મચ્છુ (નદી) : ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લામાં વહેતી મુખ્ય નદી. તે રાજકોટ જિલ્લાના આણંદપુર પાસેની ટેકરીમાંથી નીકળી, જિલ્લાના ઉત્તર તરફના પટ્ટામાં આવેલી ટેકરીઓમાં થઈને વાંકાનેર, મોરબી અને માળિયા (મિયાણા) શહેર પાસેથી વહીને કચ્છના અખાતને મળે છે. તેની લંબાઈ 112.65 કિમી. છે. આ નદીનો ઉપરવાસનો શરૂઆતનો પ્રવાહપથ ખડકાળ છે. અહીં તેના કાંઠા ઊંચા છે, ક્યાંક ઊંડા ધરા તો ક્યાંક છીછરો પ્રવાહ છે. ચોમાસા દરમિયાન પૂર આવે ત્યારે નદી બે કાંઠે વહે છે, પરંતુ ચોમાસા પછી તેનો પ્રવાહ ક્ષીણ બની જાય છે. મોરબી પછી તો તે વૃક્ષહીન સપાટ મેદાની પ્રદેશમાં વહે છે. તેના મુખથી ઉપર તરફનો 16 કિમી. જેટલો પ્રવાહ ક્ષારયુક્ત પાણીવાળો છે. આ ઉજ્જડ ખારા પાટમાં થઈને તે આગળ વધે છે. ક્ષારમિશ્રિત રેતી અને પંકવાળી ભૂમિ પર થઈને માળિયાથી 2.4 કિમી. દૂર નૈર્ઋત્ય તરફ વહીને તે કચ્છના નાના રણમાં પ્રવેશે છે. અહીં તેના ઘણા ફાંટા પડી જાય છે. પછીથી તે કચ્છના અખાતને મળે છે. નદીનો પ્રવાહ સમતળ ભૂમિ પર વહેતો હોવાથી ખૂબ જ ધીમો રહે છે. અહીં નદીકાંઠા નજીક મીઠાના થર જોવા મળે છે. રણની કિનારી નજીક નૈર્ઋત્ય ખૂણે વહીને વવાણિયા બંદરની ખાડીમાં તે લુપ્ત થાય છે. દરિયાકાંઠાની જમીન ક્ષારમિશ્રિત કાળી છે. દરિયાકાંઠે રેતીના ઢૂવા અને ચેર કે તમ્મરિયાની ગીચ ઝાડી જોવા મળે છે. ચેરનો બળતણ અને ઊંટના ચારા તરીકે ઉપયોગ થાય છે.

આ નદી પર બે બંધ આવેલા છે. વાંકાનેર શહેરથી 10 કિમી. ઉપરવાસ નજીક જોધપુર ખાતે મચ્છુ–1 બંધ બાંધવામાં આવ્યો છે. આ બંધનો પ્રારંભ 1952માં સૌરાષ્ટ્ર રાજ્યે કર્યો હતો અને 1965–66માં રૂપિયા 59 લાખના ખર્ચે તે પૂર્ણ થયો હતો. તેનાથી 6.776 હજાર હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. મચ્છુ–2 તરીકે ઓળખાતો બંધ મોરબીની ઉપરવાસમાં બાંધવામાં આવ્યો છે. તેનો પ્રારંભ 1960માં થયો હતો. તે ફાટવાથી મોરબીમાં ભયાનક હોનારત સર્જાઈ હતી અને જાનમાલને ખૂબ નુકસાન થયું હતું. તેને બાંધવાનો ખર્ચ રૂપિયા 325 લાખ થયો હતો. તેની સિંચાઈ-ક્ષમતા 7.70 હજાર હેક્ટરની હતી. આ નદી પર મોરબી ખાતે ઇજનેરી કૉલેજ અને દરબારગઢ તથા શહેરને જોડતો ઝૂલતો પુલ છે. આ પુલ આશરે 230 મીટર લાંબો અને 1.35 મીટર પહોળો છે. તારના જાડા દોરડાના આધારે તે ઝૂલતો રહે છે. તેને બાંધવાનો ખર્ચ જૂના વખતમાં રૂપિયા 25 લાખ જેટલો થયો હતો.

શિવપ્રસાદ રાજગોર