મજૂર-કલ્યાણ : માલિક, સરકાર કે સેવાની સંસ્થાઓ દ્વારા મજૂરોના બૌદ્ધિક, ભૌતિક, નૈતિક તેમજ આર્થિક વિકાસમાં સહાયભૂત થવા લેવાતાં પગલાંઓ.
ઔદ્યોગિક ક્રાંતિનો પ્રારંભ થયો ત્યારે શરૂઆતમાં મજૂરોનું ભારે શોષણ થતું હતું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત ઇંગ્લૅન્ડથી થઈ તેમજ મજૂરોનું કલ્યાણ કરવાની ભાવના અને તે માટેના કાર્યની શરૂઆત પણ ઇંગ્લૅન્ડમાં જ થઈ. ઇંગ્લૅન્ડમાં આવી પ્રવૃત્તિઓની શરૂઆત રૉબર્ટ ઓવેન નામના ઉદ્યોગપતિએ કરી તથા રશિયામાં લેનિને તેને સારું પ્રોત્સાહન આપ્યું.
ભારતમાં ઉદ્યોગક્ષેત્રે અને મજૂરો અંગે ગાંધીજીએ ક્રાંતિકારી છતાં વ્યવહારુ વિચારો વ્યક્ત કર્યા હતા. દરમિયાન, કેટલાક માલિકો વડીલપણાના ભાવથી અથવા તો દયાદાનના ભાવથી મજૂરોને સુખસગવડ આપવાનો પ્રયાસ કરતા હતા. કેટલાક માલિકો, મજૂરોની કાર્યક્ષમતા વધારવાના હેતુથી અથવા તેમને રાજી રાખવાના ભાવથી કલ્યાણ-કાર્યો કરતા હતા; છતાં આવાં કાર્યોમાં સ્વાર્થનો હેતુ વધુ પ્રબળ રહેતો હતો. એના બદલે, સામાજિક કલ્યાણના અભિગમથી થતાં કાર્યો મજૂર-માલિક વચ્ચે સુમેળ સ્થાપવામાં, ઉત્પાદન વધારવામાં અને ઔદ્યોગિક શાંતિ જાળવવામાં સફળ થતાં હતાં. પણ જ્યારે આવાં કાર્યો માલિકો દ્વારા સ્વેચ્છાપૂર્વક અમલમાં મૂકવામાં ન આવે ત્યારે સરકારે કાયદા કરીને કલ્યાણનાં કાર્યો માલિકો પાસે ફરજિયાત કરાવવાં પડે છે. આ અરસામાં જ 1919માં ‘લીગ ઑવ્ નેશન્સ’ના પેટાવિભાગ તરીકે ‘આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન’ (International Labour Organisation) અસ્તિત્વમાં આવ્યું. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ દુનિયામાં મજૂરોના શોષણનો અંત લાવવાનો, ઔદ્યોગિક શાંતિ સ્થાપવાનો તેમજ તેને જાળવી રાખવાનો રહ્યો છે. ભારત રાષ્ટ્રસંઘનો સભ્ય દેશ હોવાથી, આપમેળે જ આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનનો તે સભ્ય બનેલ છે. આ સંસ્થામાં સરકાર, ઉદ્યોગ તથા મજૂરોના પ્રતિનિધિઓ સાથે મળી મજૂર-કલ્યાણ અંગે નિર્ણયો થાય છે.
1920માં અમદાવાદમાં મજૂર મહાજન સંઘની સ્થાપના સાથે જ મજૂર-કલ્યાણનાં કાર્યોનો પણ વિકાસ થવા પામ્યો હતો; સાથે સાથે મજૂર શિક્ષકો તાલીમ પામેલા હોવા જોઈએ એમ લાગવાથી મજૂર અધ્યાપન મંદિરની શરૂઆત થઈ. આ અરસામાં ઇંગ્લૅન્ડની મજૂર સરકારનું ધ્યાન હિન્દુસ્તાનમાં મજૂરોની સ્થિતિ તરફ ગયું અને તેમની હાલતની તપાસ કરવા તથા તે અનુસાર કાયદાઓ કરવા એક શાહી કમિશનની નિમણૂક કરવામાં આવી. એ કમિશન વ્હિટલી કમિશનને નામે ઓળખાયું. 1929માં આ કમિશને અમદાવાદની મુલાકાત લીધી હતી. આ કમિશનના મત અનુસાર મજૂર-કલ્યાણ પરિવર્તનક્ષમ હોવું જોઈએ. બદલાતા સમય અને સંજોગો મુજબ તેમાં પરિવર્તન થાય એ યોગ્ય મનાવું જોઈએ અને મજૂરોના શિક્ષણ અને દેશની ઔદ્યોગિક પરિસ્થિતિ મુજબ તેનું અર્થઘટન થવું જોઈએ. દરમિયાન, 1923માં સ્ત્રીકારીગરો માટે સુવાવડના લાભનો કાયદો તેમજ કારીગરોને માટેના વળતરનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો. આ પછી, મજૂર-કલ્યાણકાર્યોમાં કાયદાઓ દ્વારા ક્રમશ: સુધારાઓ થવા લાગ્યા : 1935ની સાલમાં વેતનનો કાયદો પસાર કર્યો અને વેતનમાંથી ગેરકાયદેસર કપાત બંધ કરવામાં આવી. આ પહેલાં, મજૂરોને નિયમિત વેતન આપવામાં આવતું નહિ; ઊલટાનું, જ્યારે તેમને દંડ કરવામાં આવતો ત્યારે તે પગારમાંથી કાપી લેવામાં આવતો. કેટલીક વાર મજૂર દ્વારા કોઈ ભૂલ થાય ત્યારે મજૂરને બગડેલો માલ આપી દેવામાં આવતો અને તેની પડતર કિંમત મજૂરના વેતનમાંથી ભૂલ પેટે વસૂલ કરવામાં આવતી.
1937માં પ્રાંતીય ધારાસભાઓમાં કૉંગ્રેસે પ્રવેશ કર્યો ત્યારે હિન્દુસ્તાન મજૂર સેવક સંઘની સ્થાપના થઈ, જેણે મજૂરસેવકો તૈયાર કરવાનું કામ કર્યું. વળી મજૂરો અંગે કેટલાંક મહત્વનાં પગલાં ભર્યાં, જેમાં ટેક્સ્ટાઇલ ઇન્ક્વાયરી કમિટીની નિમણૂક મુખ્ય હતી. 1938માં તે વખતના મુંબઈ પ્રાંતમાં કૉંગ્રેસ સરકારે મુંબઈ ઔદ્યોગિક વિવાદનો કાયદો પસાર કર્યો, જેમાં મજૂર-માલિક પ્રથમ વાટાઘાટ કરે, પછી જ સરકારી સમાધાનકાર પાસે જાય અને છતાં નિવેડો ન આવે તો મજૂર અદાલતમાં જાય તેવી જોગવાઈ કરી. 1947માં ભારત સ્વતંત્ર થયા પછી 1948માં કામદાર રાજ્ય વીમા યોજના દાખલ કરાઈ, જેનો ઉદ્દેશ મજૂરોને મૃત્યુ, માંદગી અથવા તો શારીરિક અપંગતાને કારણે આવી પડતી આર્થિક વિપત્તિઓ કે મૃત્યુ વખતે સામાજિક રીતે તેના નિવારણ યા અટકાવ અંગે પગલાં લેવાનો રહ્યો છે, જે એક ક્રાંતિકારી અને યોજનાપૂર્વકનું પગલું છે. 1952માં ભવિષ્યનિધિનો કાયદો પસાર થયો, જે પાછળથી, મજૂરોને નિવૃત્ત થતી વખતે પૂરતી રકમ ન મળવાથી, સુધારો પામીને 1995માં કર્મચારી પેન્શન યોજના રૂપે અમલમાં આવ્યો. દરમિયાન, અનેક કલ્યાણકારી સુધારાઓ સમાવતો ‘ફૅક્ટરી ઍક્ટ’(Factory Act) 1948માં ઘડી કાઢવામાં આવ્યો. તેમાં મજૂરોનાં સ્વાસ્થ્ય, રક્ષણ, સુખાકારી, કામના કલાકો તથા બાળમજૂરી અંગે સંપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે.
સરકારની, મજૂરમંડળની કે માલિકો તરફથી ચાલતી કલ્યાણપ્રવૃત્તિઓ ત્યારે જ સાચી નીવડી કહેવાય, જ્યારે મજૂરને સ્વકલ્યાણની સર્વ બાબતોમાં સ્વાવલંબી બનાવવામાં સફળ થાય. મજૂર-કલ્યાણની લાંબી કારકિર્દી મજૂર-આલમમાં એક નવીન ભાત પાડે છે અને આનો યશ અમદાવાદના મજૂર મહાજન સંઘનાં જનેતા જેવાં અનસૂયાબહેન સારાભાઈ તથા યોગ્ય માર્ગદર્શક મહાત્મા ગાંધીજીને અને પ્રારંભથી જ મજૂરોના વિકાસનું ચિંતન કરનાર રાહબર શંકરલાલ બૅન્કરને ફાળે જાય છે.
ઈન્દુભાઈ દોશી