મગફળી

દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ પૅપિલિયોનોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Arachis hypogea Linn. (સં. ભૂચણક, તૈલકંદ; મ. ભૂંયામૂંગ; હિં. મૂંગફલી, ચીના બદામ, વિલાયતી મૂંગ; બં. ચિનેર બાદામ; ગુ. મગફળી, ભોંય-મગ; અં. ગ્રાઉન્ડનટ, મંકીનટ, પીનટ) છે. તે ભૂપ્રસારી કે ટટ્ટાર, 30 સેમી.થી 60 સેમી.ની ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ શાકીય જાતિ છે. તેનાં પર્ણો યુગ્મ એક-પીંછાકાર (paripinate), સંયુક્ત અને એકાંતરિક હોય છે અને તે અભિલગ્ન (adnate) પ્રકારનાં ઉપપર્ણો ધરાવે છે. તેની પર્ણિકાઓ 3.5 સેમી.થી 5.0 સેમી. લાંબી અને 2.0 સેમી. થી 2.5 સેમી. પહોળી અને અંડાકાર, પ્રતિઅંડાકાર (obovate) હોય છે. પુષ્પો પીળા રંગનાં, અલ્પકાલિક (ephemeral) અને કક્ષીય (axillary) હોય છે. ફલનની ક્રિયા પછી પુષ્પદંડ ઝડપથી લંબાઈને ભૂમિમાં પ્રવેશે છે, જ્યાં બીજાશયનો શિંબી પ્રકારના ફળમાં વિકાસ થાય છે. ફળ પરિપક્વ બનતાં લગભગ બે માસ લાગે છે. તે ફળ નળાકાર, સખત, અસ્ફોટનશીલ (indehisent), 2.0 સેમી. થી 2.5 સેમી. લાંબું અને ફૂલેલું (inflated) હોય છે અને 1થી 3 બીજ ધરાવે છે. પાસે પાસેનાં બીજ વચ્ચે ફલાવરણમાં ખાંચ હોય છે. બીજની ફરતે આછા કે ઘેરા રતાશપડતા બદામી રંગનું આવરણ (બીજાવરણ) હોય છે. આ બીજ બે મોટાં સફેદ અને માંસલ બીજપત્રો ધરાવે છે; જેમાં પુષ્કળ પ્રમાણમાં તેલ અને પ્રોટીન હોય છે.

મગફળીની કૃષ્ટ (cultivated) જાતો(varieties)ને તેના સ્વરૂપને અનુલક્ષીને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવે છે : (1) ગુચ્છ (bunch), (2) અર્ધ વેલડી (semispreading) અને (3) વેલડી (spreading). તેનાં કૃષ્ટ સ્વરૂપોને પ્રકૃતિ, અવધિ અને પુષ્પનિર્માણને આધારે ‘સ્પૅનિશ’, ‘વૅલેન્સિયા’ અને ‘વર્જિનિયા’ એમ ત્રણ જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એકાંતરિક શાખાવિન્યાસ (branching) ધરાવતી અર્ધવેલડી અને વેલડી જાતોને ‘વર્જિનિયા’ જૂથમાં મૂકવામાં આવે છે. ‘સ્પૅનિશ’ અને ‘વૅલેન્સિયા’ જૂથોમાં આનુક્રમિક (sequential) શાખાવિન્યાસ ધરાવતી ‘ગુચ્છ’ જાતોનો સમાવેશ થાય છે. સ્પૅનિશ જૂથમાં નીચેનાં પર્ણોની કક્ષમાંથી જ પુષ્પો ઉદભવે છે; જ્યારે વૅલેન્સિયા જૂથમાં વધતે ઓછે અંશે સમગ્ર ‘મુખ્ય અક્ષ’ ઉપર પુષ્પો ઉત્પન્ન થાય છે. વર્જિનિયાની અર્ધવેલડી જાતોમાં મુખ્ય અક્ષ પર

મગફળી(Arachis hypogea)નો છોડ

કદી પુષ્પો ઉત્પન્ન થતાં નથી; જ્યારે વેલડી જાતોમાં મુખ્ય અક્ષ પર પુષ્પોનું નિર્માણ થાય છે. મગફળીની કૃષ્ટ જાતિ hypogea Krap & Rig. અને fastigiata Waldron. એમ બે ઉપજાતિઓ(subspecies)માં વિભાજિત કરવામાં આવી છે. ‘hypogea’ ઉપજાતિમાં એકાંતરિક શાખાવિન્યાસ અને ‘fastigiata’ ઉપજાતિમાં આનુક્રમિક શાખાવિન્યાસ હોય છે.

ઉપજાતિ–hypogea વર્જિનિયા પ્રકારની છે; જેમાં ભારતનાં અર્ધવેલડી અને વેલડી સ્વરૂપોનો સમાવેશ થાય છે. var. hirsutaના મુખ્ય અક્ષની લંબાઈ એક મીટર જેટલી હોય છે. તેનું પ્રકાંડ રોમિલ હોય છે. તે મોડાં પાકતાં ભૂપ્રસારી સ્વરૂપો ધરાવે છે. તેનાં શિંબી ફળ 3થી 4 બીજ અને ચાંચ જેવો પ્રવર્ધ ધરાવે છે. આ લક્ષણો વડે તેને વર્જિનિયા, સ્પૅનિશ અને વૅલેન્સિયાનાં સ્વરૂપોથી જુદી પાડી શકાય છે. તે પેરુની દુર્લભ જાત છે. ઉપજાતિfastigiataની બે જાતો છે : var. fastigiata (વૅલેન્સિયા પ્રકાર) અને var. vulgaris (‘સ્પૅનિશ’ પ્રકાર, જે ભારતીય ગુચ્છપ્રકારને અનુરૂપ છે). vulgaris જાતનો પુષ્પવિન્યાસ સંયુક્ત હોય છે, જ્યારે fastigiata જાતનો સાદો (અશાખિત) હોય છે.

મગફળીનું મૂળ વતન બ્રાઝિલ હોવાનું મનાય છે. તે સંપૂર્ણ સ્વયં-પરાગિત પાક છે અને તે 40 રંગસૂત્રો ધરાવે છે. મગફળીની મુખ્ય બે જાત તેના છોડના ઉગાવાની ખાસિયતના આધારે જાણીતી છે : (1) ઊભડી, (2) વેલડી. વિશ્વમાં અંદાજે 230 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થાય છે. હેક્ટરે 1,300 કિગ્રા. સરાસરી ઉત્પાદકતા સાથે તેનું કુલ ઉત્પાદન 290 લાખ ટન થાય છે. વિશ્વમાં મગફળી ઉગાડતા મુખ્ય દેશો ભારત, ચીન, આફ્રિકા, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, કૅનેડા, આર્જેન્ટીના વગેરેમાં 90 લાખ હેક્ટર વાવેતર-વિસ્તાર સાથે ભારતનું સ્થાન પ્રથમ છે. તેની હેક્ટરે 900 કિગ્રા.ની સરાસરી ઉત્પાદકતા સાથે કુલ ઉત્પાદન 80 લાખ ટન થાય છે. આમ સમગ્ર વિશ્વમાં ભારત મગફળીના વિસ્તાર અને ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. પરંતુ તેની હેક્ટરદીઠ સરાસરી ઉત્પાદકતા ચીન (2,590 કિગ્રા.), અમેરિકા (2,812 કિગ્રા.) આર્જેન્ટીના (2,100 કિગ્રા.) અને ઇન્ડોનેશિયા (1,900 કિગ્રા.) જેવા દેશોની સરખામણીમાં ખૂબ ઓછી છે; કારણ કે, ગુજરાત, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઓરિસામાં થતા મગફળીના કુલ વાવેતર-વિસ્તારનો 80 % વિસ્તાર મુખ્યત્વે વરસાદ–આધારિત સૂકી ખેતી નીચે આવેલ હોવાથી વરસાદની પરિસ્થિતિ પ્રમાણે મગફળીની ઉત્પાદકતા અને ઉત્પાદનમાં વધારોઘટાડો થાય છે. ભારતમાં થતા મગફળીના કુલ વાવેતરનો 25 % વિસ્તાર ગુજરાતમાં આવેલો છે, જે રાજ્યમાંના ખેડાણવિસ્તારના 20 % જેટલો થાય છે. આમ ગુજરાત રાજ્યમાં થતા વિવિધ પાકોમાં મગફળીના પાકનું સ્થાન પ્રથમ અને ગૌરવવંતું છે. રાજ્યમાં મગફળીનું વાવેતર મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગોમાં ચોમાસા દરમિયાન વરસાદ-આધારિત સૂકી ખેતીમાં થાય છે અને પિયતની સગવડ હોય ત્યાં ઉનાળુ મગફળીનું પણ વાવેતર કરવામાં આવે છે.

મગફળીનો પાક ભારતનો પાક ન હતો, પરંતુ વીસમી સદીની શરૂઆતમાં પરદેશમાંથી આ પાકનું ભારતમાં આગમન થયું અને ધીમે ધીમે તેનું વાવેતર સમુદ્રકાંઠાનાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, આન્ધ્રપ્રદેશ જેવાં રાજ્યોમાં વધવા લાગ્યું, કારણ કે, આવા કાંઠાળા વિસ્તારમાં રાજ્યની જમીન અને હવામાનની આફતો સામે બીજા પાકો ટકી શકતા ન હતા.

મગફળી સામાન્ય રીતે વર્ષા ઋતુમાં વવાતો ખરીફ પાક છે અને એપ્રિલ-મેથી જૂન-જુલાઈમાં ઉગાડવામાં આવે છે. કેટલાક પ્રદેશોમાં ઑગસ્ટ કે સપ્ટેમ્બરની શરૂઆતમાં વવાય છે. વહેલા વાવેતરથી તેની વૃદ્ધિની અવધિ લંબાય છે અને તંદુરસ્ત, પૂર્ણવિકસિત અને પરિપક્વ છોડ ઉત્પન્ન થાય છે. તેની શિંગો ભરેલી હોય છે અને દાણાઓમાં તેલનું પ્રમાણ વધારે હોય છે; પંદર દિવસ પણ તેને મોડી વાવવામાં આવે તો 5 % કે તેથી વધારે પ્રમાણમાં તેલમાં ઘટાડો થાય છે.

દક્ષિણ ભારતમાં સિંચિત પાક તરીકે તેનું વાવેતર લગભગ આખા વર્ષ દરમિયાન કરી શકાય છે. સૂકી સિંચિત ભૂમિમાં તે ડિસેમ્બરમાં અને ભેજવાળી ભૂમિમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં વાવવામાં આવે છે; જ્યારે ઉત્થિત (lift) સિંચાઈવાળી ભૂમિમાં તેને માર્ચથી માંડી મે સુધી ઉગાડી શકાય છે.

તે ઉષ્ણકટિબંધીય અને ઉપોષ્ણકટિબંધીય દેશોમાં 1,160 મી.ની ઊંચાઈ સુધી થાય છે અને વિવિધ પ્રકારની આબોહવામાં ઊગી શકતી હોવા છતાં તેની વૃદ્ધિ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ અને એકસરખો વરસાદ (50 સેમી.થી 125 સેમી) જરૂરી રહે છે. ઝડપથી પુષ્પનિર્માણ પ્રેરવા ખાસ કરીને રાત્રી દરમિયાન 21° સે.થી 26° સે. તાપમાન અનુકૂળ ગણાય છે. મગફળી હિમ, લાંબી તીવ્ર શુષ્કતા અને જલ-રુદ્ધતા (water stagnation) સામે ટકી શકતી નથી.

