મજૂર પ્રવૃત્તિ : મજૂરોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓ. તેમાં તેમના પ્રશ્નોનું સંગઠિત રીતે નિરાકરણ લાવી શકાય તે માટે સ્થાપવામાં આવતાં મંડળોની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક, ધાર્મિક વગેરે પ્રસંગોએ તથા વૃદ્ધાવસ્થામાં જ્યારે તેમની આવક બંધ થાય ત્યારે તેમના માટે હાથ ધરવામાં આવતી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.

1857માં રાણી વિક્ટોરિયા હિન્દુસ્તાનની સમ્રાજ્ઞી બની ત્યારે તેણે એક ઢંઢેરાથી પ્રજાને ખાતરી આપી કે હિંદમાં સ્થિર સરકાર થવાથી, કાયદાનું પાલન થશે, સૌ કોઈને પોતપોતાનો ધંધો કરવાની તથા ધર્મનું પાલન કરવાની છૂટ રહેશે. ત્યારપછી જ મોટા ઉદ્યોગો સ્થાપાવાની અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ. સૌપ્રથમ કાપડના અને લોખંડના ઉદ્યોગો સ્થપાયા. તે સાથે ચાના બગીચા પણ વિકસ્યા. 1855માં બંગાળમાં સૌથી પહેલી શણની અને 1859માં અમદાવાદમાં રણછોડદાસ છોટાલાલ દ્વારા સૌથી પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ. આ સમયે આપણા દેશમાં મજૂરોનું કોઈ સંગઠન નહોતું.

