મરે, જૉન (સર) (જ. 3 માર્ચ 1841, કૉબુર્ગ, ઑન્ટેરિયો; અ. 16 માર્ચ 1914) : સ્કૉટલૅન્ડના સમુદ્રવિજ્ઞાની–દરિયાઈ ભૂસ્તરશાસ્ત્રી. તેમણે ‘રિપૉર્ટ ઑન ધ સાયન્ટિફિક રિઝલ્ટ્સ ઑવ્ ધ વૉયેજ ઑવ્ એચ. એમ. એસ. ચૅલેન્જર ડ્યુરિંગ ધ યર્સ 1872–1876’ નામના વિસ્તૃત અહેવાલનું સંપાદન કર્યું. 52 ગ્રંથોની આ મહાશ્રેણી એક સુવાંગ અને આગવા સમુદ્રવિજ્ઞાનના અભ્યાસસંચય તરીકે સીમાસ્તંભ લેખવામાં આવે છે. વિશ્વભરના સાગરોના તળ-કાંપ વિશે મરેએ જે માપન અને વર્ગીકરણ કર્યાં તે સમુદ્રવિજ્ઞાનના ક્ષેત્રે તેમનું નિર્ણાયક યોગદાન બની રહ્યું.

એચ. એમ. એસ. ચૅલેન્જર પર બ્રિટિશ નૌ-અભિયાન માટે નિયુક્ત વૈજ્ઞાનિક નિયામક સી. વ્યાવિલ ટૉમસનનું 1872માં મરે તરફ ધ્યાન દોરાયું અને તે પછીનાં સાડા ત્રણ વર્ષ મરેએ ટૉમસનના મદદનીશ તરીકે ‘ચૅલેન્જર’ પર કામ કર્યું. એ દરમિયાન મુખ્યત્વે તેમણે સાગર-તળના કાંપ વિશે સંશોધન કર્યું. આખરે તેમણે તમામ મહત્ત્વના સાગર-કાંપના પ્રકારોનું નામકરણ અને માપન કર્યું. કાંપના પ્રત્યેક પ્રકારના ઉદભવને સમજવાની દિશામાં આ મૂલ્યવાન પ્રદાન છે. ત્યારબાદ આ અભિયાન દરમિયાન એકઠાં કરાયેલાં માહિતી તથા નમૂનાનાં પૃથક્કરણ કરવા તેમજ તેનાં તારણો વિશે હેવાલ તૈયાર કરવામાં તેમણે ટૉમસનને સહાય કરી. 1882માં ટૉમસનના અવસાન પછી આ પરિયોજનાની જવાબદારી તેમણે સ્વીકારી. બ્રિટિશ ટ્રેઝરી તરફથી અનેકવિધ નાણાકીય અગવડો વેઠ્યા પછી, 1895માં આ હેવાલનું પ્રકાશન સંપૂર્ણ થયું. ‘ચેલેન્જર’ હેવાલના એક પ્રકરણ તરીકે આલફોત્ઝ રેનાર્ડના સહયોગથી લખાયેલ ‘ડીપ-સી ડિપૉઝિટ્સ’ (1891) એ સમગ્ર સાગર-વિસ્તાર માટે એ વિષયનો સર્વપ્રથમ અભ્યાસ-ગ્રંથ બની રહ્યો. આ ગાળા દરમિયાન, તેમણે સમુદ્રતળ-માપનવિદ્યા, પરવાળાના ખડકનો ઉદભવ, મૅંગેનીઝના ગઠ્ઠા તેમજ ઑર્ગેનિક કાર્બોનેટ તથા સિલિકાના જમાવ અંગેના અભ્યાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો. 1914માં એક કાર-અકસ્માતમાં તેમનું અવસાન થયું. પોતાની મોટાભાગની મિલકત તેઓ સમુદ્રવિજ્ઞાનને લગતા સંશોધનમાં સહાય કરવા માટે સોંપતા ગયા.

મહેશ ચોકસી