મણિપુર : ભારતના પૂર્વદ્વારે આવેલું નાનું ડુંગરાળ રાજ્ય. તે પ્રાચીન કાળથી ઇતિહાસ અને પુરાણમાં પ્રચલિત છે. આ રાજ્ય ‘રત્નોના પ્રદેશ’ (Land of Gems) તરીકે ઓળખાય છે. એક લોકવાયકા એવી પણ છે કે શિવપાર્વતીનું નૃત્ય નીરખવા માટે સ્વયં અનંત (શેષનાગ) અહીં પધારેલા અને તેમની ફેણમાં રહેલા મણિના તેજથી આખો પ્રદેશ દિવસો સુધી ઝળહળતો રહેલો એટલે તેના પરથી આ પ્રદેશનું નામ ‘મણિપુર’ પડેલું છે. આ ઉપરાંત તેને ‘ભારતનું રત્ન’ (Jewel of India), ‘નાનકડું સ્વર્ગ’ (A Little Paradise), ‘ઊંચાઈ પરનું પુષ્પ’ (A Flower of Lofty Heights), ‘પૂર્વીય ભારતનું કાશ્મીર’ (Kashmir of Eastern India) જેવાં વિવિધ ઉપમાનો પણ મળેલાં છે.

મણિપુર રાજ્ય

આ રાજ્યની ઉત્તરે નાગાલૅન્ડ, પશ્ચિમે આસામ તથા અગ્નિખૂણે મિઝોરમ રાજ્યો આવેલાં છે. આ ઉપરાંત તેની દક્ષિણ અને પૂર્વમાં મ્યાનમાર (બર્મા) દેશની સીમા પ્રસરેલી છે, જે આશરે 3૦૦ કિમી.ની લંબાઈ ધરાવે છે. આ રાજ્ય આશરે 230 5૦´થી 250 42´ ઉ. અક્ષાંશવૃત્તો તેમજ 920 59´થી 940 46´ પૂ. રેખાંશવૃત્તો વચ્ચે પથરાયેલું છે. આ રાજ્યની મધ્યમાં થઈને ઉત્તર-દક્ષિણ દિશામાં 940 પૂ. રેખાંશવૃત્ત પસાર થાય છે. તે પ્રમાણે જોતાં આ રાજ્યની મહત્તમ લંબાઈ આશરે 25૦ કિમી. જેટલી છે. જો પાટનગર ઇમ્ફાલ પરથી પૂર્વ-પશ્ચિમ જતી રેખા કલ્પવામાં આવે તો આ રાજ્યની પહોળાઈ આશરે 1૦૦ કિમી. જેટલી થવા જાય છે. આ રાજ્ય આઠ જિલ્લાઓમાં વહેંચાયેલું છે : બિશ્નુપુર, ચન્દેલ, ચુરાચાંદપુર, ઇમ્ફાલ, સેનાપતિ, તામેન્ગલોન્ગ, થોઉબલ અને ઉખરુલ. મણિપુર રાજ્યનું કુલ ક્ષેત્રફળ લગભગ 22,327 ચોકિમી. જેટલું છે.

પ્રાકૃતિક રચના તથા જળપરિવાહ : રાજ્યનો આશરે 910 ભાગ ડુંગરા-ટેકરીઓથી છવાયેલો છે. ઉત્તર-દક્ષિણ દિશામાં હારબંધ લંબાયેલી ટેકરીઓની વચ્ચે વચ્ચે નદીખીણો આવેલી છે. ઉત્તર દિશામાં વિસ્તરેલી ટેકરીઓ ‘મણિપુરની ટેકરીઓ’ તરીકે ઓળખાય છે. તે સરેરાશ 5૦૦થી 1,8૦૦ મી.ની ઊંચાઈ ધરાવે છે. આ ટેકરીઓ નાગાલૅન્ડની ટેકરીઓનું દક્ષિણ તરફનું અનુસંધાન છે. રાજ્યના મધ્ય ભાગે ચારેય બાજુએ ઊંચી પર્વતીય ટેકરીઓથી ઘેરાયેલો આશરે 5૦ કિમી. લાંબો તથા 3૦ કિમી. પહોળો થાળાવિસ્તાર – બેસિન (basin) આવેલો છે, તેને ‘મણિપુરની ખીણ’ કહે છે. તે સમુદ્રસપાટીથી આશરે 79૦ મી.ની ઊંચાઈ ધરાવે છે, જે દેશનો એકમાત્ર સપાટ અને વસવાટલાયક ભાગ છે. કાશ્મીરની ખીણ સમાન આ પ્રદેશ પણ પ્રાચીન વિસ્તૃત સરોવરનો તળવિસ્તાર હોવાનું જણાય છે. આજે તેનો અંશત: 12 કિમી. લાંબો અને 8 કિમી. પહોળો ભાગ લોગટાક (Logtak) સરોવરથી ઘેરાયેલો છે. આ સરોવર મીઠું પાણી ધરાવે છે.

