મધ્યસ્થી (mediation) : પક્ષકારો વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરવાના આશયથી ત્રીજા તટસ્થ પક્ષની દરમિયાનગીરી. ‘મધ્યસ્થી’ શબ્દ લૅટિન શબ્દ ‘mediare’ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે ઝઘડાના પક્ષકારોની વચ્ચે પડવાની પ્રક્રિયા; જેનો હેતુ પક્ષકારો વચ્ચેના મતભેદો ઉકેલવાનો છે. ત્રીજા પક્ષ દ્વારા વચ્ચે પડીને ઝઘડા ઉકેલવાની તકનીકના વિવિધ પ્રકારો છે, જેમાં લવાદી (arbitration), સમાધાન (conciliation), ન્યાયકીય સમાધાન (judicial settlement), શાંતિ જાળવનાર બળો (peace keeping forces) અને મધ્યસ્થી (mediation) વગેરેનો સમાવેશ થાય છે. મધ્યસ્થીની આ તકનીકનો સમગ્ર ઇતિહાસમાં વિવિધ સ્વરૂપે ઉપયોગ થયેલો છે. વર્તમાન સમયમાં આ તકનીકનું મહત્વ વધ્યું છે. કુટુંબો વચ્ચેના, ઔદ્યોગિક એકમોમાં સંચાલકો અને કામદારો વચ્ચેના તથા વિવિધ સમુદાયો વચ્ચેના ઝઘડાઓમાં અને વાંશિક સમસ્યાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે.

આંતરરાષ્ટ્રીય  સંબંધોમાં આ તકનીકનો વ્યાપક ઉપયોગ થયેલો છે, પરંતુ તેને ઝાઝી સફળતા મળી નથી. આ તકનીકને સુધારવાનો પ્રયત્ન પણ થયેલ છે. રાજપુરુષો, મુત્સદ્દીઓ અને આંતરરાષ્ટ્રીય કાયદાશાસ્ત્રીઓ દ્વારા આ તકનીકનો ઉપયોગ થાય છે. વર્તમાન સાઠી પછીના દસકાઓમાં શાંતિ-સંશોધકોએ મધ્યસ્થીના સૈદ્ધાંતિક પાસા ઉપર સંશોધન કર્યું છે. તેમના મતે યુદ્ધ અને ન્યાયના પ્રશ્નો હલ કરવામાં આ તકનીક ઉપયોગી છે.

ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થીની તકનીકને અન્ય તકનીકથી અલગ પાડવાનું સરળ નથી; કારણ કે વિવિધ તકનીકોના શબ્દાર્થ અંગે એકમતી નથી અને અતિવ્યાપ્તિ(overlapping)ની શક્યતા રહે છે. વળી ત્રીજા પક્ષ દ્વારા ઘણી વાર શરૂઆતમાં એક તકનીક અને પછી પાછળથી એ જ ઝઘડામાં સાવ જુદી તકનીક પણ અપનાવાય છે. આમ છતાં એકંદરે ત્રીજા પક્ષની સંડોવણીને એક સાતત્યપૂર્ણ પ્રવાહ (continuum) તરીકે જોઈ શકાય, જેમાં ત્રીજા પક્ષની સંડોવણી લઘુતમથી માંડીને મહત્તમ કે ખૂબ ગાઢ કક્ષા સુધીની હોઈ શકે. આ પ્રવાહમાં મધ્યસ્થીનું સ્થાન સમાધાન અને લવાદીની વચ્ચે આવે છે. જોકે કેટલીક વાર ત્રીજા પક્ષની દરમિયાનગીરી સંબંધી તકનીકો માટે એક સામાન્ય શબ્દ તરીકે પણ ‘મધ્યસ્થી’નો ઉપયોગ કરવામાં આવે છે.

