મનસામંગલ : મધ્યકાલીન બંગાળી સાહિત્યમાં પ્રચલિત મંગલકાવ્યનો એક આખ્યાનપ્રકાર. ત્યાં વૈષ્ણવ કાવ્યની સુદીર્ઘ પરંપરા સાથે મંગલકાવ્યોની પણ સમૃદ્ધ પરંપરા સમાંતરે રહી છે. આ મંગલકાવ્યોમાં મનસામંગલ, ચંડીમંગલ, ધર્મમંગલ એમ વિવિધ રીતે આખ્યાનો લખાયાં છે. ગુજરાતી આખ્યાનોની જેમ આ મંગલકાવ્યો આમ પ્રજામાં ઘણાં લોકપ્રિય હતાં અને ઠેર ઠેર ગવાતાં હતાં. મનસામંગલ કાવ્યો સર્પદેવતા મનસાને કેન્દ્રમાં રાખીને રચાયાં છે, જેમાં મુખ્ય કથા ચાંદ સોદાગર અને બેહુલાની આવે છે. મનસામંગલનાં કાવ્યોમાં મનસાદેવીના માહાત્મ્યનું વર્ણન હોય છે. આ મંગલકાવ્યો ‘મનસાવિજય’, ‘મનસાર ભાસાન’ નામથી પણ ઓળખાય છે. આ મંગલકાવ્યોમાં સૌથી જૂનું પંદરમી સદીના અંતભાગે લખાયેલું કવિ વિપ્રદાસનું ‘મનસાવિજય’ છે. લોકપ્રિયતાને કારણે એ કથામાં ઘણા પ્રક્ષેપો આવી ગયા છે, પણ તેમાં આવતી મનસાદેવીની કથા ખરેખર પ્રાચીન છે. પંદરમી સદીમાં વિજયગુપ્ત નામના એક કવિએે મનસામંગલ કાવ્ય રચ્યું હતું એમ કેટલાક વિદ્વાનો માને છે, પણ એનો પ્રાચીન પાઠ મળતો નથી. એની ભાષા સમય સાથે બદલાતી ગઈ છે. તે પછી સોળમી સદીમાં કવિ નારાયણદેવે ‘મનસામંગલ’ રચ્યું હતું. મનસામંગલવિષયક અનેક આખ્યાનોમાં સત્તરમી સદીમાં રચાયેલ કેતકાદાસનું મનસામંગલ સૌથી વધારે લોકપ્રિય હતું. કેતકાદાસ પોતાને ‘ક્ષેમાનંદ’ પણ કહેતા. એ ઉપનામે બીજા કવિઓ પણ થયા છે. કેતકાદાસ પોતાના મંગલકાવ્યનો આરંભ મનસાદેવીના સાક્ષાત્કારથી અને દેવીના આદેશથી પોતે કાવ્ય રચી રહ્યા છે – એવા પ્રસંગથી કરે છે. મુખ્ય કથાના આરંભમાં જ મનસાદેવી અને ચાંદ સોદાગરના સંઘર્ષનો નિર્દેશ કરે છે. ચાંદ સોદાગર શિવનો ભક્ત હતો. શિવે મનસાને કહેલું કે જ્યાં સુધી ચાંદ સોદાગર તારી પૂજા નહિ કરે, ત્યાં સુધી તારી પૂજાનો પ્રચાર નહિ થાય. મનસાદેવીના કોપથી સોદાગરના છ પુત્રો મૃત્યુ પામે છે, તેની સંપત્તિનો નાશ થાય છે, તેનું ‘મધુકર’ જહાજ ડૂબી જાય છે. સાતમો પુત્ર લખિંદર જન્મતાં સોદાગર એનું સર્વ રીતે જતન કરે છે. એને માટે એવો લૌહ આવાસ બનાવે છે કે તેમાં સર્પ પ્રવેશ ન કરી શકે. લખિંદરનાં લગ્ન બેહુલા સાથે થાય છે. લગ્નની પ્રથમ રાત્રિએ મનસા એક નાના છિદ્ર વાટે કાલનાગનો પ્રવેશ કરાવી, લખિંદરના પ્રાણ હરે છે. લખિંદર મૃત્યુ પામતાં બેહુલા મૃતપતિને ખોળામાં લઈ હોડીમાં બેસી વિલાપ કરતાં કરતાં નીકળી પડે છે. સ્વર્ગની ઘોષણ નેતા બેહુલાને સ્વર્ગમાં લઈ જાય છે, જ્યાં એ પોતાના નૃત્યથી દેવોને પ્રસન્ન કરે છે. શિવના કહેવાથી મનસા આવી લખિંદરને જીવતો કરે છે. છ મૃત પુત્રોને પણ જીવતા કરે છે. સોદાગરની સંપત્તિ પાછી આપે છે. બેહુલા સાવિત્રીની જેમ પતિને પાછી લઈ આવે છે. છેવટે ચાંદ સોદાગર મનસાની પૂજા કરે છે, પણ ડાબે હાથે; કેમ કે જમણો હાથ તો શિવને સમર્પિત હતો. છેવટે લખિંદર અને બેહુલા ચાંદ સોદાગરને વિલાપ કરતો મૂકી સ્વર્ગમાં જાય છે. આમ મનસામંગલ એટલે મુખ્ય કથા ચાંદ સોદાગર અને બેહુલાની. હોડીમાં નદીમાં વહેતાં બેહુલાએ ગાયેલાં ગીતો પરથી ‘ભાસાનો ગાન’ રચવાની પરંપરા હતી. આવાં પરંપરાગત રૂઢ આખ્યાનોમાં ચરિત્રચિત્રણની આગવી પ્રતિભા બતાવવાનો અવકાશ ઓછો હોય છે. તેમ છતાં ક્ષેમાનંદે ચાંદ સોદાગરનું જીવંત આલેખન કર્યું છે. એ સમયના ભાવકોમાં બેહુલાનું પાત્ર (મધ્યકાળમાં ગુજરાતીમાં નળદમયંતીકથામાં જેમ દમયંતીનું તેમ) બહુ લોકપ્રિય હતું અને એને વિષય બનાવી ઘણી રચનાઓ થઈ છે. પ્રેમાનંદની જેમ ક્ષેમાનંદ પણ જનમાનસને સ્પર્શતી વર્ણનશક્તિ ધરાવે છે.