મણિપુરની ખીણમાં કેન્દ્રગામી (dendrical) જળપરિવાહ રચાયેલો છે. એટલે કે નદીઓ બધી બાજુએથી નીકળીને આ નીચા મેદાનપ્રદેશમાં ઊતરી આવે છે. આ પૈકીની ઇમ્ફાલ તથા થોઉબલ (Thoubal) નદીઓ મોટી છે. વળી લોગટાક સરોવરમાંથી મણિપુર નદી ઉદભવે છે અને ખીણપ્રદેશમાં થઈને તે દક્ષિણ તરફ વહે છે. આગળ જતાં તે મ્યાનમારની ચિંદવિન નદીની ઉપનદી સાથે સંગમ પામે છે. લોગટાક સરોવર માટે ભારત સરકારે એક બહુહેતુક યોજના તૈયાર કરી છે.

આ ઉપરાંત રાજ્યની પશ્ચિમે સુરમા નદી વહે છે, પણ તે મણિપુરમાં બરાક (Barak) નદી તરીકે ઓળખાય છે. તેણે અહીં પશ્ચિમ મણિપુરની ટેકરીઓમાં સાંકડી, ઊંડી તથા સીધા ઢોળાવવાળી ખીણની રચના કરી છે. આગળ જતાં આ નદી બાંગ્લાદેશમાં વહેતી મેઘના નદીને મળે છે.

આબોહવા, કુદરતી વનસ્પતિ તથા પ્રાણીજીવન : અહીંની આબોહવા ઉપઅયનવૃત્તીય (subtropical) પ્રકારની છે, પણ ઊંચાઈને લીધે ટેકરીઓ પરનું તાપમાન નીચું અને વરસાદનું પ્રમાણ વધારે રહે છે. અહીં ઉનાળાનું તાપમાન 290 સે.થી 140 સે. તેમજ શિયાળાનું 250 સે.થી 70 સે. જેટલું રહે છે. વળી ઉનાળામાં રાત્રિ દરમિયાન તથા સવારે હવામાન શીતળ રહે છે, જ્યારે શિયાળામાં રાત્રે હિમ (frost) પડે છે અને ખીણપ્રદેશોમાં સવારે જ્યાં સુધી સૂરજ તપે નહિ ત્યાં સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. અહીં એપ્રિલથી ઑક્ટોબર માસ સુધી ચોમાસાની ઋતુ ચાલે છે. ખીણપ્રદેશમાં 1,૦૦૦ મિમી.થી 2,૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે, જે ડાંગરની ખેતી માટે પૂરતો થાય છે. આમ છતાં જ્યારે વરસાદ સમયસર ન આવે ત્યારે તેમજ અતિશય વરસાદથી પૂર આવે ત્યારે ખેતીને સહન કરવાનું આવે છે.

રાજ્યનો આશરે 27% ભૂમિવિસ્તાર જંગલ-આચ્છાદિત છે. અહીં ઉષ્ણકટિબંધીય સદાહરિત તેમજ અર્ધ-સદાહરિત ભેજવાળાં પાનખર જંગલો જોવા મળે છે. અહીંનાં જંગલોમાં સાગ, તૂન (tun), જારુલ (jarul), ઓક, દેવદાર (pine) વગેરે ઇમારતી લાકડું આપતાં વૃક્ષો આવેલાં છે. આ સિવાય બધે જ વાંસનો પુષ્કળ પ્રમાણમાં ફેલાવો થયેલો છે. અહીં ઘાસ પણ પુષ્કળ થાય છે. આ રાજ્ય તેના જૈવિક વૈવિધ્ય (biodiversity) માટે જાણીતું છે. અન્યત્ર ભાગ્યે જ જોવા મળતી વનસ્પતિ તથા જીવસૃષ્ટિ અહીં જોવા મળે છે. આ પૈકી શિરોય કુમુદિની (Shiroy Lily) કે જે સ્વર્ગીય પુષ્પ ગણાય છે, તે દુનિયાભરમાં અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી.

