મજીઠ : દ્વિદળી વર્ગમાં આવેલા રુબિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubia cordifolia Linn. sensu Hook. F. (स. मजिष्ठा; હિં. મજીઠ; મ. બં. ક. મંજિષ્ઠ; ગુ. મજીઠ; તે. તામરવલ્લી; ત. શેવેલ્લી, માંદીટ્ટી; અં. ઇંડિયન મેડર, બેંગૉલ મેડર, મેડરટ) છે. તે કાંટાળી વિસર્પી લતા (creeper) કે આરોહી (climber) જાતિ છે. તે 10 મી. સુધી લાંબી વધે છે અને સમગ્ર ભારતમાં 3,750 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેના પ્રકંદ (root stock) બહુવર્ષાયુ હોય છે. મૂળ લાંબાં, નળાકાર અને વાંકાંચૂકાં (flexuose) હોય છે અને પાતળી લાલ છાલ ધરાવે છે. પ્રકાંડ ચોરસ હોય છે. પર્ણો ખૂબ વૈવિધ્યવાળાં, હૃદ્-અંડાકાર(cordate-ovate)થી અંડ-ભાલાકાર (ovate-lanceolate) અને પ્રત્યેક ગાંઠ ઉપર 2થી 8 હોય છે (સામાન્ય રીતે ચાર હોય છે). પુષ્પો નાનાં, સફેદ કે લીલાશપડતાં અથવા રાતી અને પીળી ઝાંયવાળાં, સુગંધિત અને અગ્રસ્થ લઘુપુષ્પગુચ્છ (panicle) સ્વરૂપે જોવા મળે છે. ફળ ગોળાકાર અથવા થોડાક પ્રમાણમાં દ્વિખંડી, ઘેરાં-જાંબલી કે કાળાં માંસલ અને દ્વિબીજમય હોય છે.

મજીઠ : પર્ણ અને પુષ્પ

મજીઠ(Rubia cordifolia)ની પુષ્પ સહિતની શાખા : મજીઠની આ જાતિ જટિલ સમૂહ છે અને બાહ્યાકાર લક્ષણોની વિસ્તૃત મર્યાદા (wide range) ધરાવે છે. તે આફ્રિકા અને એશિયામાં વિતરણ પામેલી છે અને ઑસ્ટ્રેલિયા સુધી લંબાયેલી છે. R. cordifoliaની સહનામ (synonym) તરીકે દર્શાવાયેલી કેટલીક વનસ્પતિઓ ડાહુરિયા(પૂર્વ સાઇબીરિયા)માંથી મળી આવતી R. cordifolia Linn. [2n = 22; બીજપત્રો અધોભૌમિક (hypogaeous)] કરતાં આધુનિક બાહ્યાકાર-વિદ્યાકીય (morphological) અને કોષવર્ગીકરણવિદ્યાકીય (cytotaxonomic) અભ્યાસને આધારે જુદી ગણવામાં આવી છે. પૂર્વ હિમાલયમાં ઓળખવામાં આવેલી બે જાતોમાં R. manjith Roxb. ex Flem [2n = 66; બીજપત્રો ઉપરિભૂમિક (epigaeous)] syn. R. cordifolia var. munjista (Roxb.) Miq. and R. wallichiana Decne (2n = 44 અથવા 132; બીજપત્રો ઉપરિભૂમિકા)નો સમાવેશ થાય છે. R. cordifolia સંકુલને અહીં જોકે એક જ જાતિ તરીકે ગણવામાં આવ્યું છે. કારણ કે આ બધી વનસ્પતિઓના વધતેઓછે અંશે એકસરખા આર્થિક ઉપયોગો છે.

