મત્સ્ય (પ્રદેશ) : સપ્તસિંધુ-પ્રદેશમાં આવેલો એક ભૂ-ખંડ. હાલનો પૂર્વ રાજસ્થાનનાં ભરતપુર, અલવર, ધૌલપુર અને કરૌલીનો પ્રદેશ પ્રાચીન કાળમાં મત્સ્યદેશ કહેવાતો. 1948માં તે મત્સ્ય યુનિયન કહેવાયો અને પછી સાર્વભૌમ ભારતમાં મળી ગયો. ઋગ્વેદ(VII/18/6)માં વર્ણવાયેલા દાશરાજ્ઞ યુદ્ધમાં મત્સ્ય જાતિનો ઉલ્લેખ છે. તેઓ સુદાસના પ્રતિપક્ષમાં હતા. કુરુક્ષેત્ર, પાંચાલ, શૂરસેન અને મત્સ્ય પ્રદેશોને બ્રહ્મર્ષિના પ્રદેશ કહેવામાં આવતા હતા; કારણ કે ત્યાં વેદધર્મનો વિકાસ સારા પ્રમાણમાં થયો હતો. આર્યોની અનેક શાખાઓ સપ્તસિંધુના પ્રદેશથી આગળ વધી દક્ષિણ તથા પૂર્વ તરફ ગતિ કરતી ગઈ હતી એટલે મત્સ્યપ્રદેશ કેન્દ્રમાં હતો. આ દેશની પ્રજામાં વેપારી લક્ષણો વિશેષ હતાં. અહીં અનેક મૂલ્યવાન વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવતું હતું. સૈન્ધવ પ્રદેશને કારણે મત્સ્ય-પ્રદેશને અન્ય બિનભારતીય પ્રજા સાથે વેપારવાણિજ્યના સંબંધો વિશેષ હતા. રામાયણના રાજા દશરથે કૈકેયીની પ્રસન્નતા માટે મત્સ્યદેશમાંથી જ મૂલ્યવાન રત્નો, આભૂષણો અને વસ્ત્રો મેળવ્યાં હતાં. મહાભારતના સમયમાં પાંડવો ગુપ્તવાસમાં અહીં જ રહ્યા હતા. તેના વિશાળ વિસ્તારને કારણે તેને ‘વિરાટ’ કહેવામાં આવતો હતો.

મત્સ્યદેશની પ્રજા વાણિજ્ય-પ્રધાન હોવાથી પ્રામાણિકતા અને દાનશીલતા માટે પ્રાચીન ભારતમાં પ્રસિદ્ધ હતી. જરાસંધના ભયને કારણે અનેક પ્રજાઓ સ્થળાંતર કરીને અહીં વસી હતી. મત્સ્ય જાતિના સામાન્ય માનવીઓ પણ કર્તવ્યનિષ્ઠ અને કર્મશીલ હતા. વિશાળ નદીઓને કારણે આ પ્રદેશ મત્સ્ય કહેવાયો છે. મહાભારતના યુદ્ધમાં આ જાતિએ ભાગ લીધો હતો તથા અંતિમ દિવસ સુધી તેઓ યુદ્ધમેદાનમાં ઝૂઝ્યા હતા. સરસ્વતી નદી લુપ્ત થયા પછી આ પ્રદેશનું મહત્વ ક્રમશ ઘટતું ગયું.

વિનોદ મહેતા