અહીંનાં જંગલોમાં મુખ્યત્વે હાથી, વાઘ, ચિત્તા, રીંછ, ગેંડા, હૂલૉક ગિબન (Hoolock Gibbon), લંગૂર, સ્લો લૉરિસ (Slow Loris), શિયાળ, હરણ, જંગલી બિલાડા વગેરે સસ્તન પ્રાણીઓ વિહરતાં જોઈ શકાય છે. આ ઉપરાંત અનેક પ્રકારના સરીસૃપો અને વિવિધ જાતનાં સ્થળચર અને જળચર પક્ષીઓ પણ અહીં વસવાટ કરે છે. આ રાજ્યમાં કેઈબુલ-લામજાઓ (Keibul-Lamjao) રાષ્ટ્રીય ઉદ્યાન (4૦ ચોકિમી.) તથા યાન્ગોઉપોક્પી-લોક્ચાઓ (Yangoupokpi-Lokchao) વન્યજીવ અભયારણ્ય (184.8૦ ચોકિમી.) પ્રસ્થાપિત કરવામાં આવ્યાં છે, જેને લીધે વન્ય જીવોને રક્ષણ મળ્યું છે. નાગા લોકો નદી તથા જળાશયોમાંથી માછલાં પકડવાની પ્રવૃત્તિ કરે છે.

જમીનો અને ખેતી : અહીં ડુંગરાળ ભાગમાં રાતી જમીનો અને ખીણભાગમાં દળદાર કાંપની જમીનો આવેલી છે. ખીણપ્રદેશોમાં નદીઓ દ્વારા દર વર્ષે નવો કાંપ પથરાતાં જમીનોની ફળદ્રૂપતા જળવાઈ રહે છે. પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને લીધે રાજ્યનો  ભૂમિભાગ ખાસ ઉપયોગી બનતો નથી, તે પડતર અને જંગલ-આચ્છાદિત છે. આજે આશરે 1,79,૦૦૦ હેક્ટર ભૂમિમાં ખેતી થાય છે. ખેતી અને તેની સાથેની સંકલિત પ્રવૃત્તિઓ, એ અહીંની ગ્રામપ્રદેશની પ્રજાને નિર્વાહ કરવાનું સૌથી મોટું સાધન છે. અહીંનો મુખ્ય પાક ડાંગર છે. તે ઉપરાંત મકાઈ, શેરડી, તમાકુ, કઠોળ, અળશી, ફળો, શાકભાજી વગેરે અન્ય પાકો છે. કેટલાંક પહાડી આદિવાસી જૂથો પશુપાલન કરે છે, પણ તેઓ તેમના દૂધ કરતાં માંસને વધુ મહત્વ આપે છે. માલસામાનની હેરફેર કરવા માટે પણ પશુઓનો ઉપયોગ થાય છે.

મણિપુરી કન્યા – તેની પરંપરાગત વેશભૂષામાં

ડુંગરાળ ભાગોમાં વસવાટ કરતા આદિવાસી ખેડૂતો ત્યાં જ સ્થિર વસવાટ કરે તે માટે સોપાનાકાર ખેતરો બનાવીને થતી ખેતી-પદ્ધતિને પ્રોત્સાહન અપાય છે, જેથી તેઓ અત્યંત ગીચ વસ્તી ધરાવતી મણિપુરની ખીણમાં જાય નહિ. વળી આ રાજ્ય ટૂંકા સમયગાળામાં મધ્યમ અને મોટી સિંચાઈ યોજનાઓ તૈયાર કરી શક્યું છે, જેથી આશરે 59,7૦૦ હેક્ટર ખેતભૂમિમાં સિંચાઈની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે.

ઊર્જાસંસાધનો તથા ઉદ્યોગો : રાજ્યમાં તાપ અને જળવિદ્યુતનું વધુ ઉત્પાદન થતાં ઉદ્યોગીકરણને વેગ મળ્યો છે. લોગટાક (Logtak) જળવિદ્યુત પરિયોજના (1૦5 મે.વૉ.), કોપિલી (Kopili) જળવિદ્યુત પરિયોજના, કાઠલગરી (Kathalgari) તાપ-વિદ્યુતમથક વગેરેનો વિદ્યુત-ઉત્પાદન ફાળો સવિશેષ છે. રાજ્યમાં 8૦ % ગામોમાં વિદ્યુતીકરણનું કાર્ય પૂર્ણ થયું છે.

