મન:શસ્ત્રક્રિયા (Psychosurgery) : માનસિક રોગોના ઉપચારમાં કરાતી મગજની શસ્ત્રક્રિયા. ઈગાસ મોનિઝે 1936માં સૌપ્રથમ દર્શાવ્યું હતું કે મગજના આગળના ભાગ(અગ્રસ્થ ખંડ, frontal lobe)માં આલ્કોહૉલનું ઇન્જેક્શન આપવાથી તીવ્ર મનોવિકાર(psychosis)ના દર્દીઓમાં જોવા મળતી લાગણી અથવા ભાવની વિધ્યાનતા (emotional distraction) ઘટે છે. માનસિક રોગોમાં ક્યારેક મોટા મગજમાંના પોલાણ (ventricle)ની આગળ એક છેદ કરીને બંને અગ્રકપાલી ખંડોમાંના શ્વેત દ્રવ્યને કાપીને કાઢી નાંખવાની શસ્ત્રક્રિયા કરવાનું સૂચવાય છે. તેને અગ્રખંડીય શ્વેતદ્રવ્યોચ્છેદન (prefrontal leucotomy) કહે છે. આ શસ્ત્રક્રિયા મનોવિકારના દર્દીઓની ઉશ્કેરાટ અને માનસિક તણાવની તકલીફો ઘટાડે છે; પરંતુ તે સાથે તેમની બુદ્ધિક્ષમતા અને લાગણીઓને પણ ઘટાડે છે અને ક્યારેક આંચકી (convulsion) આવવાનો વિકાર સર્જે છે. તેથી તેનો ઉપયોગ ફક્ત, અન્ય બધી જ સારવારપદ્ધતિઓ જેઓમાં નિષ્ફળ રહી હોય તેવા, વિચ્છિન્નમનસ્કતા(schizophrenia)ના દર્દીઓમાં કરવાનું સૂચવાય છે. વાંદરાઓ પરના પ્રયોગોએ દર્શાવ્યું છે કે મગજના મધ્યવર્તી અને આંખની ઉપર આવેલા નેત્રોર્ધ્વ વિસ્તાર(supraorbital area)માંના મગજની સપાટી પર આવેલા ભૂખરા દ્રવ્યના બનેલા બાહ્યક(cortex)ને ઈજા પહોંચાડવાથી લાગણીઓના આવેગો ઘટે છે. પણ બુદ્ધિક્ષમતામાં ઘટાડો થતો નથી. તેથી એવું તારણ કઢાયું છે કે મગજમાં આવેલા ભાવલક્ષી વિસ્તાર (limbic system) અને મગજના આગળના ખંડ (અગ્રકપાલી ખંડ) વચ્ચેના ચેતાતંતુઓનાં જોડાણો કાપવાથી બુદ્ધિક્ષમતામાં ઘટાડો કર્યા વગર લાગણીઓના આવેગો ઘટાડી શકાય છે. લે ગ્રૉસ ક્લર્કના પ્રયોગોમાં દર્શાવાયું છે કે મગજમાં આવેલા ચેતક (thalamus) નામના વિસ્તાર અને અગ્રસ્થ ખંડ વચ્ચે આવેલા ચેતક-અગ્રકપાલલક્ષી ચેતાપથ (thalamo-frontal tract) અને અગ્રસ્થ ખંડ અને અધશ્ચેતક (hypothalamus) વચ્ચે આવેલા અગ્રકપાલ-અધશ્ચેતકીય ચેતાપથ (fronto-hypothalamic tract) દ્વારા લાગણીના અનુભવ અને પ્રતિભાવ અંગેના ચેતા-આવેગોનું વહન થાય છે. તેથી ફક્ત તેમને કાપતાં મર્યાદિત છેદ કે કાપ મૂકવાથી સૌમ્ય મનોવિકારો(neurosis)માં લાગણીઓના આવેગોને નિયંત્રિત કરવાની શસ્ત્રક્રિયા સંભવિત બની શકે છે. અદમ્ય પુનર્વર્તિતા (obsessive compulsive disorders) અને ખિન્નતા(depression)ના દર્દીઓમાં મગજમાં સિગ્યુલેટ ગડી નામના વિસ્તારનો છેદ કરવાથી કે નેત્રોર્ધ્વ-બાહ્યક (orbital cortex)ના શ્વેત દ્રવ્યમાં છેદ કરવાથી રાહત મળે છે. હાલ ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા(stereo-tactic surgery)ની પદ્ધતિની મગજના નાના નાના વિસ્તારોને ઈજા પહોંચાડી સારવાર આપવાની પ્રક્રિયાઓ વિકસી રહી છે. હાલ જોકે ભાવલક્ષી વિસ્તાર અને તેના અગ્રસ્થ ખંડ વચ્ચેનાં ચેતાપથનાં જોડાણોને લક્ષ્ય બનાવીને આવી શસ્ત્રક્રિયાઓ કરાય છે. અગ્રસ્થ ખંડના મધ્યવર્તી ભાગ પર આવેલી સિગ્યુલેટ ગડી અને તેના શ્વેત દ્રવ્યમાં છેદ મૂકવાથી અદમ્યતાજન્ય (obsessional) તણાવકારી અને ચિંતાલક્ષણી વિકારોમાં રાહત મળે છે; જ્યારે આંખની ઉપર આવેલા નેત્રોર્ધ્વ વિસ્તારોમાંનો છેદ તીવ્ર ખિન્નતાવાળા મનોવિકારોની સારવારમાં ઉપયોગી રહે છે. આક્રમક વર્તન સુધારવા માટે ભાવલક્ષી વિસ્તારના નીચલા અને બહારની બાજુએ આવેલા (તલપાર્શ્વીય, baso-lateral) વિસ્તારમાં આવેલા બદામના આકારના ઍમિગ્ડેલા નામના વિસ્તારમાં ત્રિપરિમાણી શસ્ત્રક્રિયા વડે છેદ મૂકી શકાય છે. હાલ જોકે કયા માનસિક વિકારમાં કયા તબક્કે શસ્ત્રક્રિયાનો ઉપયોગ કરવો તે અંગે મતમતાંતર પ્રવર્તે છે.

પરિમલ ત્રિપાઠી

શિલીન નં. શુક્લ