મનસા : પંજાબ રાજ્યના મધ્ય-દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : 29° 59´ ઉ. અ. અને 75° 23´ પૂ. રે.ની આજુબાજુનો 2,192 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને પૂર્વમાં સંગરૂર જિલ્લો, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ હરિયાણા રાજ્યનો હિસ્સાર જિલ્લો, પશ્ચિમમાં હરિયાણાનો સિરસા અને પંજાબનો બથિંડા (ભટિંડા) જિલ્લો આવેલા છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : આ જિલ્લો કોઈ વિશિષ્ટ ભૂપૃષ્ઠલક્ષણો ધરાવતો નથી. સમગ્ર પ્રદેશ કાંપની રેતાળ જમીનોવાળો મેદાની વિસ્તાર છે. અહીં સ્થાનભેદે રેતાળ ગોરાડુ, માટીવાળી ગારોડુ જમીનો અને રેતીના ઢૂવા જોવા મળે છે. અહીંની ગોરાડુ જમીનો કપાસ, બાજરી, શેરડી, ઘઉં અને સરસવના પાકને વધુ અનુકૂળ આવે છે, રેતાળ જમીનોમાં સેન્દ્રિય દ્રવ્યો ઉમેરવામાં આવે તો તે સારી ઊપજ આપે છે. રેતાળ જમીનોમાં ચણાનો પાક લેવાય છે.

આ જિલ્લામાંથી કોઈ મોટી નદી પસાર થતી નથી. ઘગ્ગર નદી જિલ્લાના દક્ષિણ છેડાના કેટલાક ભાગોમાં થઈને વહે છે, તે ‘નાલી’ના સ્થાનિક નામથી ઓળખાય છે. ચોમાસામાં તેમાં પાણી ઊભરાવાથી આજુબાજુના નીચાણવાળા ભાગોમાં ફરી વળે છે અને ક્યારેક નુકસાન કરી જાય છે. જિલ્લાને ભાકરા નહેર યોજનાથી સિંચાઈનો લાભ મળે છે.

ખેતીપશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. વર્ષમાં બે વાર પાક લેવાય છે. રવી પાકોમાં મુખ્યત્વે ઘઉં, ચણા, જવ, તેલીબિયાં, બટાટા, શિયાળુ શાકભાજી અને ઢોર-ખાદ્યસામગ્રીની ઊપજ લેવાય છે; ખરીફ પાકોમાં ડાંગર, મકાઈ, શેરડી, કપાસ, કઠોળ, બાજરો, મરચાં, ડુંગળી અને દૂધીની ઊપજ લેવાય છે. અહીં મુખ્યત્વે નહેરો દ્વારા અને કેટલીક જગાએ કૂવા કે નળકૂપ-ટ્યૂબવેલ દ્વારા સિંચાઈ થાય છે.

અહીં ઢોરની સંખ્યા પુષ્કળ છે. આખલા, બળદો, ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં, ઘોડા, ટટ્ટુ, ગધેડાં, ખચ્ચર અને ઊંટ અહીંનાં મુખ્ય પશુઓ છે. મરઘાંઉછેર પણ થાય છે. ઢોર માટે જિલ્લામાં ઘણાં પશુ-દવાખાનાં અને ચિકિત્સાલયોની સગવડ છે. ગાયો અને ભેંસોની ઓલાદ સારી છે, દૂધનું ઉત્પાદન પણ સારા પ્રમાણમાં મળી રહે છે.

ઉદ્યોગવેપાર : મનસા ઘણા જૂના વખતથી અનાજના પીઠા તરીકે જાણીતું બનેલું છે, ભારતના ભાગલા પડ્યા પછી તે અનાજના ઉત્પાદનની બાબતમાં વધુ વિકસ્યું છે. હવે ત્યાં જૂનું અને નવું – એવાં બે દાણાપીઠાં ઊભાં થયાં છે. તેમાં બધી જાતનાં અનાજ તેમજ રોકડિયા પાકો વેચાય છે. આ ઉપરાંત અહીં જિન-પ્રેસ, દાળનાં અને બરફનાં કારખાનાં પણ આવેલાં છે. મર્યાદિત પ્રમાણમાં અહીં કૃષિ-સાધનો પણ બને છે. કુંભારોની એક વસાહતનો વિકાસ થયો છે. દેશી રાજ્યના સમયમાં અહીં ઔદ્યોગિક પ્રવૃત્તિ ઓછી હતી, તેમાં આ જિલ્લાએ 1971 પછી પ્રગતિ સાધી છે.

મનસા જિલ્લો (પંજાબ)

આ જિલ્લામાં પગરખાં, સુતરાઉ કાપડ, ધોવાનો સાબુ, ડોલ, સોડા સિલિકેટ, ટ્યૂબવેલનાં સાધનો, તેલ પીલવાનાં યાંત્રિક સાધનો વગેરેનું ઉત્પાદન લેવાય છે. અહીંથી સરસિયું, જિનિંગ કરેલું રૂ, ઘઉં, પગરખાં, ઑઇલ-એંજિનો અને ટ્યૂબવેલનાં સાધનોની નિકાસ થાય છે; જ્યારે ગોળ, ખાંડ, ચા, નાળિયેર, કાપડ, પોલાદ, લોખંડનો સામાન, વનસ્પતિ વગેરેની આયાત થાય છે.

પરિવહન : જિલ્લામાં રેલસેવા ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ તેમજ રાજ્યના ધોરી માર્ગો નં. 13 અને 17 અહીંથી પસાર થાય છે. જિલ્લાના જુદા જુદા માર્ગો અન્યોન્ય જોડાયેલા છે.

પ્રવાસન : આ જિલ્લામાં ઐતિહાસિક ર્દષ્ટિએ મહત્વનાં ગણાય એવાં કોઈ પ્રવાસી સ્થળો આવેલાં નથી. તેમ છતાં અહીં 10 ગુરુદ્વારા અને 3 જળાશયો અગત્યનાં ગણાય છે. ગુરુ ગોવિંદસિંહના પિતા ગુરુ તેગબહાદુરે આ વિસ્તારની મુલાકાત લીધેલી. અહીંનાં દસેય ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહ, તખ્ત શ્રી ગુરુ કાશી, લિખનસર, જંદસર, માતા સાહિબકૌર અને માતા સુંદરી, બેર સાહિબ, છૌની નિહંગન, સંત અતરસિંહ, ગુરુ તેગબહાદુર અને મહાલસરને સમર્પિત કરેલાં છે. ત્રણ જળાશયોમાં નાનકસર, અકલસર અને ગુરુસરનો સમાવેશ થાય છે. અહીંનાં બધાં ગુરુદ્વારાઓ પૈકી વધુ ઊંચાઈ ધરાવતું તખ્ત શ્રીગુરુ કાશીનું ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહે તેમની ગાદી અહીં રાખેલી હોવાથી વધુ મહત્ત્વનું ગણાય છે.

લોકો : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 5,80,397 જેટલી છે. તે પૈકી 53.5 % પુરુષો અને  46.5 % સ્ત્રીઓ છે; ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 85 % અને 15 % જેટલું છે. જિલ્લામાં શીખ અને હિન્દુઓની વસ્તી વિશેષ છે; જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, જૈન અને બૌદ્ધ લોકોની ઓછી છે. પંજાબી અહીંની મુખ્ય ભાષા છે, જ્યારે શહેરી વિસ્તારોમાં હિન્દી તેમજ અંગ્રેજી ભાષાનો પણ ઉપયોગ થાય છે. અહીંનાં ત્રણેય નગરોમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સારી વ્યવસ્થા છે. 1996 મુજબ મનસા ખાતે નહેરુ મેમૉરિયલ કૉલેજ તેમજ કન્યા મહાવિદ્યાલય આવેલાં છે. જિલ્લાનાં ત્રણ નગરો મનસા, બુધલાડા અને બારેટામાં 4 હૉસ્પિટલો, 2 નાનાં દવાખાનાં, 2 કુટુંબ-નિયોજન કેન્દ્રો તથા 1 સ્વાસ્થ્ય કેન્દ્ર આવેલાં છે. વહીવટી સરળતા માટે જિલ્લાને એક તાલુકામાં અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં કુલ ત્રણ નગરો અને 246 (4 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. 1992માં બથિંડા જિલ્લાનું વિભાજન કરીને આ જિલ્લાની રચના કરવામાં આવેલી છે. જિલ્લામથક મનસા જિલ્લાના મધ્ય-વાયવ્ય ભાગમાં આવેલું છે. ત્રણેય નગરો એક લાખથી ઓછી વસ્તી ધરાવે છે.

જાહ્નવી ભટ્ટ

ગિરીશભાઈ પંડ્યા