મણાકુ (અઢારમી સદીનો પૂર્વાર્ધ; જ. અને અ. ગુલેર, હિમાચલ પ્રદેશ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ નયનસુખ પણ પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો હતા. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક મિશ્રા પણ તેમણે ત્યજી દીધી અને ત્રણેય ચિત્રકાર પ્રથમ નામે જ પ્રસિદ્ધિ પામ્યા. જયદેવ-રચિત ‘ગીતગોવિંદ’ના મણાકુનાં 173૦નાં તેમજ રામાયણ અને ભાગવતનાં આલેખનો મળી આવ્યાં છે. આ ચિત્રો હાલમાં મુંબઈના પ્રિન્સ ઑવ્ વેલ્સ મ્યૂઝિયમ(હવે નવું નામ – છત્રપતિ શિવાજી મ્યુઝિયમ’)માં, પાકિસ્તાનના લાહોર મ્યુઝિયમમાં, ચંડીગઢના ગવર્નમેન્ટ મ્યુઝિયમ ઑવ્ આર્ટ તેમજ હૈદરાબાદના સલાર જંગ મ્યુઝિયમમાં, ઉદયપુરની રાજસ્થાન ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં, અમદાવાદના એન. સી. મહેતા કલેક્શનમાં, તિરુવનંતપુરમની શ્રી ચિત્ર આર્ટ ગૅલરી તથા નવી દિલ્હીના નૅશનલ મ્યુઝિયમમાં, ન્યૂયૉર્કના મેટ્રોપૉલિટન મ્યુઝિયમ ઑવ્ આર્ટમાં, સ્વિટ્ઝર્લૅન્ડના રીટબર્ગ ઝ્યુરિક મ્યૂઝિયમ અને બૉસ્ટનના મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સમાં, લૉસ ઍન્જલસના ડૉ. જ્યોતિ ઍન્ડ નોના દત્તા કલેક્શનમાં તથા ન્યૂયૉર્કના ધ ક્રૉનોસ કલેક્શનમાં સચવાયાં છે. તેમનાં ચિત્રોમાં માનવઆકૃતિઓએ ધારણ કરેલાં ઘરેણાં અને ઝવેરાતમાં મણાકુ કીડા(beetles)ની લીલા રંગની પાંખો ચોંટાડવા માટે જાણીતો છે. આમ કરવાથી ઝગારા મારતાં નીલમ પહેર્યાં હોય તેવો ષ્ટિટભ્રમ દર્શકના મનમાં ઊભો થાય છે.

સપ્રમાણ ઘાટીલી માનવઆકૃતિઓ, ગોળ ચહેરા, લીંબુની ફાડ જેવી વિશાળ અને તાકી રહેલી આંખો એ પણ મણાકુની વિશેષતા છે. તેની પાર્શ્વભૂમિકામાં રહેલી પ્રકૃતિનું આલેખન સ્વાભાવિક નહિ પણ પૂર્વનિર્ધારિત આકૃતિઓમાં ઢાળેલું (schematic) જોવા મળે છે. પ્રકાશ-છાયા વિનાના સપાટ પણ અત્યંત તેજસ્વી રંગો અને લયાત્મક રેખાના સંયોગથી મણાકુ ચિત્રોમાં મધુર વાતાવરણ સર્જે છે.

મણાકુના ભાઈ નયનસુખે મણાકુનાં 2 વ્યક્તિચિત્રો ચીતર્યાં છે જેમાંથી એક નવી દિલ્હીના નૅશનલ મ્યૂઝિયમમાં અને બીજું ચંડીગઢના ગવર્નમેન્ટ મ્યૂઝિયમ ઑવ્ આર્ટમાં સંગ્રહાયેલાં છે.

અમિતાભ મડિયા