ત્રીજા પક્ષનો લઘુતમ ઉપયોગ વાટાઘાટોનો આરંભ કરવામાં કે તેનું સંચાલન કરવામાં થઈ શકે. જ્યારે ઝઘડાના પક્ષકારો એકબીજાના વિનાશ માટે તત્પર હોય અને સંવાદ માટે ઇચ્છા ન રાખતા હોય ત્યારે ત્રીજો પક્ષ એક પક્ષ પાસેથી સંદેશા લઈને બીજાને તે પહોંચાડવાનું કાર્ય કરે છે, જેને ‘શાંત-મુત્સદ્દીગીરી’ તરીકે ઓળખાવી શકાય. વર્તમાન સમયમાં વિવિધ દેશોની સરકારોના વડા દ્વારા નિમાયેલ ‘વિશિષ્ટ દૂતો’ (special envoy) પણ આવું કામ કરતા હોય છે. પ્રારંભમાં અન્ય દ્વારા થતો આડકતરો-પરોક્ષ સંપર્ક પછીથી સીધા સંપર્કમાં પરિણમી શકે. સંપર્ક સ્થપાયા પછી ત્રીજો પક્ષ ઝઘડાના પક્ષકારોને સલામત અને તટસ્થ જગ્યાએ ભેગા કરી સમસ્યાની ચર્ચા કરી, ઝઘડાના નિરાકરણ માટે પ્રયત્ન કરે. આમ અબોલા કે અવિશ્વાસને સ્થાને વિશ્વાસ અને વાર્તાલાપની સ્થિતિ સ્થાપવામાં મધ્યસ્થીની પદ્ધતિ ઉપયોગી બને છે.

સામાન્ય રીતે અહીં ત્રીજા પક્ષનું કામ પૂરું થાય છે; પરંતુ ઝઘડો વિષમ હોય, બંને પક્ષોના વલણમાં જડતા આવી ગઈ હોય અને તે પક્ષો હિંસા પર ઊતરી આવ્યા હોય તો ત્રીજો પક્ષ સમાધાન (conciliation) માટે પ્રયત્ન કરી શકે. ઘણે ભાગે આવા સમાધાનમાં ત્રીજો પક્ષ મર્યાદિત પ્રમાણમાં સંડોવાય છે અને એ રીતે તે માત્ર સંદેશવાહક બની રહેતો નથી. સમાધાનની પ્રક્રિયા એક વ્યવહારુ પ્રક્રિયા છે, જેનો હેતુ ઝઘડાના પક્ષકારોને તેમના મતભેદો ઉકેલવા તેઓ જે કોઈ પગલાં લેવા ચાહે તેમાં તેમને મદદ કરવાનો છે; પરંતુ ઝઘડાનો ઉકેલ તો પક્ષકારોએ જ લાવવાનો હોય છે. આથી સમાધાનકાર ઝઘડાના ઉકેલ માટે મૂળભૂત કે તાત્વિક સૂચનો કરતા નથી. સમાધાનકારે સંઘર્ષના સ્વરૂપ અંગે ઝઘડાના પક્ષકારો આગળ સ્પષ્ટતા કરવાની હોય છે, જે કદાચ તેઓ ગુસ્સાને કારણે કે આવેશને કારણે ન જોઈ શકતા હોય. સામાન્ય રીતે બંને પક્ષકારોનું વલણ એકબીજાની હાજરીમાં એકબીજાનાં ર્દષ્ટિબિંદુઓને સ્પષ્ટ કરવાનું હોય તે ઇચ્છનીય ગણાય છે. બંનેએ સાથે બેસીને નિરાકરણના શક્ય વિકલ્પો વિચારવાના રહે છે.

સમાધાનની તકનીકો આમ ટેકો આપનારી, અને અનુકૂળતા ઊભી કરનારી અને બિનસૂચિત અનુલ્લેખિત પ્રકારની હોય છે, જેનો તે અગાઉ કોઈ ઉલ્લેખ થયો હોતો નથી કે સૂચન થયું હોતું નથી. આ તકનીકની સૌથી મોટી સિદ્ધિ ત્યારે ગણી શકાય જ્યારે ઝઘડો સંપૂર્ણપણે ઉકેલાઈ જાય અને ઝઘડાના પક્ષકારો વચ્ચે સામાન્ય સંબંધ સ્થાપિત થાય.

