મજૂર કાયદા

કારખાનાંઓ કે અન્ય પ્રકારના ઉત્પાદન-એકમોમાં કામ કરતા શ્રમિકોના ન્યાયોચિત અધિકારોને ધારાકીય પીઠબળ આપવાના હેતુથી પસાર કરવામાં આવેલા કાયદાઓ. આપણે આ કાયદાઓનો અભ્યાસ બે મુખ્ય વિભાગમાં કરીશું : (1) આઝાદી પૂર્વેના કાયદાઓ, (2) આઝાદી પછીના કાયદાઓ.

1. આઝાદી પૂર્વે પસાર કરવામાં આવેલા મજૂરકાયદાઓ

કામદારોને વળતર ચૂકવવા અંગેનો કાયદો, 1923 (Workmen’s Compensation Act, 1923) : કારખાનાના કોઈ પણ શ્રમિકને કામ દરમિયાન અને કામને કારણે ઈજા થાય અને જો તે ઈજાને કારણે તે ત્રણ દિવસથી વધુ સમય માટે કામ કરવા અશક્ત બને, જો ઈજા થવાના સમયે તે દારૂ અથવા નશીલા પદાર્થની અસર હેઠળ ન હોય, જો ઈજાના સમયે શ્રમિકે સુરક્ષિતતા માટેના કોઈ નિયમનું કે તે અંગે આપેલા આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરેલું ન હોય અથવા શ્રમિકને તેની જાત-સુરક્ષિતતા માટે આપવામાં આવેલાં સાધનોનો તેણે ઇરાદાપૂર્વક ઉપયોગ કરેલો હોય અથવા આવાં સાધનોના ઉપયોગ અંગે ઇરાદાપૂર્વક બેદરકારી બતાવી હોય તો તેવા કિસ્સામાં સંબંધિત શ્રમિકને કાયદાની જુદી જુદી જોગવાઈઓ મુજબ નિર્ધારિત વળતર આપવા કારખાનાનો માલિક આ કાયદા મુજબ જવાબદાર ગણાશે. ઉપરાંત, જો કોઈ શ્રમિક, તે જે ધંધાવ્યવસાયમાં કામ કરે છે તે ધંધાવ્યવસાયના કામ સાથે સંબંધ ધરાવતા કાયદામાં ઉલ્લેખિત રોગ (occupational disease)નો શિકાર બને, તો આ કાયદામાં ઈજાની જે વ્યાખ્યા કરવામાં આવી છે તે મુજબ તે ઈજા પામેલો છે એમ ગણી લેવામાં આવશે અને તે મુજબ તેને કાયદા દ્વારા નિર્ધારિત વળતર ચૂકવવા માટે ઉત્પાદન-એકમનો માલિક જવાબદાર ગણાશે. શ્રમિકને કયા સંજોગોમાં કેટલું વળતર ચૂકવવાનું રહેશે તેનું ધારાધોરણ કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ છે; દા.ત., ઈજાને કારણે શ્રમિકનું મૃત્યુ થાય, તે કાયમ માટે અપંગ બને, તેની અપંગાવસ્થા કાયમી પરંતુ આંશિક હોય, તેની અપંગાવસ્થા પૂરેપૂરી કે આંશિક હોય પરંતુ  કાયમી ન હોય આ બધા સંજોગોમાં શ્રમિકને ચૂકવવાપાત્ર વળતરના જુદા જુદા દરો કાયદા દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યા છે. શ્રમિકને ચૂકવવાપાત્ર વળતરનું નિર્ધારણ થાય કે તુરત જ માલિકે તેની ચુકવણી કરવાની રહેશે અને તેમાં જો માલિકની કસૂર થાય તો તે કાયદા દ્વારા નિર્દિષ્ટ સજાને પાત્ર ગણાશે. જે કિસ્સાઓમાં વળતર ચૂકવવાની જવાબદારી માલિક પૂર્ણત: સ્વીકારવા તૈયાર ન હોય તે કિસ્સાઓમાં માલિક દ્વારા શ્રમિકને કામચલાઉ ધોરણે વળતર ચૂકવવાનું રહેશે અને બાકીની વિવાદાસ્પદ ગણાતી રકમ શ્રમ-કમિશનરની કચેરીમાં જમા કરવાની રહે છે. કયા કિસ્સાઓમાં કેટલું વળતર ચૂકવવાનું રહેશે, વળતરની ગણતરી કેવી રીતે કરાશે, તે કેવી રીતે ચૂકવાશે વગેરે વિશે આ કાયદામાં વિગતવાર પ્રાવધાન કરવામાં આવેલ છે. ધંધારોજગાર સાથે સંકળાયેલા વ્યાવસાયિક રોગોની યાદી પણ કાયદામાં આપવામાં આવેલ છે.

મજૂરમંડળોને લગતો 1926નો કાયદો : આ કાયદા દ્વારા મજૂર-મંડળોની નોંધણીની જોગવાઈ કરવાનું તથા આવાં નોંધાયેલાં મજૂર-મંડળોને લગતા કાયદાની વ્યાખ્યા કરવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ કોઈ પણ મજૂરમંડળના સાત અથવા વધુ સભ્યો તેમના મંડળના નિયમોને સમર્થન આપી તથા નોંધણી અંગેના નિયમો માન્ય રાખી પોતાના મંડળની નોંધણી માટે અરજી કરી શકે છે. આવી અરજી દાખલ થયા પછી અને અરજી કરનાર મંડળની નોંધણી થાય તે દરમિયાનના ગાળામાં અરજી કરનાર સભ્યોમાંથી કેટલાક સભ્યો મંડળના સભ્ય તરીકે મટી જાય તોપણ નોંધણી માટે કરેલ અરજી રદબાતલ ગણાશે નહિ, શરત માત્ર આટલી જ કે સભ્ય તરીકે મટી જનાર સભ્યોની સંખ્યા અરજી કરનાર સભ્યોની સંખ્યા કરતાં પચાસ ટકા કરતાં વધુ ઘટવી જોઈએ નહિ.

દરેક રાજ્યની સરકાર પોતાના રાજ્ય માટે નોંધણી-અધિકારીની નિમણૂક કરશે, જેની સમક્ષ નોંધણી માટેની અરજી જરૂરી વિગતો સાથે રજૂ કરી શકાશે. અરજી સાથે અરજી કરનાર સભ્યોનાં નામ, સરનામાં, વ્યવસાય જેવી વિગતો, મજૂરમંડળનું નામ તથા તેના મુખ્ય કાર્યાલયનું સરનામું તથા તેના પદાધિકારીઓનાં નામ, ઉંમર, સરનામાં, હોદ્દા જેવી વિગતો આપવાની રહેશે. જે મજૂરમંડળ અરજીની તારીખ પહેલાં ઓછામાં ઓછા એક વર્ષ દરમિયાન અસ્તિત્વમાં હોય તેવા મજૂર-મંડળે અરજી સાથે પોતાની અસ્કામતો તથા જવાબદારીઓનું બયાન આપવાનું રહેશે. અરજી કરનાર મજૂર-મંડળ પાછળથી પોતાની અરજી પાછી ખેંચી લે તો અથવા નોંધણી-અધિકારીને પુરાવાને આધારે જો એમ લાગે કે નોંધણી કરતી વેળાએ કોઈ ગેરરીતિ કે કપટ અજમાવવામાં આવ્યું હોય અને તેને આધારે નોંધણી કરાવવામાં આવી હોય તો તેવા કિસ્સામાં નોંધણી માટેની અરજી રદબાતલ કરવામાં આવશે.

આ કાયદાની અન્ય જોગવાઈઓમાં નોંધણી થયેલ મજૂરમંડળના અધિકારો તથા જવાબદારીઓ, તેમના નાણાભંડોળના ઉપયોગની તરેહ તથા તેના હેતુઓ, મજૂરમંડળના પદાધિકારીઓની ગેરલાયકાતો, અન્ય મજૂર-મંડળ સાથે તેનાં જોડાણ, મજૂરમંડળનું વિસર્જન વગેરે અંગે વિસ્તારથી જોગવાઈ કરવામાં આવી છે.

વેતનની ચુકવણી અંગેનો કાયદો, 1936 : આ કાયદા દ્વારા ઉત્પાદન એકમોમાં કામ કરતા શ્રમિકોના વેતનની ચુકવણી અંગે વિવિધ પ્રાવધાનો કરવામાં આવ્યાં છે. આ કાયદાની મુખ્ય જોગવાઈ મુજબ ઉત્પાદન એકમમાં કામ કરતા દરેક મજૂરને તેને ચૂકવવાપાત્ર સમગ્ર વેતનની ચુકવણી કરવાની જવાબદારી સામાન્ય રીતે દરેક માલિક કે નિયોજકની રહેશે. શ્રમિકોને વેતન ચૂકવવાની જવાબદારી ઉત્પાદન-એકમના જે અધિકારીની છે, તે અધિકારી સમયના સંદર્ભમાં વેતનના દરો નિર્ધારિત કરશે તથા નિયમિત રીતે વેતન ચૂકવવાની તિથિ નક્કી કરશે. કાયદામાં એવું પણ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે દરેક શ્રમિકને ચૂકવાતું વેતન નાણાંના પ્રવર્તમાન સિક્કાઓ અથવા ચલણી નોટોમાં ચૂકવવાનું રહેશે તથા કાયદાએ નિર્ધારિત કરેલ કપાત સિવાય અન્ય કોઈ પણ પ્રકારની કપાત વેતનની રકમમાંથી કરી શકાશે નહિ. રાજ્ય-સરકાર કે તેના સ્થાને અન્ય માન્ય અધિકારીની પૂર્વસંમતિ વગર શ્રમિકના કોઈ કૃત્ય અથવા ત્રુટિ કે ભૂલ માટે તેને દંડ કરી શકાશે નહિ. શ્રમિકની બેદરકારી, ઉપેક્ષા કે અવહેલનાને લીધે ઉત્પાદન-એકમને જો કોઈ નુકસાન થાય તો માત્ર તે નુકસાનની રકમ જેટલી જ રકમ તેની પાસેથી વસૂલ કરી શકાશે; તેનાથી વધુ નહિ.

આ કાયદાની એક અન્ય મહત્વની જોગવાઈ મુજબ દરેક માલિકની એ ફરજ ગણાશે કે તે પોતાના હસ્તકના શ્રમિકોના કામ વગેરે અંગે જરૂરી રજિસ્ટરો અને રેકૉર્ડો ઓછામાં ઓછાં ત્રણ વર્ષ સુધી રાખે અને તેની સાચવણી કરે.

આ કાયદાની વેતન ચૂકવવા અંગેની જવાબદારી અંગે માલિક  કોઈ કસૂર કરે ત્યારે તેની મિલકત પર જરૂરી પ્રમાણમાં ટાંચ લાવવાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. ઉપરાંત, કોઈ માલિક વેતન ચૂકવવા અંગે પોતાની ફરજ ગણાય તેવી ચુકવણી કરવામાં કસૂર કરે તો તેને ઓછામાં ઓછા રૂપિયા બસો અને વધુમાં વધુ રૂપિયા એક હજાર જેટલો દંડ કરવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવ્યું છે.

કોઈ શ્રમિકનું અવસાન થતાં તેને ચૂકવવાપાત્ર વેતનની બાકી રકમ તેણે પોતાના વતી નિયુક્ત કરેલ અધિકૃત વ્યક્તિ(nominee)ને ચૂકવવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે; પરંતુ જે કિસ્સામાં શ્રમિકે પોતાના વતી અધિકૃત વ્યક્તિની નિમણૂક કરી ન હોય અથવા અન્ય કોઈ વાજબી કારણસર નિયુક્ત વ્યક્તિને રકમ ચૂકવી શકાય તેમ ન હોય ત્યારે શ્રમિકના ખાતે બોલાતી રકમ કાયદા દ્વારા નિર્ધારિત અધિકારીને સોંપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

ઔદ્યોગિક વિવાદ ધારો, 1947 (Industrial Disputes Act, 1947) : ઔદ્યોગિક એકમોના માલિકો અને મજૂરો વચ્ચે ઉદભવતા વિવાદોની તપાસ કરવાનો તથા તે વિવાદોનું નિરાકરણ કરવાનો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ છે. તેનો અમલ 1 એપ્રિલ, 1947ના રોજથી થયેલો છે.

આ કાયદામાં આપેલ ઔદ્યોગિક વિવાદની વ્યાખ્યા મુજબ જો કોઈ માલિક તેના હસ્તકના કોઈ શ્રમિકને છૂટો કરે, બરતરફ કરે, તેની છટણી કરે અથવા અન્ય કોઈ રીતે તેની નોકરીનો અંત લાવે ત્યારે તેને લીધે માલિક અને શ્રમિક વચ્ચે જો કોઈ વિવાદ ઊભો થાય તો તે વિવાદ ઔદ્યોગિક વિવાદ ગણાશે.