ભૌગોલિક અને અન્ય પ્રતિકૂળતાઓને લીધે આ રાજ્ય ઔદ્યોગિક રીતે પછાત રહ્યું હતું, પણ હમણાં હમણાં તેણે ઉદ્યોગીકરણની દિશામાં કદમ માંડ્યાં છે. આમ છતાં કેટલાક કુટિર-ઉદ્યોગો પણ ઘણી સારી રીતે પ્રસ્થાપિત થયેલા છે. તેમાં હાથસાળવણાટ-ઉદ્યોગ મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં ઘેર ઘેર સ્ત્રીઓ હાથસાળ પર સુંદર વસ્ત્રો વણે છે. હાથસાળના ભાતીગળ કાપડની માંગ દેશ અને વિદેશમાં પુષ્કળ રહે છે. આ ઉદ્યોગ દ્વારા આશરે 3 લાખ લોકો રોજી મેળવે છે.

ખીણવિસ્તારમાં 100 જેટલાં અનુસૂચિત જાતિનાં કુટુંબો શેતૂરનાં વૃક્ષો પર પરંપરાગત રીતે રેશમ-ઉત્પાદનનો વ્યવસાય કરે છે. તેઓ વાર્ષિક 4,૦૦૦ કિમી. કાચા રેશમનું ઉત્પાદન કરે છે. આ રેશમનો ઉપયોગ હાથસાળવણાટ-ઉદ્યોગમાં થાય છે. આ રાજ્યમાં સૌપ્રથમ ઓક ટસર રેશમ-ઉદ્યોગ(Oak Tasar Industry)નો વિકાસ થયો છે. પહાડી ક્ષેત્રોમાં 75 જેટલાં ટસર-ફાર્મ આવેલાં છે; જ્યાં 1,5૦૦ આદિવાસી કુટુંબો વાર્ષિક આશરે 3૦૦ લાખ ટસર-કોશેટાનું ઉત્પાદન કરે છે. અન્ય કુટિર-ઉદ્યોગોમાં સુથારી કામ, સાબુ તેમજ વાંસ, નેતર અને ચામડાની વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ બનાવવાનું કામ – વગેરેનો સમાવેશ થાય છે.

આ રાજ્યમાં ઈ. સ. 1993માં 7,683 જેટલા નાના પાયા પરના ઔદ્યોગિક એકમો નોંધાયા હતા. રાજ્ય તથા કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે ઇમ્ફાલ જિલ્લાના નિલાકુઠી (Nilakuthi) ખાતે દવાઓ બનાવતો એકમ સ્થાપવામાં આવ્યો છે. મધ્યમ પાયાના અન્ય ઉદ્યોગોમાં મુખ્યત્વે સ્ટીલ-રીરોલિંગ મિલ (steel-rerolling mill) અને સ્પિનિંગ મિલ; વાંસની ચીપો તથા પ્લાયવુડનાં કારખાનાં; સાઇકલ એસેમ્બ્લી-ઉદ્યોગ; અનાજ દળવાનાં, વનસ્પતિ ઘી તથા તેને આનુષંગિક પેદાશોનાં કારખાનાં; કાગળ, સિમેન્ટ તથા ખાંડસરીના ઔદ્યોગિક એકમોનો સમાવેશ થાય છે. વળી કાપડનો રંગ (dye) બનાવવાનો એકમ પણ સ્થપાઈ રહ્યો છે. આ ઉપરાંત ઈ. સ. 2૦૦૦નું વર્ષ પૂરું થતા સુધીમાં નવા ઉદ્યોગોની સ્થાપના માટેની આદર્શ યોજના (માસ્ટર-પ્લાન) પણ ઘડી કાઢવામાં આવી છે.

આ રાજ્યમાં મોટા પાયા પર શ્યામ-સફેદ તથા રંગીન ટેલિવિઝન સેટોનું ઉત્પાદન કરવામાં આવે છે. આ સિવાય ઇમ્ફાલ ખાતે ભારત સરકાર-સંચાલિત વીજાણુ ડિઝાઇન અને ટૅકનૉલૉજીના કેન્દ્રની તથા પ્લાસ્ટિક એન્જિનિયરિંગ અને ટૅકનૉલૉજીની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. આ ક્ષેત્રોમાં તાલીમ આપવાની પણ સગવડો છે.

