મણિમેખલાઈ : તમિળ મહાકાવ્ય. આ મહાકાવ્ય ચેત્તાન કવિએ 6૦૦માં રચ્યું હતું. ઇલંગો અડિગલ કવિએ રચેલ ‘શિલપ્પદિકારમ્’ના વિષયવસ્તુને અનુસરતી આ કૃતિ જોડિયા-રચના તરીકે પ્રસિદ્ધ છે. બંને કૃતિઓ જોડે મળીને 4 જીવન-મૂલ્યોનું વિવરણ કરવા મથે છે. ‘એરમ’ (સદાચાર), ‘પોરુલ’ (સંપત્તિ), ‘ઇન્પુમ’ (પ્રેમ) અને ‘વિતુ’ (મુક્તિ). પ્રથમ 3 જીવનમૂલ્યોનું વિવરણ ‘શિલપ્પદિકારમ્’માં વિશેષ છે તો છેલ્લા જીવનમૂલ્યનું વિવરણ ‘મણિમેખલાઈ’માં વિશેષ છે. ‘મણિમેખલાઈ’ એવું નામાભિધાન કોવલન અને માતાવી નામનાં દંપતીની પુત્રી મણિમેખલાના મુખ્ય પાત્ર પરથી થયું છે.

‘મણિમેખલાઈ’ કૃતિ અચિરિયમ નામના છંદમાં રચાઈ છે. 3૦ પ્રકરણમાં 4,8૦૦ આસપાસ કાવ્યપંક્તિ ધરાવતી આ કૃતિ તમિળ ભાષામાંની ‘મુત્તામિલ’ અર્થાત ત્રિસ્તરીય રચના છે. તેમાં ‘ઈયાળ’ (સાહિત્યિક વિષયવસ્તુ), ‘ઈસાઈ’ (સંગીત), અને ‘નાટકમ્’ (નૃત્ય-નાટ્ય-નાટ્યાત્મક) એવાં ત્રણે તત્વો છે. આવી કૃતિ પ્રશિષ્ટ રચના ભલે નથી બની શકી; પણ એમાં સામાજિક, સાંપ્રદાયિક અને રાષ્ટ્રીય એ ત્રણેય સ્તરની એકતા જોવા મળે છે, જે એની ગુણવત્તાનું કીમતી પાસું છે. આ કૃતિ તેનાં બોધાત્મક અને સામાજિક મૂલ્યોની ર્દષ્ટિએ મહત્વની છે. સમગ્ર જીવંત રસજીવોની સેવા કરતાં કરતાં જગતનાં બંધનોમાંથી અનાસક્તિ તરફ ગતિ કરવી એ બૌદ્ધધર્મી જીવનમાર્ગ અહીં ઉપદેશાયો છે, તો સાથે જૈન ધર્મમાં જોવા મળતી જીવદયાનો પણ અહીં સમાદર કરાયો છે. કથાનો મુખ્ય તંતુ રસમય હોવા છતાં આ કૃતિની અતિ જટિલ વિગતોને છૂટી પાડી પરસ્પર મેળવીને સમજવી એ કઠિન શ્રમકાર્ય બની રહે છે. વળી પાત્રોની ખૂબ ભરમાર અને ઘટના–બાહુલ્યને કારણે વસ્તુગૂંથણીમાં પણ ઘણી જગ્યાએ શિથિલતા જોવા મળે છે.

સાંપ્રદાયિક વિવાદની બાબતમાં આ કૃતિ તે પછીની આ પ્રકારની ઘણી રચનાઓની પૂર્વગામિની છે. સમગ્ર તમિળ વાઙમયમાં અન્યત્ર ક્યાંય નથી જોવા મળતી એ બૌદ્ધ દર્શન અને તત્વજ્ઞાન-વિષયક માહિતીની આ કૃતિ ખાણ છે. સ્થળવર્ણનમાં અનેક સ્થળે ઉત્તમ કવિત્વ દાખવતી આ કૃતિ તમિળ ભાષાનાં 5 પુરાણપ્રસિદ્ધ મહાકાવ્યોમાં શિરમોર રચના ગણાય છે.

રતિલાલ સાં. નાયક