મર્ક, જ્યૉર્જ (જ. 1894, ન્યૂયૉર્ક સિટી; અ. 1957) : રસાયણ-ઉદ્યોગના કાબેલ વહીવટકર્તા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી 1915માં પોતાના કુટુંબની રસાયણવિષયક કંપની નામે ‘મર્ક ઍન્ડ કંપની’માં જોડાયા. 1925થી ’50 સુધી તેઓ તેના પ્રમુખ તેમજ 1949થી ’57 સુધી તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. તેમણે વેગીલો સંશોધન-કાર્યક્રમ અપનાવ્યો અને મર્ક કંપનીનું ઉત્પાદનલક્ષી કેન્દ્ર ઔષધનિર્માણ તરફ વાળીને વિટામિન, સલ્ફા-ઔષધ તથા કૉર્ટિઝોન વગેરેના નિર્માણક્ષેત્રે મર્કને એક આગેવાન કંપની બનાવી પુષ્કળ નામના અપાવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે ‘વૉર રિસર્ચ સર્વિસ’ને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

મહેશ ચોકસી