1875માં પહેલું ફૅક્ટરી કમિશન નિમાયું અને 1881માં પ્રથમ ફૅક્ટરિઝ ઍક્ટ પસાર કરવામાં આવ્યો. આ કાયદો ક્ષતિયુક્ત હોઈ ખાસ અસરકારક ન નીવડ્યો. દરમિયાન ફૅક્ટરીના એક કારીગર મુંબઈના એન. એમ. લોખંડેએ મજૂરોને સંગઠિત કરી, ચળવળ ઉપાડી અને ફૅક્ટરી કમિશનમાં પ્રતિનિધિઓ મોકલવા, મુંબઈમાં મજૂરોની એક પરિષદ બોલાવી. લોખંડેએ મજૂરોની વિવિધ માંગણીઓ, જેવી કે કામના કલાકોની મર્યાદા, અઠવાડિક રજા, કામ દરમિયાન જરૂરી વિરામની વ્યવસ્થા તથા ઈજા થાય તો વળતર માટેની વ્યવસ્થા વગેરે રજૂ કરતું એક નિવેદનપત્ર ઘડી કાઢ્યું. આમ, મજૂર સંગઠનની શરૂઆત એન. એમ. લોખંડેના પ્રયાસથી થઈ એમ કહેવાય. વળી અમદાવાદનાં અનસૂયાબહેન સારાભાઈ તેમના ઇંગ્લૅન્ડના વસવાટ દરમિયાન, ગરીબ મજૂરોને મદદરૂપ થવા તથા તેમની સ્થિતિ સુધારવા માટે ચિંતા સેવતાં પરોપકારી સ્ત્રીપુરુષોની સાથે સંપર્કમાં આવ્યાં. મજૂરોનાં મંડળો કેમ સ્થાપવાં, એ મંડળો કઈ રીતે કામ કરતાં રહે વગેરે બાબતોનું તેમણે નિરીક્ષણ કર્યું. 1913માં જ્યારે તેઓ સ્વદેશ પાછાં ફર્યાં ત્યારે મૂજર-મહોલ્લાઓમાં તેમણે કામ શરૂ કરીને, ‘મજૂર મિત્ર મંડળ’ની શરૂઆત કરી. એ રીતે મજૂર-પ્રવૃત્તિના કાર્યમાં અમદાવાદમાં આંશિક શરૂઆત થઈ. 1918માં બી. પી. વાડિયાએ મદ્રાસ લેબર યુનિયનની સ્થાપના દ્વારા વ્યવસ્થિત મજૂર ચળવળનાં મંડાણ કર્યાં. 1919માં લીગ ઑવ્ નેશન્સના પેટાવિભાગ તરીકે આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થા(International Labour Organisation)ની સ્થાપનાથી સ્થાનિક મજૂર-સંગઠનોને ઠીકઠીક વેગ મળ્યો. આઇ. એલ. ઓ.નો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં મજૂર-શોષણનો અંત લાવવા તેમજ ઔદ્યોગિક શાંતિ સ્થાપી તેને જાળવી રાખવાનો હતો. આ સંસ્થા સરકાર, ઉદ્યોગ તથા મજૂરોના પ્રતિનિધિઓ સાથે મળી મજૂરોની સમસ્યાઓ હલ કરવા અંગેના તથા તેમના વિકાસ માટેના નિર્ણયો લે છે. 1920માં આ આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થામાં પ્રતિનિધિઓ મોકલવા માટે ‘ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ’ની સ્થાપના થઈ. આ સમય દરમિયાન 1920માં હરિજન મજૂરોનું એક સંગઠન અમદાવાદમાં સ્થપાયું. સાથોસાથ આ જ વર્ષે અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના પણ કરવામાં આવી હતી. 1926માં ઔદ્યોગિક નગર ઇંદોરમાં એક હડતાલ પડી, જે એક મહિનો ચાલી. આ હડતાલ તદ્દન શાંત અને વ્યવસ્થિત રહી. મજૂરો જાગૃતિના માર્ગે દિનપ્રતિદિન આગળ વધ્યે જતા હતા ત્યારે તેમને ગેરમાર્ગે દોરવા તથા હરાવવાના માલિકોના અનેક પ્રયત્નો નિષ્ફળ ગયા. આ હડતાલ પછી ઇંદોરની મિલમાં કોમી ભેદભાવ દૂર થયો એ મજૂર-પ્રવૃત્તિની એક યાદગાર ઘટના ગણી શકાય. આ સમયે 1926માં ઇન્ડિયન ટ્રેડ યુનિયન ઍક્ટ પસાર થયો, જેમાં ક્રમે ક્રમે સુધારા થતા ગયા છે. ગુજરાત, કાઠિયાવાડમાં પણ આ પ્રવૃત્તિ વિકસતી ગઈ, જેની પાછળ ગાંધીજીએ આપેલી ‘સબળાએ નબળાને મદદ કરવાની’ સલાહ કારણભૂત હતી. આગળ જતાં, આ ભાવનાને ભારતમાં અન્ય સ્થળોએ મજૂરોને સંગઠિત કરવામાં સક્રિય ફાળો આપ્યો. આ અરસામાં 1927માં કાનપુરમાં મળેલા ટ્રેડ યુનિયન કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં એ ફલિત થયું કે દેશની મજૂર-પ્રવૃત્તિ બે સ્પષ્ટ દિશાઓમાં વિભાજિત થતી જાય છે – એક સામ્યવાદીઓ-તરફી અને બીજી મવાળ-તરફી. 1928ના ઝરિયા અધિવેશનમાં આ તિરાડ વધુ સ્પષ્ટ થઈ અને 1929ના નાગપુર અધિવેશનમાં મવાળપંથી એન. એમ. જોશી, વી. વી. ગીરી, બી. શિવરાવ, આર. આર. બખલે અને દીવાન ચમનલાલના નેતૃત્વ હેઠળ અલગ નૅશનલ ટ્રેડ યુનિયન ફેડરેશનની સ્થાપના થઈ. આ સમય દરમિયાન મુંબઈ, કાનપુર, સોલાપુર અને જમશેદપુરમાં તેમજ પૂર્વ અને દક્ષિણ રેલવેમાં મોટી હડતાલો પડી. 1929ના મધ્યભાગમાં રૉયલ કમિશન ઑવ્ લેબર નીમવામાં આવ્યું, જેણે 1931માં અહેવાલ સુપરત કર્યો. 1929–30માં સામ્યવાદીઓએ પડાવેલી મોટી હડતાળ નિષ્ફળ નીવડી અને ત્યારથી સામ્યવાદીઓનું વર્ચસ્વ ઘટતું ગયું. 1930ના ટ્રેડ યુનિયન કૉંગ્રેસના કલકત્તા-અધિવેશનમાં અલગ અલગ વિચારસરણી ધરાવતાં બળો વધારે સ્પષ્ટ થયાં અને 1931ના કલકત્તા-અધિવેશનમાં વધારે તિરાડો પડીને ચુસ્ત ડાબેરી એસ. વી. દેશપાંડે તથા બી. ટી. રણદીવેની નેતાગીરી હેઠળ ઑલ ઇન્ડિયા રેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસની સ્થાપના થઈ.

