મય-તિથિપત્ર

January, 2002

મય-તિથિપત્ર : મય લોકોએ વિકસાવેલ તિથિપત્ર. મેક્સિકો અને મધ્ય અમેરિકામાં યુરોપી વસાહતીઓના આગમન પહેલાં મય (કે માયા : Maya; ઉચ્ચાર My-ah) સંસ્કૃતિ વિકસી હતી. આ સભ્યતા મુખ્યત્વે દક્ષિણી મેક્સિકો અને ગ્વાટેમાલામાં કેન્દ્રિત થઈ હતી. તેનો ઉદભવ અજ્ઞાત છે. સંશોધકો તેનો સમયગાળો ઈ. સ. 300થી 900 વચ્ચેનો અંદાજે છે. આજે તો તે લોપ પામી છે; એટલું જ નહિ, તેમની પ્રાચીન હસ્તલિખિત પોથીઓ કે સંહિતાઓ (codices) પણ મોટે ભાગે નાશ પામી છે. ઈ. સ. 1500ની આસપાસ સ્પૅનિશ આક્રમણખોરોએ તેનો નાશ કરી નાંખ્યો હતો, પરંતુ સંભારણાં તરીકે કે પછી કુતૂહલવૃત્તિને પોષવા તેમાંની કેટલીક તેઓ પોતાની સાથે લઈ ગયા હતા. આમાંની કેટલીક યુરોપનાં પુસ્તકાલયોમાં સદીઓથી ધૂળ ખાતી પડી હતી. પુરાતત્વવિદોએ ચિત્રાક્ષર-લિપિમાં અંકિત આવી ત્રણથી ચાર જેટલી સંહિતાઓ શોધી કાઢી અને તેમને ઉકેલવાના પ્રયત્નો કરવા માંડ્યા. જોકે આ સંહિતાઓ હજી પૂરેપૂરી ઉકેલી શકાઈ નથી. આવી એક પોથી જે જર્મનીના ડ્રેસડન નગરના પુસ્તકાલયમાંથી મળી, તેમાં મય સભ્યતાના ખગોળજ્ઞાન અંગે માહિતી જોવા મળે છે. આ પોથી ડ્રેસડન કોડેક્સ (Dresden Codex) તરીકે ઓળખાય છે. તેમાં ગણિતની સંખ્યાઓ પણ મળે છે. તે જોવાથી ખ્યાલ આવે છે કે તેમને દશાંશ-પદ્ધતિ સંબંધી જ્ઞાન ન હતું, કારણ કે આ આંકડાઓમાં, આપણી જેમ દસના આંકને નહિ, પણ તેની જગ્યાએ વીસના આંકને પાયાનો ગણીને ગણતરીની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી.

મય લોકો અંકોને ડાબેથી જમણે સીધી પંક્તિમાં નહિ, પણ ઉપરથી નીચે સીધી ને ઊભી, લંબરેખામાં લખતા હતા. એકથી ઓગણીસના અંકોને દર્શાવવા તે ટપકાં (dots) અને આડી લઘુ-રેખા કે લઘુ-દંડ (bar)ની સંજ્ઞા પ્રયોજતા હતા. એક લઘુદંડ પાંચનો અંક સૂચવતો. જેમ કે, એક એટલે એક ટપકું, ચાર એટલે ચાર ટપકાં. એક લઘુ-દંડ ઉપર એક ટપકું એટલે છ. આવા બે લઘુ-દંડ એટલે દસ, અને ત્રણ લઘુ-દંડ ઉપર ચાર ટપકાં એટલે ઓગણીસ. શૂન્ય દર્શાવવા માટે દરિયાઈ છીપ કે શંખને મળતી સંજ્ઞા પ્રયોજતા. છીપનો મરોડ એકસરખો ન રહેતાં, લહિયા મુજબ સહેજસાજ બદલાતો. આ મુજબ એક શંખ ઉપર એક ટપકું એટલે વીસ. એક શંખની ઉપર એક લઘુ-દંડ એટલે સો. જુઓ નીચેની આકૃતિ :

આ પ્રાચીન હસ્તલિખિત પોથીઓ ઉપરાંત મય સભ્યતા દ્વારા નિર્મિત ઊંચાં મંદિરો અને ઊંચી ઊંચી પિરામિડ જેવી કેટલીક ઇમારતો પર ઓરડા જેવી રચનાઓ જોવા મળે છે. તેમનો ઉપયોગ વેધશાળા તરીકે થતો હોવાનું માની શકાય. આ ઉપરાંત પરદેશી આક્રમણકારોથી બચી ગયેલી કેટલીક અન્ય ઇમારતોની વિશિષ્ટ રચના પણ તેમના ખગોળરસની સાક્ષી પૂરે છે; જેમ કે, તેમની કેટલીક ઇમારતોની દિશા ઇરાદાપૂર્વક અમુક ચોક્કસ દિશામાં અથવા કહો કે પૂર્વ-પશ્ચિમ દિશામાં એવી રીતે વાળવામાં આવી છે કે જ્યાંથી મહત્વના ખગોલીય પિંડો ઉદય અને અસ્ત પામતા દેખી શકાય. આવી એક ઇમારત મયની ધાર્મિક વિધિ માટેના કેન્દ્ર એવા ચિચેન ઇત્ઝા(Chichen Itza : ઉચ્ચાર : chi-CHEN it-SHA)માં આવેલી છે, જેનું નામ કેરાકૉલ (Caracol; ઉચ્ચાર : CARE-ah-call) છે. તેમાં એક ગુંબજ પણ છે. આ ખંડિત ઇમારત મય-વેધશાળા હોવાનું માનવામાં આવે છે. આવી બીજી ઇમારત પણ ધાર્મિક વિધિ માટેના ઉશમાલ (Uxmal; ઉચ્ચાર : oosh-MAAL) નામના કેન્દ્રમાં આવેલી છે, જેને સ્પેનના લોકોએ ગવર્નર પૅલેસ એવું નામ આપેલું. આ ઇમારતનો અસલ ઉપયોગ સંભવત: શુક્ર ગ્રહના નિરીક્ષણ માટેની વેધશાળા તરીકે થતો હોવાનું માનવામાં આવે છે.

તેમને માટે શુક્રનો ગ્રહ ઘણો મહત્વનો હોવો જોઈએ. તેની ગણના સહુથી અગત્યના દેવ તરીકે થતી હતી. એને લગતી અનેક દંતકથાઓ પ્રચલિત હતી, એટલું જ નહિ, તેની ગતિઓ દર્શાવતું એક કોષ્ટક પણ ડ્રેસડન સંહિતામાં જોવા મળે છે. આ ઉપરાંત બીજી અનેક સાબિતીઓ તેમના શુક્ર ગ્રહ તરફના લગાવને છતો કરે છે.

મય લોકોએ ગણતરી માટે વીસ વીસના ભાગ પડે એ પ્રકારની રીત અપનાવી હોવાથી, એમણે વર્ષના દિવસો, શુક્ર વગેરે જેવા ગ્રહોનાં ભ્રમણો નિર્ધારિત કરવામાં તથા ગ્રહણોના સમયની ચોક્કસ ગણતરી કરવામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો હશે તે સંશોધકો માટે એક કોયડો છે; તેમ છતાંય, મય લોકોની કાલગણના-પદ્ધતિ અથવા મયતિથિપત્ર કે મય પંચાંગ (Mayan calendar) અંગે સંશોધકોએ ઠીક ઠીક માહિતી મેળવી છે.

મય પંચાંગ મૂળભૂત રીતે સૌર-આધારિત પંચાંગ હતું. તે બહુ પ્રચિલત હોવાં જોઈએ, કારણ કે તે પછી અસ્તિત્વમાં આવેલાં મેક્સિકોનાં પંચાંગ તથા બીજાં કેટલાંક પંચાંગ બનાવવામાં મુખ્યત્વે આ જ પંચાંગોનો આધાર લેવામાં આવ્યો હોય તેમ જણાય છે. વિદ્વાનો માને છે કે મય પ્રજાને સમયનો ઘણો મોહ કે વળગાડ હોવા જોઈએ, કારણ કે કાલગણનાની અથવા પંચાંગની ઘણી જટિલ પદ્ધતિઓ તેમણે ખીલવી હતી. મય લોકોએ દરેક દિવસ માટે સંખ્યા અને નામ પ્રયોજ્યાં હતાં. દિવસને તે લોકો કિન, અને મહિનાને ઉઇનલ (uinal), તથા વર્ષને તુન (tun) કહેતા હતા. આ ઉપરાંત સમયમાપનના બધા ઘટકોનાં બીજાં પણ જાતભાતનાં નામો તેમણે આપ્યાં હતાં.

તેમના વર્ષની લંબાઈ 365 દિવસની હતી અને તેમાં અધિવર્ષ (leap year) જેવી કોઈ વ્યવસ્થા ન હતી. વર્ષને 20 દિવસના એક એવા 18 મહિનાઓમાં વહેંચવામાં આવ્યું હતું અને વર્ષને અંતે તેમાં પાંચ દિવસ ઉમેરવામાં આવતા હતા. આ હતું તેમનું સૌર-પંચાંગ.

આ સૌર કૅલેન્ડર (solar calendar) ઉપરાંત, ધાર્મિક વિધિઓ માટે, દેવને અર્પણ કરેલું, કર્મકાંડી (ritual) અથવા તો પવિત્ર (sacred) એક બીજું વાર્ષિક કૅલેન્ડર (તારીખિયું) પણ હતું. તેમાં 260 દિવસ હતા અને તે વીસ નામો અને તેર આંકડાઓ વડે બનેલું હતું.

સમયમાપનની ઉપર્યુક્ત બે પદ્ધતિઓ ઉપરાંત, અત્યંત લાંબી ગણતરીઓ માટે અન્ય કેટલીક પદ્ધતિઓ પણ તેમણે અપનાવી હતી. તેમાં વર્ષની લંબાઈ અંદાજે 360 દિવસની રાખવામાં આવતી હતી. આવી એક પદ્ધતિ મુજબ, 20 તુન(એટલે કે 20 વર્ષ)નું એક કાતુન (katun) બનતું હતું, અને આવાં 20 કાતુનનું એક બકતુન (baktun) બનતું હતું. આવાં અમુક ચોક્કસ સંખ્યાનાં બકતુન ભેગાં થઈને 400 વર્ષ અથવા 1,44,000 દિવસોનો એક એકમ બનતો. વીસ બકતુન ભેગાં થઈને એક પિકતુન બનતું. તે પછી આ જ રીતે ગણતરી આગળ વધતી; જેમાં પછી કાલાબતુન, કિંચિલતુન અને અલાઉતુન નામની સંખ્યાઓ આવતી. આ હિસાબે અલાઉતુન એટલે 23,04,00,00,000 દિવસો થાય છે.

વળી તેમણે 18,980 દિવસોનું એક કાળ-ચક્ર (cycle) પણ બનાવ્યું હતું. તેમાં 365 દિવસનું એક એવાં, બાવન સૌર વર્ષ (365 × 52 = 18,980) તથા 260 દિવસનું એક એવાં, તોંતેર પવિત્ર વર્ષ(260 × 73 = 18,980)નો સમાવેશ થતો હતો.

મય લોકોએ પોતાના સંવતનો કે યુગનો આરંભ ક્યારે કર્યો તે શોધવાના પ્રયત્નો પણ વિદ્વાનોએ કર્યા છે. આધુનિક કાલગણનાની પદ્ધતિને હિસાબે, તેની તારીખ ઈસુના જન્મ પૂર્વે 10મી ઑગસ્ટ 3113 આવે છે. જોકે બધા સંશોધકો આ તારીખ સાથે સંમત થતા નથી. કેટલાકને હિસાબે તેમાં 260 વર્ષનો ફેર આવે છે. સામાન્ય રીતે દુનિયાના બધા જ સંવત (સંવત્સર) સાથે કોઈક મહાપુરુષનો જન્મ, નિર્માણ કે એવી જ કોઈ ઘટના કે પછી પ્રજાનો કોઈ અગત્યનો પ્રસંગ કે યાદગાર ઐતિહાસિક સંદર્ભ સંકળાયેલો હોય છે. ક્યારેક કોઈ ખગોલીય ઘટના પણ સાંકળી લેવાતી હોય છે; પરંતુ મય પ્રજાએ પોતાનો સંવત આ વર્ષથી જ કેમ શરૂ કર્યો હશે તે પ્રશ્નનો ઉત્તર હજુ સુધી સાંપડ્યો નથી. આ વર્ષની સાથે કઈ મહત્વની ઘટના કે એવું તે શું અગત્યનું સંકળાયેલું હશે તે અંગે પણ કશી જાણકારી મળતી નથી. સંભવ છે કે કોઈ કાલ્પનિક કે પૌરાણિક કથા પર તે આધારિત હોય.