પરિવહન અને પ્રવાસન : ભારતના અન્ય ભાગોથી મણિપુર રાજ્યનો પ્રદેશ પરિવહનક્ષેત્રે અલગ રહ્યો છે. રાજ્યમાં સંદેશાવ્યવહારનાં સાધનોનું પ્રમાણ ઓછું છે. આ રાજ્ય લગભગ 2,351 કિમી. લંબાઈની પાકી સડકો તથા 4,222 કિમી. લંબાઈની કાચી સડકો ધરાવે છે. આ રાજ્યમાં બે રાષ્ટ્રીય ધોરી માર્ગ આવેલા છે. 39 નંબરનો ધોરી માર્ગ પાટનગર ઇમ્ફાલને નાગાલૅન્ડના પાટનગર કોહિમા સાથે તેમજ 53 નંબરનો ધોરી માર્ગ પાટનગર ઇમ્ફાલને આસામ રાજ્યના સિલ્ચર સાથે સાંકળે છે. આ બંને રાષ્ટ્રીય ધોરી માર્ગોની કુલ લંબાઈ 431 કિમી. જેટલી છે. રાજ્યનાં બીજાં અગત્યનાં સ્થળો રાજ્ય ધોરી માર્ગો દ્વારા પાટનગર ઇમ્ફાલ સાથે જોડાયેલાં છે. આ રાજ્યમાં રેલમાર્ગ નથી; પણ ઈ. સ. 199૦માં જીરીબામ (Jiribam) ખાતે રેલમથક સ્થાપવામાં આવ્યું છે.

અહીં ઇમ્ફાલનું એકમાત્ર હવાઈ મથક છે, જે ભારતીય હવાઈ સેવાઓ દ્વારા દીમાપુર, સિલ્ચર અને કોલકાતા સાથે સંકળાયેલું છે. ઈ. સ. 1995થી ઇમ્ફાલ-ગુવાહાટીને જોડતી NEPC ઍરલાઇન્સ શરૂ કરવામાં આવી છે.

આ રાજ્યમાં પ્રવાસન-પ્રવૃત્તિ માટે પાટનગર ઇમ્ફાલ તથા અન્યત્ર વિહારધામોમાં રહેવા-જમવાની તથા પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ છે. વળી પ્રવાસીઓ નૌકાવિહાર, મચ્છીમારી, પંખી-નિરીક્ષણ, રમતગમત તથા આનંદ-પ્રમોદની પ્રવૃત્તિઓ પણ કરી શકે એવી સુવિધાઓ પણ છે.

ડુંગરોની પાર્શ્વભૂમિમાં આવેલું આ રાજ્ય તેના સૃષ્ટિસૌંદર્ય માટે જાણીતું છે. તેનાં પર્વતો, નદીઓ, ઝરણાં, સરોવરો, ખીણો, ગુફાઓ, જળધોધ, ઊંચાં ઊંચાં વૃક્ષો, રંગબેરંગી ફૂલો, વન્ય જીવો વગેરેએ આ પ્રદેશને રમણીય અને દર્શનીય બનાવ્યો છે. અહીં બારેય માસ હરિયાળી છવાયેલી રહે છે. મણિપુરની ખીણ, મીઠા જળનું લોગટાક સરોવર, કેઈબુલ લામજાઓ (Keibul Lamjao) નામનું તરતું રાષ્ટ્રીય ઉદ્યાન, વિવિધ ઑર્કિડ (Orchids) વનસ્પતિનાં ફાર્મ વગેરે અહીંનાં મુખ્ય આકર્ષણો છે.

વળી આ રાજ્ય દુનિયાભરમાં એની નૃત્યકળા માટે જાણીતું છે. રાધાકૃષ્ણની પ્રેમલીલાની ભૂમિકા પર આધારિત રાસનૃત્ય લાસ્ય પ્રકારનું હોવાથી તે મૃદુ છે; જ્યારે મણિપુરી લોકનૃત્યો તાંડવ પર આધારિત હોઈ ઉગ્ર છે. સ્ત્રીઓ અને પુરુષો આ નૃત્ય એકીસાથે કરી શકે છે. નૃત્યમાં વેશભૂષા તથા ગીતોનું ખાસ મહત્વ છે અને તેમાં ભક્તિ તથા કલાનો સુભગ સમન્વય જોવા મળે છે. આ ઉપરાંત અહીંના તહેવારો અને રીતરિવાજો પણ પર્યટકોને આકર્ષે છે. અહીંની સ્ત્રીઓને હાથસાળ પર સુંદર વસ્ત્રો વણતી જોવી, એ પણ જીવનનો એક લહાવો છે.

પાટનગર ઇમ્ફાલમાં સ્ત્રીઓનું બજાર, પોલો ગ્રાઉન્ડ, યુદ્ધ-સ્મારકો, ગોવિન્દજીનું મંદિર, શહીદ-મિનાર, રાજમહેલનાં ખંડિયેરો, સંગ્રહાલય વગેરે જોવાલાયક સ્થળો છે. આ ઉપરાંત બિશ્નુપુરનું વિષ્ણુમંદિર; સોન્ગસન્ગ તથા ઉખરુલનાં હવા ખાવાનાં સ્થળો પર્યટકો માટે અગત્ય ધરાવે છે.

વસ્તી અને વસાહતો : આજે આ રાજ્ય 18,37,119 (1991) જેટલી વસ્તી ધરાવે છે. રાજ્યની સરેરાશ વસ્તીગીચતા દર ચો.કિમી.દીઠ 82 વ્યક્તિઓની છે, પણ ડુંગરાળ પ્રદેશોની તુલનાએ ખીણપ્રદેશમાં અત્યંત ગીચ વસ્તી કેન્દ્રિત થયેલી છે. કુલ વસ્તીના 7૦ % લોકો ખીણપ્રદેશમાં વસવાટ કરે છે. આ રાજ્યમાં શહેરી વસાહતોની સંખ્યા 31 જેટલી છે અને શહેરી વસ્તીનું પ્રમાણ 28 % જેટલું થવા જાય છે. આ રાજ્યની 61 % વસ્તી શિક્ષિત છે. આ પૈકી પુરુષોમાં અને સ્ત્રીઓમાં આ પ્રમાણ અનુક્રમે 72.98 % તથા 48.64 % જેટલું છે. મણિપુરી અહીંની રાજ્યભાષા છે. આ રાજ્યમાં ઇમ્ફાલ ખાતે મધ્યસ્થ કૃષિ યુનિવર્સિટી અને મણિપુર યુનિવર્સિટી  – એમ બે યુનિવર્સિટીઓ આવેલી છે, જેની સાથે 3૦થી વધુ કૉલેજો સંલગ્ન છે.

આ રાજ્યની 23 ભાગની વસ્તી મૈથેઈ (Meithei) જાતિના લોકોની છે. તેઓ મણિપુર-ખીણમાં વસવાટ કરે છે અને મુખ્યત્વે હિન્દુ ધર્મ પાળે છે. તેઓ મણિપુરી ભાષા બોલે છે. ત્યાંની સ્ત્રીઓ ખીણમાં મોટાભાગના વ્યાપારનું કામકાજ સંભાળે છે અને ઉચ્ચ સામાજિક દરજ્જો ભોગવે છે. મણિપુરની બાકીની વસ્તીનો ભાગ ત્યાંના મૂળ આદિવાસીઓનો બનેલો છે. તેઓ બધાં પહાડી ક્ષેત્રોમાં વસે છે. ઉત્તરનાં જાતિજૂથો નાગા (Nagas) અને દક્ષિણનાં કુકી (Kukis) તરીકે ઓળખાય છે. તેઓ અસંખ્ય ટોળીઓ (clans) અને પેટા-વિભાગોમાં વહેંચાયેલાં છે. તેઓ બધાં તિબેટો–બર્મન કુટુંબની ભાષાઓનો ઉપયોગ કરે છે. અહીં જુદી જુદી ત્રીસ પ્રકારની બોલીઓ બોલાય છે. તેઓ પરંપરાગત પાશુપત (traditional animist) ધર્મનું અનુસરણ કરે છે. કેટલાક નાગા લોકોએ ખ્રિસ્તી ધર્મ પણ સ્વીકાર્યો છે.