જો સમાધાનની પ્રક્રિયા પૂરતી ન લાગે તો ત્રીજા પક્ષ દ્વારા મધ્યસ્થીની તકનીકનો ઉપયોગ થઈ શકે. મધ્યસ્થી સમાધાનની અન્ય તકનીકનો ઉપયોગ તો કરે જ છે, પણ પક્ષકારોને મદદ કરવા ઉપરાંત પોતે પણ રચનાત્મક પ્રસ્તાવો કરે છે, જેની મદદથી તેઓનો ઝઘડો ઊકલી શકે. સમાધાન કરાવનાર ઝઘડાના પક્ષકારોનાં વલણોની સ્પષ્ટતા કરે છે કે ઉકેલના માર્ગ અંગે ટૅકનિકલ મત આપે છે, જ્યારે મધ્યસ્થી ઝઘડાના ઉકેલની આડે આવતા અવરોધને પાર કરવાના રસ્તાઓ પણ બતાવે છે. જોકે શાંતિમય સમાધાન માટેના પ્રયાસોની બધી તકનીકોમાં ત્રીજો પક્ષ તટસ્થતા જાળવી રાખે છે. સફળ મધ્યસ્થી માટે ત્રીજા પક્ષને કાયદેસરની સ્વીકૃતિ (legitimacy) મળેલી હોવી જોઈએ અને તે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવા માટેનું કૌશલ્ય ધરાવનાર હોવો જોઈએ. સમાધાન અને મધ્યસ્થીની આ તકનીકો સંવાદની સુવિધા સર્જવા માટે, સહકાર-આધારિત હોવાને કારણે અને ઓછામાં ઓછી દખલગીરી ધરાવતી હોવાને કારણે લોકપ્રિય બનેલી છે.

આમ છતાં આ બંને નિષ્ફળ પણ જઈ શકે છે. આવા સંજોગોમાં કાનૂની પતાવટની પદ્ધતિ(judicial settlement)નો આશરો લઈ શકાય છે. આ માટેના ઉપાયો તરીકે લવાદપ્રથા, ન્યાયમૂર્તિઓની પૅનલ કે સ્વતંત્ર પંચનો સમાવેશ થાય છે. ઝઘડાના પક્ષકારો અહીં આવી કોઈ સંસ્થાને ઝઘડાના ઉકેલની જવાબદારી સોંપીને અપાનાર ચુકાદાને સ્વીકારવાની બાંયધરી આપે છે. ઝઘડાના પક્ષકારો અંગે અને પ્રશ્નો અંગે સ્પષ્ટતા હોય તેમજ પ્રશ્ન માત્ર અર્થઘટનનો જ હોય ત્યારે આ તકનીક ઉપયોગી થાય છે. ઘણાબધા પક્ષકારો હોય, સિદ્ધાંતના પ્રશ્નો ઊભા થાય, વલણોમાં આવેશ હોય અને હિંસા થયેલી હોય કે થવાની શક્યતા હોય ત્યાં આ તકનીક ઉપયોગી થતી નથી. આથી સ્થાનિક પ્રશ્નમાં ન્યાયકીય પતાવટની વ્યવસ્થા જેટલી સફળ થયેલી છે તેટલી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ન્યાયકીય પતાવટની વ્યવસ્થા સફળ બનેલી નથી. ન્યાયકીય પતાવટની પદ્ધતિઓ પ્રશ્નોને સંતોષકારક રીતે ઉકેલી ન શકતી હોવાથી, મંત્રણાઓ નિષ્ફળ જાય તો રાજ્યો આથી સીધા બળનો જ ઉપયોગ કરે છે.

આંતરરાષ્ટ્રીય રાજકીય પ્રથામાં અરાજકતાભરી સ્થિતિ છે અને સાર્વભૌમ રાજ્યોની ઉપર આધિપત્ય ધરાવનાર કોઈ ઘટક ન હોવાથી રાજ્યો જેને રાજકીય ઝઘડાઓ ગણે છે તે કોઈ ત્રીજા રાજ્યને સોંપવા કે ન્યાયકીય સંસ્થાને સોંપવા અથવા તેના નિર્ણયને સ્વીકારવા માટે તૈયાર હોતા નથી. આવે સમયે તાકાતનો ઉપયોગ રાષ્ટ્રીય હેતુ માટે સ્વાભાવિક ગણાય છે. એટલે કે પ્રશ્નની શાંતિમય પતાવટ કરવાને બદલે યુદ્ધનો આરંભ થાય છે.

