મજુમદાર, લીલા (જ. 1908; અ. ?) : બાલ-વાર્તાઓનાં બંગાળી લેખિકા. પ્રમાદરંજન રાયનાં પુત્રી અને ઉપેન્દ્રકિશોર ચૌધરીનાં ભાણી. મૂળ વતન નાદિયામાં ચકધા. પાછળથી મયમનસિંગ(હાલ બાંગ્લાદેશ)માં જઈ વસ્યાં. છેલ્લે તેઓ કોલકાતામાં સ્થિર થયાં.
તેમના ભત્રીજા સુકુમાર રાયે તેમને બાળકો માટે લખવા પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેમની સૌપ્રથમ બાલવાર્તા 1922માં ‘સંદેશ’માં પ્રગટ થઈ ત્યારથી તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ થયો. થોડો સમય અભ્યાસ પાછળ ગાળ્યા બાદ તેમણે ફરીથી લેખનપ્રવૃત્તિ હાથ ધરી. તેઓ સુકુમાર રાયને પગલે આગળ વધી એક સફળ વાર્તાકાર તરીકે ખ્યાતનામ બન્યાં.
તેમણે રવીન્દ્રનાથ ટાગોર, ઉપેન્દ્રકિશોર રાયચૌધરી અને સુકુમાર રાયના જીવન વિશે કેટલાંક અગત્યનાં પુસ્તકો પણ લખ્યાં. ઉપેન્દ્રકિશોર રાયચૌધરી અંગેના તેમના પુસ્તક માટે ભારત સરકાર તરફથી તેમને 1963માં ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમના કેટલાક ઉલ્લેખનીય વાર્તાસંગ્રહોમાં ‘પાંડિપિસિર બર્મી બૉક્સ’ (1953); ‘છોટોદેર શ્રેષ્ઠ ગલ્પ’ (1955); ‘બાઘેર ચોખ’ (1959); ‘ગુપિર ગુપ્તખત’ (1959); ‘બક ધાર્મિક’ (1960) અને ‘એઈ જે દેખા’(ટાગોર વિશે, 1961)નો સમાવેશ થાય છે.
બળદેવભાઈ કનીજિયા