મય : પ્રાચીન ભારતના એક પ્રસિદ્ધ દાનવ અને કુશળ શિલ્પી. તેઓ કશ્યપ ઋષિના પુત્ર હતા. તેમની માતાનું નામ ક્યાંક દનુ અને ક્યાંક દિતિ અપાયું છે. મહાભારતમાં પાંડવોના સમકાલીન અત્યંત કુશળ શિલ્પી તરીકે તેમનો નિર્દેશ થયેલો છે. તેમણે યુધિષ્ઠિરના અશ્વમેધ યજ્ઞ વખતે ‘મયસભા’ નામે વિચિત્ર સભાગૃહ રચ્યું હતું, જેમાં સ્થળભાગ જળની જેમ અને જળભાગ સ્થળની જેમ પ્રતીત થતો હતો. તેથી દુર્યોધન ભ્રમિત થયો અને દ્રૌપદીએ કરેલ કટાક્ષના પ્રહારથી દુર્યોધનનો રોષ વધ્યો અને મહાભારત યુદ્ધ થયું. રામાયણમાં મય રાવણની પત્ની મંદોદરીના પિતા હોવાનું વર્ણવાયું છે. તેમણે પોતાને માટે ‘ત્રિપુર’ નામના એવા અદભુત નગરની રચના કરી હતી જેને કેવળ શિવનું બાણ જ નષ્ટ કરી શકે. પૌરાણિક કથા મુજબ શિવે એ નગરનો નાશ કરવાથી તેઓ ‘ત્રિપુરાંતક’ કહેવાયા હતા.

મય શબ્દ સમય જતાં વ્યક્તિવાચક મટીને જાતિવાચક બની ગયો અને વિભિન્ન કાળમાં થયેલા કુશળ અનાર્ય શિલ્પીઓ મય તરીકે ઓળખાયા. તેની સાથોસાથ અનેક અનુશ્રુતિઓ પણ પ્રચલિત થઈ; જેમ કે બ્રહ્માનાં ચાર મુખ પૈકીના દક્ષિણ મુખમાંથી મયની ઉત્પત્તિ થઈ છે, વિશ્વકર્માના ચાર માનસપુત્રો પૈકી જય, ત્વષ્ટા અને અપરાજિતની સાથે ચોથા પુત્ર તરીકે મયનો ઉલ્લેખ છે. દેવો અને ઋષિમુનિઓ સમક્ષ બ્રહ્માએ ઉચ્ચારેલી વાસ્તુવિષયક વાણીને મયે એકત્ર કરેલી અને પોતાના વાસ્તુશિલ્પના પ્રસિદ્ધ ગ્રંથ ‘મયમતમ્’માં સંગૃહીત કરી હતી વસ્તુત: દ્રવિડી વાસ્તુશિલ્પને લગતા તમામ ગ્રંથોમાં ‘મયમતમ્’ પાયાના પુસ્તક તરીકે સ્થાન પામ્યું છે. આ ઉપરાંત ‘મયવાસ્તુશાસ્ત્ર’ અને ‘મયશિલ્પશાસ્ત્ર’ નામે બે ગ્રંથો પણ તેમણે રચ્યાનું મનાય છે.

લોકોક્તિ પ્રમાણે હજારો વર્ષ પહેલાં મય અને તેનો શિલ્પીસમુદાય સમુદ્ર પાર કરીને પાતાળભૂમિમાં જઈ વસ્યો. એ પાતાળભૂમિ તે વર્તમાન મેક્સિકોનો પ્રદેશ. ત્યાં તેમણે વિકસાવેલી સંસ્કૃતિ મયના નામ પરથી ‘માયા’ તરીકે પ્રસિદ્ધ થઈ હોવાનું કેટલાકનું મંતવ્ય છે.

પ્રિયબાળાબહેન શાહ

પ્રવીણચંદ્ર પરીખ