મજીઠનો ઉપયોગ જાડા સુતરાઉ કાપડ, ધાબળા અને શેતરંજીઓ રંગવામાં થાય છે. R. cordifoliaના મૂળમાં રહેલું રંગીન દ્રવ્ય પર્પરિન (ટ્રાઇહાઇડ્રૉક્સિ ઍન્થ્રેક્વિનોન) અને મંજિસ્ટીન(ઝેન્થો-પર્પરિન–2–કાબૉર્ક્સિલિક ઍસિડ)ના મિશ્રણનું બનેલું હોય છે. પર્પરિન મૂળનો મુખ્ય રંગીન ઘટક છે, જ્યારે મંજિસ્ટીન ગ્લાઇકોસાઇડના સ્વરૂપમાં નારંગી રંગનું હોય છે. ફટકડીનો રંગબંધક (mordant) તરીકે ઉપયોગ કરતાં પર્પરિન સુતરાઉ કાપડને ચમકીલો સિંદૂરી લાલ રંગ અને મંજિસ્ટીન નારંગી રંગની ઝાંય આપે છે. આ ઉપરાંત મૂળમાં ઝેન્થોપર્પરિન અથવા પર્પરોઝેન્થિન અને સ્યુડોપર્પરિન અલ્પ પ્રમાણમાં ધરાવે છે.

મૂળ પૌષ્ટિક, સંકોચક (astringent), મરડા-અવરોધક, પ્રતિરોધી (antiseptic) અને અવરોધનિવારક (deobstruent) ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ સંધિવા(rheumatism)માં અને કેટલાંક આયુર્વેદિક ઔષધોના સંઘટક (ingredient) તરીકે થાય છે. મૂળ Staphylococcus aureus સામે સક્રિય ગણાય છે અને ચાંદાં, સોજા અને ત્વચાના રોગોમાં તેનો મલમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનાં મૂળ ઔષધતેલોને રંગ આપવામાં વપરાય છે. પર્ણો અને પ્રકાંડનો ક્વાથ કૃમિહર (vermifuge) તરીકે ઉપયોગી છે. સેપ્ટિલિન ઔષધમાં ઉમેરેલો R. cordifoliaનો નિષ્કર્ષ નાસીય (rhinosinal) ચેપની ચિકિત્સામાં વાપરવામાં આવે છે. વનસ્પતિનાં હવાઈ (aerial) અંગોનો ઇથેનોલીય નિષ્કર્ષ રંજકહીન (albino) ઉંદરમાં ન્યૂનમધુરક્ત (hypoglycaemic) સક્રિયતા દર્શાવે છે. સ્ટૅરોલ ટર્પિન અને સેપોનિન માટે વનસ્પતિ ધનાત્મક કસોટીઓ આપે છે.

આયુર્વેદ અનુસાર તે તૂરી, ઉષ્ણ, ગુરુ, સ્વર્ય, વર્ણકારક, કડવી, મધુર તથા લઘુ છે અને વ્રણમેહ, જ્વર, કફ, વિષ, નેત્રરોગ, સોજો, યોનિદોષ, શૂળ, કર્ણરોગ, વિસર્પ, કોઢ, અર્શ, રક્તાતિસાર અને કૃમિનાશક છે. તેનાં પર્ણોનું શાક સ્વાદુ, લઘુ, સ્નિગ્ધ તથા દીપન છે તથા વાયુ અને પિત્તનો નાશ કરનારું છે. તેનો ગર્ભિણીના અતિસાર ઉપર, ઉંદરના વિષ ઉપર, લોહીવિકારનાં અને કુષ્ઠનાં ચાઠાં ઉપર, મંજિષ્ઠમેહ ઉપર, આર્તવદોષ ઉપર, સર્વપ્રકારના કોઢ અને વાતરક્ત ઉપર અને અસ્થિભંગ ઉપર ઉપયોગ કરવામાં આવે છે.

એક મત પ્રમાણે મજીઠ સ્તંભક, પૌષ્ટિક, આર્તવ-જનક, મલાશય-સંકોચક, ચર્મદોષનાશક, શોથહર, વેદનાસ્થાપક અને વ્રણરોપક છે.

આ આરોહી જાતનું મૂલ્ય વાલોળ જેટલું છે અને જાવાનીઝ દ્વારા ભાત સાથે બાજુમાં રકાબીમાં આપવામાં આવે છે. કેટલીક વાર તેનો ચારા તરીકે ઉપયોગ થાય છે.

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