મગફળી માટે ભારે ભૂમિ (heavy-soil)ની ઉપર રહેલી હલકી, સારી સિંચાઈવાળી, ઢીલી (loose) અને ભભરું (friable) ભૂમિ અનુકૂળ ગણાય છે. ભારતમાં ભારે અને ર્દઢ (stiff) માટી સિવાયની બધા જ પ્રકારની ભૂમિમાં તે થાય છે. પાક રેતાળ-ગોરાડુ (sandy loam), ગોરાડુ (loam), કાળી અને તટસ્થથી માંડી ઍલ્કેલાઇન ભૂમિમાં સૌથી સારી રીતે થાય છે.

તેનું મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વાવેતર થતું હોવાથી તેને નિયમિતપણે ખાતર આપવામાં આવતું નથી. વાવેતર પહેલાં છાણિયું ખાતર અને ભસ્મ (186 કિગ્રા.થી 466 કિગ્રા./હેક્ટર) અને ગામઠી કચરો અપાય છે. તેને ગળીની વન્ય જાતિ (Indigofera sp.) અને દેશી શણ(Crotolaria juncea Linn.)નો લીલો પડવાશ આપવાથી તેના ઉત્પાદનમાં વધારો થાય છે.

મગફળીના ઉપયોગનાં મહત્વનાં પાંચ પાસાંઓ નીચે પ્રમાણે છે :

1. ખોરાક (food) : મગફળીનું તેલ, માખણ અને દાણા મનુષ્યના આહારમાં એક મધુર, સ્વાદિષ્ટ અને શક્તિવર્ધક ખોરાક છે.

2. ખાણદાણ (feeds) : મગફળીનો ખોળ પશુઓ અને પક્ષીઓને માટે ખાણદાણ તરીકે શક્તિવર્ધક અને રુચિકારક છે.

3. ઘાસચારો (fodder) : મગફળીનાં લીલાં તથા સૂકાં પાન અને ડાળીઓ પશુઓને માટે ખોરાક તરીકે વધુ પૌષ્ટિક છે.

4. જૈવિક ખાતર (bio-fertilizer) : મગફળીના છોડની મૂળ ગંડિકાઓમાં રહેલ રાઇઝોબિયમ જીવાણુઓ હવામાં રહેલ નાઇટ્રોજનનું છોડના ખોરાક તરીકેના નાઇટ્રોજન તત્વમાં સ્થાયીકરણ કરી જમીનની ફળદ્રૂપતા વધારે છે.

5. પ્રવાહ-અવરોધક (flow check) : મગફળીના છોડ જમીન પર પથરાઈને વૃદ્ધિ પામતા હોવાથી પવન-પાણીના ભારે ઘસારાથી જમીનનું ધોવાણ થતું અટકાવે છે.

મગફળીની ખોરાક તરીકે ઉપયોગિતા : મગફળીના ડોડવામાં 25 %થી 35 % ફોફાં હોય છે અને 65 %થી 75 % દાણાનું પ્રમાણ હોય છે. દાણામાં 46 %થી 54 % તેલ અને 20 %થી 29 % પ્રોટીન અને શર્કરા 8 %થી 14 % હોય છે. આ ઉપરાંત તેમાં પ્રજીવક બી-1 બી-2, ઈ તેમજ કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અને લોહ જેવી ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે. આમ, મગફળીનું તેલ, માખણ અને દાણા મનુષ્યના ખોરાકમાં એક શક્તિવર્ધક ખાદ્ય પદાર્થ છે.

સારણી 1 : જુદા જુદા પ્રકારની મગફળીના દાણાનું બંધારણ

બંધારણ/ ખાદ્ય પદાર્થ મગફળીનો પ્રકાર
વેલડી અર્ધવેલડી ઊભડી ઊભડી
(વૅલેન્શિયા)
તેલ (%) 46-51 46-54 46-48 47-51
પ્રોટીન (%) 21-28 21-26 22-25 20-29
શર્કરા (%) 9-14 9-14 7-9 7-9

શાળાએ જતાં કે અનાથાશ્રમમાંનાં અપૂરતું પોષણ ધરાવતાં બાળકોમાં આહારપૂરક (food supplement) તરીકે મગફળી અને દૂધ આપવાથી તેમની પોષણક્ષતિ દૂર કરી શકાય છે. તેમાં ગોળ મેળવતાં ચિકી નામની સુંદર વાનગી બને છે. તે બાળકોને ગમે છે અને તે પોષણદાયક પણ છે. તેમાં નિકોટિનિક ઍસિડ(નિયાસિન)નું પ્રમાણ વધુ હોવાથી મકાઈના આહારથી ઉદભવતી આ પ્રકારના એમીનોઍસિડની ઊણપ પણ દૂર કરી શકાય છે. આ રીતે એકલી મકાઈના આહારથી થતો રુક્ષત્વચા (pellagra) નામનો રોગ મટે છે અથવા થતો અટકે છે. ખોરાકમાં મગફળીનું પ્રમાણ ધીમે ધીમે વધારવાનું સૂચવાય છે, કેમ કે તે ક્યારેક વાયુપ્રકોપ અને આંતરડાની ચૂંક સર્જે છે. મગફળીનું પોષણમૂલ્ય સારણી 2માં દર્શાવાયેલું છે :

સારણી 2 : મગફળીબનાવટોનું પોષણમૂલ્ય

વિગત (દર 100 ગ્રામ) શેકેલી મગફળી મગફળીનું તેલ મગફળીનું ઘી
પ્રોટીન (ગ્રામ)   26.67     0.00    26.00
તૈલી દ્રવ્ય (ગ્રામ)   46.67    96.43    48.00
કાર્બોદિત દ્રવ્ય (ગ્રામ)   22.00     0.00    21.33
ઊર્જા (કિલો કૅલરી)     573      850      850

મગફળીનું તેલ અને તેના ગુણધર્મો : તેનું તેલ આછા પીળા રંગનું, મીઠું અને સુગંધિત ખાદ્ય તેલ છે. તેમાં 20 % સંતૃપ્ત (saturated) અને 80 % અસંતૃપ્ત (unsaturated) ફૅટી ઍસિડ હોય છે. તે પૈકી લિનોલિક ઍસિડનું પ્રમાણ 30 % જેટલું હોય છે. આ ઉપરાંત મગફળીના તેલમાં પ્રજીવક-ઈ (ટોકોફેરોલ) હોવાથી તેને સામાન્ય તાપમાને દોઢ વર્ષ સુધીના લાંબા સમય સુધી સાચવી શકાય છે તેમજ સતત 10 કલાક સુધી તળવાના ઉપયોગમાં લેવા છતાં તેના ગુણધર્મોમાં ફેર પડતો નથી.

મગફળીના તેલની ખાસ વિશેષતા એ છે કે તેમાંનો લિનોલિક ઍસિડ બહુ અસંતૃપ્ત ફૅટી ઍસિડ હોય છે. તેની ગણનાં ઇસેન્શ્યલ ફૅટી ઍસિડ (EFA) તરીકે થાય છે; કારણ કે તે મનુષ્યના શરીરમાં ઉત્પન્ન થતો નથી, પરંતુ બહારથી ખોરાકમાં આપવો પડે છે. તેથી મગફળીના તેલને બાહ્યપ્રાપ્ત ચરબી (premium fat) પણ કહેવામાં આવે છે. જો શરીરમાં લિનોલિક ઍસિડનું પ્રમાણ પૂરતું ન હોય તો વાળ ખરે છે અને ચામડી ફાટે છે.

તેનાથી વનસ્પતિ ઘી પણ બને છે. મગફળીના દાણાને આખા ખાવામાં આવે ત્યારે તેનું તૈલી દ્રવ્ય પૂરેપૂરું પચતું નથી, પણ તેનું તેલ કે વનસ્પતિ ઘી બનાવાય ત્યારે તે વધુ પ્રમાણમાં પચી જઈને લોહીમાં પ્રવેશે છે. મગફળીનું દૂધ બનાવાય છે. તે માટે 100 ગ્રામ મગફળીને તવા પર શેકીને તથા તેનાં બહારનાં છોડાંને દૂર કરીને 5થી 6 કલાક પાણીમાં પલાળી રખાય છે. ત્યારબાદ તેને 300 મિલી. પાણીમાં મિક્સર-યંત્રમાં વલોવી-દળીને તેનું દૂધ બનાવાય છે. તેને ગાળી નાંખીને પછી ઉકાળાય છે. આવું મગફળીનું દૂધ, જેઓ ગાય-ભેંસના દૂધમાંની દુગ્ધશર્કરા(lactose)ને પચાવી ન શકતા હોય તેવા દર્દીઓને તથા જઠરમાં ચાંદું હોય તો તેમને આપી શકાય છે. આ મગફળીના દૂધમાં 22થી 28 % પ્રોટીન અને 42થી 52 % તેલ હોય છે. તેમાં થાયમિન, નિયાસિન, રાયબોફ્લેવિન અને પૅન્ટોથેનિક ઍસિડ નામનાં વિટામિન-બી જૂથનાં દ્રવ્યો પણ હોય છે. આ ઉપરાંત તેમાં કૅલ્શિયમ અને લોહતત્વ પણ હોય છે. તેનું દહીં બનાવી શકાય છે. જોકે તેમાં વિટામિન એ અને ડી ઉમેરવાં પડે છે.

ભેજવાળા વાતાવરણમાં લાંબા સમય સુધી મગફળીને સંગ્રહવાથી તેમાં શ્યામ ફૂગ (Aspergillus flavus) થાય છે, જેમાંથી ફૂગવિષ (aflatoxin) નામનું ઝેરી દ્રવ્ય બને છે. ફૂગવિષ મગફળીના દૂધમાં અને મગફળીના ખોળમાં પણ હોઈ શકે છે. તેજસ્વી ભૂરા રંગવાળું ‘બી’ પ્રકારનું ફૂગવિષ વધુ ઝેરી છે. આ ઉપરાંત બી2, જી1 અને જી2 પ્રકારનાં ફૂગવિષ પણ ઘણાં ઝેરી હોય છે. તેઓ યકૃત(liver)નું કૅન્સર કરે છે. ઘણી વખતે યકૃતના અન્ય વિકારો પણ સર્જે છે. માણસમાં જોવા મળતા યકૃતકાઠિન્ય (liver cirrhosis) અને યકૃતકૅન્સરમાં મગફળીનું ફૂગવિષ મહત્વનું કારણ છે એવું મનાય છે, પરંતુ સાબિત થયેલું નથી. ક્યારેક તેની ઝેરી અસર થાય તો કમળો, તાવ, અરુચિ, ઊલટી, જલોદર, પગે સોજા અને નિવાહિકાતંત્રમાં અતિદાબ (portal hypertension) વગેરે પ્રકારના વિવિધ વિકારો થઈ આવે છે. તેનો મૃત્યુદર ઊંચો છે. આ ફૂગવિષને કારણે કદાચ પ્રતિરક્ષાતંત્રનું કાર્ય ઘટે છે તેથી યકૃતશોથ-બી (hepatitis-B) નામનો ચેપી કમળો થવાનો દર પણ વધે છે. આફ્રિકાના મોઝૅમ્બિક વિસ્તારમાં મગફળી અને મકાઈ વિશેષ પ્રમાણમાં લેતી પ્રજામાં આ ફૂગવિષને કારણે યકૃતકૅન્સરનું ઘણું મોટું પ્રમાણ જોવા મળે છે. તેમનામાં થતાં બધાં જ કૅન્સરમાં 65 % કૅન્સર યકૃતનાં હોય છે.

મગફળીની નવી જાતો અને તેના ગુણધર્મો : આપણા દેશમાં કુલ 90 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થાય છે. તેમાંથી 75 લાખ હેક્ટર ચોમાસામાં અને 15 લાખ હેક્ટર ઉનાળામાં થાય છે. ગુજરાત રાજ્યમાં કુલ 20 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવે છે જેમાં ચોમાસુ મગફળી 18થી 19 લાખ હેક્ટર અને ઉનાળુ મગફળી 1.25થી 1.50 લાખ હેક્ટર વિસ્તારમાં થાય છે. ચોમાસુ મગફળીનું મોટાભાગનું વાવેતર વરસાદ-આધારિત સૂકી ખેતી નીચે સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગમાં થાય છે.

આયુર્વેદ અનુસાર તે પિત્તકર, વાતુલ અને ઉષ્ણ છે. તે ઢોરોને ખાવામાં ઘણી જ ઉપયોગી છે અને ખોળની માફક પશુને માટે પૌષ્ટિક છે. એનાથી દૂઝણાં પશુને પુષ્કળ દૂધ આવે છે. તેના તેલમાં જેતૂન(ઑલિવ ઑઇલ)ના જેવા જ ગુણ છે. તે સારક, વ્રણરોપક, વ્રણપ્રસાદક અને પૌષ્ટિક છે. તેના દાણા પારિજાતકના રસમાં અથવા તે ન મળે તો પાણીમાં ઘસીને દાદર ઉપર ચોપડવામાં આવે છે.

મગફળીના પાકમાં ટિક્કા અથવા પાનનાં ટપકાં, મગફળીનું ગેરુ, ઊગસૂક અને થડનો કોહવારો મુખ્ય નુકસાનકર્તા રોગો છે. આ સિવાય વિષાણુ અને કૃમિથી પણ કેટલાક વિસ્તારોમાં આ પાકને નુકસાન થાય છે.

(1) મગફળીના ટિક્કા અથવા પાનનાં ટપકાં : મગફળીનો ટિક્કા રોગ પાકની શરૂઆતની અવસ્થામાં અને પાકની પાછળની અવસ્થામાં આમ બે વાર પાન ઉપર ટપકાં પેદા કરે છે. આ ટપકાં જુદી જુદી પ્રજાતિની ફૂગોથી ઉદભવતાં હોય છે. છોડ જ્યારે ચારેક અઠવાડિયાંનો થાય ત્યારે સર્કોસ્પોરા એરેચીડીકોલા નામની ફૂગથી પાન ઉપર ટપકાં પેદા થાય છે અને પાક જ્યારે આઠથી દસ અઠવાડિયાંનો થાય ત્યારે આ ટપકાં સર્કોસ્પોરા પર્સોનેટમ નામની ફૂગથી થાય છે.

લક્ષણો : પાક જ્યારે લગભગ ચારેક અઠવાડિયાંનો થાય ત્યારે પાન ઉપર લીલો રંગ ઝાંખો પાડી નાંખતાં ધાબાં પડે છે. આ ભાગમાં ગોળ કે અનિયમિત આકારનાં લીલાશ પડતા ઘેરા ભૂખરા રંગનાં ટપકાં જોવા મળે છે. આ ટપકાં નાનાં હોય ત્યારે 1 મિમી. વ્યાસનાં હોય છે, જે વધીને દસ મિમી વ્યાસ સુધી મોટાં બને છે. આ ટપકાંની ફરતે પીળી કિનારીનો આભાસ જોવા મળે છે.

મગફળીનો પાક જ્યારે આઠથી દસ અઠવાડિયાંનો થાય છે ત્યારે સર્કોસ્પોરા પર્સોનેટમ પ્રકારની ફૂગને કારણે વનસ્પતિ પર કાળાં ટપકાં પેદા થાય છે. આ ટપકાં ગોળાકાર ઘાટા ભૂખરા, કથ્થાઈ કે કાળા રંગનાં હોય છે, જેની ફરતે ચળકતા પીળા રંગનો આભાસ હોય છે. આ ફૂગ પાનની નીચેની સપાટી પર મોટા પ્રમાણમાં બીજાણુ બનાવે છે, જે પવન વડે ફેલાતાં રોગ વધુ પ્રસરે છે. આ રોગથી થતાં ટપકાં સાનુકૂળ વાતાવરણ મળતાં વિકાસ પામી એકબીજાંમાં જોડાઈ પાનને સૂકવી નાંખે છે અને તેથી રોગિષ્ઠ પાન ખરી પડે છે. તેને લીધે ચારાના ઉત્પાદનમાં નુકસાન થાય છે. પર્ણદંડ, ઉપપર્ણ, થડ તેમજ સોયા(મગફળીના છોડની ડાળમાંથી જમીનમાં જતો ફળનો અંકુર) પર પણ આ રોગનાં ચાઠાં ટપકાં પેદા કરે છે, જેને લીધે સોયામાં ડોડવાં બેસતાં નથી અને બેસે તો તેઓ પૂરાં ભરાતાં નથી.

આ રોગનો પ્રાથમિક ચેપ આગલી સાલના જમીનમાં પડી રહેલ છોડનાં રોગવાળાં પાન, પર્ણદંડ કે થડના ટુકડાઓના અવશેષો દ્વારા

સારણી 3 : મગફળીની વિવિધ જાતોના પાકવાના દિવસો, ઉત્પાદન, તેલનું પ્રમાણ અને ગુણધર્મો

મગફળીનો પ્રકાર મગફળીની જાત પાકવાના દિવસો દાણાનો ઉતારો તેલના ટકા ખાસ ગુણધર્મો
ઊભડી જીજી-2 100 72.8 49.6 પીળાશ પડવા સામે પ્રતિકારક છે.
જેએલ-24 100 71.2 46.6 દાણાની ગુણવત્તા સારી છે.
જીજી-5 101 48.8 વધુ ઉત્પાદન અને દાણાની ઉત્તમ ગુણવત્તા
અર્ધવેલડી જીજી-20 109 50.5 એચપીએસ(hand picked selection) દાણા અને વધુ ઉત્પાદન
વેલડી જીજી-11 111 72.6 48.6 એચપીએસ દાણા
જીજી-12 111 71.2 49.6 ભેજની ખેંચ સામે પ્રતિકારક
જીજી-13 120 69.2 49.6 વધુ ઉત્પાદન

ફેલાય છે. શરૂઆતમાં છોડમાં નીચેના પાન ઉપર ટપકાં બનાવી બીજાણુ પેદા થયા પછી ત્યાંથી હવા દ્વારા બીજાણુઓ ઊડી બીજા તંદુરસ્ત પાન અને છોડ પર પડી રોગને ફેલાવે છે. વાતાવરણમાં 25°થી 30° સે. તાપમાન અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે રોગનું પ્રમાણ વધે છે.

આ રોગ ઓછો લાગે તે માટે મગફળી ખેતરમાંથી ઉપાડી લીધા પછી તેના છોડના રોગિષ્ઠ અવશેષો વીણીને બાળી નાંખવામાં આવે છે. વળી મગફળીનો પાક 35 દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝિમ દવા 0.025 %ના પ્રમાણમાં છાંટવામાં આવે છે. બીજો છંટકાવ પંદર દિવસના અંતરે કરવામાં આવે છે.

(2) મગફળીનો ગેરુ : ભારતમાં આ રોગ સૌપ્રથમ ઈ. સ. 1971માં દેખાયો હતો, જ્યારે ગુજરાતમાં તે ઈ. સ. 1973માં પહેલી વાર દેખાયો. મગફળીનો ગેરુ પાક લગભગ 6થી 8 અઠવાડિયાંનો થાય ત્યારે દેખાય છે. શરૂઆતમાં પાનની નીચેની સપાટી પર ટાંચણીનાં માથાં જેવડાં નાનાં, ભૂખરા રંગનાં ઊપસેલાં ખરબચડાં ટપકાં દેખાય છે. અને ટપકાંની પાનની ઉપલી સપાટી પીળી બને છે. પાનની આક્રમિત વિસ્તારની છાલ નાનાં ટપકાંમાં તૂટી જતાં તેમાંથી ફૂગના યુરિડોસ્પોર નામે ઓળખાતા બીજાણુ છૂટા પડે છે. રોગનો ઉપદ્રવ વધતાં આવાં ટપકાં પાનની ઉપરની સપાટી પર પણ ફેલાય છે. અને આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે ત્યારે થડ અને સોયા પર પણ ભૂખરા લાલ રંગનાં ખરબચડાં ચાઠાં દેખાય છે. આ રોગને લીધે પાન ચીમળાઈને ખરી પડે છે અને તેના છોડ પર નાનાં અને ચીમળાયેલાં ડોડવાં બેસે છે. તેની અસર હેઠળ ચારાની અને મગફળીની ગુણવત્તાને અને ઉત્પાદનને માઠી અસર પહોંચે છે.

નિયંત્રણ : આ રોગ ન થાય માટે ચોમાસુ મગફળીનો પાક લઈ લીધા પછી ખેતરમાં ફરીથી ઊગી નીકળતા મગફળીના છોડોને ઉપાડી તેમનો નાશ કરવો જરૂરી છે. વળી ઉનાળુ મગફળી ઉપાડવા અને ચોમાસુ મગફળી વાવવા વચ્ચે ઓછામાં ઓછો 35 દિવસનો સમયગાળો પણ રાખવો જોઈએ. ખાસ કરીને ચોમાસુ મગફળીમાં ગેરુ મોટા પ્રમાણમાં આવે છે. તેથી ચોમાસુ મગફળીનો પાક 40 દિવસનો થાય ત્યારે ટ્રાઇડીમૉર્ફ દવા 0.04 % અથવા મેન્કોઝેબ દવાનો 0.2 %ના પ્રમાણમાં પ્રથમ અને પંદર દિવસ બાદ તેનો બીજો છંટકાવ કરવો જોઈએ.

(3) ઊગસૂકનો રોગ : એસ્પરજીલસ, નાઇઝર જેવી મૃતોપજીવી ફૂગોથી આ રોગ થાય છે. આ રોગની ફૂગ જમીનજન્ય તેમજ બીજજન્ય હોય છે. તેનો ચેપ બીજ દ્વારા અને જમીનમાં રહેલા રોગના અવશેષો દ્વારા ફેલાય છે.

આ રોગને લીધે ઘણી વાર બીજ ઊગી પણ શકતાં નથી. જમીનમાંથી બીજનું સ્ફુરણ થાય તે પહેલાં જ ફૂગના હુમલાને કારણે તે સડી જાય છે. ખેતીની જમીન જો ખોદવામાં આવે તો ત્યાં ફૂગના કાળા બીજાણુથી છવાયેલાં સડેલાં બીજ મળી આવે છે. રોગના આ તબક્કાને ઉગાવા પહેલાંનો સડો (પ્રી-ઇમરજન્સ બ્લાઇટ) કહે છે અને જો આ રોગ અંકુર નીકળી ગયા પછી લાગ્યો હોય તો 50 % જેટલાં બીજપત્ર ઉપર ફૂગ દેખાય છે. આના પરિણામે બીજપત્ર (cotyledon) પહેલાં અને ત્યારબાદ આખો છોડ પણ સુકાય છે. એક માસનો થાય ત્યાં સુધી છોડ પર આ રોગ દેખાય છે. તેનાં પાન પર ભૂખરા કે કાળા રંગનાં ચાઠાં દેખાય છે. આ ચાઠાં જમીન પાસેના થડ સુધી ફેલાય છે અને છોડ સુકાઈ જાય છે.

નિયંત્રણ : આ રોગના ભોગ ન થવાય તે માટે સારી જાતનાં, નુકસાન વિનાનાં બીજ વાવવાના ઉપયોગમાં લેવાં જરૂરી છે. મગફળીનાં વાવવાનાં બીજ ભેજવાળી જગ્યામાં રાખવાં જોઈએ નહિ. વળી મગફળી જમીનમાંથી ઉપાડ્યા પછી તે તાત્કાલિક સારી રીતે સુકાઈ જાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ, જેથી મગફળીમાં મૃતોપજીવી ફૂગનો ચેપ ઓછો રહે. આ ઉપરાંત બીજને વાવતા પહેલાં એક કિગ્રા. બીજદીઠ 4 ગ્રામ કૅપ્ટાન અથવા થાયરમ અથવા પારાયુક્ત ફૂગનાશક દવાની માવજત આપવી જોઈએ.

(4) મગફળીના થડનો કોહવારો : આ પણ એક સર્વસામાન્ય રોગ છે. આની રોગકારક ફૂગ જમીનજન્ય હોય છે અને તે સ્કેલેરોસિયમ રોલ્ફસાઈ નામે ઓળખાય છે. આ રોગ ગુજરાતમાં 1980 પછી ફેલાયો છે. મેક્રોફૉમિના ફેઝ્યોલાઈ અને પેલિક્યુલેરિયા નામની ફૂગો પણ, થડ અને ડાળીના કોહવારાનો રોગ ઉપજાવે છે. આ બંને ફૂગો પણ જમીનજન્ય હોવાથી છોડના થડ અને નીચેના ભાગોમાં નુકસાન કરે છે.

આ રોગનાં લક્ષણો અંદરના તેમજ જમીનની સપાટીની લગોલગ થડ ઉપર દેખાય છે. ફૂગ થડ પર આછા ભૂખરા કે કાળા રંગનાં લાંબાં ધાબાં પેદા કરે છે. આવા રોગવાળા ભાગ પર વધતે-ઓછે અંશે ફૂગના સફેદ તાંતણા પણ દેખાય છે. વખત જતાં ચાઠાં ઘાટા ભૂખરા રંગનાં કે કાળાં પડી જાય છે અને તે સમયે ફૂગની રાઈના દાણા જેવી શરૂઆતમાં સફેદ અને ત્યારબાદ કાળી પેશી નિર્માણ થાય છે. આ પેશીને સ્કેલોશિયા કહે છે આ રોગને લીધે છોડ સુકાઈ જાય છે. વાતાવરણમાં ખૂબ જ ભેજ હોય ત્યારે ફૂગની સફેદ છારી છોડના થડના ઉપરના ભાગમાં પણ જોવા મળે છે. પરંતુ ભેજનું પ્રમાણ ઓછું હોય તો ફૂગ ન દેખાતાં માત્ર રોગથી પેદા થતાં ચાઠાં જ દેખાય છે. આવા રોગિષ્ઠ છોડ બટકા રહી જાય. તેનાં પાન નાનાં અને પીળા રંગનાં દેખાય છે અને જૂજ સમય રહે છે. છેવટે રોગ લાગેલ ભાગ પાસેથી છોડ ભાંગીને ઢળી પડે છે. આ રોગ મૂળ અને સોયાને પણ લાગે છે. આવા સોયા સડી જઈ ભાંગી જાય છે. આવા સોયામાં લાગેલ મગફળીનાં ડોડવાં ઉપર ફૂગ છવાઈ જાય છે.

મગફળીના રોગિષ્ઠ ભાગો જમીનમાં જ રહી જતા હોવાથી આ રોગ દર વર્ષે ફેલાતો રહે છે.

આ રોગના નિયંત્રણ માટે પાકની ફેરબદલી કરવી જોઈએ. વળી મગફળી વાવતા પહેલાં હેક્ટર દીઠ 15 કિગ્રા. પેન્ટાક્લૉરો નાઇટ્રોબેન્ઝીન (બ્રાસિકોલ) નામની દવા રેતીમાં ભેળવીને ચાસમાં નાંખવામાં આવે છે. આ ફૂગનાશક દવા આખા ખેતરના ચાસમાં વાપરવી મોંઘી પડે છે. તેથી અગાઉ જેટલા ભાગમાં મગફળીમાં આ રોગ ફેલાયો હોય તેટલી જ જમીનમાં નિશાન કરી આ વિસ્તારના ચાસમાં દવા નાંખવી જોઈએ. વળી મગફળી કાઢી લીધા પછી મગફળીનાં પાન, ડાળી-થડના ભાગ વગેરે ચાસમાંથી ભેગાં કરી બાળીને તેમનો નાશ કરવો જોઈએ.

(5) વિષાણુથી થતા રોગો : રોઝેટી અને મોઝેક (પીળા ચટ્ટાપટ્ટા) નામના બે પ્રકારના રોગો થાય છે. રોઝેટી રોગમાં છોડનાં પાન નાનાં થઈ કોકળાઈને ગુચ્છ બનાવે છે. પરિણામે ડાળીની આંતરગાંઠ અને પર્ણદંડની લંબાઈ ટૂંકી થાય છે અને ડાળી પર પીળાં ધાબાંવાળાં કે ચટ્ટાપટ્ટાવાળાં પાન ગુચ્છ સ્વરૂપે અલગ તરી આવતાં જોવા મળે છે.

મોઝેકના રોગથી પીડાતા છોડો ઉપર પીળાં કોકળાયેલાં વિકૃતિ પામેલાં પાન જોવા મળે છે. આ રોગને લીધે છોડમાં નાઇટ્રોજન તત્વના ઘટકો ઓછા થાય છે. છોડ પીળા રંગના બને છે. આ રોગથી 25 %થી 100 % સુધી ઉત્પાદનમાં નુકસાન નોંધાયેલ છે.

(6) કૃમિજન્ય મૂળગાંઠનો રોગ : આ રોગ મેલેડોગાયની ઇન્કોગ્નેટા અવે મેલેડોગાયની જવાનિકા જાતના કૃમિઓથી થાય છે. આ જ કૃમિઓ મગફળી ઉપરાંત વેલાવાળાં શાકભાજી, બટાટા, ટમેટાં, રીંગણ, મરચી, ભીંડા, ગાજર અને મૂળા જેવા પાકોમાં પણ નુકસાન કરે છે.

આ કૃમિઓ જમીનની અંદર વસે છે અને મૂળ ભાગમાં આક્રમણ કરતા હોવાથી શરૂઆતમાં છોડ ઉપર તેનાં લક્ષણો જોઈ શકાતાં નથી. પરંતુ છોડ પીળો અને નબળો પડે છે અને રોગનું પ્રમાણ વધતાં યોગ્ય વિકાસના અભાવમાં છોડ ઠીંગણા રહે છે. જોકે આ છોડને થોડું ખાતર વધુ આપવાથી તે વૃદ્ધિ બતાવી શકે છે. આ ખાતર સંપૂર્ણપણે વપરાતાં રોગિષ્ઠ છોડ નબળો પડે છે. આમ, આ છોડની વૃદ્ધિ હંગામી સ્વરૂપની હોય છે. આવા ઠીંગણા રોગિષ્ઠ છોડ શરૂઆતમાં ખેતરમાં છૂટાછવાયા પરંતુ ક્રમશ: તેનો વિસ્તાર થતો જોવા મળે છે. આખું ખેતર આ રોગથી અસરગ્રસ્ત થઈ જાય છે. રોગનું પ્રમાણ તીવ્ર થતાં પાન ધારેથી સુકાવા માંડે છે. સામાન્ય રીતે આ છોડ પર કૃમિ પોતાનું જીવનચક્ર પુરું કરતા હોય છે. તેથી છોડ નબળો છતાં જીવંત રહે છે.

તંદુરસ્ત છોડની સરખામણીમાં રોગગ્રસ્ત છોડ વહેલાં લબડી ગયેલા અથવા ચીમળાતા જોવા મળે છે. સામાન્ય રીતે તંદુરસ્ત છોડ પણ બપોરની ગરમીમાં લબડી ગયેલા દેખાય છે. પરંતુ કૃમિની અસરવાળા છોડ તો વહેલી સવારથી જ લબડી ગયેલા દેખાય છે. આવા રોગવાળા છોડને ઉપાડવાથી તેનાં મૂળ પર ગાંઠો થયેલી જોઈ શકાય છે.

આ રોગના નિયંત્રણ માટે ખેતરમાંથી પાક કાપી લીધા બાદ તુરત જ તેની ખેડ કરવી જોઈએ. ત્યારબાદ ઉનાળામાં ટ્રૅક્ટરથી તેની ઊંડી ખેડ કરવી જોઈએ. વળી પંદર દિવસના અંતરે બેથી ત્રણ વખત કરબથી જમીનમાં ખેડ કરવાથી સૂર્યની ગરમીથી કૃમિનો નાશ થતાં જમીનમાં તેમની સંખ્યા ઘટે છે. આ ઉપરાંત કૃમિનો ઉપદ્રવ ઓછો કરવા સેન્દ્રિય ખાતરોનું પ્રમાણ વધારવું જોઈએ અથવા તો જુદી જુદી જાતના ખોળનો ઉપયોગ કરવો જોઈએ. વળી મગફળીની જગ્યાએ જે તે વિસ્તાર મુજબ બાજરી, મકાઈ જેવા બિનયજમાન ધાન્ય પાકોની વાવણી કરવી જોઈએ. વળી કૃમિ-પ્રતિકારક જાતોની વાવણી થાય એ ઇચ્છનીય છે. જમીનમાં કૃમિનાશક દવાનો છંટકાવ કરવાથી આ રોગના ફેલાવાને અટકાવી શકાય છે.

મગફળીની જીવાત : મગફળીના ઓછા ઉત્પાદનનાં જવાબદાર પરિબળો પૈકી પાકમાં નુકસાન કરતી જીવાતો અગત્યનો ભાગ ભજવે છે. મગફળીના પાકમાં 90 કરતાં પણ વધારે જીવાતો નુકસાન કરતી નોંધાયેલ છે. આર્થિક રીતે નુકસાન કરતી જીવાતોમાં મોલો, તડતડિયાં, સફેદ માખી, થ્રિપ્સ, ધૈણ, ઊધઈ, કાતરા, લીલી ઇયળ, તમાકુનાં પાન ખાનાર ઇયળ (પ્રોડેનિયા), પાનકોરિયું અને ચૂસિયાનો સમાવેશ થાય છે.

મોલો, તડતડિયાં (લીલી પોપટી), સફેદ માખી અને થ્રિપ્સ જેવી જીવાતોનો ઉપદ્રવ ખાસ કરીને પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. પાકના વાવેતરથી લગભગ 21 (અઢી) માસ સુધી ધૈણ  મૂળ કાપીને અને કાતરા પાન ખાઈને નુકસાન કરે છે. પાન ખાનારી ઇયળ અને લીલી ઇયળનો ઉપદ્રવ ખાસ કરીને ઑગસ્ટ, સપ્ટેમ્બર દરમિયાન જોવા મળે છે. પાકનાં વૃદ્ધિકાળ દરમિયાન પાનકોરિયાની ઇયળ કુમળાં પાન કોરે છે અને આજુબાજુનાં પાન વાળીને બોગદું બનાવી નુકસાન કરે છે. બદામી કે કાળા રંગનાં ચૂસિયાં કાચી મગફળીમાંથી રસ ચૂસીને તેમજ ખળામાં અને સંગ્રહ દરમિયાન નુકસાન કરે છે. છેલ્લાં થોડાં વર્ષોથી મગફળીનાં ભોટવાં સંગ્રહ દરમિયાન ખૂબ જ નુકસાન કરે છે એવું નોંધાયું છે.

પ્રકાશભાઈ સામજીભાઈ ભરોડિયા

બળદેવભાઈ પટેલ

પરબતભાઈ ખી. બોરડ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

શિલીન નં. શુક્લ

શિવાની શિ. શુક્લ

ધીરુભાઈ મનજીભાઈ કોરાટ