મપેટ્સ : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અને પ્રતિષ્ઠા પામેલું પપેટ-વૃંદ. પપેટ-સંચાલક જિમ હેન્સનનું આ સર્જન છે. 1968માં પબ્લિક બ્રૉડકાસ્ટિંગ સિસ્ટમ (PBS) તરફથી પ્રારંભાયેલા બાળકો માટેના કાર્યક્રમ ‘સિસમ સ્ટ્રીટ’ નિમિત્તે મપેટ્સને ખૂબ મહત્વ સાંપડ્યું.

1976માં વધારે પાત્રોનું ઉમેરણ કરીને આ વૃંદનું વિસ્તરણ કરવામાં આવ્યું અને સાંજના ટેલિવિઝન પર ‘ધ મપૅટ શો’ નામના સાપ્તાહિક કાર્યક્રમથી પ્રારંભ કર્યો. નોંધપાત્ર પ્રહસન, સંગીતિકા (musical) અથવા વૈવિધ્યપૂર્ણ શ્રેણી તરીકે 1978માં તેને એમી ઍવૉર્ડ મળ્યો. પ્રૌઢો તેમજ બાળકો એમ બંને વયકક્ષાની વ્યક્તિઓને ખુશ કરતા આ કાર્યક્રમને 106 દેશોમાં 23 કરોડ 50 લાખ લોકો રસપૂર્વક નિહાળે છે. ‘કર્નિટ’ નામક દેડકાની આગેવાની હેઠળના પપેટ-વૃંદે હૉલિવુડમાં પણ આગમન કર્યું અને 1979માં ‘મપેટ મૂવી’ નામક ચિત્રનું નિર્માણ થયું. ટેલિવિઝન શ્રેણીની માફક આ ચિત્રમાં પણ સજીવ પાત્રો અભિનય આપે છે અને તેથી ‘મપેટ’ તથા હેન્સન અને તેમના સાથીઓ જેવા પપેટ-સંચાલકો સાથે પારસ્પરિક ક્રિયા શક્ય બને છે.

મહેશ ચોકસી