આ કાયદા મુજબ આ પ્રકારના ઔદ્યોગિક વિવાદોના નિરાકરણ માટે જે માળખું ઊભું કરવામાં આવ્યું છે તેમાં (1) કામદારો અને માલિકોની સંયુક્ત સમિતિ(works committee)ની રચના, (2) સમાધાન અધિકારીઓ(Conciliation officers)ની નિમણૂક, (3) સમાધાન પંચ(Board of Conciliation)ની નિમણૂક, (4) તપાસ-પંચ(court of inquiry)ની રચના, (5) શ્રમ-ન્યાયાલયોની રચના, (6) ટ્રિબ્યૂનલની રચના, (7) રાષ્ટ્રીય ટ્રિબ્યૂનલોની રચના વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. આ વિશેની વિગતો સંક્ષેપમાં નીચે મુજબની છે :

(1) માલિકો અને મજૂરો વચ્ચેના સંબંધોમાં સુધારો થાય તે હેતુથી બંનેના પ્રતિનિધિઓની મળેલી સંયુક્ત સમિતિઓ (works committees) સ્થાપવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી, જે કારખાનાના રોજબરોજના કામકાજ દરમિયાન બંને વચ્ચે ઘર્ષણનાં કારણો દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેશે. જે ઔદ્યોગિક એકમોમાં 100 અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતા શ્રમિકો કામ કરતા હોય તેવા એકમોમાં આવી સમિતિઓ રચવા માટે જરૂરી નિર્દેશ આપવાની સત્તા સરકારને આપવામાં આવી છે.

(2) કેટલાક ઉદ્યોગો માટે તથા કેટલાક વિસ્તારો માટે સમાધાન-અધિકારીઓ (conciliation officers) નીમવાનું આ કાયદામાં પ્રાવધાન કરવામાં આવ્યું. આવી રીતે નીમવામાં આવેલા અધિકારીઓ વિવાદ સાથે સંકળાયેલા સંબંધિત પક્ષોને એકબીજા સાથે બેસીને વિવાદનું સમાધાન કરવા ઉત્તેજન આપશે અને તેમના પ્રયત્નોની સફળતા/નિષ્ફળતા અંગે સરકારને અહેવાલ સુપરત કરશે એવી આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી.

(3) ઔદ્યોગિક વિવાદોના નિરાકરણ માટે આવશ્યક જણાય તો સરકારને સમાધાન સમિતિ (Board of Concliation) નીમવાની સત્તા આપવામાં આવી; જેમાં એક તટસ્થ ચૅરમૅન ઉપરાંત દરેક પક્ષના બે અથવા ચાર પ્રતિનિધિઓ રહેશે અને આવી સમિતિ સમક્ષ સરકાર દ્વારા જે વિવાદ રજૂ કરવામાં આવશે તેનું નિરાકરણ કરવાની સત્તા તેને આપવામાં આવી છે. આ સમિતિ તેને સોંપવામાં આવેલ વિવાદના નિરાકરણ માટે તેણે કરેલ કાર્યવહી તથા તેની સફળતા/નિષ્ફળતા અંગે સરકારને પોતાનો અહેવાલ મોકલશે એવી આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી.

(4) ઉપર દર્શાવેલ જોગવાઈઓ મુજબ લીધેલાં પગલાંઓ વિવાદના નિરાકરણમાં સફળ ન થાય તો તટસ્થ વ્યક્તિઓનું બનેલું તપાસ-ન્યાયાલય (Court of Enquiry) નીમવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તપાસ દરમિયાન કરવામાં આવેલ કાર્યવહીનો અહેવાલ ન્યાયાલય દ્વારા તપાસના અંતે સરકાર સમક્ષ રજૂ કરવાનું તેમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. ત્યારબાદ જરૂરી બને તો સંબંધિત ઔદ્યોગિક વિવાદનો ફેંસલો (adjudicate) કરવા માટે ઔદ્યોગિક ન્યાયપંચ(Industrial Tribunal)ને તે સોંપવાની જોગવાઈ કરવામાં આવી છે.

(5) ઔદ્યોગિક ન્યાયપંચ રાજ્ય-કક્ષાનું તથા રાષ્ટ્રીય કક્ષાનું – એમ બે પ્રકારનું નીમી શકાશે. રાજ્ય-કક્ષાના ન્યાયપંચ સમક્ષ વેતન, બોનસ, નફામાં શ્રમિકોની ભાગીદારી જેવી બાબતો અંગેના વિવાદો નિરાકરણ માટે રજૂ કરાશે તથા રાષ્ટ્રીય સ્તરના ઔદ્યોગિક વિવાદો રાષ્ટ્રીય કક્ષાના ન્યાયપંચ સમક્ષ નિરાકરણ માટે રજૂ થઈ શકશે. એક કરતાં વધુ રાજ્યોમાં ફેલાયેલા ઔદ્યોગિક એકમોમાં ઉદભવતા વિવાદોનું નિરાકરણ પણ રાષ્ટ્રીય કક્ષાના ન્યાયપંચ દ્વારા કરવામાં આવશે. આ બંને પ્રકારનાં ન્યાયપંચો દ્વારા અપાયેલા ચુકાદા બંને પક્ષો માટે બંધનકર્તા રહેશે. જીવનવીમા નિગમ અને તેના હસ્તકના શ્રમિકો વચ્ચેના વિવાદોના નિરાકરણ માટે દિલ્હી ખાતે એક રાષ્ટ્રીય ન્યાયપંચ નીમવામાં આવ્યું હતું.

ઔદ્યોગિક વિવાદ ધારો, 1947ને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્યે તેમાં સંયુક્ત વ્યવસ્થાપન-સમિતિ (Joint Management Council)ની સ્થાપનાની એક નવી જોગવાઈ 1972માં ઉમેરી, જે 500 અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતા ઔદ્યોગિક એકમોને લાગુ પાડવાનું પ્રાવધાન કરવામાં આવ્યું. સંયુક્ત વ્યવસ્થાપન-સમિતિ પર સંબંધિત ઔદ્યોગિક એકમના શ્રમિકોના પ્રતિનિધિઓ ચૂંટણી દ્વારા પસંદ કરવાની જોગવાઈ કરવામાં આવી. ઉપર્યુક્ત સમિતિ માલિકો અને મજૂરો વચ્ચે સુમેળભર્યા સંબંધો પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરશે, તેમની વચ્ચે પારસ્પરિક વિશ્વાસનું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ કરશે, ઔદ્યોગિક એકમની ઉત્પાદકતા વધારવા માટેનાં પગલાંઓ સૂચવશે, મજૂર-કલ્યાણને લગતાં પગલાંઓ વધુ ને વધુ અસરકારક બનાવવાનો પ્રયાસ કરશે, કામના સ્થળે શ્રમિકો માટે વધુ સુરક્ષિતતા માટે(safety measures)નાં પગલાંઓ સૂચવશે તથા માલિકોની ઔદ્યોગિક એકમ પ્રત્યેની જવાબદારીઓ અંગે શ્રમિકોને વધુ સભાન બનાવવાના પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમના સંચાલનની મહત્વની દરેક બાબત માલિકો દ્વારા સંયુક્ત વ્યવસ્થાપન–સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે તથા સમિતિ માગે તે બધી જ માહિતી માલિકો દ્વારા સમિતિને પૂરી પાડવામાં આવશે એવી ખાસ જોગવાઈ કરવામાં આવી. સંયુક્ત વ્યવસ્થાપન-સમિતિના માધ્યમ દ્વારા ઔદ્યોગિક એકમોના સંચાલનમાં શ્રમિકોની ભાગીદારી દાખલ કરવાનો તથા ઔદ્યોગિક સંચાલનની જવાબદારીઓ પ્રત્યે શ્રમિકોને સભાન કરવાનો તેનો મુખ્ય હેતુ હતો. અન્ય રાજ્યોએ પણ ઓછાવત્તા પ્રમાણમાં આ પ્રકારની વ્યવસ્થા દાખલ કરી છે.

1957માં ભારતીય શ્રમ કૉન્ફરન્સે (Indian Labour Conference) ઔદ્યોગિક એકમોમાં શિસ્તની આચારસંહિતા (code of conduct) ઘડી કાઢી હતી, જેને દેશનાં રાષ્ટ્રીય સ્તરનાં મજૂર-મંડળો તથા માલિકોનાં રાષ્ટ્રીય સ્તરનાં સંચાલક-મંડળોએ પોતાની સ્વીકૃતિ આપી હતી. આ આચારસંહિતા હેઠળ બંને પક્ષો પરસ્પર વિશ્વાસનું વાતાવરણ અને સહકારની ભાવના ઊભાં કરશે તથા તેમની વચ્ચેના વિવાદોનું નિરાકરણ કાં તો પારસ્પરિક સમજૂતી દ્વારા અથવા આપસમાં વાટાઘાટો કરી અથવા સમાધાન (conciliation) કે સ્વૈચ્છિક લવાદ દ્વારા કરશે એવું નક્કી કરવામાં આવ્યું. શિસ્તની આચારસંહિતા હેઠળ જરૂરી પૂર્વસૂચના વગર કોઈ પણ પક્ષ દ્વારા હડતાલ કે તાળાબંધી જાહેર કરવામાં આવશે નહિ; એકબીજાને વિશ્ર્વાસમાં લીધા વિના કોઈ પણ પક્ષ એકતરફી નિર્ણય લેશે નહિ; ધીમે કામ કરવું (go-slow); ઔદ્યોગિક એકમની મિલકતને ઇરાદાપૂર્વક નુકસાન પહોંચાડવું; હિંસા, ધાકધમકી, બળજબરી વગેરે આચરવામાં આવશે નહિ. ઔદ્યોગિક વિવાદોના નિરાકરણ માટે જે માળખું ઊભું કરવામાં આવ્યું છે તેને નિષ્ઠાથી વળગી રહેવામાં આવશે તથા ઔદ્યોગિક શાંતિ જોખમાય એવું વર્તન બેમાંથી કોઈ પણ પક્ષ કરશે નહિ.

નવેમ્બર, 1962માં માલિકોનાં અને શ્રમિકોનાં સંગઠનોએ એક ઠરાવ દ્વારા ઔદ્યોગિક સંધિ (industrial truce) કરી હતી, જે હેઠળ દેશમાં જ્યારે કટોકટી હોય ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં વિક્ષેપ ઊભા થાય અથવા ઉત્પાદન ધીમી ગતિથી થાય તેવાં કોઈ પગલાં કોઈ પણ પક્ષ દ્વારા લેવાશે નહિ; એટલું જ નહિ, પરંતુ ઉત્પાદન વધુમાં વધુ થાય તેવા પ્રયાસ કરવામાં આવશે એવું ઠરાવવામાં આવ્યું હતું.

ઉપર જણાવેલ શિસ્તની આચારસંહિતા તથા ઔદ્યોગિક સંધિ દ્વારા દેશમાં બંને પક્ષોએ સ્વૈચ્છિક ધોરણે ઔદ્યોગિક વિવાદોની પતાવટ પારસ્પરિક સમજૂતી દ્વારા કરવા પર તથા ઔદ્યોગિક શાંતિ જાળવવા પર ભાર મૂક્યો હતો.

જુલાઈ, 1967માં કેન્દ્ર સરકાર દ્વારા વિશાળ પ્રતિનિધિત્વ ધરાવતા એક રાષ્ટ્રીય લવાદ પ્રોત્સાહક બૉર્ડ(National Arbitration Promotion Board)ની રચના કરવામાં આવી હતી; જેનો મુખ્ય ઉદ્દેશ ઔદ્યોગિક વિવાદોની પતાવટ સ્વૈચ્છિક ધોરણે, પરસ્પરની સમજૂતી દ્વારા કરવાનો રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા પસાર કરવામાં આવેલા ઠરાવો (conventions) તથા ભલામણોનો અમલ કરવા માટે એક ત્રિપક્ષી માળખું (Tripartite Labour Machinery) ઊભું કરવામાં આવ્યું, જે શ્રમિકોના પ્રશ્નો અંગે સરકારને વખતોવખત જરૂરી સલાહસૂચન કરી શકે. દેશના ઔદ્યોગિક ક્ષેત્રમાં બધા પક્ષો વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થપાય તે હેતુથી 1966માં કેન્દ્ર-સરકારે એક રાષ્ટ્રીય શ્રમ-આયોગ(National Commission on Labour)ની સ્થાપના કરી, જેણે 1969માં સરકાર સમક્ષ રજૂ કરેલા પોતાના અહેવાલમાં 300 જેટલી ભલામણો કરી હતી.

જો કોઈ માલિક શ્રમિકોની કામ કરવાની શરતોમાં ફેરફાર કરવા માગતો હોય તો તે અંગે ઓછામાં ઓછા 21 દિવસ પૂર્વે તે અંગેની નોટિસ નિર્ધારિત કરેલ પદ્ધતિ મુજબ સંબંધિત શ્રમિકોને આપવાની રહેશે; પરંતુ જો કામની શરતોમાં કરવામાં આવતા ફેરફારો પરસ્પરની સમજૂતીનું પરિણામ હોય અથવા પંચના કોઈ ઍવૉર્ડ/ચુકાદામાંથી ઉદભવતા હોય ત્યારે આવા કિસ્સામાં આવી નોટિસની કલમ લાગુ પડશે નહિ.

ઔદ્યોગિક એકમમાં કામ કરતા શ્રમિકોમાંથી કોઈ એકલ મજૂરની બાબતમાં કોઈ વિવાદ ઊભો થાય તો તેનું નિરાકરણ કરવા માટે ફરિયાદ નિવારણ સત્તામંડળ(grievance settlement authority)ની નિમણૂક કરવાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવેલ છે. આ પ્રાવધાન 50 અથવા તેના કરતાં વધુ મજૂરો કામ કરતા હોય તેવા ઔદ્યોગિક એકમોને લાગુ પડે છે.