બીજા કેટલાક અભ્યાસીઓ એવું માને છે કે મુત્સદ્દીગીરીની દુનિયામાં આ તકનીકોનો ઉપયોગ થાય છે. કાનૂની ર્દષ્ટિએ તમામ રાજ્યો સમાન હોવા છતાં વાસ્તવિક ર્દષ્ટિએ રાજ્યોમાં અસમાનતા હોય છે. આથી શક્તિશાળી રાજ્યો બીજાં રાજ્યો વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી તરીકે કામ કરે છે. 1978ના કૅમ્પ ડેવિડ કરારો, 1979નો ઝિમ્બાબ્વે સમાધાન, 1980માં ઈરાનમાં બાનમાં લેવાયેલ અમેરિકાની એલચી કચેરીમાંના અમેરિકન મુત્સદ્દીઓ અંગેનું સમાધાન – આવા સત્તાના રાજકારણનાં ઉદાહરણો છે. પૅલેસ્ટાઇન અને ઇઝરાયલના પ્રશ્નોના ઉકેલ માટે આજે પણ ખાસ કરીને પૅલેસ્ટાઇન અમેરિકાની મધ્યસ્થીને અનિવાર્ય માને છે. આવા મધ્યસ્થીઓ ‘લાભ આપવા’ અને ‘શિક્ષા કરવા’માં – બંનેમાં સમર્થ હોય છે. શીતયુદ્ધ દરમિયાન સર્વોચ્ચ સત્તા દ્વારા કરવામાં આવતી મધ્યસ્થીને અનુરૂપ માહોલ ન હતો. શીત યુદ્ધના અંત પછી ફરી સમાધાન અને મધ્યસ્થી જેવી તકનીકના ઉપયોગ માટે યોગ્ય વાતાવરણ પેદા થયું છે. આમ સામાન્ય રીતે મધ્યસ્થીઓ રાજકીય રીતે તટસ્થ હોય અથવા બંને પક્ષકારોની નજરમાં મધ્યસ્થી તટસ્થ હોય એ હિતાવહ ગણી શકાય; પરંતુ વાસ્તવમાં મધ્યસ્થી તટસ્થ ન હોય તો ઝઘડાના કોઈ એક પક્ષકારને મધ્યસ્થીની દરમિયાનગીરી સ્વીકૃત બનતી નથી; દા.ત., ભારતે કાશ્મીરમાં અમેરિકાની મધ્યસ્થી સ્વીકારી નથી.

એક ત્રીજા જૂથના વિદ્વાનો ઝઘડાઓને રાજ્યો વચ્ચેના સંઘર્ષો તરીકે જોતા નથી, પણ સામાજિક પ્રક્રિયાના ભાગ તરીકે લક્ષમાં લે છે. આંતરરાષ્ટ્રીય સંઘર્ષોના મૂળમાં અનેક પરિબળો છે – વિચારસરણી, વાંશિક ઝઘડાઓ, નિર્ણય લેનારાઓની ગેરસમજ કે અમુક ખાસ પ્રકારની સમજ, સ્થાનિક પરિબળોની વિદેશનીતિ પર પડતી અસરો, આર્થિક અને સામાજિક અન્યાય વગેરે. આ પરિબળો અંગે જ્ઞાન મેળવ્યા પછી ઝઘડાના પક્ષકારો સમજૂતી માટે તૈયાર થાય છે. સમાધાન અને મધ્યસ્થીની એક ઉચ્ચ પૃથક્કરણીય પ્રથા આવા આંતરરાષ્ટ્રીય ઝઘડાઓને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે. બર્ટન, કેલમૅન, ડુવ વગેરેએ 1960 અને 1970ના દાયકામાં આવી પદ્ધતિઓ વિકસાવી હતી, જે ‘અંકુશિત સંવહન’ કે ‘કેસ-વર્ક પદ્ધતિ’, ‘પૂર્વમંત્રણા પદ્ધતિ’, ‘ત્રીજા પક્ષ દ્વારા સલાહમસલત’ જેવી વિવિધ સંજ્ઞાઓથી ઓળખાય છે. આ માટે ‘પ્રશ્નો હલ કરવાનો અભિગમ’ (problem solving approach) – એ સંજ્ઞા હવે સ્વીકૃત થઈ છે. આ પદ્ધતિ મધ્યસ્થી કરતાં સમાધાનની વધુ નજીક છે.

બે રાજ્યોના ઝઘડાઓમાં ત્રીજા રાજ્યની મધ્યસ્થીનાં ઉદાહરણો રાષ્ટ્ર-રાજ્ય પ્રથાના વિકાસ પૂર્વેના ઇતિહાસમાં ઘણી વાર નજરે પડતાં. આ હેતુ માટે ઘણી વાર ખ્રિસ્તી ધર્મના વડા પોપનો પણ ઉપયોગ થતો.

