઓ અચ્છા જાણકાર હતા. પત્રકાર તરીકે પણ ‘જામે જમશેદ’માં તેમણે ર્દષ્ટાંતરૂપ કામ કર્યું છે.
1964માં તેમને પદ્મશ્રીનો ખિતાબ એનાયત થયેલો અને 1970માં સંગીત નાટક અકાદમીનો તખ્તાના શ્રેષ્ઠ દિગ્દર્શક માટેનો ઍવૉર્ડ પણ મળેલો.
હસમુખ બારાડી