મરડૉક, જ્યૉર્જ પીટર

January, 2002

મરડૉક, જ્યૉર્જ પીટર (જ. 1897; અ. 1985) : અમેરિકાના નૃવંશશાસ્ત્રી. અમેરિકન ઇતિહાસ સાથે સ્નાતકની પદવી યેલ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1925માં નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના વિષયમાં પીએચ. ડી. ની પદવી મેળવી. 1928માં યેલ યુનિવર્સિટીમાં નૃવંશશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના અધ્યાપક તરીકે જોડાયા. 1938માં તે વિષયના પ્રાધ્યાપક બન્યા. 21 વર્ષ સુધી આ યુનિવર્સિટીમાં સેવા આપ્યા બાદ 1960માં તેઓ પિટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1973માં ત્યાંથી નિવૃત્તિ લીધી.

તેમણે સામાજિક સંગઠન અને ‘સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન’ એ વિષયમાં સંશોધનકાર્ય કર્યું છે. સામાજિક–સાંસ્કૃતિક ઘટનાઓનો તેમણે તુલનાત્મક અને પદ્ધતિસરનો અભ્યાસ કર્યો. સાંસ્કૃતિક બાબતોના પદ્ધતિસરના સર્વગ્રાહી ચિત્રણનું પ્રકાશન કર્યું. પ્રજાતિશાસ્ત્રનો અભ્યાસ કર્યો. યુદ્ધના સમય દરમિયાન સરકારી લશ્કરી અધિકારી તરીકે રસ દાખવીને વિવિધ કાર્યક્રમોનું સંચાલન કર્યું. આફ્રિકાનાં પ્રજાતિજૂથો અને તેમની સમસ્યાઓનો તથા તેમના સાહિત્યનો અભ્યાસ કર્યો. તેમાં પ્રજાતિશાસ્ત્રીય તંત્ર માટે સઘન વૈજ્ઞાનિક માહિતીનો ઉપયોગ કર્યો. સામાજિક સંગઠનો, કુટુંબ અને સગાઈસંબંધોને ધ્યાનમાં રાખીને ક્ષેત્રકાર્ય કર્યું અને અભ્યાસો કર્યા. તેના આધારે તેમણે અનેક સંશોધનપત્રો અને લેખો લખ્યા છે.

તેમણે ‘સોસાયટી ફૉર એપ્લાઇડ ઍન્થ્રૉપોલૉજી’ની સ્થાપના કરી. તેના તેઓ પ્રમુખ બન્યા. અમેરિકન એથ્નૉલૉજિકલ સોસાયટી, અમેરિકન એથ્નૉલૉજિકલ ઍસોસિયેશન, સોસાયટી ફૉર ક્રૉસ કલ્ચરલ રિસર્ચ જેવી સંસ્થાઓ સ્થાપવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. ભાષાવિજ્ઞાનને સામાજિક વિજ્ઞાનમાં લાવવામાં તે સક્રિય રહ્યા. વર્તન-વિજ્ઞાન વિભાગની નૅશનલ રિસર્ચ કાઉન્સિલના પ્રમુખ બન્યા.

નૅશનલ રિસર્ચ કાઉન્સિલ ઑવ્ ધ પૅસિફિકની રચના કરી બિશપ મ્યુઝિયમમાં ખાસ સલાહકાર તરીકે અને ત્યારબાદ નિયામકપદે રહ્યા. ટ્રાઇ ઇન્સ્ટિટ્યૂશનલ પૅસિફિક પ્રોગ્રામમાં પણ તેમણે સેવાઓ આપી હતી.

મરડૉકે નૃવંશશાસ્ત્રમાં કોઈ ખાસ સિદ્ધાંત, સંપ્રદાય, અભિગમ અથવા વિચારધારાની રચના કરી નથી, તેમ છતાં તેમની સિદ્ધિઓ અને અભ્યાસોની સારી કદર થઈ છે; જેની ફલશ્રુતિ રૂપે તેમને અનેક પેપરો અર્પણ કરવામાં આવ્યાં, જેનો સંગ્રહ ગુડઈનફે (1964) ‘એક્સપ્લોરેશન ઇન કલ્ચરલ ઍન્થ્રોપોલૉજી’ કર્યો છે.

તેમનાં અગત્યનાં પ્રકાશનોમાં ‘અપર પ્રીમિટિવ કૉન્ટેમ્પરરિઝ’ (1937), ‘આઉટલાઇન ઑવ્ કલ્ચરલ મટીરિયલ્સ’, ‘એથ્નૉગ્રાફિક બિબ્લિયૉગ્રાફી ઑવ્ નૉર્થ અમેરિકા’ (1941), ‘વર્લ્ડ એથ્નૉગ્રાફિક  સૅમ્પલ’ (1957), ‘ધ પીપલ ઑવ્ નાઇજિરિયા’, ‘કલ્ચર ઍન્ડ સોસાયટી’ (1965) ‘સોશ્યલ સ્ટ્રક્ચર ઇન સાઉથ ઈસ્ટ એશિયા’ વગેરેનો સમાવેશ થાય છે તેમણે સમાજવ્યવસ્થા, સંસ્કૃતિ તથા પ્રજાતિશાસ્ત્રીય સંગઠનો વિશેના વૈજ્ઞાનિક અભ્યાસો કરીને અનેક સંશોધનપત્રો તથા લેખો લખ્યાં છે.

હર્ષિદા દવે