માલિકો અને મજૂરો વચ્ચે જ્યારે કોઈ વિવાદ સર્જાયેલો હોય અથવા કોઈ વિવાદ ઊભો થાય તેવી સંભાવના હોય ત્યારે તેના નિરાકરણ માટે માલિકો અને શ્રમિકો પરસ્પરના લેખિત સંયુક્ત નિર્ણયને આધારે ઉપર્યુક્ત વિવાદ સ્વેચ્છાથી કોઈ લવાદને સોંપી શકે છે, શરત એ કે આમ કરતાં પહેલાં તે વિવાદ અન્ય કોઈ સત્તામંડળ સમક્ષ રજૂ કરવામાં આવેલો ન હોય. જ્યારે કોઈ વિવાદ એવા લવાદને સોંપવામાં આવેલો હોય, જેની સંખ્યા સરખી (even number) હોય અને જેનો ચુકાદો લવાદના સભ્યો વચ્ચે સરખી સંખ્યામાં વિભાજિત થયેલો હોય ત્યારે તેનો અંતિમ નિર્ણય કરવા માટે કોઈ તટસ્થ નિર્ણાયક(અમ્યાપર)ની નિમણૂકનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવેલ છે.

આ કાયદા દ્વારા સ્થાપિત શ્રમ-ન્યાયાલય (labour court), ટ્રિબ્યૂનલ અથવા રાષ્ટ્રીય ટ્રિબ્યૂનલ, માલિક દ્વારા બરતરફ કરાયેલા શ્રમિકની તરફેણમાં ચુકાદો આપે અને તે દ્વારા સંબંધિત શ્રમિકને ફરી કામ પર લેવા માલિકને આદેશ આપે ત્યારે, જો સંબંધિત માલિક ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલયમાં ઉપર્યુક્ત ચુકાદા સામે અપીલ દાખલ કરે ત્યારે તે અપીલનો ચુકાદો ન આવે તે દરમિયાનના ગાળામાં ઉપર્યુક્ત શ્રમિકને તેણે મેળવેલ છેલ્લામાં છેલ્લા વેતનની રકમ જેટલું વેતન માલિકે નિયમિત રીતે ચૂકવવાનું રહેશે. શરત એ કે તે સમયગાળા દરમિયાન શ્રમિકે અન્યત્ર નોકરી સ્વીકારી ન હોય.

હડતાળ અને તાળાબંધી અંગેની જોગવાઈઓ : જાહેર ઉપયોગિતા સેવા(public utility service)માં કામ કરતા શ્રમિકો આ કાયદામાં નિર્ધારિત કરવામાં આવેલ પ્રાવધાનોનો અમલ કર્યા વિના હડતાળ પાડી શકશે નહિ. તેવી જ રીતે આવી સેવાઓનું સંચાલન અને વ્યવસ્થાપન કરતો કોઈ પણ માલિક આ કાયદામાં નિર્ધારિત કરવામાં આવેલ જોગવાઈઓનો અમલ કર્યા વિના તાળાબંધી દાખલ કરી શકશે નહિ.

ઔદ્યોગિક એકમની માલિકીની તબદીલી થાય ત્યારે તે તબદીલીની પૂર્વે ઓછામાં ઓછું એક વર્ષની નોકરી કરેલી હોય તેવા દરેક શ્રમિકને તેના મૂળ માલિકે નોકરીમાંથી છૂટા કરવા માટેનું વળતર ચૂકવવાનું રહેશે, સિવાય કે માલિકીની તબદીલીથી શ્રમિકની રોજગારીના સાતત્યમાં કોઈ તબદીલી થઈ ન હોય.

જો કોઈ માલિક પોતાનું કારખાનું કાયમ માટે બંધ કરવા માગતો હોય તે સંજોગોમાં તેણે સંબંધિત સરકારને ઓછામાં ઓછા સાઠ દિવસ પૂર્વે તે અંગેની નોટિસ કાયદામાં નિર્ધારિત કાર્યપ્રણાલી મુજબ ફરજિયાત રીતે આપવાની રહેશે. આ કલમ 50 શ્રમિકો કરતાં ઓછી સંખ્યા ધરાવતા ઔદ્યોગિક એકમોને તથા મકાનોનું, રસ્તાઓનું, પુલોનું, નહેરોનું, બંધનું બાંધકામ જેવી પ્રવૃત્તિઓ કરતા ઘટકોને લાગુ પડશે નહિ. ઉપરાંત, કાયદાની જોગવાઈઓને અધીન રહીને કારખાનું બંધ કરવામાં આવે તોપણ બંધ કરવામાં આવનાર ઔદ્યોગિક એકમમાં કારખાનું બંધ થવાની તારીખ પહેલાં ઓછામાં ઓછી એક વર્ષની નોકરી કરેલી હોય તે દરેક શ્રમિકને આ કાયદામાં અન્યત્ર કરવામાં આવેલ જોગવાઈ મુજબ વળતર ચૂકવવાનું રહેશે.

કોઈ ઔદ્યોગિક એકમમાં મજૂરોની છટણી કરવાની હોય ત્યારે છેલ્લામાં છેલ્લો નોકરીમાં દાખલ થયેલ હોય તેવા શ્રમિકની સૌપહેલાં છટણી કરવાની રહેશે અને તે પછીના મજૂરોને પણ છટણીનો આવો ક્રમ લાગુ પડશે. તેવી જ રીતે જો કોઈ માલિક છટણી થયેલ મજૂરોને ફરી કામ પર લેવા માગતો હોય ત્યારે તેના કારખાનામાંથી છટણીને કારણે છૂટા થયેલા શ્રમિકોના પુન:સ્થાપનને પ્રથમ પસંદગી આપવાની રહેશે.

બદલી કામદારો તથા નૈમિત્તિક (casual) ધોરણે કામ કરતા મજૂરો સિવાયના જે મજૂરોનાં નામ કારખાનાના હાજરીપત્રકમાં દાખલ થયેલાં હોય તેવા કોઈ પણ શ્રમિક પર સરકાર કે તેના દ્વારા નિર્ધારિત અધિકારી કે સત્તામંડળની પૂર્વસંમતિ વગર હંગામી ધોરણે ફરજિયાતપણે કામબંધી (lay-off) લાદી શકાશે નહિ. આ અંગેના તથા છટણીના નિયમો અંગેના પરિપાલનમાં જે કોઈ માલિક કસૂર કરશે તેને ઓછામાં ઓછા એક માસની સજા અથવા રૂપિયા એક હજારનો દંડ અથવા બંને જેટલી સજાનું આ કાયદામાં પ્રાવધાન કરવામાં આવેલ છે.

જો કોઈ માલિક કે મજૂર-મંડળ ગેરવાજબી કૃત્ય કરશે તો તે આ કાયદા દ્વારા નિર્ધારિત સજાને પાત્ર ગણાશે. ગેરવાજબી કૃત્ય કયું ગણાશે તે વિશે આ કાયદામાં વિસ્તારથી જોગવાઈઓ કરવામાં આવેલી છે.

2. આઝાદી પછીના મજૂર-કાયદાઓ

લઘુતમ વેતનનો કાયદો, 1948 (Minimum Wages Act, 1948) : ઔદ્યોગિક તથા અન્ય કેટલાક ઉત્પાદકીય વ્યવસાયોમાં કામ કરતા શ્રમિકો માટે વેતનના લઘુતમ દરો કાયદા દ્વારા નિર્ધારિત કરવાનો અને તે દ્વારા શ્રમિકોનું આર્થિક શોષણ અટકાવવાનો આ ધારાનો મુખ્ય હેતુ છે. કયા વ્યવસાયોને આ કાયદો લાગુ પડે છે તેની યાદી આ કાયદાના ભાગ-1 અને ભાગ-2માં દર્શાવવામાં આવી છે. ભાગ-1માં કાચા માલમાંથી તૈયાર માલમાં ચીજવસ્તુઓનું રૂપાંતર કરનાર નિર્માણ-વ્યવસાયો (manufacturing) તથા ભાગ-2માં કૃષિ અને તેની સાથે સંલગ્ન વ્યવસાયો ઉમેરવામાં આવ્યા છે. સરકાર ઇચ્છે તો તેમાં નવા વ્યવસાયો ઉમેરવાનું પ્રાવધાન પણ છે. ઉપરાંત, સમયાંતરે (પરંતુ સામાન્ય રીતે પાંચ વર્ષ કરતાં વધારે નહિ એ રીતે) લઘુતમ વેતનના અગાઉ નિર્ધારિત કરેલા દરોની સમીક્ષા કરવાની તથા તેમાં સુધારાવધારા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે. જે વ્યવસાયોમાં સમગ્ર રાજ્યમાં શ્રમિકોની કુલ સંખ્યા એક હજાર કરતાં ઓછી હોય તે વ્યવસાયોમાં રાજ્ય-સરકાર લઘુતમ વેતનના દરોના નિર્ધારણની બાબત ટાળી શકે છે. આ કાયદામાં ચાર રીતે લઘુતમ વેતનનું નિર્ધારણ કરવાની જોગવાઈ છે : (1) સમયના સંદર્ભમાં વેતનના લઘુતમ દરો (a minimum time rate), (2) છૂટક કામના સંદર્ભમાં લઘુતમ દરો (a minimum piece rate), (3) છૂટક કામ માટે રોકાયેલા મજૂરોને સમયના સંદર્ભમાં રક્ષિત અથવા બાંયધરીકૃત વેતનના લઘુતમ વેતન-દરો (a guaranteed time rate) અને (4) કામના નિયમિત સમયગાળા કરતાં શ્રમિકો પાસેથી વધુ કામ લેવામાં આવે તો તે વધારાના કામ માટે ચૂકવાતું લઘુતમ વેતન (overtime rate).

જુદાં જુદાં સૂચિપત્રકોમાં ઉલ્લેખિત વ્યવસાયો માટે લઘુતમ વેતનના જુદા જુદા દરો નિર્ધારિત કરવાની; એક જ વ્યવસાયમાં કામ કરતા શ્રમિકોના ભિન્ન ભિન્ન વર્ગો માટે લઘુતમ વેતનના ભિન્ન ભિન્ન દરો નિર્ધારિત કરવાનું; પુખ્ત ઉંમરના, કિશોર-અવસ્થાના, બાહ્યાવસ્થાના અને શિખાઉ શ્રમિકો માટે લઘુતમ વેતનના જુદા જુદા દરો નિર્ધારિત કરવાનું તથા જુદા જુદા લત્તાઓ, વિસ્તારો કે પ્રદેશોમાં કામ કરતા શ્રમિકો માટે લઘુતમ વેતનના જુદા જુદા દરો નિર્ધારિત કરવા માટેનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવ્યું છે. વળી એ જ રીતે કલાકદીઠ, દિવસદીઠ, માસદીઠ અથવા તેનાથી વધારે સમયગાળાદીઠ લઘુતમ વેતનના દરો નિર્ધારિત કરવાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. કોઈ પણ રાજ્યમાં સૌપ્રથમ વાર કોઈ વ્યવસાય માટે લઘુતમ વેતનના દરો નિર્ધારિત કરવાના હોય અથવા અગાઉ નિર્ધારિત કરવામાં આવેલા લઘુતમ દરોમાં સુધારાવધારા કરવાના હોય ત્યારે રાજ્ય-સરકાર તે અંગે જરૂરી તપાસ કરી તેને આધારે સલાહસૂચન કરવા માટે એક અથવા વધુ સભ્યોની બનેલી સમિતિઓ નીમી શકે છે અથવા રાજ્ય-સરકાર પોતે તે અંગેની પોતાની ભલામણો ગૅઝેટમાં પરિપત્રિત કરી અસર પામનાર પ્રજાજનો પાસેથી તેમની દરખાસ્તો મંગાવી શકે છે અને તેને આધારે લઘુતમ વેતનના દરો નિર્ધારિત કરી શકે છે.

લઘુતમ વેતન-નિર્ધારણ સાથે સંકળાયેલી જુદી જુદી સમિતિઓના કામકાજ વચ્ચે સંકલન કરવા માટે તથા રાજ્ય-સરકારને તે અંગે વખતોવખત સલાહસૂચન કરવા માટે એક સલાહકાર-સમિતિની રચના કરવાની આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. આવી જ એક સલાહકાર-સમિતિ કેન્દ્ર-સરકાર દ્વારા નીમવામાં આવે છે, જે કેન્દ્ર-સરકાર અને રાજ્ય-સરકારોને લઘુતમ વેતન-નિર્ધારણ અંગે તથા રાજ્ય-સ્તરની સલાહકાર-સમિતિઓના કામકાજ વચ્ચે સંકલન કરવાનું કામ કરે છે. આવી સલાહકાર-સમિતિમાં માલિકો અને મજૂરોના સરખા પ્રતિનિધિઓ ઉપરાંત કેટલાક તટસ્થ નિષ્ણાતોની નિમણૂક પણ કરવામાં આવે છે.

સરકારે નિર્ધારિત કરેલ લઘુતમ વેતનની ચુકવણી સામાન્ય રીતે રોકડમાં કરવા અંગે કાયદામાં જોગવાઈ છે; તેમ છતાં કેટલાક કિસ્સાઓમાં જરૂરી જણાય તો લઘુતમ વેતનની આંશિક ચુકવણી રોકડમાં અને બાકીની આંશિક ચુકવણી વસ્તુના રૂપમાં કરવા અંગે રાજ્ય-સરકાર આદેશ આપી શકે છે.