મજૂરોનો સર્વાંગી વિકાસ સધાય નહિ ત્યાં સુધી કેવળ ઝઘડાઓની પતાવટ કરવાથી મજૂરોનું જીવન સુખી નહિ નીવડે એવી ગાંધીજીની સલાહ અનુસાર, અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી; જેમાં મુખ્યત્વે કેળવણીનું કાર્ય, નિશાળોનું બાંધકામ, દારૂબંધી, ખાદીનો પ્રચાર તથા અસ્પૃશ્યતાનિવારણ હતાં. આ અરસામાં રચનાત્મક પ્રવૃત્તિઓનો ખ્યાલ આપતું એક પ્રદર્શન યોજાયું, જેમાંથી મજૂરો માટે દૈનિક જરૂરિયાતની સુવિધાવાળાં સ્વચ્છ અને સુઘડ ઘરો બાંધવાની પ્રેરણા મળી, તેમજ સમાજસુધારણાનાં કાર્યો અંગે પણ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. આ સમયે, સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપદે બી. બી. ઍન્ડ સી. આઇ. રેલવે કર્મચારીઓનું એક મંડળ સ્થપાયું.

ભારતમાં મજૂર પ્રવૃત્તિની ખરી જમાવટ પ્રથમ મહાયુદ્ધ (1914–18) પછી થવા માંડી. આ અરસામાં, મજૂરોમાં સામ્યવાદી વિચારસરણી ફેલાવવાના સઘન પ્રયત્નો શરૂ થયા; પરંતુ છેવટે 1937ના અરસામાં તેમનો પ્રભાવ નહિવત્ થઈ ગયો. ગુજરાત અને મધ્યભારતમાં ફેલાયેલ મજૂર-પ્રવૃત્તિને એક સાંકળે બાંધવા ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈએ એક સીમાસ્તંભ સમું પગલું લીધું. તેમણે તમામ મજૂરોની એક પરિષદ બોલાવી, જેમાં એક ટેક્સટાઇલ ફેડરેશન રચવાનો નિર્ણય લીધો. દેશમાં આ પ્રકારનું પહેલું સંગઠન હતું અને અમદાવાદની બહાર કામ કરતા લગભગ 30થી 35 હજાર મજૂરો પોતાની સ્થિતિ સુધારવા કટિબદ્ધ થયા હતા. 1932માં નડિયાદની ન્યૂ શૉરૉક મિલમાં છ મહિના ચાલેલી હડતાલ નિષ્ફળ નીવડી. છેવટે ત્યાં પણ મજૂરોનું મહત્તમ મંડળ સ્થપાયું.

1935માં ફૅક્ટરી ઍક્ટમાં સુધારા દ્વારા અઠવાડિયાના મહત્તમ 60 કલાકને બદલે 54 કલાક કામ કરવાનું નક્કી થયું. તે મજૂરમંડળની પ્રવૃત્તિનો પહેલો લાભ. 1939માં દિગ્બોઈ ઑઇલ ફીલ્ડની જાણીતી હડતાળ પડી, જેમાં વાઇસરૉય તથા ગવર્નરે યુદ્ધના બહાના હેઠળ સમાધાન કરાવ્યું હતું. છેવટે, મુખ્ય લેબર કમિશનરે તપાસ બાદ, ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસને પ્રતિનિધિત્વનો દરજ્જો આપ્યો. સ્વતંત્રતા સાથે દેશના ભાગલા પડતાં આ ક્ષેત્રે પણ નહિ કલ્પેલા પ્રશ્નો ઉપસ્થિત થયા. 1948માં સમાજવાદી પાર્ટીએ ‘હિંદ મજદૂર સભા’ સ્થાપી; જેની સાથે ઇન્ડિયન ફૅડરેશન ઑવ્ લેબર જોડાઈ ગયું. 1949માં કેટલાંક પરિબળોએ યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ સ્થાપી. છેવટે સરકારે ઇન્ડિયન નૅશનલ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (INTUC), ઑલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કૉંગ્રેસ (AITUC), હિંદ મઝદૂર સભા (HMS) તથા યુનાઇટેડ ટ્રેડ યુનિયન કૉંગ્રેસ(UTUC)ને માન્યતા આપી.

આ તબક્કે, દુનિયાના અગ્રગણ્ય દેશોમાં ચાલેલી મજૂર-ચળવળોની ટૂંકમાં નોંધ લેવી યોગ્ય રહેશે. મજૂર-ચળવળ એ આંતર-રાષ્ટ્રીય બીના છે. ગ્રેટ બ્રિટન, યુ.એસ., રશિયા, ન્યૂઝીલૅન્ડ તથા ઑસ્ટ્રેલિયામાં મજૂરસંગઠન એ અગત્યનું નિર્ણાયક બળ બન્યું હતું; જ્યારે ફ્રાંસ સિવાયના યુરોપના સમાજવાદી દેશોમાં અને ગ્રેટ બ્રિટનમાં તો માલિકોનાં મંડળોએ મજૂર-સંગઠનનો વિરોધ કરવાને બદલે તેઓ સાથે ચર્ચા-વિચારણાનો માર્ગ સ્વીકાર્યો હતો.

ઇટાલીમાં બેનિટો મુસોલીનીએ 1922માં ફાસીવાદની સ્થાપના કરી; જેમાં વ્યક્તિગત વિકાસને અવકાશ નહોતો. સંગઠનો ફક્ત શિસ્ત સ્થાપવા માટે જ સ્થપાતાં હતાં, મજૂરોનાં હિતનું રક્ષણ કરવા કે હડતાલ પાડવા તેઓ શક્તિમાન નહોતાં. આવાં સંગઠનો પક્ષની સીધી દેખરેખ હેઠળ જ સ્થપાતાં હતાં. 1926માં ત્યાં સ્થપાયેલ ફાસિસ્ટ લેબર ચાર્ટરે ઉત્પાદન માટે મજૂર તેમજ મૂડીને કોઈ પ્રકારની સ્વતંત્રતા બક્ષી નહોતી. જર્મનીમાં પણ 1933માં એડૉલ્ફ હિટલરે નૅશનલ સૉશ્યાલિઝમની સ્થાપના કરી. સ્વતંત્ર રીતે ચાલતાં મજૂર-સંગઠનોને એક લેબર ફ્રન્ટ નામે કેન્દ્રીય સંગઠન હેઠળ તથા ધી એસ્ટેટ ઑવ્ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ નામે કેન્દ્રીય સંસ્થા હેઠળ આવરી લીધાં. આમ, ઇટાલી, જર્મનીમાં સાચા અર્થમાં કહી શકાય તે પ્રકારની કોઈ મજૂર-પ્રવૃત્તિ વિકસી નહિ.

