મરડો (Dysentery) : લોહી સાથેના ચેપજન્ય ઝાડાનો વિકાર. તેને દુરાંત્રતા અથવા દુરતિસાર પણ કહે છે. પાતળા ઝાડા થાય તેવા વિકારને અતિસાર કહે છે. તેના 2 મુખ્ય પ્રકારો છે – શોથજન્ય (inflammatory) અને અશોથજન્ય (non-inflammatory). આંતરડામાં ચેપ કે અન્ય કારણસર સોજો આવે, દુખાવો થાય, ચાંદાં પડે તથા તે ચાંદાંમાંથી લોહી ઝરે ત્યારે તેને આંતરડાનો શોથજન્ય વિકાર (inflammation) કહે છે. તે સમયે ઘણી વખત તાવ આવે છે. શોથજન્ય પાતળા ઝાડાનો વિકાર કોઈ ચેપને કારણે હોય તો તેને ચેપજન્ય અતિસાર (infective diarrahoea) કહે છે.

મરડો : (અ) જીવાણુજન્ય મરડો. 1. આંત્રીય પ્રાંકુરમાં ચેપ, 2. ગૂમડું, 3. લોહી ઝરતું નાનું ચાંદું. (આ) આંતરડાની દીવાલમાં અમીબાજન્ય ચાંદાં. (ઇ) અમીબાજન્ય મરડો – ચેપનો ફેલાવો. 4. અમીબા, 5. મુખમાર્ગે પ્રવેશ, 6. આંતરડામાં સ્થાન.

મોટા આંતરડામાં ચાંદાં પડે તથા લોહીવાળા ઝાડા થાય એવા એક પ્રકારના ચેપ વગરના વિકારને વ્રણકારી સ્થિરાંત્રશોથ (ulcerative colitis) કહે છે. તેમાં પણ ચૂંક આવે છે અને લોહીવાળા ઝાડા થાય છે. તેને ચેપી ઝાડાથી અલગ પાડવા જરૂરી છે. વિવિધ પ્રકારના સૂક્ષ્મજીવો ચેપજન્ય ઝાડા કરે છે (સારણી 1).  તેમને મુખ્ય 2 જૂથમાં વહેંચી શકાય : આંતરડાની દીવાલમાં સીધેસીધા પ્રવેશીને ચાંદાં પાડતા સૂક્ષ્મજીવો અથવા સૂક્ષ્મજીવોમાંના વિષ (toxin) વડે આંતરડાની દીવાલને નુકસાન કરતા સૂક્ષ્મજીવો. શિગેલા, સાલ્મોનેલા, કેમ્પાયલોબૅક્ટર, અમીબા વગેરે સૂક્ષ્મજીવો આંતરડાની દીવાલમાં પ્રવેશીને તેને વિકારગ્રસ્ત કરે છે, જ્યારે ક્લૉસ્ટ્રિડિયમ ડિફિસાઇલ, ઈ. કોલી વગેરે સૂક્ષ્મજીવોનું ઝેર આંતરડાની દીવાલનો વિકાર કરે છે.

જ્યારે સૂક્ષ્મજીવો મોટા આંતરડાને અસરગ્રસ્ત કરે છે ત્યારે ઝાડામાં બહુ ઓછું પાણી વહે છે, પેટના નીચલા ભાગમાં દુખાવો થાય છે, હાજતે જવાની સતત ઉતાવળ રહે છે અને પેટ સાફ થયું નથી એવી ભાવના રહ્યા કરે છે. જો દીવાલમાં ચાંદાં પડ્યાં હોય તો ઝાડામાં લોહીના શ્વેત કોષો જોવા મળે છે (સારણી 2). ઈ. કોલી એક પ્રકારનો વિષસર્જક અનાક્રમક (noninvasive) સૂક્ષ્મજીવ છે, જે પોતાના ઝેર વડે વિકાર સર્જે છે. તેનો ચેપ સંદૂષિત માંસ કે અપાશ્ચરીકૃત (unpasteurised) રસ દ્વારા ફેલાય છે. તેને કારણે લોહીવાળા ઝાડાનો તીવ્ર વિકાર થાય છે અને તેના અનેક ઉપદ્રવો નોંધાયેલા છે. જો માનવ-પ્રતિરક્ષા-ન્યૂન વિષાણુ(human immunodeficiency virus, HIV)નો ચેપ લાગેલો હોય તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા અથવા પ્રતિરક્ષા (immunity) ઘટે છે. તેને પ્રતિરક્ષા-ન્યૂનતા કહે છે. આવી સ્થિતિ ઉદભવે ત્યારે સાયટોમેગેલો વિષાણુ નામના વિષાણુનો ચેપ લાગે છે અને તે પાણી જેવા કે લોહીવાળા પાતળા ઝાડા કરે છે.

