મજુમદાર, સમરેશ (જ. 1944, ગાયેરકાટા, જલપાઈગુડી, પશ્ચિમ બંગાળ) : બંગાળી લેખક. તેમણે પહેલાં જલપાઈગુડીમાં અને પછી કોલકાતામાં અભ્યાસ કર્યો. 1966માં એમ. એ. થયા પછી 1987 સુધી આવકવેરા વિભાગમાં નોકરી કરી. તે પછી લેખનપ્રવૃત્તિ દ્વારા નિર્વાહ કરવાનું સ્વીકાર્યું. કોલકાતા ટેલિવિઝન સાથે તેઓ સંકળાયેલા છે અને ટેલિવિઝન માટે કથાશ્રેણીનું નિર્માણ કરે છે.

શાળાજીવન દરમિયાન જ તેમણે લખવાનો આરંભ કર્યો; એ વખતની કેટલીક વાર્તાઓ નાનાં સામયિકોમાં છપાતી. ‘દેશ’માં તેમની ‘અંતરાત્મા’ વાર્તા પ્રગટ થયેથી એક શક્તિશાળી લેખક તરીકે તેમની ગણના થઈ. ત્યારથી તેમની કારકિર્દીમાં નવો વિકાસવળાંક આવ્યો. તેમણે 100 ઉપરાંત ટૂંકી વાર્તાઓ અને 20 નવલકથાઓ લખી છે. તેમના ટૂંકી વાર્તાના સંગ્રહોમાં ‘બડો પાપ હે’ (1950), ‘ઉત્સવેર રાત’ (1984), ‘વર્ષાવસંત’ (1985), ‘ભાલોબાસા’ (1986), ‘લજ્જાવતી’ (1986), ‘હિપિરા એસેછિલો’ (1987) તથા ‘નૌકાવિલાસ’ સૌથી લોકપ્રિય છે. તેમની નવલકથાઓ પૈકી ‘દૌર’ (1975), ‘એઈ આમિ રેણુ’ (1978), ‘ઉત્તરાધિકાર’ (1979), ‘આહરણ’ (1981), ‘ભસ્મભૂમિ’ (1982), ‘તીર્થયાત્રી’ (1983), ‘કાલવેલા’ (1983), ‘કાલપુરુષ’ (1985), ‘શરણઘાટ’ (1986) તથા ‘ગર્ભધારિણી’ વગેરે ખ્યાતિ પામી છે. ઉત્કટ પ્રેમભાવ, માનવમૂલ્યોમાં શ્રદ્ધા, સમકાલિકતા, વાસ્તવલક્ષિતા, ઉત્તર બંગાળ પરત્વે અતીતની ઝંખના, પાત્રોનું વૈવિધ્ય, ઉત્તમ ચરિત્રલેખન, ભાષાની પ્રવાહિતા તેમજ સત્યપરાયણતા અને સંનિષ્ઠા એ તેમના લખાણની વિશેષતાઓ છે.

‘ઉત્તરાધિકાર’, ‘કાલવેલા’ અને ‘કાલપુરુષ’ એ નવલત્રયી પૈકી ‘કાલવેલા’ માટે તેમને 1984માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.

મહેશ ચોકસી