મનહર રસકપૂર (જ. 8 મે 1922, સૂરત; અ. 14 ફેબ્રુઆરી 1980, હાલોલ) : ગુજરાતી ચલચિત્ર-દિગ્દર્શક. મનહર રસકપૂરનાં ઉછેર-શિક્ષણ મુંબઈમાં થયાં. ઉચ્ચ શિક્ષણ ઇસ્માઇલ યૂસુફ કૉલેજ તથા વિલ્સન કૉલેજ, મુંબઈમાંથી પ્રાપ્ત કર્યું. 1942ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે ભાગ લીધો હતો. ગુજરાતી ચલચિત્રસર્જક વિજય ભટ્ટની ફિલ્મોમાં પ્રકાશ પિક્ચર્સની ‘વિક્રમાદિત્ય’ અને ‘સમાજ કો બદલ ડાલો’માં તેઓ સહાયક દિગ્દર્શક હતા. પરંતુ પછી હિન્દી ચલચિત્રોને બદલે ગુજરાતી ચલચિત્રોનું નિર્માણ, દિગ્દર્શન કરવાનું નક્કી કર્યું. 1948માં ‘જોગીદાસ ખુમાણ’ ચલચિત્ર બનાવી ખ્યાતનામ થયા. આ ચલચિત્રની વિપુલ પ્રસિદ્ધિને કારણે આ જ ચલચિત્રનું ફરી 1962 અને 1975માં નિર્માણ-દિગ્દર્શન કર્યું. આમ એક જ વિષયવસ્તુનું કથાનક લઈ ત્રણ વાર ચલચિત્ર બનાવી વિક્રમ સર્જ્યો. ગુજરાતી ચલચિત્રો ચાલતાં નહોતાં ત્યારે ભેખધારી મનહર રસકપૂરે નિર્ધાર કર્યો કે ગુજરાતી ચલચિત્રો જ બનાવીશ અને લોકોને ગુજરાતી ચલચિત્રો જોતા કરીશ. સૌરાષ્ટ્રના જિંદાદિલ બહારવટિયાઓ પર આધારિત ‘મૂળૂ માણેક’ (1955), ‘કાદુ મકરાણી’ (1960) અને ‘વાલો નામોરી’ (1973) જેવાં ચલચિત્રો બનાવ્યાં. ‘કહ્યાગરો કંથ’ (1950), ‘ઉપર ગગન વિશાળ’ (1971), ‘મિયાં ફૂસકી 007’ (1978) જેવાં હાસ્યપ્રધાન ચલચિત્રો બનાવ્યાં. ‘કન્યાદાન’ (1951), ‘મેંદી રંગ લાગ્યો’ (1960), ‘અખંડ સૌભાગ્યવતી’ (1964) અને ‘નારી તું નારાયણી’ (1978) જેવાં સામાજિક-કૌટુંબિક ઊર્મિસભર લોકપ્રિય ગુજરાતી ચલચિત્રો બનાવ્યાં. ‘ભ્રષ્ટાચાર મુર્દાબાદ’ (1977) જેવું રાષ્ટ્રીય સમસ્યા પર આધારિત ચલચિત્ર બનાવ્યું. ‘મળેલા જીવ’ (1956), ‘સંતુ રંગીલી’ (1976), ચુનીલાલ મડિયાની ટૂંકી વાર્તા ‘અંત:સ્રોતા’ પરથી ‘મારી હેલ ઉતારો રાજ’ (1977) જેવી ગુજરાતી સાહિત્યની–વિશ્વસાહિત્યની જાણીતી કૃતિઓ પર આધારિત ચલચિત્રો પણ બનાવ્યાં. ‘જય રણછોડ’ (1975) જેવા ધાર્મિક અને ગુજરાતના રાજવી કવિ કલાપીના જીવન પર આધારિત ‘કલાપી’ (1966) જેવાં વિશિષ્ટ ચલચિત્રોનું દિગ્દર્શન પણ કર્યું. સંજીવકુમાર, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી, મહેશ દેસાઈ, અરુણા ઈરાની જેવાં કલાકારોને પ્રથમ વાર ઉલ્લેખનીય ભૂમિકા તેમણે આપી હતી. હિન્દી ચલચિત્રજગતનાં જાણીતાં કલાકારો આશા પારેખ, રાજેન્દ્રકુમાર, ઉષા કિરણ, તનુજા, જૉની વૉકર, દારાસિંહ, આગા, ઉલ્લાસ વગેરેને ગુજરાતી ચલચિત્રોમાં લાવવાનો યશ પણ તેમને ફાળે જાય છે. મનહર રસકપૂરનાં વિવિધ ચલચિત્રોમાં કેટલાંકમાં નિર્માણ-દિગ્દર્શનની બેવડી ભૂમિકા પણ તેમણે નિભાવી હતી. તેમનાં વિવિધ ચલચિત્રોને વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ‘મેંદી રંગ લાગ્યો’ને ગુજરાત રાજ્યનો તથા પ્રાદેશિક ચલચિત્રમાં શ્રેષ્ઠ નિર્દેશન માટેનો રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ‘કલાપી’ને શ્રેષ્ઠ દિગ્દર્શન, શ્રેષ્ઠ વાર્તા, શ્રેષ્ઠ અભિનય અને દ્વિતીય ક્રમના શ્રેષ્ઠ ચલચિત્ર સાથે લગભગ તેર જેટલા રાજ્ય સરકારના વિવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત ‘વાલો નામોરી’, ‘સંતુ રંગીલી’ અને ‘મારી હેલ ઉતારો રાજ’ને પણ રાજ્ય સરકારના પુરસ્કારો પ્રાપ્ત થયેલા. તેમના દસ્તાવેજી ચલચિત્ર ‘અહમદાબાદ વે’ર મહાત્મા ગાંધી લિવ્ડ’ને આંતરરાષ્ટ્રીય પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું. 1980માં તેમના છેલ્લા ચલચિત્ર ‘સૌરાષ્ટ્રનો સિંહ : છેલભાઈ’ના ચિત્રાંકન દરમિયાન લકી સ્ટુડિયો–હાલોલમાં તેમનું આકસ્મિક નિધન થયેલું.

હરીશ રઘુવંશી