મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત)

January, 2002

મયણપરાજયચરિઉ (મદનપરાજયચરિત) : અપભ્રંશ ભાષામાં રચાયેલી સુંદર રૂપક-કથા. બે જ સન્ધિ ધરાવતી આ લઘુકૃતિ અદ્યાપિ અપ્રકાશિત છે. તેની એક જ ખંડિત હસ્તલિખિત પ્રતિ ઉપલબ્ધ છે. આમેર શાસ્ત્રભંડારમાં સચવાયેલી તે હસ્તપ્રતનાં 25.40 સેમી. × 11.426 સેમી.(10 × 4 ½ ઇંચ)ના કદનાં કુલ 23 પાનાં છે. તેના દરેક પૃષ્ઠ ઉપર 12 પંક્તિ અને દરેક પંક્તિમાં આશરે 30થી 35 અક્ષર છે. તેનાં પ્રારંભનાં આઠ પૃષ્ઠ ખૂટે છે. બંને સન્ધિની પુષ્પિકાઓમાં જે તે સન્ધિનું નામ આપેલ છે.

તેના કર્તા હરિદેવ વિશે પણ કોઈ વિગત મળતી નથી. વળી કૃતિમાં તેના રચનાકાળનો પણ નિર્દેશ નથી. હસ્તપ્રતનું લેખન સંવત 1576 અર્થાત્ ઈ. સ. 1520 છે. આથી તે પહેલાં તેની રચના થઈ હોય. નાગદેવે પોતાની ‘મદનપરાજય’ નામની કૃતિ આનો આધાર લઈને જ રચેલી છે. તેનો રચનાકાળ ચૌદમી શતાબ્દી મનાયો છે. આથી હરિદેવની આ કૃતિ તે પહેલાં એટલે તેરમા શતકમાં રચાઈ હોય. ભાષાની ર્દષ્ટિએ પણ તે, તે કાળની કૃતિ જણાય છે. તેનું કથાનક આવું છે :

ભવ નામના નગરનો કામદેવ નામે રાજા હતો. અહંકાર, અજ્ઞાન વગેરે તેના સેનાપતિઓ હતા. ચરિત્રપુર નામના નગરના રાજા જિનરાજને કામદેવ શત્રુ ગણતો હતો, કેમ કે, તેની ઇચ્છા મુક્તિ નામની અંગના સાથે પરણવાની હતી. તેણે રાગ-દ્વેષ નામના દૂત દ્વારા જિનરાજને આખરીનામું આપ્યું કે કાં તો તે વિચાર છોડીને ‘દર્શન’, ‘જ્ઞાન’ તથા ‘ચરિત્ર’ નામનાં તમારાં ત્રણ રત્નો મને સોંપી દો, નહિ તો યુદ્ધ માટે તૈયાર થાઓ. જિનરાજે યુદ્ધ જ પસંદ કર્યું અને તેમાં કામદેવનો પરાજય થયો.

‘મયણ’ એટલે કામદેવ. તેના પરાજયની આ કથા જુસ્સાદાર અને રોચક શૈલીમાં રચાઈ છે. કામદેવ સાથેના યુદ્ધ માટે સજ્જ જિનરાજના યોદ્ધાઓનાં વચનો અતિસુંદર છે, તે પછી યુદ્ધ માટે પ્રયાણ કરતા કામદેવને થતા અપશુકનનું ચિત્રણ પણ આકર્ષક છે. રૂપકશૈલીને કારણે નિરૂપ્યમાણ ભાવ વધારે ચોટદાર બન્યો છે. તેમાં મુખ્યત્વે ઘત્તાનો ઉપયોગ કરાયો છે, પરંતુ વચ્ચે વચ્ચે દુવઈ તથા વસ્તુછન્દનો પ્રયોગ પણ કરેલો છે. કૃતિ નાની હોવાથી, વર્ણનોનું લંબાણ નિવારાયું હોઈ, તેની રૂપકકથા વધારે પ્રભાવક બની છે. અપભ્રંશનું લાલિત્ય પણ રોચકતા ઉમેરે છે. ‘મોહરાજપરાજય’ અને ‘પ્રબોધચંદ્રોદય’ જેવી સાહિત્ય-કૃતિઓને તે અનુસરે છે.

જયન્ત પ્રે. ઠાકર