જે વ્યવસાયો માટે આ કાયદા હેઠળ લઘુતમ વેતનના દરો નિર્ધારિત કરવાનું પ્રાવધાન છે તે વ્યવસાયોમાં નિર્ધારિત વેતન-દરોના સંદર્ભમાં શ્રમિકોના કામના કલાકો વિરામના સમય સાથે નિર્ધારિત કરવાની સત્તા પણ સરકારને આપવામાં આવી છે. દરેક અઠવાડિયામાં એક દિવસ સવેતન આરામનો દિવસ રહેશે, જે માટે વેતન મેળવવાનો જે તે વર્ગના મજૂરોનો અધિકાર ગણાશે. રજાના દિવસે શ્રમિક પાસેથી કામ લેવામાં આવે તો તે દિવસ માટે તેને ઓછામાં ઓછું ઓવરટાઇમ વેતન જેટલું વેતન ચૂકવવામાં આવશે.

લઘુતમ વેતન-ધારાનો અમલ સાતત્યથી થાય છે કે કેમ તેની વખતોવખત તપાસ કરવા માટે નિરીક્ષકો (inspectors)ની નિમણૂકની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે. લઘુતમ વેતનની ચુકવણી અંગેની ફરિયાદોનો નિકાલ કરવા માટે પૂરતી લાયકાત ધરાવતા ન્યાયાધીશોની નિમણૂક કરવાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવ્યું છે. જે માલિકો સરકારે નિર્ધારિત કરેલ વેતન-દરો કરતાં તેમના શ્રમિકોને ઓછા વેતનની ચુકવણી કરશે તેમને છ માસ સુધીની સજા અથવા રૂપિયા પાંચ સો સુધીનો દંડ અથવા એકસાથે બંને પ્રકારની સજા કરી શકાશે; પરંતુ આ સજા ફરમાવતી વખતે આ કાયદાની કલમ 20 અન્વયે દાખલ કરવામાં આવેલા માલિક સામેના અન્ય કોઈ દાવાની પતાવટ વખતે માલિક પર મજૂરને કોઈ વળતર ચૂકવવાનું ન્યાયાલય દ્વારા ફરમાવવામાં આવ્યું છે કે કેમ તેનો ખ્યાલ ન્યાયાલયે કરવાનો રહેશે. લઘુતમ વેતનની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર જો કોઈ કંપની હોય તો તે કંપનીના જે એક અથવા વધુ અધિકારીઓ લઘુતમ વેતનની ચુકવણી માટે જવાબદાર હોય તેવા અધિકારીઓ સજાને પાત્ર ગણાશે, સિવાય કે તે અધિકારી એમ સાબિત કરી આપે કે તેની જાણ બહાર આ પ્રકારનું કૃત્ય કંપની દ્વારા થયેલ છે અથવા લઘુતમ વેતનના કાયદાનો અમલ કરવાનો તેણે સાતત્યથી પ્રયત્ન કરેલ છે. લઘુતમ વેતનની ચુકવણીના પ્રાવધાનનું ઉલ્લંઘન કંપનીના નિયામક, વ્યવસ્થાપક (manager), સેક્રેટરી અથવા કોઈ અન્ય અધિકારીની સંમતિથી અથવા આંખમીંચામણાંથી થયેલું છે એવું સાબિત થાય તો તેઓ પણ સજાને પાત્ર ગણાશે.

આ કાયદા હેઠળ લઘુતમ વેતનની ચુકવણી જે મજૂરને કરવાની છે તે મજૂરનું અવસાન થયેલું હોય તો અથવા જો તેનો પત્તો ન હોય તો આવા કિસ્સામાં ચૂકવવાપાત્ર રકમ માલિક દ્વારા કાયદામાં નિર્ધારિત અધિકારી પાસે જમા કરાવવાની રહેશે.

રાજ્ય-સરકાર શારીરિક રીતે ખોડખાંપણવાળા અથવા અશક્ત કામદારોને અથવા સૂચિત વ્યવસાયોમાંથી કોઈ વ્યવસાયને અથવા કામદારોમાંથી કોઈ એક વર્ગને અથવા કોઈ પ્રાદેશિક વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને આ કાયદાની જોગવાઈઓ વાજબી કારણોસર લાગુ પાડવા ન ઇચ્છતી હોય તો તે અંગે વાજબી કારણોના બયાન સાથે જરૂરી પરિપત્ર બહાર પાડીને તેમ કરી શકે છે.

ફૅક્ટરિઝ ઍક્ટ, 1948 (Factories Act, 1948) : જે ઉત્પાદન-એકમમાં શ્રમિકો કામ કરતા હોય તે એકમના સ્થળે કામ કરતા સંબંધિત શ્રમિકો માટેની કામની શરતો નક્કી કરવાનો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ છે અને તેમાં શ્રમિકોની સુરક્ષિતતા; તંદુરસ્તી; ઉત્પાદન-એકમનાં સાધનોના ઉપયોગ વખતે શ્રમિકના સ્વાસ્થ્યની સલામતી તથા જોખમોની ગેરહાજરી; શ્રમિકોની સુરક્ષિતતા, તેમના સ્વાસ્થ્યની સલામતી તથા કામના સ્થળે ઉદભવી શકે તેવાં સંભવિત જોખમો સામે તકેદારી અને તે માટેની માહિતીનું પ્રસારણ, તાલીમ વગેરે; ફૅક્ટરીના વિસ્તારની સુરક્ષિતતા, તંદુરસ્તી-સ્વાસ્થ્ય તથા સલામતીના સંદર્ભમાં રખરખાવ ઇત્યાદિનો સમાવેશ થાય છે. વસ્તુનું પ્રારૂપ નક્કી કરનાર, તેનું ઉત્પાદન કરનાર, તેની આયાત કરનાર તથા તેનો પુરવઠો પૂરો પાડનાર વ્યક્તિએ શ્રમિકોની સુરક્ષિતતા, તેમના સ્વાસ્થ્યની સલામતી તથા તેમના માટેનાં જોખમો સામે કયા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તથા તે માટેના કયાં પગલાં લેવાં જોઈએ તેનું બયાન વિસ્તારથી આ કાયદામાં કરવામાં આવેલ છે; દા.ત., વસ્તુનું પ્રારૂપ નક્કી કરનાર વ્યક્તિએ જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી તેનું પ્રારૂપ સમજદારીપૂર્વક એવી રીતે નક્કી કરવું જોઈએ કે જેથી તેનું ઉત્પાદન કરતી વેળાએ શ્રમિકનાં સ્વાસ્થ્ય તથા સુરક્ષિતતાને આંચ ન આવે; વસ્તુ બનાવતી વેળાએ, તેના ઉપયોગ દરમિયાન શ્રમિકો માટે કોઈ જોખમો ઊભાં ન થાય તે માટે વસ્તુના પ્રારૂપની પૂરતી ચકાસણી કરવા માટે જરૂરી કસોટી તથા પરીક્ષણો હાથ ધરવાં જોઈએ અને વસ્તુના ઉપયોગ દરમિયાન તકેદારીનાં કયાં પગલાં લેવાં જરૂરી છે તેની માહિતી શ્રમિકોને પૂરતા પ્રમાણમાં અને સમયસર આપવી જોઈએ. આ જ પ્રકારની તકેદારી આયાત દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી વસ્તુઓ પ્રત્યે આયાત કરનાર વ્યક્તિએ રાખવાની રહેશે.

ફૅક્ટરી ઍક્ટની કલમોનું માલિકો સાતત્યથી પરિપાલન કરે છે કે નહિ તે જોવા માટે પૂરતી લાયકાત ધરાવતા ઇન્સ્પેક્ટરોની નિમણૂક કરવાનો અધિકાર આ કાયદામાં સરકારને આપવામાં આવ્યો છે અને આવી રીતે નિમાયેલા અધિકારીઓની સત્તાઓનું બયાન પણ કાયદામાં કરવામાં આવેલ છે. કામ કરવાના સ્થળે માલિકોએ શ્રમિકોની તંદુરસ્તી અને સ્વાસ્થ્ય માટે આ કાયદા હેઠળ જે પગલાં લેવાનાં રહે છે તે લેવાય છે કે નહિ તેની ચકાસણી કરવા માટે જરૂરી લાયકાત ધરાવતા તબીબી અધિકારીઓની નિમણૂક કરવાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવ્યું છે.

આ કાયદા હેઠળ ફૅક્ટરીના વિસ્તારમાં સ્વચ્છતાનાં કયાં ધોરણો હોવાં જોઈએ; કારખાનામાં ઉત્પાદન દરમિયાન જે પ્રવાહી અથવા ઘન  ગંદવાડ (wastes and effluents) ઊભો થશે તેનું નિરાકરણ કેવી રીતે કરવું; કામના સ્થળે સ્વચ્છ હવા-ઉજાશનાં અને પૂરતા પ્રકાશનાં ધોરણો કેવાં રહેશે; ધૂળ તથા ધુમાડાનો નિકાલ કઈ રીતે કરાશે; કૃત્રિમ ભેજનાં ધોરણો કેવાં હોવાં જોઈએ; શ્રમિકોને પીવાનું સ્વચ્છ પાણી મળે તથા ફૅક્ટરીના વિસ્તારમાં જરૂરી પ્રમાણમાં સંડાસ અને મૂત્રાલયોની જોગવાઈ વગેરે વિશે પણ આ કાયદામાં જરૂરી નિર્દેશો કરવામાં આવ્યા છે. મહિલા-કામદારો તથા યુવામજૂરો પાસેથી કામ લેવા અંગેનાં ધોરણો પણ આ કાયદામાં સામેલ કરવામાં આવ્યાં છે. ઉત્પાદનની જે પ્રક્રિયાઓને લીધે શ્રમિકોની આંખો પર વિપરીત અસર થવાની શક્યતા હોય છે તે પ્રક્રિયાઓ દરમિયાન શ્રમિકોની આંખોને પૂરતું રક્ષણ મળે તે માટે, વીજળીનાં ઉપકરણોના તથા વિસ્ફોટક કે જ્વાળાગ્રાહી પદાર્થોના ઉપયોગ માટે, કારખાનાના મકાનની તથા યંત્રોની સુરક્ષિતતા માટે પણ આ કાયદામાં જરૂરી પ્રાવધાન કરવામાં આવેલ છે. આગ લાગે ત્યારે ફૅક્ટરીની મિલકત તથા શ્રમિકોની સલામતી માટે કયાં પગલાં લેવાં જોઈએ તે વિશેની જરૂરી કલમો આ કાયદામાં ઉમેરવામાં આવી છે. જે કારખાનાંઓમાં જોખમકારક પ્રક્રિયાઓ (hazardous processes) હાથ ધરવામાં આવે છે તે કારખાનાંઓમાં આવી પ્રક્રિયા દરમિયાન શ્રમિકોને પૂરતું રક્ષણ મળે તે માટેના ઉપાયો પણ કાયદામાં સૂચવવામાં આવ્યા છે, જેનો અમલ કારખાનાના માલિક દ્વારા ફરજિયાતપણે કરવાનો રહે છે. આવાં કારખાનાંઓમાં સલામતીનાં પગલાં અંગે માલિકો અને શ્રમિકોની સંયુક્ત સમિતિઓની રચનાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવ્યું છે, ઉપરાંત શ્રમિકોના કલ્યાણ માટે કારખાનામાં નાહવાધોવાની સગવડ, આરામના સમય દરમિયાન ઊઠવાબેસવા માટેની અને પ્રાથમિક સારવારની સગવડ, કૅન્ટીનની અને ભોજન કે નાસ્તો કરવા માટેના આશ્રયસ્થાનની સગવડ, મહિલા-કામદારોનાં બાળકો માટે ઘોડિયાઘરની સગવડ ઇત્યાદિ બાબતો વિશે તથા જુદા જુદા વર્ગના શ્રમિકોના કામના કલાકો, આરામનો સમય, અઠવાડિયાની રજા, ભરપાઈની રજા (compensatory holiday), વાર્ષિક સવેતન રજા, રાતપાળીમાં મજૂરો પાસેથી કામ લેવા માટેનાં ધોરણો, વધારાના કામ સામે ઓવરટાઇમ-વેતન, બેવડું કામ લેવા પર પ્રતિબંધ, શ્રમિકોનાં હાજરીપત્રકો; યુવા, મહિલા તથા બાળકો પાસેથી કામ લેવાના નિયમો વગેરેનું પણ કાયદામાં વિસ્તારથી બયાન કરવામાં આવ્યું છે.

આ કાયદાની જુદી જુદી જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર માલિકો અથવા સંબંધિત અધિકારીઓને સજા કરવા માટેની કલમો પણ આ કાયદામાં ઉમેરવામાં આવી છે.