અનેક મંગલકાવ્યોના પાઠોમાં ફેરફાર થતા રહ્યા છે. સ્થાનિક પ્રસંગો, કથાઓ તેમાં મિશ્રિત થઈ ગયેલ છે; પરંતુ મધ્યકાળમાં બહુજનસમાજને મનોરંજન પૂરું પાડવામાં આ કથાઓનું પ્રદાન મહત્વનું છે.

‘મનસામંગલ’ના ચાંદ સોદાગર અને બેહુલાના કથાનક પર પ્રસિદ્ધ નાટ્યનિર્દેશક શંભુ મિત્રે ‘ચાંદ સોદાગરેર પાલા’ (ચાંદ સોદાગરનો વેશ) નામે નાટકની રચના કરી છે. એ રીતે હમણાં હમણાં બંગાળી કથાલેખિકા મહાશ્વેતાદેવીએ મુકુન્દરાય ચક્રવર્તીના ‘ચંડીમંગલ’ના આખ્યાન પરથી ‘બનિયા બહૂ’ (હિન્દી અનુવાદ) નામે બહુપત્નીત્વના રિવાજની કરુણાંતિકા દર્શાવતી નવલકથા લખી છે. એ રીતે આ મધ્યકાલીન મંગલકાવ્યોનું સાંપ્રત બંગાળી સાહિત્યમાં પણ અનુસંધાન જોવા મળે છે.

ભોળાભાઈ પટેલ