જો ઝાડાની સાથે તાવ આવે (38.5° સે. કે વધુ), લોહી પડે, પેટમાં દુખાવો થાય કે ઝાડા 4–5 દિવસમાં ન મટે તો તે ચેપને કારણે હોવાની સંભાવના છે. દર્દીના શરીરમાંથી પાણી વહી ગયું હોય કે તેને પેટમાં સખત દુખતું હોય તો હૉસ્પિટલમાં દાખલ કરાય છે. દરેક કિસ્સામાં મળની તપાસ કરીને તેમાં શ્વેત કોષોની હાજરી છે કે નહિ તે જોઈ લેવાય છે તથા તેમાંના જીવાણુઓનું સંવર્ધન (culture) કરાય છે. આશરે 60–75% દર્દીઓમાં કસોટીઓનું હકારાત્મક પરિણામ આવે છે. અમીબા (ઍન્ટામિબા હિસ્ટૉલિટિકા) નામના પ્રજીવથી થતા અમીબાજન્ય રોગની શંકા હોય તો તેની વિશિષ્ટ તપાસ કરાય છે. દર્દીને વધુ માત્રામાં લાંબા સમય માટે બૃહત સક્રિયતાપટ (broad spectrum) ધરાવતી ઍન્ટિબાયૉટિક દવા અપાયેલી હોય તો ક્લૉસ્ટ્રિડિયમ ડિફિસાઇલનો ચેપ થયો હોવાની સંભાવના રહે છે. જાતીય સંસર્ગથી લાગતા ચેપી રોગોની સંભાવનાવાળી વ્યક્તિઓમાં નિઝેરિયા ગોનોરિ નામના જીવાણુ અને હર્પિસ સિમ્પ્લેક્સ નામના વિષાણુ વડે મળાશયમાં ચાંદાં પાડતો તીવ્ર મળાશયશોથ (proctitis) નામનો રોગ થયો છે કે નહિ તેની તપાસ કરાય છે. તે માટે મોટા આંતરડાના છેલ્લા ભાગરૂપ અવગ્રહના જેવા આકારના સ્થિરાંત્ર અથવા અવગ્રહસમ સ્થિરાંત્ર(sigmoid colon)ની અંદર નળી નાંખીને તપાસ કરાય છે. તેને અવગ્રહસમ સ્થિરાંત્રનિરીક્ષા (sigmoidoscopy) કહે છે. તેમાં ગુદા દ્વારા પ્રવેશાવાયેલી નળીની મદદથી મળાશયની અંદરના પોલાણનું નિરીક્ષણ કરાય છે. તેની મદદથી મળાશયને અસરગ્રસ્ત કરતા ચેપજન્ય ઝાડાના વિકારને વ્રણકારી કે અવાહિતાજન્ય સ્થિરાંત્રશોથ જેવા અન્ય બિનચેપી વિકારોથી અલગ પાડી શકાય છે.

સારણી 1 : ચેપજન્ય પાતળા ઝાડાનો વિકાર કરતા સૂક્ષ્મજીવો

અ. અશોથકારી (non-inflammatory)
1 વિષાણુઓ નૉર્વૉર્ક વિષાણુ, નૉર્વૉર્ક-સમ વિષાણુ, રોટાવિષાણુ
2 પ્રજીવો (protozoa) જિયાર્ડિયા લેમ્બિયા, ક્રિપ્ટોસ્પોરિડિયમ, સાઇક્લોસ્પોરા
3 જીવાણુઓ (bacteria) (ક) આંત્રવિષ(enterotoxin)ને કારણે થતો વિકાર–ક્લૉસ્ટ્રિડિયમ જૂથ અને આહારી વિષાક્તતા (food poisoning) કરતો સ્ટૅફાયલોકૉકલ ઑરિયસ

(ખ) અંત:વિષ(endotoxin)ને કારણે થતો વિકાર– ઈ. કોલી, વિબ્રિયો કોલેરી વગેરે

આ. શોથકારી (inflammatory)
1 વિષાણુ સાયટોમેગેલો વિષાણુ
2 પ્રજીવ ઍન્ટામિબા હિસ્ટૉલિટિકા
3 જીવાણુઓ (ક) કોષવિષ(cytotoxin)ને કારણે થતો વિકાર – ઈ. કોલી, વિબ્રિયો પૅરાહિમૉલિટિક્સ, ક્લૉસ્ટ્રિડિયમ ડિફિસાઇલ

(ખ) શ્લેષ્મકલામાં આક્રમણ કરીને કરાતો વિકાર – શિગેલા, સાલ્મોનેલા, કેમ્પાયલોબૅક્ટર, ઈ. કોલી, લિસ્ટેરિયા, નિસેરિયા ગૉનોકૉકાઈ, યેર્સિનિયા, પ્લિઝિયોમોનાઝ, એરોમોનાઝ વગેરે.