રાજ્ય વીમા યોજના કાયદો, 1948 (Employees’ State Insurance Act, 1948) : આ કાયદા અન્વયે જે કારખાનાંઓ અથવા ઉત્પાદન-એકમો (establishments) નોંધાયેલાં છે તેમાં કામ કરતા શ્રમિકોને માંદગી, સુવાવડ તથા કામ દરમિયાન થયેલી ઈજા સામે અને તેની સાથે સંકળાયેલા અન્ય સંલગ્ન સંજોગો સામે કેટલાક લાભ અપાવવાના હેતુથી આ કાયદો ઘડવામાં આવ્યો છે. આ કાયદાનો વહીવટ કરવા માટે કેન્દ્ર-સરકારે કામદાર રાજ્ય વીમા યોજના નિગમ, (Employees’ State Insurance Corporation)ની સ્થાપના કરી છે; જેમાં જુદા જુદા વર્ગો – વ્યવસાયો અને ક્ષેત્રોને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. વળી નિગમના સભ્યોમાંથી પસંદ કરાયેલા સભ્યોની બનેલી સ્ટૅન્ડિન્ગ કમિટી તથા મેડિકલ બેનિફિટ કાઉન્સિલની રચના પણ કરવામાં આવી છે. નિગમના મુખ્ય વહીવટી અધિકારી કેન્દ્ર સરકારે નીમેલા ડિરેક્ટર જનરલ રહે છે. સ્ટૅન્ડિંગ કમિટીનું મુખ્ય કામ આ કાયદાનાં પ્રાવધાનો મુજબ નિગમનું સંચાલન કરવા માટેના જરૂરી નિર્ણયો લેવાનું રહે છે.

આ કાયદા હેઠળ આવરી લેવાયેલા કામદારોને નીચે દર્શાવેલ છ પ્રકારના લાભ આપવાની જોગવાઈ છે :

(1) માંદગી દરમિયાન રાહત.

(2) મહિલા-કામદારોને માંદગી ઉપરાંત સુવાવડ દરમિયાન રાહત.

(3) કામ દરમિયાન કામદારને ઈજા થાય અને તેને લીધે તે કાયમી અથવા ટૂંકા સમય માટે કામ કરવા અશક્તિમાન બને તો તે દરમિયાન રાહત.

(4) કામ દરમિયાન થયેલ ઈજાને કારણે કામદારનું મૃત્યુ થાય તો તેના આશ્રિતોને અપાતી રાહત.

(5) માંદગી દરમિયાન કામદારને વૈદ્યકીય સારવાર અને સેવાની રાહત.

(6) કામદારના મૃત્યુ બાદ તેની અંત્યવિધિ માટે થતા ખર્ચ સામે રાહત.

આ કાયદા હેઠળ એક ભંડોળ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં યોજનામાં સામેલ કરવામાં આવેલા કામદારોનો ફાળો; કેન્દ્ર સરકાર દ્વારા અપાતું અનુદાન; નિગમને કેન્દ્ર કે રાજ્ય-સરકાર કે સ્થાનિક પ્રશાસન સંસ્થા અથવા વ્યક્તિ પાસેથી મળેલ દાન, ભેટ અથવા સોગાદો વગેરેની રકમો જમા કરવામાં આવે છે. કેન્દ્ર-સરકાર તેના વિનિયોગ માટેના નિયમો ઘડી શકે છે. આ ભંડોળમાંથી જ કામદારોને કે તેમનાં કુટુંબીજનોને અપાતાં લાભ/રાહત માટેના ખર્ચાઓ; વીમા યોજના હેઠળ સ્થાપિત કરવામાં આવેલાં દવાખાનાંઓ, ઔષધાલયો તથા અન્ય સંસ્થાઓના રખરખાવ માટે તથા તેની સાથે સંલગ્ન ગૌણ ખર્ચાઓ; કામદારોને અપાતા વૈદ્યકીય સારવાર માટેના ખર્ચાઓ માટે રાજ્ય-સરકારોને અથવા સ્થાનિક સંસ્થાઓને કે સારવાર આપનાર વ્યક્તિઓને અપાતી રકમો(contributions)ના ખર્ચાઓ; નિગમના સંચાલન અને વ્યવસ્થાપન માટે થતા વહીવટી ખર્ચાઓ અને તેની સાથે સંલગ્ન બાબતો પર કરવામાં આવતા ખર્ચાઓનો કાઢવામાં આવે છે.

રાજ્ય વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવેલા શ્રમિકો તે માટે નિર્ધારિત કરવામાં આવેલા દરે તેમાં પોતાનો ફાળો આપે છે. વળી દરેક માલિકને પણ કામદારદીઠ તેમાં ફાળો આપવાની કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. કામદાર દ્વારા અપાતો ફાળો તેના પગારમાંથી બારોબાર કાપી લેવાની સત્તા માલિકોને આપવામાં આવી છે. કાયદાના તથા તેના હસ્તકની યોજનાઓના સંચાલન અને અમલ પર દેખરેખ રાખવા માટે ઇન્સ્પેક્ટરો નીમવાની જોગવાઈ પણ  કાયદામાં કરવામાં આવી છે.

જે રાજ્ય-સરકારો તે માટે અનુકૂળ ભલામણ કરશે તે રાજ્યોમાં આ યોજના હેઠળના વૈદ્યકીય સારવારના લાભ કામદારનાં કુટુંબીજનોને પણ આપવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

કામ દરમિયાન અકસ્માત થાય અને તેને કારણે કામદારને ઈજા થાય તો તે ઈજાનું સ્વરૂપ નક્કી કરવાની જવાબદારી મેડિકલ બૉર્ડને સોંપવામાં આવે છે, જેના નિર્ણય સામે અપીલ કરવા માટે મેડિકલ અપીલ ટ્રિબ્યૂનલની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે.

આ યોજના હેઠળ કામદારોને અપાતી વૈદ્યકીય સારવાર પૂરી પાડવાની જવાબદારી રાજ્ય-સરકારોને સોંપવામાં આવી છે, પરંતુ રાજ્ય સરકારની સંમતિથી રાજ્ય વીમા યોજના નિગમ જુદાં જુદાં સ્થળોએ દવાખાનાં, ઔષધાલયો તથા તત્સમ અન્ય સેવાઓની જોગવાઈ કરી શકે છે.

જે સમયગાળા દરમિયાન કામદાર આ યોજના હેઠળના લાભ પ્રાપ્ત કરતો હોય તે સમયગાળા દરમિયાન કામદારને સજ્જડ કારણ વગર બરતરફ કરી શકાશે નહિ અથવા અન્ય કોઈ પણ પ્રકારની સજા કરી શકાશે નહિ એવું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવ્યું છે.

આ કાયદાની જુદી જુદી કલમોનું ઉલ્લંઘન કરનાર માલિક કે કામદારને તે માટે સજા કરવાની જોગવાઈ પણ કાયદામાં કરવામાં આવી છે.

આ કાયદાના અમલમાંથી કોઈ પણ ફૅક્ટરી – કારખાનાને કે ઉત્પાદન એકમને, કામદારોના કોઈ પણ વર્ગને કે વ્યક્તિઓના કોઈ સમૂહને બાકાત રાખવાની સત્તા રાજ્ય-સરકારોને આપવામાં આવી છે.

આ કાયદાના અમલ માટે વખતોવખત જરૂરી નિયમો ઘડવાની સત્તા કેન્દ્ર-સરકારને, વીમા યોજના નિગમને તથા રાજ્ય-સરકારોને આપવામાં આવી છે.

કામદારોના ભવિષ્યનિધિનો તથા પ્રકીર્ણ જોગવાઈઓને લગતો કાયદો, 1952 (Employees’ Provident Fund and Miscellaneous Provisions Act, 1952) : કારખાનાંઓ કે ફૅક્ટરીઓમાં કે આ કાયદા દ્વારા આવરી લેવાયેલાં સંગઠનો કે સંસ્થાઓમાં કામ કરતા કામદારો માટે ભવિષ્યનિધિ, પેન્શન ફંડ તથા ડિપૉઝિટ લિંક્ડ વીમા ભંડોળ ઊભાં કરવાનો અને તે દ્વારા તેમને ભવિષ્ય માટે આર્થિક સલામતી બક્ષવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે.

આ કાયદો કયાં સંગઠનો, સંસ્થાઓ, કયા વર્ગના કામદારો તથા કર્મચારીઓ વગેરેને લાગુ પડશે તે કેન્દ્ર-સરકાર વખતોવખત નક્કી કરે છે અને તે મુજબની અધિકૃત સૂચના (notification) પ્રસારિત કરે છે. વળી, જે પ્રતિષ્ઠાનોના કામદારો કે કર્મચારીઓને આ કાયદો લાગુ પાડવામાં આવશે તેની સૂચનામાં તેમને આ કાયદો ક્યારથી લાગુ પડશે તેનો ઉલ્લેખ પણ કરવામાં આવશે. આ ભંડોળનો વહીવટ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત મધ્યસ્થ બૉર્ડ(central board)ના હસ્તક રહેશે. ઉપર્યુક્ત મધ્યસ્થ બૉર્ડ ‘બૉર્ડ ઑવ્ ટ્રસ્ટ્રીઝ’ના નામે ઓળખાશે અને તેનું માળખું, તેની સત્તા, કાર્યક્ષેત્ર, કાર્યપ્રણાલી વગેરે બાબતો નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર-સરકારને રહેશે. ઉપર્યુક્ત બૉર્ડને સહાય કરવા માટે એક કારોબારી સમિતિ(executive committee)ની રચના પણ કેન્દ્ર-સરકાર દ્વારા કરવામાં આવશે.

જે કામદારો કે કર્મચારીઓને આ કાયદો લાગુ પડશે તેમની પાસેથી દર મહિને તેમના કુલ વેતનનો અમુક ભાગ (ટકાવારીમાં) તેમના ભવિષ્યનિધિમાં તેમના ફાળા તરીકે જમા કરાવવામાં આવશે અને દરેક કામદાર કે કર્મચારીના પોતાના ફાળા જેટલી જ રકમ માલિકો દ્વારા તેમના ફાળા તરીકે તેમાં જમા કરાવવામાં આવશે.

પ્રૉવિડન્ટ ફંડ ઉપરાંત આ કાયદામાં કામદારો અને કર્મચારીઓ માટે પેન્શન-યોજનાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે, જે ‘કર્મચારી પેન્શન યોજના’(Employees’ Pension Scheme)ના નામથી ઓળખાશે. જે કામદારોને આ યોજના લાગુ પાડવામાં આવશે તેમના માટે વૃદ્ધાવસ્થાનું પેન્શન (superannuation pension), નિવૃત્તિ-પેન્શન તથા કાયમી અપંગાવસ્થા સામે પેન્શનનું આ કાયદામાં પ્રાવધાન કરવામાં આવ્યું છે. સાથોસાથ જે કામદારો કે કર્મચારીઓને આ યોજના દ્વારા આવરી લેવામાં આવશે, તેમના મૃત્યુ પછી તેમની વિધવાને પેન્શન (widow’s pension), મહિલા-કામદારના મૃત્યુના કિસ્સામાં તેના પતિને વિધુર પેન્શન (widower’s pension), બાળકોનાં ભરણપોષણ માટે પેન્શન, અનાથને ભરણપોષણ માટે પેન્શન વગેરેની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પણ એક અલાયદા નિધિની રચના કરવામાં આવશે, જે ‘પેન્શન ફંડ’ના નામે ઓળખાશે અને જેમાં દરેક કામદાર કે કર્મચારીદીઠ તેના કુલ વેતનના અમુક ટકા રકમ, પરંતુ 8.33 ટકા કરતાં વધારે નહિ, દર મહિને જમા કરવામાં આવશે. આ ભંડોળનો વહીવટ કેન્દ્ર-સરકાર દ્વારા નિયુક્ત સેન્ટ્રલ બૉર્ડ દ્વારા કરવામાં આવશે; જેની રચનાનું માળખું, સત્તા, કાર્યપ્રણાલી, કાર્યક્ષેત્ર વગેરે બાબતો કેન્દ્ર-સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવશે.

પ્રૉવિડન્ટ ફંડ અને પેન્શન ફંડ ઉપરાંત આ કાયદા અન્વયે એક અલાયદી કર્મચારી ડિપૉઝિટ-લિન્ક્ડ વીમા યોજના (Employees’ Deposit-linked Insurance Scheme) ઘડવામાં આવી છે; જેનો મુખ્ય ઉદ્દેશ આ યોજના દ્વારા આવરી લેવામાં આવેલા કામદારો અને કર્મચારીઓને જીવનવીમાના લાભ અપાવવાનો છે. આ યોજના કયાં સંગઠનો કે પ્રતિષ્ઠાનોને લાગુ પડશે, કયા કામદારો કે કર્મચારીઓને લાગુ પડશે, કઈ તારીખથી લાગુ પડશે તેનું નિર્ધારણ કેન્દ્ર-સરકાર કરશે. આ યોજના માટે ઊભા કરવામાં આવેલા ભંડોળમાં સરકાર દ્વારા કામદાર કે કર્મચારીના કુલ વેતનને આધારે નિર્ધારિત કરેલી રકમ માલિકોએ જમા કરવાની રહેશે (પરંતુ ઉપર્યુક્ત રકમ કામદારોના કુલ વેતનના એક ટકા કરતાં વધારે રહેશે નહિ) અને તેનો ઉપયોગ કામદાર કે કર્મચારીને આ યોજનામાં ઉલ્લેખિત લાભ (benefits) આપવા માટે કરવામાં આવશે. તે ઉપરાંત કેન્દ્ર-સરકાર વખતોવખત નક્કી કરે તેટલી રકમ આ યોજનાના વહીવટી ખર્ચ પેટે માલિકો દ્વારા આપવાની રહેશે.

આ બધી યોજનાઓ માટે સંસદની મંજૂરી લેવી અનિવાર્ય ગણાશે. કર્મચારી ભવિષ્ય નિધિના અમલ અંગે જે કોઈ વિવાદ ઊભા થશે તેનું નિરાકરણ કરવા માટે કેન્દ્ર-સરકાર દ્વારા એક ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવશે જે ‘કર્મચારી ભવિષ્યનિધિ એપેલટ ટ્રિબ્યૂનલ’ (Employee’s Provident Funds Appellate Tribunal)ના નામથી ઓળખાશે.

