મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ

January, 2002

મન્સૂરી, ફકીર મહંમદ જમાલભાઈ (જ. 10 ડિસેમ્બર 1926, ધિણોજ, જિ. મહેસાણા; અ. 29 ડિસેમ્બર 2000, વલ્લભવિદ્યાનગર, જિ. આણંદ) : ગુજરાતી ભાષા-સાહિત્યના પ્રાધ્યાપક અને કવિ. ફકીર મહંમદ મન્સૂરીએ શાળા-મહાશાળાનો અભ્યાસ વિસનગરમાં કર્યો. વિસનગર(ઉ.ગુ.)ની એમ. એન. કૉલેજમાંથી 1950માં ગુજરાતી મુખ્ય વિષય સાથે બી.એ. તથા 1958માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી હતી. 1956માં તેમણે બી.એડ્.ની પરીક્ષા પણ પાસ કરી હતી. અભ્યાસકાળ દરમિયાન વિસનગર કવિસભાના સ્થાપક પ્રા. જિતેન્દ્ર અ. દવે, પ્રા. હસિત બૂચ તથા જતીન્દ્ર આચાર્ય જેવા અધ્યાપકો તેમજ પ્રિ. એ. જી. પવાર અને પ્રિ. વિ. કે. ગોકાક જેવા આચાર્યોનું તેમને જીવનપયોગી માર્ગદર્શન મળ્યું હતું.

પ્રા. મન્સૂરીના પિતા ઉત્તર ગુજરાતના સૂફી સંત ઓલિયા સાજી બાપુ તથા સંત અનવર મિયાં કાજીના શિષ્ય હતા. પિતાજી પણ અધ્યાત્મભાવની ગઝલરચનાઓ કરતા. એ સંસ્કાર બાલ્યવયથી તેમણે ઝીલ્યા હતા. થોડોક સમય એમ. એન. કૉલેજ, વિસનગરમાં અધ્યાપનકાર્ય કરી 1959માં વલ્લભવિદ્યાનગરમાં વિઠ્ઠલભાઈ પટેલ મહાવિદ્યાલય(1959–1962)માં અને ત્યારબાદ નલિની ઍન્ડ અરવિંદ આર્ટ્સ કૉલેજમાં (1962–1986) નિવૃત્ત થયા ત્યાં સુધી ગુજરાતીના પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે તેમણે કાર્ય કર્યું. તેમણે નિવૃત્તિ પછી વલ્લભવિદ્યાનગરમાં જ કાયમી વસવાટ કર્યો હતો.

1968માં તેમનો કાવ્યસંગ્રહ ‘ઇજન’ પ્રકાશિત થયો. તેને ગુજરાત રાજ્ય સરકાર તરફથી તૃતીય પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આકાશવાણી પુરસ્કાર પ્રાપ્ત તેમનું ‘હે મુજ માતૃભૂમિ !’ ગીત જાણીતું છે. ‘ઇજન’ પછી રચાયેલી તેમની કાવ્યરચનાઓ તેમજ સાહિત્યના આસ્વાદ-વિવેચનના લેખો હજી અગ્રંથસ્થ છે.

તેમણે કવિસભા, વિસનગર તરફથી પ્રકાશિત અનિયતકાલિક ‘મંજરી’ના રજતજયંતી અંકનું તેમજ સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી અન્યના સહયોગમાં ‘કાવ્યમધુ’, ‘કાવ્યપરિમલ’, ‘કાવ્યસુધા’, ‘કાવ્યસુમન’ વગેરે કાવ્યસંચયોનું સંપાદન કરેલું. વલ્લભવિદ્યાનગરના વિશ્વકર્મા સ્વ. ભાઈકાકાની આત્મકથા ‘ભાઈકાકાનાં સંસ્મરણો’નું સંપાદન પણ તેમણે કરેલું.

રમેશ ત્રિવેદી