ઓગણીસમી સદીમાં રાજ્યો વચ્ચે ઘણી લવાદી સંધિઓ (arbitration treaties) થઈ. 1899 અને 1907ની હેગ પરિષદો પછી એક કાયમી લવાદી અદાલત (Permanent Court of Arbitration) સ્થાપવાનું નક્કી થયું. જોકે ‘રાષ્ટ્રીય સન્માન’ના અને ‘પ્રાણરૂપ રાષ્ટ્રીય હિત’ના પ્રશ્નો આ અદાલતને સોંપવા કે નહિ તેનો નિર્ણય લેવાનું કાર્ય રાજ્યો પર છોડી દેવામાં આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય ઝઘડાઓના શાંતિપૂર્વકના નિકાલની પદ્ધતિઓના વિકાસનું મહત્વનું સીમાચિહ્ન હતું રાષ્ટ્રસંઘની સ્થાપના. રાષ્ટ્રસંઘના બંધારણમાં એક મહત્વનો સિદ્ધાંત એ હતો કે તેને આંતરરાષ્ટ્રીય ઝઘડાઓમાં વચ્ચે પડવાનો અધિકાર હતો; એટલું જ નહિ, પણ એમ કરવાની તેની ફરજ પણ હતી. તે જ રીતે ઝઘડનારાં રાજ્યોની પણ એ ફરજ હતી કે તેમણે તેમના ઝઘડાઓ ઉકેલવા માટે રાષ્ટ્રસંઘની વિવિધ પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિનો આશરો લેવો. રાષ્ટ્રસંઘના બંધારણની તેરમી કલમ મુજબ રાજ્યો પોતાના ઝઘડા ઉકેલવા બળનો આશરો ન લેવાની જવાબદારી સ્વીકારતાં હતાં. તેના બંધારણની પંદરમી કલમ મુજબ કોઈ એક પક્ષકાર ઝઘડાનો સ્વીકાર ન કરે તોપણ રાષ્ટ્રસંઘની સમિતિ ઝઘડાને લક્ષમાં લઈ શકે. રાષ્ટ્રસંઘે મધ્યસ્થી અને સમાધાનપંચનો ઉપયોગ વ્યવહારમાં કર્યો જ હતો. તેના બંધારણની પંદરમી અને સોળમી કલમ મુજબ રાષ્ટ્રસંઘની સમિતિ આર્થિક અને લશ્કરી શિક્ષાનાં પગલાં લઈ શકે તેમ ન હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘના બંધારણના છઠ્ઠા પ્રકરણની કલમ 33થી 38માં ઝઘડાઓની શાંતિમય પતાવટની પદ્ધતિનો ઉલ્લેખ છે. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીને ભયમાં મૂકનાર કોઈ પણ ઝઘડાના ઉકેલ માટે રાજ્યો શાંતિમય પતાવટની પદ્ધતિનો આશરો લઈ શકે છે. આ પદ્ધતિઓ નિષ્ફળ જાય તો કલમ–2 રાજ્યોને યુદ્ધનો આશરો લેતાં રોકે છે. દરેક ઝઘડામાં સંયુક્ત રાષ્ટ્રસંઘ સંડોવાય તે જરૂરી નથી; પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની બહાર ન ઉકેલાયેલા પ્રશ્નો સલામતી સમિતિને જ સોંપાવા જોઈએ. મહાસભા પણ રાજ્યોના ઝઘડાની શાંતિમય પતાવટની પદ્ધતિ સાથે સંકળાયેલ છે; પણ તેની ભૂમિકા સલામતી સમિતિ જેટલી મહત્વની અને અસરકારક નથી.

બે રાજ્યો વચ્ચેના ઝઘડામાં ત્રીજા પક્ષની દરમિયાનગીરીના કેટલાક ફાયદા છે; જેમ કે, કોઈ પક્ષકારને પીછેહઠ કરવી હોય તો મધ્યસ્થી દ્વારા આવી પીછેહઠ કરવાનું શક્ય બને છે. ઝઘડાના પક્ષકારોમાં સીધી સોદાબાજી કે છૂટછાટો મુશ્કેલ હોય છે; પણ મધ્યસ્થી તેમને શક્ય બનાવે છે. મધ્યસ્થી નિષ્પક્ષ હોય તો સમાધાનની સ્વીકૃતિ શક્ય બને છે. ઝઘડાના પક્ષકારોએ સ્વેચ્છાએ મધ્યસ્થી સ્વીકારી હોય તો તેની સેવા વધુ સ્વીકૃત બને છે.

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