માલિક દ્વારા આ ભંડોળોમાં જમા કરવાની રહેતી રકમો જમા કરવામાં કસૂર થાય તો તેની પાસેથી 12 ટકાના લેખે અથવા કેન્દ્ર-સરકાર તેનાથી વધુ ટકાવારી નિર્ધારિત કરે તો તે મુજબ વ્યાજની આકારણી કરવામાં આવશે. જો કોઈ માલિક નાદારી જાહેર કરે તો તેની મિલકત(assets)માંથી  સૌથી પહેલાં આ ભંડોળોમાં જમા કરવાપાત્ર બાકી નીકળતી રકમ વસૂલ લેવામાં આવશે. આ ઉપરાંત, જરૂરી રકમો સમયસર ન ભરવા માટે માલિકોને સજા કરવાની જોગવાઈઓ પણ આ કાયદામાં કરવામાં આવી છે.

આ કાયદો 50થી ઓછી સંખ્યા ધરાવતા કર્મચારીવાળી સહકારી સંસ્થાઓને તેમજ કૉન્ટ્રિબ્યૂટરી પ્રૉવિડન્ટ ફંડ યોજના અથવા વૃદ્ધાવસ્થાના પેન્શનની યોજનાઓ હેઠળ આવરી લેવામાં આવેલા કેન્દ્ર તથા રાજ્યોના કર્મચારીઓને લાગુ પાડવામાં આવશે નહિ.

આ કાયદા હેઠળ તેનો વહીવટ કરવા માટે જે સેન્ટ્રલ બૉર્ડની રચના કરવામાં આવી છે તે બૉર્ડને આ યોજનાઓના અમલ અંગે જરૂરી આદેશ આપવાની સત્તા કેન્દ્ર-સરકાર હસ્તક રહેશે.

રોજગાર વિનિમય કેન્દ્રોને લગતો (ખાલી જગ્યાઓની ફરજિયાત જાહેરાતો કરતો) કાયદો, 1959 (Employment Exchanges Compulsory Notification of Vacancies Act, 1959) : રોજગારીની તલાશમાં હોય તેવા દેશના બેકારોને જુદા જુદા વ્યવસાયોમાં, જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા પ્રકારની જે ખાલી જગ્યાઓ હોય તેની માહિતી સમયસર મળતી રહે તે મુખ્ય ઉદ્દેશથી આ કાયદો ઘડવામાં આવ્યો છે. કૃષિ અને તેની સાથે સંલગ્ન ખાનગી ક્ષેત્રમાં ચાલતી મોટાભાગની પ્રવૃત્તિઓને; ઘરકામ માટે રોકવામાં આવતા નોકરોને; ત્રણ માસથી ઓછા સમય માટેની રોજગારી ધરાવતા કામદારોને; ખાસ તાલીમ કે આવડત વિનાનું કામ કરતા કાર્યાલયના કર્મચારીઓને લગતી રોજગારી તથા સંસદના કર્મચારીઓ (staff) સાથે સંબંધ ધરાવતી રોજગારીને આ કાયદો લાગુ પડશે નહિ. વળી બઢતીથી ભરવાની જગ્યાઓને, ફાજલ કર્મચારીઓના પુન:સ્થાપનને, સંઘ તથા રાજ્ય સેવા-આયોગ દ્વારા લેવાતી પરીક્ષાઓનાં પરિણામોને આધારે ભરવામાં આવતી જગ્યાઓને, પરીક્ષા લઈને ગુણવત્તાને ધોરણે થતી પસંદગીઓને લગતાં પદો સાથે સંબંધ ધરાવતી રોજગારીઓને તથા માસિક રૂપિયા સાઠ કરતાં ઓછો પગાર ધરાવતાં પદો સાથે સંબંધ ધરાવતી ખાલી જગ્યાઓને આ કાયદાની જોગવાઈઓ લાગુ પાડવામાં આવશે નહિ, સિવાય કે કેન્દ્ર-સરકારે તેના માટે કોઈ ખાસ નોટિફિકેશન બહાર પાડી કોઈ વિશેષ જોગવાઈ કરી હોય.

આ કાયદામાં કરવામાં આવેલી જોગવાઈઓ મુજબ કોઈ પણ રાજ્ય-સરકારના તાબા હેઠળના વિસ્તારમાં જાહેર ક્ષેત્રમાં જે કોઈ ખાલી જગ્યાઓ ભરવાની હોય તેની સૂચના રોજગાર-કેન્દ્રોને ફરજિયાત ધોરણે આપવાની રહેશે. બીજું, અધિકૃત રીતે સ્થપાયેલી કોઈ પણ સરકાર તેના ગૅઝેટમાં નોટિફિકેશન બહાર પાડીને ખાનગી ક્ષેત્રમાં ભરવામાં આવતી ખાલી જગ્યાઓને, નોટિફિકેશનમાં દર્શાવેલ તારીખથી આ કાયદાની રોજગાર કેન્દ્રોને ફરજિયાત સૂચના આપવા અંગેની જોગવાઈઓ લાગુ પાડવાની જાહેરાત કરી શકે છે. આ બાબતને લગતી કલમો મુજબ રોજગાર-કેન્દ્રોને આપેલ સૂચનામાત્રથી રોજગાર-કેન્દ્ર મારફત જ કોઈ વ્યક્તિની નિમણૂક કરવી એવું કોઈ બંધન માલિકો પર લાદવામાં આવેલું નથી.

આ કાયદામાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે પોતાના સંગઠન કે સંસ્થામાં જે કોઈ જગ્યાઓ ખાલી પડે અથવા નવી ભરતી કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે જગ્યાઓ અંગેની વિગતવાર માહિતી નિર્ધારિત પત્રકોમાં રોજગાર વિનિમય-કેન્દ્રોને આપવાની રહેશે અને તેમાં જો કાંઈ કસૂર થાય તો સંબંધિત માલિકને સજા કરવાનું પ્રાવધાન પણ કાયદામાં કરવામાં આવેલ છે.

શિખાઉ કામદારને લગતો કાયદો, 1961 (Apprentice Act, 1961) : ઔદ્યોગિક એકમો કે તત્સમ અન્ય ઉત્પાદન એકમોમાં શિખાઉ ઉમેદવાર તરીકે જોડાયેલા કામદારોને અપાતી તાલીમનું નિયમન અને નિયંત્રણ કરવાનો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ છે. ચૌદ વર્ષથી ઓછી ઉંમર ન હોય તથા નિર્ધારિત શૈક્ષણિક લાયકાત અને શારીરિક તંદુરસ્તી ધરાવતા હોય એવાઓને જુદા જુદા કસબ(trade)ની તાલીમ માટે શિખાઉ કામદાર તરીકે રોકી શકાશે એવું આ કાયદાનું મુખ્ય પ્રાવધાન છે. અલગ અલગ પ્રકારના દરેક કસબ માટે લાયકાતનાં અલગ અલગ ધોરણો રાખી શકાશે એવી આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. શિખાઉ કામદારોની ભરતી કરતી વેળાએ દરેક કસબ માટે માલિકે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણની જોગવાઈ કરવાની રહેશે, જે ભરતી કરવા માટેની પ્રયોજિત સંખ્યાના અનુપાતમાં તથા રાજ્યમાં તેમની કુલ વસ્તીના અનુપાતમાં રહેશે. દરેક ઉમેદવારની ભરતી કરતી વેળાએ તેની સાથે અને જો તે સગીર હોય તો તેના વાલી સાથે માલિકે રીતસરનો કરાર કરવાનો રહેશે, જેના વગર કોઈ ઉમેદવારને શિખાઉ ઉમેદવાર તરીકે રોકી શકાશે નહિ. અને જે દિવસે બંને પક્ષો વચ્ચે આવો કરાર કરવામાં આવશે તે દિવસથી તેની તાલીમ શરૂ થયેલી ગણાશે અને દરેક કરારમાં બંને પક્ષોએ સ્વીકારેલી શરતોનો ઉલ્લેખ કરવાનો રહેશે. કોઈ પણ શરત આ કાયદામાં નિર્દિષ્ટ પ્રાવધાન સાથે વિસંગત રહેશે નહિ. આવા કરારની નિર્ધારિત સમયમાં તે માટે નિયુક્ત સલાહકાર પાસે નોંધણી (registration) કરવાની રહેશે અને મધ્યસ્થ સલાહકાર સાથે મસલત કરીને કેન્દ્ર-સરકાર કરારની શરતોમાં ફેરફાર કરી શકશે. કયા સંજોગોમાં આવા કરાર રદબાતલ (terminate) કરી શકાશે તે અંગે પણ આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. તેવી જ રીતે દરેક કસબ માટેની તાલીમનો ગાળો નક્કી કરવા માટેની કલમો પણ કાયદામાં ઉમેરવામાં આવી છે. તાલીમનો સમયગાળો પૂરો થતાં તે અંગેનો બંને પક્ષો વચ્ચેનો કરાર આપોઆપ રદબાતલ થયેલો ગણાશે. અધવચ્ચે કરાર રદબાતલ કરવાના સંજોગો ઊભા થાય તો બંને પક્ષોમાંથી કોઈ પણ એક પક્ષ સલાહકાર સમક્ષ અરજી કરી શકે છે, જેની નકલ બીજા પક્ષને મોકલવાની રહેશે. કાયદાના અમલીકરણ દરમિયાન જો માલિકની કોઈ કસૂરને કારણે કરાર રદબાતલ કરવાના સંજોગો ઊભા થાય તો ઉપર્યુક્ત માલિક શિખાઉ કામદારને નિર્ધારિત કરવામાં આવેલ વળતરની ચુકવણી કરશે અને જો શિખાઉ કામદારના પક્ષે કોઈ કસૂર થાય તો તે શિખાઉ કામદાર અથવા તેના વાલી માલિકને નિર્ધારિત કરવામાં આવેલ તાલીમ-ખર્ચની ચુકવણી કરશે.

કોઈ પણ કસબમાં તાલીમાર્થીઓની સંખ્યા, તે કસબના કુલ કામદારોની સંખ્યાના અનુપાતમાં નક્કી કરવાનો અધિકાર કેન્દ્ર-સરકારને બક્ષવામાં આવ્યો છે, પણ તેમ કરતી વેળાએ ઉત્પાદન-એકમમાં નિર્ધારિત સંખ્યાને પહોંચી વળવા માટે તાલીમની પૂરતી સગવડો છે કે નહિ અથવા જો પૂરતી સગવડો ન હોય તો તે સમયસર ઊભી કરવાની માલિકની ક્ષમતા છે કે નહિ તેની તકેદારી કેન્દ્ર-સરકારે રાખવાની રહેશે. કેન્દ્ર-સરકારે નક્કી કરેલ તાલીમાર્થીઓની સંખ્યાની જાણ ઍપ્રેન્ટિસશિપ-સલાહકાર દ્વારા માલિકને લેખિત રૂપમાં આપવાની રહેશે અને માલિકે તેનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે; તેમ છતાં સરકારે નક્કી કરેલ અનુપાત કરતાં ઓછી સંખ્યાના તાલીમાર્થીઓને લેવાની છૂટ તાલીમ માટેની ઉપલબ્ધ સગવડો ધ્યાનમાં લઈ જે તે માલિકને, તેની તે અંગેની રજૂઆત ધ્યાનમાં લઇ, ઍપ્રેન્ટિસશિપ-સલાહકાર આપી શકે છે.

ઍપ્રેન્ટિસશિપ-સલાહકારે મંજૂર કરેલ તાલીમ માટેના સમયપત્રક મુજબ પસંદ કરવામાં આવેલા તાલીમાર્થીઓને કસબદીઠ વ્યવહારોપયોગી તાલીમ આપવાની સગવડ સમયસર ઊભી કરવાની જવાબદારી માલિકની રહેશે અને તાલીમ દરમિયાન તેની ચકાસણી કરવાની સત્તા ઍપ્રેન્ટિસશિપ-સલાહકાર અથવા મદદનીશ ઍપ્રેન્ટિસશિપ-સલાહકારને આપવામાં આવી છે.

જે ઔદ્યોગિક એકમમાં પાંચ સો અથવા તેનાથી વધુ સંખ્યા ધરાવતા શ્રમિકો કામ કરતા હોય તેવા એકમ દ્વારા અપાતી આ પ્રકારની કસબદીઠ તાલીમ વર્કશૉપના અલાયદા ભાગમાં અથવા અન્ય કોઈ મકાનમાં આપવાની રહેશે અને તે મકાન ઊભું કરવા માટે સરકાર દ્વારા માલિકને અનુકૂળ શરતોને અધીન ધિરાણની સગવડ આપવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવ્યું છે. જે કિસ્સાઓમાં કારખાનામાં કામ કરતા શ્રમિકોની સંખ્યા પાંચ સો અથવા તેના કરતાં વધારે હોય, પરંતુ તાલીમાર્થીઓની સંખ્યા બાર કરતાં ઓછી હોય તે કિસ્સાઓમાં તાલીમની સગવડ માલિક આવી તાલીમ આપતી અન્ય કોઈ તાલીમ-સંસ્થામાં કરી શકશે. જે ઉત્પાદન-એકમમાં કામદારોની સંખ્યા પાંચ સો કરતાં ઓછી હોય તેવા કિસ્સામાં એકમનો માલિક તાલીમ આપવાની સગવડ સરકાર દ્વારા સ્થાપિત તાલીમ-સંસ્થાઓમાં કરી શકે છે.