મય-પંચાંગને આજના પ્રચલિત એવા જૂલિયન, જ્યૉર્જિયન અને આધુનિક વૈજ્ઞાનિક પંચાંગ સાથે સરખાવતાં તે વૈજ્ઞાનિક પંચાંગની વધુ નજદીક જણાય છે; જેમ કે, મય-પંચાંગમાં વર્ષની લંબાઈ 365.2420 દિવસની છે. તો વૈજ્ઞાનિક-પંચાંગમાં તે 365.2422 દિવસની છે. બંને વચ્ચે તફાવત 0.0002 દિવસનો જ, એટલે કે 17.28 સેકંડનો જ છે.

મય લોકોએ વર્ષની નિકટતમ લંબાઈ શોધી, તો શુક્રનો સરેરાશ યુતિકાલ (synodic period) પણ બહુ ચોકસાઈથી શોધ્યો. શુક્ર ઉપરાંત, તેમણે અન્ય ગ્રહોને પિછાણીને તેમનાં પણ નિરીક્ષણો કર્યાં. તેમણે કેટલાક તારાઓની ગતિ વગેરેને લગતાં નિરીક્ષણો પણ બારીકાઈથી કર્યાં. તેમણે ઋતુઓની નોંધો કરી. ઋતુચક્રના સંદર્ભે સૂર્યની તથા અન્ય જ્યોતિ-પિંડોની ગતિઓનું બરાબર નિરીક્ષણ કર્યું અને તેવી જ રીતે ચાંદ્ર માસની પણ સૂક્ષ્મ જાણકારી રાખી. ગ્રહણોની આગાહીઓ માટેનાં કોષ્ટકો પણ બનાવ્યાં. સૂર્ય તથા ચંદ્રગ્રહણોની આગાહીઓ પણ તેઓ કરી શક્યા. સંશોધકોએ મય લોકોની બીજી કેટલીક ખગોળવિષયક ગણતરીઓ ચકાસી તો જણાયું કે તેમાં દર 500 (પાંચ સો) વર્ષે માત્ર સાડા ત્રણ કલાકની ભૂલ આવે છે. એનો અર્થ એ થયો કે દર વર્ષે માત્ર 25.2 સેકંડનો જ ફેર આવે છે.

મય લોકોએ આટલું સચોટ ખગોળજ્ઞાન અને આકાશી પિંડો સંબંધી દંગ કરી નાંખે તેવી બારીક ગણતરીઓ કેવી રીતે હાંસલ કરી, તે એક અનુમાનનો વિષય છે; તેમ છતાંય અહીં એ નોંધવું જોઈએ કે તેના ખગોળશાસ્ત્રીઓ, ગ્રીક ખગોળવિદોની જેમ, બ્રહ્માંડ અંગેની કલ્પનાઓ કે વિચારશ્રેણીઓ વિકસાવી શક્યા ન હતા. વળી એ પણ ભૂલવા જેવું નથી કે મય પ્રજા વિશેની અધૂરી માહિતી પરથી આજ સુધીનાં બધાં જ અનુમાનો બંધાયાં છે. તેમની હસ્તલિખિત પોથીઓ પૂરેપૂરી ઉકેલી શકાઈ નથી. સંભવ છે કે બીજી પોથીઓ પણ મળી આવે. તેવી જ રીતે, ગાઢાં જંગલોમાં દબાઈ ગયેલી હજુ બીજી પણ ઇમારતો કદાચ મળી આવે. આ કારણે આજ સુધીનાં મય સંસ્કૃતિને લગતાં બધાં જ અનુમાનો છેવટનાં ન ગણવાં જોઈએ.

સુશ્રુત પટેલ