મણિપુરનાં ગામડાં અને શહેરોમાં ઠેર ઠેર મંદિરો જોવા મળે છે, જે ઊંડી ધાર્મિકતાને પ્રદર્શિત કરે છે. આ રાજ્યમાં વીસ કુટુંબે સરેરાશ એક મંદિર હોય છે. મંદિરની વચ્ચે મૂર્તિ અને આસપાસ મંડપ હોય છે. ત્યાં વર્ષમાં જાત જાતના ઉત્સવોની ઉજવણી તથા ભજનકીર્તનો થયાં કરે છે. દરેક મંદિરેથી રથયાત્રા કાઢવામાં આવે છે. તે સમયે નવ દિવસ સુધી ધામધૂમપૂર્વક ભજનકીર્તન થાય છે. આ ઉપરાંત ફાગણ માસની પૂનમે દોલજાત્રાનો તહેવાર ઊજવાય છે. આ રાજ્યનો પરંપરાગત લોક-ઉત્સવ ચૈરાઓબા (Cheiraoba) છે, જેમાં વડીલોની પૂજા, દશ દિગ્પાલ તથા ગ્રામરક્ષક દેવોની પૂજા-અર્ચના તેમજ પ્રાંગણમાં દેવો તથા પ્રેતોને નૈવેદ્ય ધરાવવાની પ્રથાનો સમાવેશ થાય છે.

આ રાજ્ય જેમ તેનાં મણિપુરી નૃત્યો માટે તેમ ઘોડા પર બેસીને રમાતી પોલોની રમત માટે પણ પ્રખ્યાત છે. પોલોની રમતની શરૂઆત અહીંથી થઈ હોવાનું મનાય છે. હૉકી પણ અહીંના લોકોની પ્રિય રમત છે.

પાટનગર ઇમ્ફાલ (વસ્તી : 2,00,615) રાજ્યનું વહીવટી અને રાજકીય, ઔદ્યોગિક, વ્યાપારી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. અન્ય અગત્યની શહેરી વસાહતોમાં બિશ્નુપુર, ચંદેલ, ચુરા ચાંદપુર, સેનાપતિ, તામેન્ગલૉન્ગ, થોઉબલ, ઉખરુલ (Ukhrul), કારંગ (Karang) વગેરેનો સમાવેશ થાય છે.

ઇતિહાસ : ઇતિહાસવેત્તાઓના મતે ઈ. સ. 33માં જબિષ્ટદેવ નામના રાજવીએ આ સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી હતી. તે પહેલાં આ પ્રદેશમાં જુદી જુદી પર્વતીય જાતિઓ છૂટીછવાઈ વસવાટ કરતી હતી. ઈ. સ. 125૦માં ચીને આ પ્રદેશ પર આક્રમણ કર્યું, પણ ચીનાઓ મણિપુર પર સત્તા સ્થાપી શક્યા નહિ. જે ચીની સૈનિકોએ અહીં સ્થાયી વસવાટ કર્યો તેમણે અહીંના લોકોને રેશમ પકવવાનું શીખવ્યું, જેને લીધે મણિપુરના વણાટકામ-ઉદ્યોગ પર તેની અસર જોવા મળે છે.