આ કાયદામાં તાલીમાર્થીઓને તેમની તાલીમના સમયગાળા દરમિયાન માલિક દ્વારા સ્ટાઇપેન્ડ ચૂકવવાનું પ્રાવધાન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તાલીમાર્થીઓની તંદુરસ્તી, સ્વાસ્થ્ય તથા કલ્યાણ, કામના કલાકો, ઓવરટાઇમ, રજા ઇત્યાદિ અંગે પણ કાયદામાં જોગવાઈઓ કરવામાં આવી છે.

તાલીમ દરમિયાન તાલીમાર્થીને ઈજા થાય તો તે માટે તાલીમાર્થીને માલિક દ્વારા વળતર ચૂકવવાનું પ્રાવધાન પણ કાયદામાં ઉમેરવામાં આવ્યું છે. માલિક અને તાલીમાર્થી વચ્ચે તાલીમ અંગે કોઈ વિવાદ ઊભો થાય તો તેનું નિરાકરણ કરવાની સત્તા ઍપ્રેન્ટિસશિપ-સલાહકારને આપવામાં આવી છે.

તાલીમ પૂરી થયા પછી દરેક તાલીમાર્થીએ કસોટી-પરીક્ષા આપવાની રહેશે; જેનું સંચાલન તે માટેની નૅશનલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે અને તેમાં પાસ થનાર તાલીમાર્થીઓને તે અંગેનું પ્રમાણપત્ર નૅશનલ કાઉન્સિલ દ્વારા આપવાનું પ્રાવધાન કાયદામાં કરવામાં આવ્યું છે.

તાલીમમાં જે ઉમેદવારો યશસ્વી થશે તેમને માલિક દ્વારા નોકરી આપવાની આપોઆપની કોઈ ફરજ આ કાયદા અન્વયે માલિક પર લાદવામાં આવેલ નથી, સિવાય કે માલિક અને તાલીમાર્થી વચ્ચે થયેલા કરારમાં આવી કોઈ શરત કે કલમ ઉમેરવામાં આવી હોય.

આ કાયદા દ્વારા નિર્દિષ્ટ પ્રાવધાનોનું ઉલ્લંઘન કરનાર માલિકોને સજા કરવાની જોગવાઈ પણ આ કાયદામાં કરવામાં આવી છે.

બોનસની ચુકવણી અંગેનો કાયદો, 1965 (Payment of Bonus Act, 1965) : કારખાનાંઓ કે તત્સમ અન્ય પ્રતિષ્ઠાનોમાં કામ કરતા શ્રમિકોને કંપનીએ પ્રાપ્ત કરેલ નફાના ધોરણે અથવા ઉત્પાદન-પેઢીએ કરેલ ઉત્પાદનના ધોરણે અથવા શ્રમિકોની ઉત્પાદકતાના ધોરણે તેમને બોનસ ચૂકવવાનું પ્રાવધાન કરવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે. આ કાયદાની જોગવાઈઓ દરેક ફૅક્ટરીને તથા કોઈ પણ હિસાબી વર્ષ દરમિયાન જે પ્રતિષ્ઠાનોમાં વીસ અથવા તેનાથી વધુ શ્રમિકો કામ કરતા હોય તે દરેકને લાગુ પડે છે. વીસ કરતાં ઓછી સંખ્યા ધરાવતાં ઉત્પાદન-પ્રતિષ્ઠાનોને પણ નોટિફિકેશન બહાર પાડીને આ કાયદો લાગુ પાડવાની સત્તા કેન્દ્ર-સરકારને આપવામાં આવી છે. જે પ્રતિષ્ઠાનોને આ કાયદો એક વાર લાગુ પાડવામાં આવ્યો હોય તે પ્રતિષ્ઠાનોમાં ત્યારબાદ શ્રમિકોની સંખ્યા વીસ કરતાં ઓછી થાય તોપણ તેમને આ કાયદો લાગુ પાડવાનું ચાલુ જ રહે છે. જે ફૅક્ટરીઓ કે ઉત્પાદન-પ્રતિષ્ઠાનો એક જ સ્થળે અથવા જુદાં જુદાં સ્થળોએ જુદા જુદા વિભાગોમાં, પેટાઘટકોમાં અથવા શાખાઓમાં વહેંચાયેલાં હશે તે કિસ્સાઓમાં તે બધાંને આ કાયદો લાગુ પાડવામાં આવેલ છે; તેમ છતાં જે હિસાબી વર્ષમાં દરેક વિભાગ કે ઘટક કે શાખા માટે અલાયદાં સરવૈયાં તથા નફા-નુકસાનનાં ભિન્ન ભિન્ન પત્રકો તૈયાર કરવામાં આવ્યાં હોય તે કિસ્સાઓમાં તે વર્ષ પૂરતું બોનસની ગણતરી માટે તે જુદા જુદા એકમો ગણવામાં આવશે. કોઈ પણ પ્રતિષ્ઠાનની બાબતમાં બોનસની ગણતરીના સંદર્ભમાં કાચો નફો (gross profit), નફામાંથી ઉપલબ્ધ અધિશેષ (available surplus), કાચા નફાની રકમમાંથી કઈ રકમો બાદ કરવી, માલિક દ્વારા ચૂકવવાપાત્ર પ્રત્યક્ષ કર વગેરે વિશે કાયદામાં વિગતવાર પ્રાવધાન કરવામાં આવેલ છે.

કોઈ પણ શ્રમિકે કોઈ પણ પ્રતિષ્ઠાનમાં ઓછામાં ઓછા ત્રીસ દિવસ સુધી કામ કર્યું હોય તે દરેક શ્રમિક આ કાયદા અન્વયે બોનસ મેળવવાનો અધિકારી ગણાશે. કાયદામાં ઉલ્લેખિત કારણોસર જો કોઈ શ્રમિકને બરતરફ કરવામાં આવેલો હોય તો તેને બોનસ મેળવવાનો હક રહેશે નહિ. બોનસ મેળવવાપાત્ર દરેક શ્રમિકને તેના હિસાબી વર્ષ દરમિયાનના પગાર કે વેતનના ઓછામાં ઓછા 8.33 ટકા જેટલી રકમ બોનસના રૂપમાં દરેક માલિકે ફરજિયાત ધોરણે ચૂકવવાની રહેશે. જે હિસાબી વર્ષ દરમિયાન માલિકે મેળવેલ નફામાંથી લઘુતમ બોનસની ચુકવણી બાદ ઉપલબ્ધ અધિશેષની રકમ વધારે હશે તે કિસ્સામાં માલિકે દરેક શ્રમિકને તેના પગાર કે વેતનના અનુપાતમાં વધારે બોનસ ચૂકવવાનું રહેશે; જેની મહત્તમ મર્યાદા પગાર કે વેતનના વીસ ટકા જેટલી રહેશે. જે કોઈ હિસાબી વર્ષમાં મહત્તમ બોનસની ચુકવણી થયા બાદ પણ ઉપલબ્ધ અધિશેષમાંથી અમુક રકમ બાકી રહેશે તે રકમ તે પછીના વર્ષ માટે રક્ષિત (set on) કરવામાં આવશે અને જો કોઈ હિસાબી વર્ષમાં ઉપલબ્ધ અધિશેષ કાં તો શૂન્ય હશે અથવા લઘુતમ બોનસની ચુકવણી માટે આવશ્યક હોય તેટલી રકમ કરતાં ઓછી હશે તે કિસ્સામાં ખૂટતી રકમ તે પછીના વર્ષમાં સરભર (set off) કરી શકાશે (carry forward). જાહેર ક્ષેત્રના જે એકમો કોઈ હિસાબી વર્ષ દરમિયાન ખાનગી ક્ષેત્રના એકમ સાથે હરીફાઈ કરી કોઈ વસ્તુ કે સેવાનું વેચાણ કરશે અને તે દ્વારા જે આવકની કમાણી કરશે તે કમાણીની રકમ તે એકમની તે વર્ષની કુલ કાચી આવક(gross income)ના વીસ ટકા કરતાં ઓછી ન હોય તે કિસ્સામાં આ કાયદો જાહેર ક્ષેત્રના તે એકમને પણ લાગુ પડશે.

બોનસની ચુકવણીને લગતા આ કાયદા વિશે કે તેના અમલ વિશે કોઈ વિવાદ ઊભો થાય તો તે ઔદ્યોગિક વિવાદ ધારા, 1947 મુજબ ઔદ્યોગિક વિવાદ ગણાશે અને તેનું નિરાકરણ તે કાયદામાં સૂચવેલ જોગવાઈઓ મુજબ કરવામાં આવશે.

આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર માલિક સામે પગલાં લેવા અંગે અને તેની કસૂર સાબિત થાય તો તેને સજા કરવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવેલ છે.

અનુબંધિત મજૂર (નિયમન અને નાબૂદી) કાયદો, 1970 [Contract Labour (Regulation and Abolition) Act, 1970] : કેટલાક વ્યવસાયોમાં અનુબંધિત શ્રમિકોની રોજગારીનું નિયમન કરવાનો તથા કેટલાક સંજોગોમાં તેને નાબૂદ કરવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે. ઔદ્યોગિક પ્રતિષ્ઠાનના માલિકની જાણ વગર જ્યારે કોઈ શ્રમિક કોઈ ઠેકેદાર દ્વારા તે ઔદ્યોગિક એકમના અથવા તેને લગતા કામ માટે ભાડે રાખવામાં આવ્યો હોય ત્યારે તે શ્રમિકને અનુબંધિત મજૂર ગણવામાં આવશે અને આવા મજૂરની રોજગારી આ કાયદાની જોગવાઈઓ દ્વારા આવરી લેવામાં આવશે. આ કાયદાના અમલીકરણ અંગે કેન્દ્ર-સરકારને સલાહ આપવા માટે એક મધ્યસ્થ સલાહકાર બૉર્ડ (Central Advisory Contract Labour Board)ની રચના કરવાની સત્તા કેન્દ્ર-સરકારને આપવામાં આવી છે. તેવા જ પ્રકારના બૉર્ડની રચના કરવાની સત્તા સંલગ્ન રાજ્યોને આપવામાં આવી છે, જે ‘રાજ્યસ્તરના સલાહકાર બૉર્ડ’(State Advisory Contract Labout Board)ના નામે ઓળખાશે અને તે રાજ્ય-સરકારને સલાહ આપવાની ફરજ બજાવશે. આ બંને સલાહકાર-મંડળોને આ કાયદા સાથે સંબંધ ધરાવતી બાબતો અંગે જુદી જુદી સમિતિઓની સત્તા આપવામાં આવી છે. જે ઔદ્યોગિક એકમોમાં આવા શ્રમિકો પાસેથી કામ લેવાય છે તે એકમોની ફરજિયાત નોંધણી માલિક દ્વારા કરાવવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવ્યું છે અને તે માટે નોંધણી અધિકારીઓ નીમવાની સત્તા કેન્દ્ર તથા રાજ્ય સરકારોને બક્ષવામાં આવી છે. ખોટી માહિતી આપી અથવા કપટ દ્વારા અથવા મહત્વની ગણાય તેવી માહિતી ઇરાદાપૂર્વક છુપાવીને જો કોઈ એકમની નોંધણી કરવામાં આવી હોય તો તે રદ કરવાની સત્તા નોંધણી અધિકારીને રહેશે. જે એકમોની નોંધણી કરાયેલી ન હોય અથવા જેમની નોંધણી રદ કરવામાં આવી હોય તેવા ઔદ્યોગિક એકમો આવા અનુબંધિત શ્રમિકોને રોકી શકશે નહિ. ઉપરાંત, કોઈ પણ વ્યવસાયમાં ચાલતી પ્રક્રિયા માટે કે અન્ય કામ માટે અનુબંધિત શ્રમિકોને રોકવા પર પ્રતિબંધ મૂકવાની સત્તા કેન્દ્ર/રાજ્ય-સરકારોને આપવામાં આવી છે અને તેમ કરતી વેળાએ કઈ બાબતો ધ્યાનમાં લેવાની રહેશે તેનો ઉલ્લેખ આ કાયદામાં કરવામાં આવેલ છે; દા.ત., તે પ્રક્રિયા અથવા કામ એકમ માટે જરૂરી છે કે નહિ, તે પ્રક્રિયા કે કામ કામચલાઉ સ્વરૂપનું છે કે કાયમી સ્વરૂપનું, તે પ્રક્રિયા કે કામ નિયમિત રીતે રોકાયેલા શ્રમિકો કરે છે કે કેમ, તે પ્રક્રિયા કે કામ માટે પૂર્ણ સમયના અને પૂરતી સંખ્યાના શ્રમિકો ઇચ્છનીય છે કે નહિ વગેરે. જે ઠેકેદારો આવા શ્રમિકોને રોકે છે તેમના માટે તે અંગે ફરજિયાત પરવાના લેવાની જોગવાઈ કાયદા દ્વારા કરવામાં આવી છે, જેના વગર ઠેકેદારો અનુબંધિત શ્રમિકોને રોકી શકશે નહિ. ઠેકેદારોને અપાતા પરવાનામાં શ્રમિકોના કામની શરતોનો ઉલ્લેખ કરવાનું પ્રાવધાન છે; દા.ત., તેમના કામના કલાકો, તેમનું વેતન, તેમને આપવાપાત્ર સગવડો વગેરે. ખોટી માહિતી આપી અથવા કપટ દ્વારા અથવા મહત્વની માહિતી છુપાવીને જો કોઈ ઠેકેદારે પરવાના મેળવ્યા હોય તો તે રદ કરવાની સત્તા પરવાના-અધિકારીને આપવામાં આવી છે, પરંતુ આવા પગલાની વૈધતાને પડકારવા માટે અપીલ કરવાનો અધિકાર સંબંધિત ઠેકેદારને આપવામાં આવેલ છે.

