મન્વન્તર : કાલમાનની પૌરાણિક વિભાવના. માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો કાલખંડ. કાલમાનની પૌરાણિક વિભાવના અનુસાર સુદીર્ઘ કાલના વ્યાપને 14 મન્વન્તરોમાં માપવામાં આવે છે. મન્વન્તર એટલે માનવકુલના ઉદભાવક મનુના વંશવિસ્તારનો સમગ્રકાલ. આ કાલખંડ 12,000 દૈવી વર્ષો અર્થાત્ 43,20,000 માનુષી વર્ષોનો છે. આ કલ્પના મુજબ આવા કુલ 14 મનુ થઈ ગયા છે. એમાં 1 સ્વાયંભુવ, 2. સ્વારોચિષ, 3. ઉત્તમ, 4. તામસ, 5. રૈવત અને 6. ચાક્ષુષ એ છ મનુ અતીત કાલમાં થઈ ગયા; હાલ સાતમા મનુ વૈવસ્વતનો મન્વન્તર ચાલે છે; ને ભવિષ્યમાં એ પછી બીજા સાત મનુ થનાર છ : 8. સાવર્ણિ, 9. દક્ષસાવર્ણિ, 10. બ્રહ્મસાવર્ણિ, 11. ધર્મસાવર્ણિ, 12. રુદ્રસાવર્ણિ, 13. દેવસાવર્ણિ અને 14. ઇન્દ્રસાવર્ણિ. દરેક મન્વન્તરમાં મનુ, મનુપુત્રો, દેવો, ઇન્દ્ર, ઋષિઓ અને હરિનો અંશાવતાર, એ છ પ્રકારનાં તત્વ આવિર્ભાવ પામે છે, જેની વિગત શ્રીમદ્ ભાગવત પુરાણના અષ્ટમ સ્કન્ધમાં આપવામાં આવી છે. દા.ત., સ્વાયંભુવ મનુના સમયમાં યજ્ઞ અને કપિલ અવતર્યા, સ્વારોચિષ મનુના કાલમાં વેદક્ષિરસના પુત્ર વિભુ અવતર્યા, ઉત્તમ મનુના મન્વન્તરમાં ધર્મ-પુત્ર સત્યસેન અવતર્યા ને તામસ મનુના સમયમાં હરિમેધસને ત્યાં ભગવાન હરિ રૂપે અવતર્યા, જેમણે ગજેન્દ્રને મોટા મગરના મુખમાંથી છોડાવ્યો હતો. પાંચમા–છઠ્ઠા મન્વન્તરમાં અજિત રૂપે અવતરી કૂર્મ સ્વરૂપે મંદરાચલને ધારણ કરી સમુદ્રમંથન સફળ કર્યું. વળી મોહિનીસ્વરૂપ ધારણ કરી દૈત્યોને ઠગી દેવોને અમૃત પાયું. સાતમા મન્વન્તરમાં ભગવાને કશ્યપ-અદિતિના પુત્ર વામન તરીકે અવતાર લીધો. આઠમા મન્વન્તરમાં ભગવાન સાર્વભૌમ સ્વરૂપે, નવમા મન્વન્તરમાં ઋષભ સ્વરૂપે, દસમા મન્વન્તરમાં શંભુ નામે ઇન્દ્રના મિત્ર સ્વરૂપે, અગિયારમા મન્વન્તરમાં ધર્મસેતુ સ્વરૂપે, બારમા મન્વન્તરમાં સ્વધામ સ્વરૂપે, તેરમા મન્વન્તરમાં યોગેશ્વર સ્વરૂપે અને ચૌદમા મન્વન્તરમાં બૃહદભાનુ સ્વરૂપે અવતરશે એવું કથન છે. પૌરાણિક ગણના અનુસાર ચૌદ મન્વન્તર પૂરા થતાં બ્રહ્માનો દિવસ સમાપ્ત થાય છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી