મજુમદાર, અમિયભૂષણ (જ. 1918, કૂચબિહાર, પશ્ચિમ બંગાળ) : બંગાળી ભાષાના ખ્યાતનામ નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘રાજનગર’ માટે 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

1939માં અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેઓ ટપાલ અને તાર વિભાગમાં જોડાયા. તેઓ મજૂરસંઘની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા રહ્યા. તેઓ શક્તિશાળી લેખક હોઈ યુવાન લેખકોનો પ્રેરણાસ્રોત બની રહ્યા.

તેમણે 4 1961માં ટૂંકી વાર્તાઓથી પ્રારંભ કર્યો. ‘રાણી ઇન્દુમતી’, ‘મોહિત સેનેર ઉપાખ્યાન’, ‘અંધકાર’, ‘સ્વર્ણસીતા’, ‘તંત્ર-સિદ્ધિ’, ‘મૃણ્મયી ઑપેરા’, ‘એપ્સ ઍન્ડ પીકૉક’, ‘સત્ આચાર’ જેવી અનેક વાર્તાઓ દ્વારા તેમણે શોષણના વિવિધ પ્રકારો દર્શાવીને આદર્શવાદના અનુસંધાનમાં વાચકોના અભિપ્રાય ઘડવાનું તાક્યું. વાસ્તવથી જુદા, પણ વધુ સારા જગતની શોધમાં તેમણે તેમની અંતર્દષ્ટિ અને સર્જનશક્તિનો ઉપયોગ કર્યો છે.

તેમની નોંધપાત્ર નવલકથાઓમાં, ‘નીલ ભૂંઇયા’ (1955); ‘ગાર શ્રીખંડ’ (1957); ‘રાજનગર’ (1984); ‘દુખિયાર કુઠિ’; ‘નિર્વાસ’; ‘ઉદ્વાસ્તુ’; ‘માહિષ્કુરાર ઉપકથા’; ‘વિલાસ વિનય વંદના’ તથા ‘ચાંદ બેને’નો સમાવેશ થાય છે.

તેમની કેટલીક નવલકથાઓ પર ઇતિહાસની વત્તીઓછી અસર જોવા મળે છે. આમ છતાં તે નવલકથાઓ ઐતિહાસિક પ્રકારની નથી. તેમનાં પાત્રો તેમના પ્રાકૃતિક વાતાવરણમાં વાસ્તવિક અને પ્રતીતિકર લાગે છે. તેમના સાહિત્યમાં સમાજજીવનનું સાચું પ્રતિબિંબ પ્રગટ થાય છે. તેમાં એક તરફ પદ્મા નદીના પ્રદેશને અને બીજી તરફ કાંચનજંઘાના પહાડી પ્રદેશોને આવરી લેવામાં આવ્યા છે. તેમની ગદ્યશૈલી તેમના બૌદ્ધિક પ્રભાવથી છટાદાર અને આકર્ષક લાગે છે.

તેમની સાહિત્યસેવા બદલ તેમને ત્રિવૃત પુરસ્કાર, ઉત્તર બંગ સંવાદસાહિત્ય પુરસ્કાર તથા પશ્ચિમ બંગાળ સરકારનો બંકિમ પુરસ્કાર આપવામાં આવ્યા છે.

બળદેવભાઈ કનીજિયા