મર્ચિસન, રૉડરિક ઇમ્પે

January, 2002

મર્ચિસન, રૉડરિક ઇમ્પે (જ. 1792; અ. 1871) : ખ્યાતનામ સ્કૉટિશ ભૂસ્તરશાસ્ત્રી. પ્રથમ જીવયુગનો સ્તરાનુક્રમ ગોઠવી આપવાનો સર્વપ્રથમ પ્રયાસ કરનાર સ્તરવિદ તરીકે તેઓ પ્રતિષ્ઠિત છે. વેલ્સમાંથી સાઇલ્યુરિયન રચનાનો લાક્ષણિક સ્તરાનુક્રમ શોધીને તેને પ્રથમ જીવયુગમાં યોગ્ય સ્થાને ગોઠવી આપવાનું કાર્ય તેમનાં સંશોધનોનું પરિણામ હતું, પરંતુ તેમણે વધુ નીચેના સ્તરોનો પણ સાઇલ્યુરિયનમાં સમાવેશ કરેલો. 1839માં ‘The Silurian System’ મૉનોગ્રાફ બહાર પાડ્યો, જેમાં આ રચનાનાં સ્તરવિદ્યાત્મક લક્ષણો અને જીવાવશેષપ્રકારોનું વર્ણન કર્યું છે. તેમના મિત્ર સેઝવિકે શોધેલી કૅમ્બ્રિયન રચનાથી સાઇલ્યુરિન રચનાને સ્પષ્ટપણે જુદી પાડી આપવાની (કૅમ્બ્રિયન-સાઇલ્યુરિયન વચ્ચેની ઑર્ડોવિસિયન રચના તો લેપવર્થે 1879માં જુદી પાડી આપેલી) જરૂરિયાતને પૂરી પાડવામાં તેઓ નિષ્ફળ રહ્યા હોવાથી તેમની સિદ્ધિઓને પૂરતો યશ મળી શક્યો નહિ. 1841માં ઝારના આમંત્રણથી રશિયાની મુલાકાત દરમિયાન તેમણે ત્યાંની પર્મિયન રચના સ્થાપિત કરી આપેલી. દ લા બેશેના ઉત્તરાધિકારી તરીકે 1855માં ગ્રેટબ્રિટનના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર જનરલનો હોદ્દો તેમને મળેલો.

ગિરીશભાઈ પંડ્યા