ઓગણીસમી સદીમાં અહીં અંગ્રેજોનો પગપેસારો થયો. ઈ. સ. 182૦ના અરસામાં બર્મા(હાલના મ્યાનમાર)ના રાજાએ થોડાક સમય પૂરતો આ રાજ્ય પર કબજો મેળવ્યો, પણ મણિપુરી સેનાની ગંભીરસિંહે અંગ્રેજોની મદદથી બમર્નિા સૈન્યને હાંકી કાઢ્યું અને પુન: સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું; પણ પછી અંગ્રેજ રેસિડન્ટે અહીં કાયમી વસવાટ કર્યો અને મણિપુરમાં તેનો હસ્તક્ષેપ ચાલુ રહ્યો. પાછળથી અંગ્રેજ સત્તા સામે બળવો થતાં અંગ્રેજોએ મણિપુર પર ભારે આક્રમણ કર્યું, જેથી તેનું સ્વતંત્ર અસ્તિત્વ મટી ગયું અને તેનો દરજ્જો અન્ય રજવાડાં સમાન બન્યો.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી ‘આઝાદ હિંદ ફોજ’ તત્કાલીન બર્મા(મ્યાનમાર)માંથી મણિપુરમાં દાખલ થઈ અને તેણે બ્રિટિશ સૈન્ય સામે ટક્કર લઈ મણિપુરનો ઘણોખરો ભાગ કબજે કર્યો, પણ ઇમ્ફાલના પોલો ગ્રાઉન્ડ પર વિજયકૂચ કરતી ફોજની સલામી લેવાની નેતાજીની મહેચ્છા પૂરી થાય તે પહેલાં યુદ્ધનું પાસું સાથી સત્તાઓના પક્ષમાં નમ્યું. ભારત સ્વતંત્ર થતાં મણિપુરના રાજાએ પોતાના રાજ્યને ભારતમાં સંમિલિત કરી દીધું. ઈ. સ. 1949માં રાજ્યોનું પુનર્ગઠન કરવામાં આવતાં મણિપુર કેન્દ્રશાસિત વિસ્તાર તરીકે ઘોષિત થયું. ઈ. સ. 1963માં મણિપુરને મર્યાદિત સત્તાઓ ધરાવતું મંત્રીમંડળ મળ્યું. અધિપતિસ્થાને ચીફ કમિશનર હતા, તેમનું સ્થાન પાછળથી લેફ્ટનન્ટ ગવર્નરે લીધું. ઈ. સ. 1972માં મણિપુરને પૂર્ણ રાજ્ય તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો. ઈશાન સીમાનાં બીજાં રાજ્યો (આસામ, મેઘાલય, ત્રિપુરા, નાગાલૅન્ડ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ) સાથે એનું સંકલન સચવાય તેવી પણ ગોઠવણ કરવામાં આવી છે. વળી ઈશાન રાજ્યોના સંગઠનનું મણિપુર સભ્ય પણ છે. તેના દ્વારા આ રાજ્યોના આર્થિક અને સુરક્ષાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે.

નાગાલૅન્ડના નાગ બળવાખોરો વર્ષોથી અલગ નાગપ્રદેશ ‘બૃહદ્ નાગાલૅન્ડ’ની માંગણીઓ સાથે હિંસા આચરતા રહેતા હતા. જે સંતોષવા માટે 1963માં અલાયદા નાગાલૅન્ડ રાજ્યની રચના કરવામાં આવી. તેમ છતાં નાગ બળવાખોરોએ પોતાની હિંસક પ્રવૃત્તિઓ ચાલુ જ રાખી હતી. નાગા બળવાખોરોને દેશના મુખ્ય પ્રવાહમાં સામેલ કરવાના ઘણા પ્રયત્નો થયા તેના જ એક ભાગ રૂપે નાગાલૅન્ડમાં 1997માં પ્રથમ સંઘર્ષવિરામ જાહેર કરવામાં આવેલો. 14 જુલાઈ, 2૦૦1ના રોજની એક સમજૂતી દ્વારા આ સંઘર્ષવિરામની મુદત લંબાવવામાં આવી તેમજ તે પૂર્વોત્તર ભારતનાં અન્ય રાજ્યો–જ્યાં નાગ જાતિની વસતી હોય તેવા – અરુણાચલ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને આસામ સુધી વિસ્તારવામાં આવ્યો. આથી મણિપુરના નાગ લોકોનો સમાવેશ સ્વાભાવિક રીતે જ તેમાં થઈ ગયેલો ગણાય. આ કારણસર મણિપુરનાં છાત્રસંગઠન અને અન્ય સંગઠનો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું. મણિપુર રીતસર આગની જ્વાળાઓમાં લપેટાયું અને તેની વિધાનસભાનું મકાન પ્રજ્વળી ઊઠ્યું. ઠેર ઠેર રમખાણો ફાટી નીકળ્યાં અને આમ આંદોલન હિંસક બનતું ગયું.

આ રમખાણો પાછળ ‘બૃહદ્ નાગાલૅન્ડ’ની રચનાનો ડર રહેલો હતો. આ વ્યાપક આંદોલનને કારણે કેન્દ્ર સરકાર યુદ્ધવિરામ અંગેના વિવાદાસ્પદ નિર્ણયની સમીક્ષા કરવાની તૈયારી દાખવી અને 27 જુલાઈ, 2૦૦1ના રોજ પૂર્વોત્તર ભારતનાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી અને સંઘર્ષવિરામ નાગાલૅન્ડ પૂરતો જ સીમિત રાખવાની જાહેરાત વડાપ્રધાન વાજપાઈએ કરી. આ જાહેરાતને મણિપુરમાં વ્યાપક આવકાર મળ્યો અને આંદોલન સમેટી લેવાયું.

રક્ષા મ. વ્યાસ

બીજલ પરમાર