મજુમદાર, અંબિકાચરણ (જ. 1850, સાંડિયા, જિ. ફરીદપુર, બાંગ્લાદેશ; અ. 1922) : હિંદી રાષ્ટ્રીય મહાસભાના વરિષ્ઠ નેતા. એમના પિતા રાધામાધવ મજુમદાર જમીનદાર હતા. 1869માં તેઓ પ્રવેશ(entrance)ની પરીક્ષા પસાર કરીને વધુ અભ્યાસ માટે કલકત્તા ગયા. ત્યાંની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને એમણે 1875માં એમ.એ.ની અને 1878માં કાયદાની બી.એલ.ની ડિગ્રી મેળવી. એમનાં માતા સુભદ્રાદેવીએ એમને કલકત્તા હાઇકૉર્ટને બદલે ફરીદપુરની જિલ્લા કૉર્ટમાં વકીલાત કરવા અને એ જિલ્લાનો આર્થિક રીતે વિકાસ કરવાની સૂચના આપી હતી. એમનાં પત્ની વિનોદિનીદેવીનું એમની હયાતીમાં 1906માં અવસાન થયું હતું.

1875માં તેઓ સુરેન્દ્રનાથ બૅનરજીના પરિચયમાં આવ્યા અને રાજકારણમાં એમનો રસ જાગ્રત થયો. 1886માં કલકત્તામાં યોજાયેલા હિંદી રાષ્ટ્રીય મહાસભાના બીજા અધિવેશનમાં એમણે હાજરી આપી. 1899થી રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લઈ બંગાળના નેતા તરીકે પ્રસિદ્ધ થયા. એ વર્ષે બર્દવાનમાં યોજાયેલી બેંગૉલ પ્રાંતિક પરિષદના તેઓ પ્રમુખ બન્યા. 1905માં તેઆ અશ્વિનીકુમાર દત્ત, ભૂપેન્દ્રનાથ બસુ અને સુરેન્દ્રનાથ બૅનરજી સાથે બંગભંગની ચળવળમાં જોડાયા. લૉર્ડ કર્ઝન તથા સર બેમ્ફીલ્ડ ફુલરના વિરોધમાં સભાઓ યોજી. તેઓ સારા વક્તા હોઈ લોકસમુદાયને પ્રભાવિત કરી શકતા હતા.

1908માં મદ્રાસમાં યોજાયેલા કૉંગ્રેસના અધિવેશનમાં સરકારની નવા સુધારાની સૂચિત યોજનાને એમણે આવકારી. 1915માં એમનું ‘Indian National Evolution’ નામનું પુસ્તક પ્રસિદ્ધ થયું, જેમાં કૉંગ્રેસની સિદ્ધિઓ અને પ્રવૃત્તિઓનો આલેખ આપવામાં આવ્યો હતો. 1916માં લખનૌમાં યોજાયેલ કૉંગ્રેસના 31મા અધિવેશનના તેઓ પ્રમુખ બન્યા. આ અધિવેશનના પ્રમુખીય પ્રવચનમાં એમણે જણાવ્યું હતું કે ‘હિંદની ગુલામીનો અંત આવવો જોઈએ અને સ્વરાજ અથવા પ્રજાકીય સરકારની સ્થાપના થવી જોઈએ.’ આ અધિવેશનમાં કૉંગ્રેસનાં મવાલ અને જહાલ જૂથો વચ્ચે એકતા સધાઈ હતી. 1917માં તેઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તરફથી બંગાળની ધારાસભાના સભ્ય તરીકે ચૂંટાયા અને 1918માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા.

તેઓ ગોપાળ કૃષ્ણ ગોખલે અને સર હેન્રી કૉટનના અંગત મિત્ર હતા. તેઓ જીવનના અંત સુધી મવાળ (moderate) રહ્યા. બંગાળના લેફ્ટેનન્ટ ગવર્નર સર જૉન વુડબર્ન એમને ‘ફરીદપુરના ઉમદા વૃદ્ધ માનવ’ તરીકે ઓળખાવતા હતા. તેમનું અવસાન થયું ત્યારે ‘ધ બેંગૉલી’ નામના સમાચારપત્રે તેમને ‘બુદ્ધિશાળી અને લાગણીસભર મહાન વક્તા તથા નેતા’ તરીકે અંજલિ આપી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી