મરો, એડ્વર્ડ આર. (જ. 27 એપ્રિલ 1908, પોલ ક્રિક, ન્યૂ કૅરોલિના; અ. 23 એપ્રિલ 1965) : અમેરિકાના પ્રસારણકર્તા (broadcaster). ટેલિવિઝન-પત્રકારત્વના ક્ષેત્રે તેમણે એકલે હાથે પ્રામાણિકતા તેમજ નિષ્ઠા દાખલ કરી. તેમની કારકિર્દી જવાબદારીપૂર્ણ તથા ચોકસાઈપૂર્ણ પત્રકારત્વના જીવંત નમૂનારૂપ હતી. 1930માં વૉશિંગ્ટન સ્ટેટ કૉલેજમાંથી સ્નાતક થયા પછી, તેઓ નૅશનલ સ્ટુડન્ટ ફેડરેશનના પ્રમુખ બન્યા; 1932માં તેઓ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ટરનૅશનલ એજ્યુકેશનના મદદનીશ નિયામક નિમાયા.

એડ્વર્ડ આર. મરો

1935માં તેઓ કોલંબિયા બ્રૉડકાસ્ટિંગ સર્વિસ(CBS)ના વાર્તાલાપ તથા શિક્ષણવિભાગના નિયામક તરીકે જોડાયા; પછી તેમને ત્યાં યુરોપનું કાર્યક્ષેત્ર સોંપવામાં આવ્યું, તેમાં તેમણે એક-વ્યક્તિ સમાચાર-સ્ટાફ તરીકે કામગીરી બજાવી. 17 વર્ષ સુધી તેમણે યુદ્ધ-સંવાદદાતા તરીકે અસામાન્ય કામગીરી બજાવી. યુદ્ધ-સંવાદદાતા તરીકે ‘બૅટલ ઑવ્ બ્રિટન’નું વર્ણન કરતી વખતે પ્રત્યેક પ્રસારણનો આરંભ ‘ધિ સ… ઇઝ લંડન’ એવા નાટ્યાત્મક આરોહ સાથે જ કરતા. યુદ્ધ-સંવાદદાતાની કામગીરી પછી 17 વર્ષ બાદ અમેરિકા આવીને તેઓ સીબીએસની સમાચાર-કામગીરીના ઉપાધ્યક્ષ બન્યા. 1948માં ‘હિયર ઇટ નાઉ’ નામક તેમના કાર્યક્રમને નવે સ્વરૂપે રજૂ કરવા તેઓ ટેલિવિઝનમાં જોડાયા અને એ કાર્યક્રમને ‘સી ઇટ નાઉ’ એવું નવું નામ આપ્યું. એમાં સૌથી મહત્વનો કાર્યક્રમ તે 9 માર્ચ 1954ના રોજ રજૂ કરાયેલ શો–તેમાં સેનેટર જોસેફ આર. મૅકાર્થીની તપાસપદ્ધતિની ઉગ્ર આલોચના કરવામાં આવી હતી. 1948થી ’58 સુધી રજૂ કરાયેલ આ ‘સી ઇટ નાઉ’ કાર્યક્રમ સર્વપ્રથમ આધુનિક સમાચાર-કાર્યક્રમ લેખાય છે. સીબીએસ છોડ્યા પછી 1961થી ડિસેમ્બર 1963 સુધી  તેમણે યુ. એસ. ઇન્ફર્મેશન એજન્સીના નિયામક તરીકે સેવા આપી.

મહેશ ચોકસી