મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ)

January, 2002

મન્નાર થીરુમલાઈ (ડિંડિગલ) : તમિલનાડુ રાજ્યના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. સ્થાન-સીમા-વિસ્તાર ભૌગોલિક સ્થાન : તે 10° 27´ ઉ. અ. અને 77° 58´ પૂ. રે.ની આજુબાજુનો 6,058 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે પેરિયાર અને તિરુચિરાપલ્લી જિલ્લા, પૂર્વમાં તિરુચિરાપલ્લી અને મદુરાઈ જિલ્લા, દક્ષિણમાં મદુરાઈ જિલ્લો તથા પશ્ચિમે કોઇમ્બતુર જિલ્લો અને કેરળની સરહદ આવેલાં છે. જિલ્લાનું વડું વહીવટી મથક ડિંડિગલ ખાતે આવેલું છે.

મન્નાર થીરુમલાઈ જિલ્લો (તમિળનાડુ)

ભૂપૃષ્ઠજળપરિવાહ : જિલ્લાના ત્રણ કુદરતી વિભાગો પાડેલા છે : (i) પાલની અને કોડાઈકેનાલ તાલુકાઓને આવરી લેતો પહાડી વિસ્તાર; અહીંની જમીનો ખૂબ જ ફળદ્રૂપ છે. (ii) નીલકોટ્ટાઈ અને નાટ્ટમ્ તાલુકાઓને આવરી લેતો સમતળ વિસ્તાર; અહીંની જમીનો કાળી છે. ક્યાંક ક્યાંક ગ્રૅનાઇટની ટેકરીઓ જોવા મળે છે. (iii) પાલની, વેદસંદુન, ડિંડિગલ અને નાટ્ટમ્ તાલુકાઓને આવરી લેતો રાતી જમીનો ધરાવતો મૃણ્મય વિસ્તાર. વૈગાઈ, સુરુલિયાર અને શન્મુગ નદીઓ અહીંની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત નાગંગી, કંડગયાર અને નલ્લાથંગી જેવી વરસાદ-આધારિત મોસમી નદીઓ પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.

ખેતીપશુપાલન : ડાંગર અહીંનો મુખ્ય કૃષિપાક છે. તે વર્ષમાં બે વાર લેવાય છે. પહાડી ભાગોમાં ફૂલો, ફળો અને શાકભાજીની ખેતી પણ થાય છે. તેની ઊપજ વધુ હોવાથી નિકાસ પણ કરવામાં આવે છે. આ ઉપરાંત મગફળી, નારંગી, લીંબુ, કેરી અને દ્રાક્ષ તેમજ ચા, કૉફી અને એલચીનું વાવેતર પણ થાય છે. અહીં નદીઓ, તળાવો અને કૂવાઓ ખેતી માટેના મુખ્ય સિંચાઈસ્રોત છે. જિલ્લાના પશુધનમાં ભેંસો, ઘેટાં, બકરાં, ડુક્કર તેમજ મરઘાંનો સમાવેશ થાય છે. જિલ્લાનાં મુખ્ય મથકો ખાતે પશુદવાખાનાં અને પશુચિકિત્સાલયો આવેલાં છે.

ઉદ્યોગવેપાર : આ જિલ્લામાં ચાલતા ઉદ્યોગોને ત્રણ કક્ષામાં વહેંચેલા છે : ગૃહઉદ્યોગો, નાના પાયા પરના ઉદ્યોગો તથા મધ્યમ અને મોટા પાયા પરના ઉદ્યોગો. આ પૈકી હાથસાળ ઉદ્યોગો, કામળા, સાદડીઓ, કાંતણ-વણાટના ઉદ્યોગો, પરિવહન માટેની સાધનસામગ્રી તથા સાઇકલ-ઉત્પાદન વિશેષ ઉલ્લેખનીય છે. જિલ્લામાં કૃત્રિમ રેશમી સાડીઓ, લોખંડ-પોલાદનું રાચરચીલું, સુગંધિત તમાકુ, લોખંડની પેટીઓ અને તાળાં, સિંગતેલ, અથાણાં અને મુરબ્બા જેવી ચીજોનું ઉત્પાદન લેવાય છે. અહીંથી કૃત્રિમ રેશમી સાડીઓ, કમાવેલાં ચામડાં, કપાસ, ફૂલો, મુરબ્બા, કેળાં તેમજ સ્ત્રીઓના વાળની નિકાસ થાય છે; જ્યારે કઠોળ, આમલી અને ખાદ્યાન્નની આયાત કરવામાં આવે છે.

પરિવહન-પ્રવાસન : જિલ્લો રેલમાર્ગો અને સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલો છે. અહીંથી રાષ્ટ્રીય તથા રાજ્ય ધોરી માર્ગો પસાર થાય છે. મોટાભાગના માલની હેરફેર રેલમાર્ગે થાય છે. જિલ્લામથક ડિંડિગલ મુખ્ય રેલજંકશન છે. કોઈમ્બતુર – ડિંડિગલ મીટરગેજ રેલ આ જિલ્લામાંથી પસાર થાય છે. ચેન્નાઈ, કોઈમ્બતુર, તિરુચિરાપલ્લી, કોચીન અને તિરુવનન્તપુરમ્ જવા માટે નજીકનું હવાઈ મથક મદુરાઈ છે.

પાલની ખાતે આવેલું દંડાયુધપાણિ સ્વામીનું મંદિર આ જિલ્લાનું ઘણું જાણીતું મંદિર છે, ત્યાં દક્ષિણ ભારતના ઘણા શ્રદ્ધાળુઓની વર્ષભર ભીડ રહે છે. કોડાઈકેનાલ ગિરિમથક, પાલની ટેકરીઓ, ત્યાંનું સરોવર તથા બંધ, ડિંડિગલનો કિલ્લો, કેરળની સરહદ નજીક આવેલું જંગલી પ્રાણીઓ માટેનું પેરિયાર અભયારણ્ય અહીંનાં પ્રવાસી-આકર્ષણસ્થળો છે. દ્રવિડ ઉત્સવ અને દીપાવલી-ઉત્સવ આ બે અહીંના મુખ્ય ઉત્સવો ગણાય છે. અન્ય સ્થાનિક ઉત્સવો પણ થાય છે.

વસ્તી : 1991 મુજબ જિલ્લાની વસ્તી 17,60,601 જેટલી છે. તે પૈકી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 13,83,580 અને 3,77,021 જેટલું છે. તમિળ અહીં બોલાતી મુખ્ય ભાષા છે. જિલ્લામાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. વસ્તીના લગભગ 50 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 6 તાલુકાઓ અને 14 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 10 નગરો અને 390 (33 વસ્તીવિહીન) ગામડાં છે.

ઇતિહાસ : 1985માં મદુરાઈ જિલ્લાનું વિભાજન કરીને મદુરાઈ અને અન્ના જિલ્લાઓ બનાવેલા. 1989માં અન્ના જિલ્લાનું નામ બદલીને ડિંડિગલ-કુઈદ-ઈ-મિલેથ રાખેલું; પરંતુ ત્યારબાદ ફરીથી આ જિલ્લાનું નામ બદલીને મન્નાર થીરુમલાઈ રાખવામાં આવેલું છે.

ગિરીશભાઈ પંડ્યા