સારણી 2 : પાતળા ઝાડાના વિકારોમાં મળમાં શ્વેત કોષોની હાજરી

મળમાં શ્વેતકોષો ચેપજન્ય ઝાડા અચેપજન્ય ઝાડા
હાજર હંમેશ હાજર : શિગેલા, કેમ્પાયલોબૅક્ટર, ઈ. કોલી

ક્યારેક હાજર : સાલ્મોનેલા, યેર્સિનિયા, વિબ્રિયો પૅરાહિમૉલિટિક્સ, ક્લૉસ્ટ્રિડિયમ ડિફાલાઇલ

વ્રણકારી સ્થિરાંત્રતા (ulcerative colitis), ક્રોહનનો રોગ, વિકિરણજન્ય સ્થિરાંત્રશોથ (radiation colitis), અવાહિતાજન્ય સ્થિરાંત્રશોથ (ischaemic colitis)
ગેરહાજર વિષાણુજ ઝાડા, પ્રજીવજન્ય ઝાડા, કેટલાક ઇ. કોલી તથા સ્ટેફાયલોકૉક્સ ઑરિયસ કે ક્લૉસ્ટ્રિડિયમ પર્ફિન્જન્સથી થતો આહારી વિષાક્તતા (food poisoning)નો વિકાર પ્રકીર્ણ વિકારો

ઉગ્ર મરડાની સારવારમાં દર્દીના શરીરમાંથી પાણી અને ક્ષાર ઘટે નહિ તે માટે જરૂરી ક્ષારવાળું પ્રવાહી મોં કે નસ વાટે અપાય છે. દર્દીનું પોષણ જળવાઈ રહે તે ખાસ જોવાય છે. તેને વધુ રેસા, ચરબી કે એકલા દૂધવાળો ખોરાક ન લેવાનું સૂચવાય છે. તેને ફળનો રસ, ચા તેમજ હળવો અને સહેલાઈથી પચે તેવો ખોરાક અપાય છે. પુનર્જલન (rehydration) માટે પૂરતા પ્રમાણમાં ક્ષાર અને પાણી અપાય છે. ઝાડાની સંખ્યા ઘટાડવા અફીણજૂથની દવાઓ, લોપામાઇડ કે બિસ્મથ સબસેલિસિલેટ સાચવીને અપાય છે. ક્યારેક આવી દવાઓને કારણે મોટા આંતરડામાં વિષજન્ય વિકાર ઉદભવે છે. ઍન્ટિબાયૉટિક (પ્રતિજૈવ) દવાઓ વડે ચેપને નિયંત્રિત કરાય છે. તે માટે સૌથી વધુ વપરાતી દવા સિપ્રોફ્લૉક્સાસિન છે. આ ઉપરાંત કો-ટ્રાઇમેક્ઝેઝોલ કે એરિથ્રોમાયસિન પણ અપાય છે. જો આ પ્રકારની ઍન્ટિબાયૉટિક વડે કરાતી અનુભવજન્ય (empirical) સારવારથી લાભ ન રહે અને મળમાંના જીવાણુઓના સંવર્ધન વડે કયા ચોક્કસ પ્રકારના જીવાણુઓનો ચેપ લાગેલો છે તેની જાણ થાય તો તેમની સામે અસરકારક કઈ ઍન્ટિબાયૉટિક છે તે જાણી શકાય છે. તેને સંવર્ધન અને વશ્યતા(culture and sensitivity)ની કસોટી કહે છે. આ રીતે જે માહિતી મળે તે પ્રમાણેની સારવાર અપાય છે. અમીબાજન્ય રોગમાં પાતળા ઝાડા, લોહીવાળા ઝાડા (મરડો) તથા કબજિયાત એમ વિવિધ પ્રકારના વિકારો થાય છે. જ્યારે મરડો થઈ આવે ત્યારે તેની વિશિષ્ટ સારવાર કરાય છે. (જુઓ અમીબાજન્ય રોગ, વિ. કો. ખંડ 2) તેમાં મુખ્યત્વે મેટ્રોનિડેઝોલ, ટિનિડેઝોલ, સેક્નિડેઝોલ, ડાયલૉક્સેનાઇડ, ટેટ્રાસાઇક્લિન અને ક્લૉરોક્વિન વપરાય છે.

નિલય રા. ઠાકોર

શિલીન નં. શુક્લ