મચ્છર (Mosquito) : માનવ તેમજ પાલતુ જાનવરોમાં ખતરનાક એવા કેટલાક રોગોનો ફેલાવો કરતા કીટકો. મચ્છરો દ્વિપક્ષ (diptera) શ્રેણીના ક્યુલિસિડી કુળના કીટકો છે અને તેઓ 36 પ્રજાતિઓમાં ફેલાયેલા છે. એનૉફિલીસ પ્રજાતિના કીટકોને લીધે માનવના રુધિરમાં પ્લાઝમોડિયમ પ્રજાતિના મલેરિયાનાં જંતુઓ પ્રવેશે છે, જ્યારે ક્યૂલેક્સ મચ્છર હાથીપગાનાં જંતુઓનો ફેલાવો કરે છે. પીતજ્વર વિષાણુઓનો પ્રવેશ એઈડીસ મચ્છરોને લીધે થાય છે.
મચ્છરો પાણીમાં ઈંડાં મૂકતાં હોય છે. પાણીમાં ઈંડાંનો વિકાસ થતાં ઇયળ (larva) જન્મે છે. ઇયળ હંમેશાં ક્રિયાશીલ રહે છે. પાણીમાં તરીને તે હવાનો શ્વાસ લે છે અને પોતાનો વિકાસ સાધે છે. 3થી 4 દિવસ બાદ ઇયળના રૂપાંતરણથી તે કોશેટા (pupa) અવસ્થા પ્રાપ્ત કરે છે. કોશેટા–અવસ્થા દરમિયાન મચ્છર ખોરાક ગ્રહણ કરી શકતો નથી. જ્યારે જૂજ દિવસોમાં રૂપાંતરણથી પુખ્તાવસ્થા પ્રાપ્ત કરે છે.
ભારતમાં મુખ્યત્વે એનૉફિલીસ અને ક્યૂલેક્સ એ બે પ્રજાતિના મચ્છરો વસે છે. તેમની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
ઈંડાં : એનૉફિલીસની માદા છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે, જ્યારે ક્યૂલેક્સનાં ઈંડાં સમૂહમાં જોવા મળે છે. એનૉફિલીસનાં છૂટાંછવાયાં ઈંડાંની પ્રત્યેક બાજુએ એક પ્લવ (float) હોય છે, જેની મદદથી તે પાણીમાં તરી શકે છે. સમૂહમાં આવેલાં ક્યૂલેક્સનાં ઈંડાં પ્લવ વગરનાં હોય છે.

આકૃતિ 1 : એનૉફિલીસ મચ્છરની શરીરરચના
ઇયળ : એનૉફિલીસ મચ્છરના ઉદરપ્રદેશના ખંડો પંજાકાર (palmate) કેશો ધરાવે છે. તેને લીધે તે પાણીની સપાટીએ સમાંતર તરતા હોય છે. તેના પાછલા ભાગમાં હવાઈ શ્વાસ માટે એક બકનળીની જોડ આવેલી છે. ક્યૂલેક્સની ઇયળમાં પંજાકાર કેશોનો અભાવ હોય છે. તેથી તેઓ પાણીમાં ત્રાંસી લટકે છે. તેનું શીર્ષ પાણીમાં ડૂબેલું હોય છે, જ્યારે બકનળીઓ ઉપલી સપાટીએ આવેલી હોય છે. તેના વડે શ્વાસોચ્છવાસ માટેની હવા સહેલાઈથી લઈ શકે છે.
કોશેટા : કોશેટા અલ્પવિરામ આકારના હોય છે અને તેની બકનળીઓ શીંગડાંની માફક શીર્ષપ્રદેશમાં ગોઠવાયેલી હોય છે. તેનાં શ્વસનછિદ્રો વડે તે શ્વાસોચ્છવાસ લે છે. પરંતુ તે ખોરાક ગ્રહણ કરી શકતા નથી.
પુખ્ત મચ્છર : એનૉફિલીસનું શરીર સરળ (straight) હોય છે. તે પગોની મદદથી આધારતળને સ્પર્શે છે. ઉદરપ્રદેશ આધારતળથી દૂર હોય છે. ક્યૂલેક્સનો ઉરસ્-પ્રદેશ આધાર-તળને સમાંતર ગોઠવાયેલો હોય છે, જ્યારે શીર્ષ અને ઉદર-પ્રદેશો આધારતળ તરફ સહેજ વળેલા રહે છે.
શીર્ષપ્રદેશ : તે આકારે ગોળ હોય છે અને તે ગ્રીવા વડે ઉરસ્-પ્રદેશ સાથે જોડાયેલો હોય છે. તે પાર્શ્વ બાજુએથી આગલા ભાગમાં સારી રીતે વિકાસ પામેલ આંખની એક જોડ ધરાવે છે, જે હજારો એકમોની બનેલી હોય છે. આંખના નેત્રમણિઓ વિવિધ દિશાએ ગોઠવાયેલા હોવાથી પ્રત્યેક આંખ એક સ્વતંત્ર એકમ તરીકે વર્તે છે. તેને લીધે મચ્છર કોઈ પણ વસ્તુ પર આંખને કેન્દ્રિત કરી શકતો નથી અને સ્પષ્ટપણે તેને જોઈ શકતો નથી. પરંતુ આ વસ્તુ સહેજ પણ હાલે તો તેનો ખ્યાલ તુરત જ તેને આવી જાય છે.
શીર્ષપ્રદેશના આગલા ભાગમાં સ્પર્શકોની એક જોડ આવેલી હોય છે, જે સ્પર્શગ્રાહી અંગની ગરજ સારે છે. નરમાં તે લાંબા કેશ ધરાવે છે; માદામાં પ્રમાણમાં કેશ સહેજ ટૂંકા હોય છે. સ્પર્શકોની અંદરની બાજુએથી મચ્છર જમ્ભમૃશો(maxillary)ની એક જોડ ધરાવે છે. માદામાં તે ટૂંકી અને ત્રણ ખંડોની બનેલી હોય છે. જ્યારે નરમાં ચાર, ખંડની બનેલી અને સૂંઢ (proboscis) કરતાં લાંબી હોય છે. સૂંઢ ખોરાકગ્રાહી અંગ છે અને માદામાં તે યજમાનના શરીરને ભોંકીને, ખોરાક તરીકે તેનું લોહી ચૂસે છે. નર મચ્છરની સૂંઢ ટૂંકી હોય છે અને તેમાં ભોંકવાના અંગનો અભાવ હોય છે. તેથી તે લોહી ચૂસી શકતો નથી, અને સ્પંજની માફક વનસ્પતિજન્ય પ્રવાહીને ચૂસી તે ખોરાક મેળવે છે.
ઉરસપ્રદેશ : તે ત્રિકોણાકાર હોય છે. તેની ઉપલી સપાટી પહોળી હોય છે, જ્યારે નીચેની સપાટી લગભગ અણીદાર હોય છે. ઉરસ્-પ્રદેશની દીવાલની અંદરની બાજુએ આવેલા સ્નાયુઓ સારી રીતે વિકાસ પામેલા હોય છે, જે મચ્છરનાં પ્રચલન અને ઉડ્ડયનમાં મહત્વનો ભાગ ભજવે છે. ઉરસપ્રદેશ ત્રણ ખંડોનો બનેલો હોય છે અને પ્રત્યેક ખંડમાંથી પગની એક જોડ નીકળે છે. ચાલતી વખતે મચ્છર બધા પગોનો ઉપયોગ કરે છે. જ્યારે વિશ્રામી અવસ્થામાં તે બેસવામાં માત્ર આગલા ચાર પગોનો જ ઉપયોગ કરે છે. એનૉફિલીસના પાછલા પગો આધારતળથી દૂર ગોઠવાયેલા રહે છે. ક્યૂલેક્સમાં પાછલા પગોનો વચલો ભાગ આધાર-તળ તરફ સહેજ નમેલો જોવા મળે છે.

આકૃતિ 2 : મચ્છરનાં મુખાંગો અને કરડવાની રીત
મચ્છરને માત્ર પાંખની એક જોડ હોય છે, જે અત્યંત પાતળી હોય છે અને તેની શિરાઓ સ્પષ્ટપણે દેખાય છે. શિરાઓ લોહીનું વહન કરવા ઉપરાંત પાંખને સખત (stiff) રાખીને તેને આધાર આપે છે. કીટકોમાં આવેલ પાછલી પાંખની જોડને સ્થાને મચ્છરમાં સમતોલક (haltere) અંગેની એક જોડ આવેલી હોય છે. સમતોલકો સળિયા આકારના હોય છે. તેમના છેડા પાસે એક ગાંઠ (knob) આવેલી હોય છે. આ સમતોલકોના સ્પંદનની ગતિ પાંખના જેટલી જ હોય છે.
મચ્છરનો ઉદરપ્રદેશ લાંબો અને સાંકડો હોય છે. મોટાભાગના મચ્છરોમાં તેનો છેડો અણીદાર હોય છે. જોકે કેટલાકમાં તે ગોળ હોય છે. ઉદરપ્રદેશમાં આવેલી સ્પર્શનછિદ્રોની આઠ જોડથી, જ્યારે ઉરસ-પ્રદેશમાં આવેલી બે જોડની મદદથી તે વાતાવરણમાંથી હવાનો શ્વાસોચ્છવાસ કરે છે.
મોટાભાગે મચ્છરની માદા માટે ઈંડાંની વિમોચન અને ફલન-પ્રક્રિયા માટે ખોરાક તરીકે યજમાનનું લોહી ચૂસવું અનિવાર્ય હોય છે. કેટલાક મચ્છરો માનવ ઉપરાંત સાપ, પક્ષી, ગધેડા તેમજ ઘોડાઓનું લોહી ચૂસે છે. નર મચ્છર સામાન્યપણે 7થી 10 દિવસ સુધી જીવે છે, જ્યારે માદાનું આયુ 30 દિવસ અથવા તો તેના કરતાં પણ સહેજ વધારે હોય છે. જૂજ માદા શિયાળા દરમિયાન ઈંડાં કે ઇયળ તરીકે જીવન પસાર કરે છે અને વસંત ઋતુમાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે છે.

આકૃતિ 3 : મચ્છરનું જીવનવૃત્તાંત
એનૉફિલીસ અને ક્યૂલેક્સ મચ્છરો ભારતમાં લગભગ બધે સ્થળે જોવા મળે છે. સામાન્યપણે આ મચ્છર ઈંડાં મૂકવા માટે સ્વચ્છ પાણી પસંદ કરે છે, ભલે તે સ્થિર હોય કે વહેતું. દા.ત., એનૉફિલીસ ફ્લુવીએટિલીસ મચ્છર ઈંડાં મૂકવા વહેતું પાણી પસંદ કરે છે અને તેનો વસવાટ માનવ-રહેઠાણની આસપાસ જોવા મળે છે. આથી ઊલટું, એનૉફિલીસ ક્યુલિસિફેસિસ મચ્છર ઢોરની વસાહતને પસંદ કરે છે. જોકે આ બંને મચ્છરો માનવમાં મલેરિયાનાં જંતુઓનો ફેલાવો કરતા હોય છે. મલેરિયાનાં જંતુઓનો ફેલાવો કરવામાં સ્ટીફેન્સી અને વરુણા જેવા એનૉફિલીસ મચ્છરો મહત્વનો ભાગ ભજવે છે. સામાન્યપણે આ મચ્છરો પ્લાઝમોડિયમ વાયવૅક્સ, પ્લા. ફાલ્સિપારમ, પ્લા. ટેનુઈ અને પ્લા. મલેરી જેવાં જંતુઓનો પ્રસાર કરતા હોય છે. તેમાંના પ્લાઝમોડિયમ ફાલ્સિપારમ જાતનાં જંતુઓ માનવને વધુ હાનિ પહોંચાડે છે અને તેનો પ્રસાર મગજમાં પણ થઈ શકે છે. સમયસરનાં યોગ્ય પગલાંના અભાવમાં ફાલ્સિપારમ જીવલેણ પણ નીવડે છે. તેથી જો મનુષ્યને તાવ ચડે તો તુરત જ લોહી તપાસી જંતુનું નિદાન કરી સમયસર ઉપચાર કરવો હિતાવહ છે. કેટલાક એનૉફિલીસ મચ્છરો કમળાના વિષાણુઓનું વહન પણ કરતા હોય છે. એનૉફિલીસ મચ્છર કરડે ત્યારે ખાસ અવાજ કરતા નથી.
ક્યૂલેક્સ માદા ગમે તેવા પાણીમાં ઈંડાં મૂકે છે. ખાસ કરીને ઈંડાં મૂકવા તે ગંદું પાણી પસંદ કરે છે. મોટાભાગના ક્યૂલેક્સ મચ્છરો, માનવ તેમજ અન્ય પ્રાણીઓનું લોહી ચૂસી તેમને હેરાન કરે છે. જ્યારે ક્યૂલેક્સ ફટિગન્સ મચ્છર હાથીપગાનાં જંતુઓનો ફેલાવો કરે છે. તેથી માનવીનો પગ હાથીની જેમ ફૂલી જાય છે. દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં તેમજ પોરબંદર જિલ્લામાં માનવી હાથીપગાના રોગથી પીડાતા જોવા મળે છે.
એઈડિસ તેમજ સ્ટેગોમિયા નામે ઓળખાતા મચ્છરો આફ્રિકાના ઘણા દેશોમાં વાસ કરે છે. આ મચ્છરનાં શરીર અને પગ પર એકાંતરે સફેદ અને કાળા પટ્ટાઓ આવેલા હોવાથી તેને વાઘ-મચ્છર (tiger-mosquito) પણ કહે છે. એઇડિસ ઇજિપ્ટાઈ નામના મચ્છરો પીત-જ્વર(yellow fever)ના વિષાણુઓનો ફેલાવો કરે છે. આ વિષાણુઓથી અસરગ્રસ્ત દર્દીઓ વિપરીત સંજોગોમાં સુપ્તાવસ્થામાં દિવસ પસાર કરતા હોય છે. હાલમાં ભારતમાં પણ એઇડિસ મચ્છરો નોંધાયા છે.
મલેરિયા-નિયંત્રણ : મચ્છર કરડવાથી મલેરિયાનાં જંતુઓ માનવ-શરીરમાં પ્રવેશે છે. તેની શોધ સૌપ્રથમ આજથી આશરે સો વર્ષો પૂર્વે ભારતમાં વસતા બ્રિટિશ નાગરિક સર રૉનાલ્ડ રૉસે કરી હતી. ત્યારથી મચ્છરનાબૂદી વડે મલેરિયા રોગનો ફેલાવો થતો અટકાવવાના જાતજાતના પ્રયોગો કરવામાં આવે છે. ઈ.સ. 1940ના અરસામાં ભારતમાં પાયરેથ્રમ ફૂલોમાંથી બનાવેલ કીટનાશક દવાનો છંટકાવ કરીને પુખ્ત મચ્છરોનો નાશ કરવામાં આવતો હતો. તે સાથે જળાશયોમાં થતા મચ્છરોના ઉછેરને અટકાવવાના પ્રયોગો પણ હાથ ધરવામાં આવ્યા. વીસમી સદીના મધ્યમાં મચ્છરના નાશમાં ડીડીટીનો બહોળો ઉપયોગ કરવામાં આવતો. પરંતુ મચ્છરોએ ડીડીટી સામે પ્રતિરક્ષા પ્રાપ્ત કરી અને હાલમાં મલેરિયાનો ઉપદ્રવ વધવા માંડ્યો. ખાસ કરીને પ્લાઝમોડિયમ ફાલ્સિપારમનાં જંતુઓ માનવસ્વાસ્થ્ય માટે ખતરનાક પુરવાર થયાં છે. ઘરમાં મચ્છરનો થતો પ્રવેશ અટકાવીને અથવા માનવીને મચ્છર કરડે નહીં તેવી યોજના દ્વારા મલેરિયાના રોગ પર કાબૂ મેળવી શકાય છે.
રા. ય. ગુપ્તે
ધીરુભાઈ મનજીભાઈ કોરાટ
પરબતભાઈ ખી. બોરડ
મ. શિ. દૂબળે