અમેરિકામાં 1794માં ફિલાડેલ્ફિયામાં ફેડરલ સોસાયટી ઑવ્ જર્નીમૅન કાર્ડવેઇનર્સ નામે એક ‘શૂ-મેકર્સ’ના સંગઠનની સ્થાપના થવાથી મજૂર-પ્રવૃત્તિની શરૂઆત થઈ. 1834માં એક જ જગ્યાને બદલે, પ્રવૃત્તિ વિસ્તરી; ન્યૂયૉર્કનાં સાત રાજ્યોમાં એકત્રિત થઈ, સંગઠન સ્થાપવાનો પ્રયાસ થયો, પરંતુ તે 1837ની મંદીની પરિસ્થિતિથી ટકી શક્યું નહિ. છેવટે, 1869માં ફિલાડેલ્ફિયામાં જ ‘ધ નોબલ ઑર્ડર ઑવ્ ધ નાઇટ્સ ઑવ્ લેબર’ના નામે સૌપ્રથમ રાષ્ટ્રીય ધોરણે એક સંગઠન સ્થપાયું. આનો આદર્શ ઉમદા હતો. તેણે કામકાજના મહત્તમ આઠ કલાક, સ્ત્રીઓને સરખું વેતન, બાળમજૂરીની નાબૂદી વગેરે બાબતો અમલમાં મુકાવી; જેથી તેની પ્રવૃત્તિઓ વિસ્તરી. 1881માં છ ક્રાફ્ટ યુનિયનો એકત્રિત થતાં એક ફેડરેશન ઑવ્ ઑર્ગેનાઇઝ્ડ ટ્રેડ ઍન્ડ લેબર યુનિયન (FOTLU) સ્થપાયું. 1886માં ક્રાફ્ટ યુનિયનોનો અસ્વીકાર કરી, અમેરિકન ફેડરેશન ઑવ્ લૅબર (AFL) સ્થપાયું; જેમાં FOLTU જોડાઈ ગયું. AFL થવાથી, માલિકોનો વિરોધ મજબૂત થયો અને સિટિઝન્સ એલાયન્સની સ્થાપના દ્વારા હડતાળો તોડવાના તથા પ્રેસ દ્વારા જનતાના અભિપ્રાયો બદલાવવાના પ્રયાસો થયા. AFLમાંથી ક્રાંતિકારી બળો જુદાં પડી ઇન્ડસ્ટ્રિયલ વર્કસ ઑવ્ ધ વર્લ્ડ (IWW) નામે નવું સંગઠન સ્થપાયું. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે IWWએ વિરોધ કરવાથી, ફેડરલ ડિપાર્ટમેન્ટ ઑવ્ જસ્ટિસે એસ્પિયોનેજ ઍક્ટ દાખલ કરી, IWWના આગેવાનોને પકડી સજાઓ કરી. IWWમાંથી ક્રાન્તિકારી બળો છૂટાં થઈ અમેરિકન કૉમ્યુનિસ્ટ પાર્ટીમાં જોડાયાં. 1929–33ની આર્થિક મંદી પછી. અમેરિકન સરકારે ન્યૂ ડીલ નીતિ દાખલ કરી, નૅશનલ ઇન્ડસ્ટ્રિયલ રિકવરી ઍક્ટ અમલમાં મૂક્યો; ઉદ્યોગોમાં સારા સુધારા કર્યા તથા મજૂર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપ્યું. આમ 1880થી 50 વર્ષ સુધી અમેરિકાની મજૂર-ચળવળમાં ક્રાફ્ટ યુનિયનોનું વર્ચસ્ રહ્યું. 1935માં આઠ AFL સંગઠનોએ ભેગાં મળી કમિટી ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશનની સ્થાપના કરી, જે 1938માં 32 સંગઠનો ભેગાં મળતાં કૉંગ્રેસ ઑવ્ ઇન્ડસ્ટ્રિયલ ઑર્ગેનાઇઝેશન(CIO) રૂપે પ્રતિષ્ઠિત થઈ. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછી 1945ના નવેમ્બરમાં પ્રેસિડન્ટ ટ્રૂમેને મજૂર તથા મૅનેજમેન્ટની સંયુક્ત કૉન્ફરન્સ બોલાવી, જે નિષ્ફળ ગઈ. 1947માં યુ.એસ. લેબર મૅનેજમેન્ટ ઍક્ટ પસાર થયો, જેનો મુખ્ય હેતુ સંગઠનની પ્રવૃત્તિઓને અંકુશમાં રાખવાનો હતો. વળી મજૂરો અને માલિકોની અમુક પ્રવૃત્તિઓ પ્રતિબંધિત કરાઈ. તેમની ફરિયાદો/સમસ્યાઓ નૅશનલ લેબર રિલેશન્સ બૉર્ડ પાસે રજૂ કરવાની રહી. હાલમાં, ત્યાંનાં મોટાભાગનાં સંગઠનો ‘યુનિયન શૉપ’ કરારથી સુરક્ષિત છે.

રશિયામાં 1905–07ના અરસામાં ક્રાંતિકારી લડત દરમિયાન સ્થપાતી હડતાળ કમિટીઓ, સોવિયેત રિપ્રેઝેન્ટેટિવ્ઝ, ફૅક્ટરી ડેપ્યુટિઝ અને ફૅક્ટરી કમિટીઓમાંથી જ સંગઠનોની સ્થાપના થઈ. બૉલ્શેવિકો-(કૉમ્યુનિસ્ટો)એ પહેલી જ વાર ક્રાંતિમાં ભાગ લીધો, પરંતુ ક્રાંતિ નિષ્ફળ જતાં ઝારના અધિકારીઓ દ્વારા તેઓ પર કામ ચલાવવામાં આવ્યું. આમ છતાં, ધાતુકામ, ખાણ, તેલ તથા કાપડની મિલોનાં મોટાં સંગઠનો સ્થપાયાં અને તેઓ ઝાર સત્તાધીશો સાથે લડતાં રહ્યાં. છેવટે, ઑક્ટોબર, 1917ની ક્રાંતિની સફળતા પછી મજૂરો ખુલ્લેઆમ સંગઠનોમાં જોડાવા લાગ્યા. 50 વર્ષ પછી 1957માં રશિયાના કુલ 5 કરોડ રોજી-રોટી મેળવતા કારીગરોમાંથી 4 કરોડ 70 લાખ કારીગરો/મજૂરો સંગઠનોના સભ્યો હતા. સંગઠનોનો હેતુ શિસ્તપાલન, વધુ ઉત્પાદન, મજૂરોનું હિત સાધવાનો તથા તેમને પ્રોલિટેરિયન ડિક્ટેટરશિપ માટે તૈયાર કરવાનો રહ્યો હતો.

બ્રિટનમાં, શરૂઆતમાં મજૂર-સંગઠનોને કાયદાકીય દરજ્જો પ્રાપ્ત કરવા લડત આપવી પડી હતી. 1799–1800ના કાયદા મુજબ સંગઠન સ્થાપવાનું ગેરકાયદેસર ઠરાવવામાં આવ્યું. 1824ના કૉમ્બિનેશન ઍક્ટમાં 1825માં સુધારા કરી, મજૂર-સંગઠન ફક્ત વેતન અને કામના કલાકો માટે જ પ્રતિનિધિત્વ કરી શકે, એવી જોગવાઈ કરવામાં આવી. 1850માં અમાલ્ગમેટેડ સોસાયટી ઑવ્ ઍૅન્જિનિયર્સની સ્થાપના થઈ, જે એક આદર્શ પગલું હતું. આ સંગઠને માલિકો અને મજૂરો વચ્ચે મૈત્રીભર્યા સંબંધો કેળવવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. સંગઠનોની સભ્યસંખ્યા વધવા લાગી. 1871માં ટ્રેડ યુનિયન ઍક્ટ પસાર થયો અને તેના દ્વારા મજૂર-સંગઠનોને કાયદાકીય દરજ્જો મળ્યો. 1875માં આ કાયદાને ફરી સુધારી, શાંતિમય પિકેટિંગને કાયદાકીય માન્યતા આપવામાં આવી. 1906માં ટ્રેડ ડિસ્પ્યૂટ્સ ઍક્ટ દ્વારા, મજૂર-સંગઠનોને શાંતિપૂર્ણ પગલાં દ્વારા શ્રમિકો માટે પ્રવૃત્તિઓ કરવાની છૂટ મળી. એ જ વર્ષે, દેશમાં લેબર પાર્ટી અસ્તિત્વમાં આવી. 1913માં ટ્રેડ યુનિયન ઍક્ટ દ્વારા રાજકીય હેતુસર મજૂર-મંડળના ભંડોળનો ઉપયોગ કરવાની છૂટ મળી. 1926માં વેતનકાપના વિરોધમાં ખાણ-મજૂરોએ હડતાળ પાડી, જેને દેશની ટ્રેડ યુનિયન કાગ્રેસનો ટેકો સાંપડ્યો. નવ દિવસ પછી દેશવ્યાપી હડતાળનો અંત આવ્યો, પરંતુ ખાણ-મજૂરોએ હડતાળ ચાલુ જ રાખી. છેવટે શ્રમિકોને નછૂટકે વેતનકાપ સ્વીકારવો પડ્યો.

1945–51ના ગાળામાં દેશમાં લેબર પાર્ટીની સરકાર હતી. આ સમયગાળા દરમિયાન ઇંગ્લૅન્ડમાં કલ્યાણ રાજ્યનાં મંડાણ થયાં, સામાજિક સલામતીનો વ્યાપ વધ્યો અને દરેક નાગરિકને જન્મથી અવસાન સુધી રાજ્ય તરફથી રક્ષણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી.

વર્તમાન સમયમાં મજૂર-સંગઠનોનો રોજિંદી પ્રવૃત્તિઓનો વ્યાપ એટલો વધ્યો કે તે સંગઠનો મજૂરો માટે આર્થિક, સામાજિક, શૈક્ષણિક તેમજ સ્વાસ્થ્ય માટે ધારે તેવી અનુકૂળતા મેળવી શકતાં હતાં; પરંતુ 1979માં ઇંગ્લૅન્ડમાં રૂઢિચુસ્ત પક્ષની સરકાર આવી. તેણે ખાનગીકરણની ઝુંબેશ ઉપાડી. 1980થી 1990 સુધીના દાયકા દરમિયાન લગભગ 50 જેટલા જાહેર ક્ષેત્રના એકમો ખાનગી ક્ષેત્રને સોંપવામાં આવ્યા. આ જ અરસામાં ઇંગ્લૅન્ડની કોલસાખાણોમાં મજૂરોએ પાડેલી હડતાલ સરકારના કડક વલણને લીધે નિષ્ફળ નીવડી. આ ગાળાને ઇંગ્લૅન્ડના ઇતિહાસમાં ‘થૅચરિઝમ’ નામથી ઓળખવામાં આવે છે. 1997માં લેબર પાર્ટી ફરી સત્તા પર આવી, પરંતુ તે અગાઉનો પ્રવાહ બદલી શકી નહિ.

ઈન્દુભાઈ દોશી