મણિમહેશ (1969) : બંગાળી લેખક ઉમાપ્રસાદ મુખોપાધ્યાયની પ્રવાસવૃત્તાંતની કૃતિ. આ ગ્રંથને સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો.

ઉમાપ્રસાદ મુખોપાધ્યાય (જ. 19૦2) બંગાળીના નામાંકિત લેખક છે. કલકત્તા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી ઘણાં વર્ષો સુધી વકીલાતનો વ્યવસાય કર્યો. 1958માં વકીલાત છોડી, શાંતિની શોધમાં હિમાલયના પ્રવાસે નીકળી પડ્યા. તેના ફળસ્વરૂપે પ્રવાસવર્ણનની શ્રેણીનું લેખન આરંભાયું અને તેમાં પ્રકૃતિના સાંનિધ્યના અનન્ય અનુભવો તથા જીવનનાં શાશ્વત મૂલ્યો આલેખાયાં.

આ પ્રવાસકથા ત્રણ ભાગમાં છે. પ્રથમ ભાગમાં પઠાણકોટથી મણિમહેશની તળેટી સુધીના અને બીજામાં ખરા-પથરથી જમુના ખીણ પરના ઊંચા કૅન્ટૉનમેન્ટ વિસ્તાર ચક્રાત સુધીના પ્રવાસનું વર્ણન છે. ઉત્કટ પ્રેરણાથી લખાયેલા ત્રીજા ભાગમાં તેમનાં ‘અનોખાં સંસ્મરણો’ સચવાયાં છે. લેખક 6,7૦6 મીટર ઊંચા કિન્નોર કૈલાસ સુધીનો પ્રવાસ કરે છે; તેના શિખરમાં શિવલિંગની પ્રતિમા રચાય છે.

વાચકને આકર્ષવા માટે લેખકે ક્યાંય કોઈ વાત ઉપજાવી કાઢી નથી. તેઓ હિમાલયના સંનિષ્ઠ ચાહક છે. તેમનાં વર્ણનોમાં તમામ પ્રકારની પૌરાણિક તેમજ સામાજિક–નૃવંશશાસ્ત્રીય માહિતી આલેખાઈ છે અને છતાં તેની રસપ્રદતા જોખમાતી નથી. સાથોસાથ તેમણે કેટલાંક જીવંત વ્યક્તિચિત્રો પણ આલેખ્યાં છે. આ ગ્રંથ લેખકની સર્જનાત્મક શક્તિનો ઉત્તમ નમૂનો પણ બની રહે છે. તેની શૈલી સરળ અને અભિવ્યક્તિ ભાવવાહી છે. પર્વતમાળા અને પર્વતીય સંસ્કૃતિને વરેલા સંનિષ્ઠ ચાહક-ઉપાસક તરીકે તેમની પ્રતિભા આમાં ઊભરે છે. ઘોંઘાટિયા માનવસમુદાયથી અતિ દૂર જઈ તેઓ સૂર્યના સંગાથમાં શોભતા હિમાલયની પર્વતમાળાનું શરણું સ્વીકારી શાંતિ પામે છે. હિમાલયની તેમની આ બાહ્ય યાત્રા વસ્તુત: સ્વવિકાસની આંતરિક યાત્રા બની રહી છે.

મહેશ ચોકસી