મર્ઝબાન, ફરદૂનજી (જ. 28 માર્ચ 1787, સૂરત; અ. 26 માર્ચ 1847, દમણ) : ભારતની તમામ ભાષાઓમાં વિદ્યમાન જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક. પિતા મોબેદ મર્ઝબાનજી હાઉસ મુનઅજ્જમ.

ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ લીધી. મોફતી જહાહોદ્દીન બિન નસરોલ્લા નામના ઉસ્તાદ પાસે તેમણે ફારસી અને એક પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ભરૂચના હકીમ ગોલાલ મોહિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું.

1799માં તે મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂર મુલ્લાં ફીરોઝાદીન  પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં ઝીણવટભરી જાણકારી મેળવી, અને તેમના પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. પરિણામે 1808માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા.

એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. તેથી ફરદૂનજીને નવો વિચાર સૂઝ્યો અને 1812માં તેમણે મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ ગુજરાતી છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને. જીજીભાઈ પાસે હુન્નર શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો એક સેટ તીખા લોઢા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તક્તીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડયા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબનાં સૌને કામે લગાડ્યાં આમ તે ‘ગુજરાતી મુદ્રણના જનક’ ગણાયા.

ફરદૂનજી મર્ઝબાન

શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યાં. પછી 1814માં તેમણે પોતાના છાપખાનામાં સંવત 1871નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. તેની 30,000 નકલો બહાર પડેલી. 1822માં ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ રૂ. 2/- રાખેલું. તેના 150 ગ્રાહકો નોંધાયેલા; તે પૈકી 14 અંગ્રેજ, 8 હિંદુ, 6 મુસલમાન અને 67 પારસી હતા. 1832થી તેને અઠવાડિયામાં બે વાર પ્રગટ કરવા માંડ્યું અને 1855થી તેને દૈનિકમાં ફેરવ્યું. ઉલ્લેખનીય બાબત એ છે કે 1830માં 20 પાનાંની પૂર્તિમાં તેમણે ‘‘જાહેરખબરો, સરકારી જાહેરનામું, મુંમબઈ ગેજેટ, દેશાવરમાં મહેશુલ ખાતામાં બદલીઓ, મુંબઈમાં આવતા અંગ્રેજો, વહાણોનાં નામ, આવાગમન સમયપત્રક, ઉતારુ-સંખ્યા, જનશોના ભાવ, લગ્ન, જન્મ, મૃત્યુ તિથિવારની નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો’’ પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.

તેમણે અનુવાદ, કરેલી કૃતિઓમાં ‘દ્બેસ્તાન’ (1815); ‘ખોર્દે અવેસ્તા’ (1817); ‘બુનદેહશ’ (1819); મરેના અંગ્રેજી વ્યાકરણનો ગુજરાતી અનુવાદ ‘અંગ્રેજી તથા ગુજરાતી વાકાબીઉલારી’ (1822); ફારસી ‘ગુલિસ્તાન’નો ગુજરાતી અનુવાદ (1838); ‘અદલે કવિ’ (1841) તથા ફિરદોસી તૂસીના શાહનામાનો અનુવાદ ‘મોખતેશર શાહનામું’ (1843) ઉલ્લેખનીય છે.

આ ઉપરાંત તેમણે ‘કામાવતી વાર્તા’, ‘નંદબત્રીસી વાર્તા’ અને ‘ગુલ બંકાવલીની વાર્તા’ સહિત લગભગ 50 ઉપરાંત ગ્રંથો પ્રકાશિત કર્યા હતા. તેમના બે દીકરાઓ બહેરામજી અને જહાંગીરજી પ્રખ્યાત વર્તમાનપત્ર ‘જામે જમશેદ’ના માલિક અને અધિપતિ હોવા ઉપરાંત સાહિત્યકાર પણ હતા. તેમના પૌત્ર અદી મર્ઝબાન લોકપ્રિય નાટ્યકાર અને હાસ્યકાર તરીકે પછીથી જાણીતા થયા હતા.

બળદેવભાઈ કનીજિયા