મત્સ્ય (અવતાર) : ભારતીય પુરાણો મુજબ ભગવાન વિષ્ણુના દસ મુખ્ય અવતારોમાંનો પ્રથમ અવતાર. તેને લીલાવતાર પણ કહે છે. પુરાણો મુજબ, વિષ્ટણુના 24 અવતારો છે. શ્રીમદભાગવત આમાંથી દશને મુખ્ય ગણે છે. વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો, ત્યારે જે પુરાણનું કથન કર્યું હતું, તે ‘મત્સ્યપુરાણ’ કહેવાય છે. અઢાર મહાપુરાણોમાં ક્રમમાં તે સોળમું છે. તેમાં ચૌદ હજાર શ્લોક છે. વેદમાં એટલે શતપથ બ્રાહ્મણમાં ઉક્ત મત્સ્યાવતારની કથાનો વિસ્તાર જ આ પુરાણ(1/11–34)માં છે. અસુર હયગ્રીવ બ્રહ્મા પાસેથી વેદોનું હરણ કરવા ધસી ગયો, ત્યારે વિષ્ણુએ આ અવતાર લીધો અને વેદનો ઉદ્ધાર કર્યો. એનું નીચેનું શરીર મત્સ્ય જેવું અને ઉપરનું મનુષ્ય જેવું હતું. એના મસ્તકે શૃંગ હતાં, ચાર હાથ હતા અને સમગ્ર શરીરે કમળનાં ચિહ્ન હતાં. એમની કૃપાથી રાજા સત્યવ્રત વૈવસ્વત મનુ થયા તેવો મહાભારતમાં નિર્દેશ છે. તે તપ કરતા હતા, ત્યારે કમંડળમાં એક નાનકડું માછલું આવ્યું. તેનું કદ ઉત્તરોત્તર જેમ જેમ વધતું ગયું, તેમ તેમ રાજા એના રક્ષણ માટે મોટા અને મોટા સ્થાનમાં મૂકતા ગયા. અંતે તેને સમુદ્રમાં મૂક્યું તો તેને પણ અતિક્રમી જવા લાગ્યું. હવે રાજાએ તેની સ્તુતિ કરી. રાજાએ તેની પાસેથી જાણ્યું કે આ અદભુત તત્વ વિષ્ણુ જ છે. વિષ્ણુએ કહ્યા મુજબ પ્રલયકાળ સમીપ હતો. એક નૌકામાં સપ્તર્ષિઓ અને સમગ્ર સૃષ્ટિનાં બીજતત્વો મનુએ લીધાં અને એ નૌકા મત્સ્યના શૃંગે બાંધી. પ્રલય આવી ગયા પછી નૂતન કલ્પમાં સૃષ્ટિનો આરંભ થયો. ચૈત્ર સુદ પાંચમે મત્સ્યજયંતી આવે છે. આ દિવસે મત્સ્યાવતાર પ્રગટ્યો હતો. આજે પણ આ દિવસે મત્સ્યરૂપિણી પ્રતિમાનું પૂજન થાય છે. મનુ અને મત્સ્ય જેવી કથા બાઇબલ (હોલી બાઇબલ, જેનેસિસ, ચૅપ્ટર 6, 7 અને 8)માં પણ છે. જયદેવના ‘ગીતગોવિન્દ’માં મત્સ્યાવતારની પ્રશસ્તિ છે. જયશંકર ‘પ્રસાદ’ની ‘કામાયની’માં પણ આનું નિરૂપણ છે.

રશ્મિકાન્ત પદ્મકાન્ત મહેતા