અનુબંધિત શ્રમિકોના સ્વાસ્થ્ય અને કલ્યાણ માટે આ કાયદામાં વિસ્તૃત પ્રાવધાન કરવામાં આવ્યું છે; દા.ત., કૅન્ટીન, આરામગૃહ, પીવાનું સ્વચ્છ પાણી, સંડાસ-બાથરૂમ, નાહવા-ધોવાની સગવડ, પ્રાથમિક સારવારની સગવડ વગેરે. જો કોઈ ઠેકેદાર આ પ્રકારની સગવડો પૂરી પાડશે નહિ, તો તે કિસ્સામાં એ પૂરી પાડવાની ફરજ ઔદ્યોગિક એકમના માલિકની રહેશે. કોઈ એકમમાં કાયદાના પ્રાવધાન મુજબ સગવડો પૂરી પાડવામાં આવે છે કે નહિ તેની ચકાસણી કરવાની સત્તા તે માટેના નિરીક્ષકોને આપવામાં આવી છે અને તેમના કામકાજમાં અવરોધો ઊભા કરનાર વ્યક્તિ સામે દંડનીય પગલાં લેવાનું પ્રાવધાન પણ કાયદામાં કરવામાં આવ્યું છે.

ગ્રૅચ્યુઇટી ચૂકવવા અંગેનો કાયદો, 1972 (Payment of Gratuity Act, 1972) : કારખાનાંઓ, ખાણો, તેલ-ઉત્પાદન વિસ્તારો (oil fields), બગીચા-ઉદ્યોગો, બંદરો, રેલવે-કંપનીઓ, દુકાનો તથા સરકારી નોટિફિકેશન દ્વારા વખતોવખત આવરી લેવાતાં પ્રતિષ્ઠાનોમાં કામ કરતા શ્રમિકોને તેમની સેવાના બદલામાં નિવૃત્તિ વખતે ગ્રૅચ્યુઇટી ચૂકવવાનું પ્રાવધાન કરવાનો આ કાયદાનો મુખ્ય હેતુ છે. જે કર્મચારીએ વિક્ષેપ વિના સળંગ ઓછામાં ઓછી પાંચ વર્ષની સેવા આપી હોય તેવા કર્મચારીને નિવૃત્તિ વખતે, સ્વૈચ્છિક રાજીનામાથી છૂટા થતી વખતે કે વૃદ્ધાવસ્થાને કારણે સેવા આપી શકે તેમ ન હોય (super-annuation) ત્યારે માલિક દ્વારા કાયદામાં નિર્ધારિત ધોરણ મુજબ ગ્રૅચ્યુઇટી ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. સેવા દરમિયાન કર્મચારીનું મૃત્યુ થાય અથવા માંદગી કે અકસ્માતને કારણે તે કામ કરવા અશક્ત બને તો તેવા કર્મચારીને કે તેના આશ્રિતને કે નૉમિનીને પણ ગ્રેચ્યૂઇટી ચૂકવવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવેલ છે, પરંતુ આ કિસ્સામાં પાંચ વર્ષની સળંગ સેવાની શરત લાગુ પાડવામાં આવશે નહિ.

દરેક કિસ્સામાં ગ્રૅચ્યુઇટીની રકમની ગણતરી કેવી રીતે કરવી તે અંગે પણ કાયદામાં પૂરતી જોગવાઈ કરવામાં આવી છે. જે વ્યવસાયોમાં સમગ્ર વર્ષ દરમિયાન કામ ઉપલબ્ધ ન હોય તેવા ઋતુગત વ્યવસાયોમાં દરેક ઋતુદીઠ સાત દિવસના વેતન જેટલી ગ્રૅચ્યુઇટી માલિક દ્વારા કામદારને ચૂકવવાનું પ્રાવધાન આ કાયદામાં કરવામાં આવ્યું છે. કોઈ પણ કર્મચારીની ગ્રૅચ્યુઇટીની કુલ રકમ રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર કરતાં વધારે રહેશે નહિ, એવો ખુલાસો પણ કાયદામાં કરવામાં આવેલ છે.

આ કાયદા દ્વારા ગ્રૅચ્યુઇટીની જે જોગવાઈ કરવામાં આવી છે તેના કરતાં વધુ સારી કે ચઢિયાતી શરતોને અધીન ગ્રૅચ્યુઇટી, માલિકો અને શ્રમિકો વચ્ચે થયેલ સમજૂતી કે કરાર કે ઍવૉર્ડ દ્વારા કામદારોને મળતી હોય તો તેમાં આ કાયદાનું પ્રાવધાન આડે આવશે નહિ.

જો કર્મચારીને તેના કોઈ અપકૃત્ય માટે કે બેદરકારીપૂર્ણ વર્તન માટે બરતરફ કરવામાં આવ્યો હોય અને તેના તે પ્રકારના ઇરાદાપૂર્વકના કૃત્યને કારણે માલિકને કોઈ નુકસાન થયું હોય, તેની મિલકતનો નાશ થયો હોય તો જે તે નુકસાનની ભરપાઈ કરી શકે તેટલી રકમ તેને ચૂકવવાપાત્ર ગ્રૅચ્યુઇટીમાંથી કાપીને બાકીની રકમ તેને ચૂકવવામાં આવશે એવી જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. ઉપરાંત, જો કોઈ કર્મચારીને તેણે કરેલ હુલ્લડ માટે કે ગેરશિસ્તભર્યા અથવા અન્ય કોઈ હિંસક વર્તન અથવા અનૈતિક વર્તન માટે બરતરફ કરવામાં આવ્યો હોય તો તેવા કિસ્સામાં તેને ચૂકવવાપાત્ર ગ્રૅચ્યુઇટીની રકમ જપ્ત કરવાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવ્યું છે.

કેન્દ્ર-સરકાર કે રાજ્ય-સરકાર હસ્તકના એકમો બાદ કરતાં બાકીના એકમો માટે જીવનવીમા નિગમ પાસેથી અથવા અન્ય વીમો ઉતરાવનાર માન્ય સંસ્થા પાસેથી માલિકની ગ્રૅચ્યુઇટી ચૂકવવાની ફરજ કે જવાબદારી સામે ફરજિયાત વીમો ઉતરાવવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે. જે માલિકોએ આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં પોતાના કર્મચારીઓ માટે ગ્રૅચ્યુઇટી ફંડ ઊભું કર્યું હોય, તેવા માલિકોના એકમોને આ કાયદાની અસરમાંથી મુક્તિ આપવાની સત્તા સંબંધિત સરકારોને આપવામાં આવી છે.

આ કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર માલિકને સજા કરવાનું પ્રાવધાન કાયદામાં ઉમેરવામાં આવ્યું છે; એટલું જ નહિ, પરંતુ ગ્રૅચ્યુઇટી ચૂકવવાની તારીખ પાકે કે તુરત જ તે તારીખ પછી ત્રીસ દિવસની અંદર જે તે કર્મચારીને તેની રકમ ચૂકવવાની જવાબદારી માલિકને માથે આ કાયદા દ્વારા નાંખવામાં આવી છે અને તેમાં માલિકના પક્ષે જો કોઈ કસૂર થાય તો ગ્રૅચ્યુઇટી ચૂકવવાની જવાબદારી જે તારીખથી પાકે તે તારીખથી કેન્દ્ર-સરકાર દ્વારા નિર્ધારિત દરે સાદું વ્યાજ કર્મચારીને ચૂકવવાની જવાબદારી માલિકની રહેશે એવી સ્પષ્ટ જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે; સિવાય કે વિલંબમાં પડેલ ચુકવણી માટે કર્મચારી પોતે જ જવાબદાર હોય અને વિલંબથી ચુકવણી કરવા માટે માલિકે સરકાર પાસેથી લેખિતમાં પરવાનગી મેળવી લીધી હોય.

સમાન વેતનની ચુકવણીને લગતો કાયદો, 1976 (Equal Remuneration Act, 1976) : પુરુષ અને મહિલા કામદારોને સરખા કામ માટે સરખા કે સમાન ધોરણે વેતનની ચુકવણી થાય તે મુખ્ય હેતુથી તથા માત્ર લિંગભેદને કારણે મહિલા-કામદારો સાથે વળતર કે વેતનની ચુકવણીનાં ધોરણોમાં ભેદભાવનો વ્યવહાર થતો હોય તો તે નાબૂદ કરવા માટે આ કાયદો પસાર કરવામાં આવ્યો છે. આ કાયદામાં આપવામાં આવેલ વ્યાખ્યા મુજબ સરખું કામ અથવા સરખા પ્રકારનું કામ એટલે એવું કામ, જેમાં સરખી આવડત, સરખો પરિશ્રમ અને સરખી જવાબદારી સંકળાયેલાં હોય તથા મહિલા અને પુરુષ કામદારોને એકસરખી પરિસ્થિતિમાં આવું કામ કરવું પડતું હોય. મહિલા અને પુરુષ કામદાર વચ્ચે ભેદભાવ વિના વળતર કે વેતનનું સરખું ધોરણ અમલમાં મૂકી તે મુજબ બંને પ્રકારનાં શ્રમિકોને સરખા વળતર કે વેતનની ચુકવણી કરવાની જવાબદારી આ કાયદા દ્વારા માલિક પર લાદવામાં આવી છે. આ કાયદાનો અમલ થાય તે પહેલાં જે કોઈ એકમમાં પુરુષ અને મહિલા કામદારો માટે માત્ર લિંગભેદને કારણે સરખા કે સરખા પ્રકારના કામ માટે વળતરના કે વેતનના ભિન્ન ભિન્ન દરો અમલમાં હોય તે એકમોમાં આ કાયદાના અમલની તારીખથી ભિન્ન ભિન્ન દરોમાંથી જે દર ઊંચો હોય તે દરે બધા જ કામદારોને વળતર ચૂકવવાનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. તેવી જ રીતે સરખા કામ માટે કે સરખા પ્રકારના કામ માટે નવી ભરતી કરતી વેળાએ પણ પુરુષ અને મહિલા ઉમેદવારો વચ્ચે કોઈ ભેદભાવ આચરવામાં આવશે નહિ એવી જોગવાઈ આ કાયદા દ્વારા કરવામાં આવી છે, સિવાય કે કોઈ અન્ય કાયદા દ્વારા કોઈ વ્યવસાયમાં મહિલા કામદારોની ભરતી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય અથવા મર્યાદા મૂકવામાં આવી હોય. અલબત્ત, જે જગ્યાઓ અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષિત કરવામાં આવી હોય તેવા કિસ્સાઓને સામાન્ય સમાન વ્યવહાર કે ભેદભાવ વિનાના સામાન્ય વ્યવહાર અંગેની જોગવાઈ લાગુ પાડવામાં આવશે નહિ એવી ચોખવટ આ કાયદામાં કરવામાં આવી છે.

મહિલા-કામદારોની ભરતીને પ્રોત્સાહન આપવા માટે સરકારને તે અંગે જરૂરી સલાહસૂચન કરી શકે એવી સલાહકાર-સમિતિઓ સરકાર દ્વારા નીમવાની જોગવાઈ આ કાયદામાં કરવામાં આવી છે.

આ કાયદાના ઉલ્લંઘન અંગેના દાવાઓ તથા ફરિયાદોનો નિકાલ કરવા માટે જરૂરી સત્તામંડળોની રચનાનું પ્રાવધાન પણ આ કાયદામાં કરવામાં આવેલું છે. સાથોસાથ આ કાયદાની કલમોનું ઉલ્લંઘન કરનાર માલિકોને તથા કંપનીઓને સજા કરવાની જોગવાઈ પણ તેમાં ઉમેરવામાં આવી છે.

એકંદરે આઝાદી પહેલાં તથા આઝાદી બાદ ભારતમાં શ્રમિકોને લગતા કુલ 15 કાયદાઓ કરવામાં આવ્યા છે, જેનો અમલ દેશમાં થઈ રહ્યો છે. સાથોસાથ એ બાબતની નોંધ લેવી પણ જરૂરી છે કે આઝાદી પૂર્વે 1929માં એક ઔદ્યોગિક વિવાદ ધારો (Industrial Disputes Act, 1929) પસાર કરવામાં આવ્યો હતો, જેના દ્વારા માલિકો અને મજૂરો વચ્ચેના વિવાદોનું નિરાકરણ કરવા માટે ખાસ ઔદ્યોગિક ન્યાયાલયો સ્થાપવાની જોગવાઈ હતી; જોકે આ કાયદો પસાર થયા પછી દેશમાં આવાં કોઈ ન્યાયાલયો સ્થાપવામાં આવ્યાં ન હતાં. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ઔદ્યોગિક વિવાદોના નિરાકરણ માટે સમાધાન (conciliation) અને લવાદ(adjudication)ની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે