મગર : પાણીમાં અથવા પાણીની પાસે રહેતું સરીસૃપ વર્ગનું પ્રાણી. મગરનો સમાવેશ ક્રોકોડીલિયા શ્રેણીના ક્રોકોડિલિડે કુળમાં કરવામાં આવ્યો છે. ભારતમાં સામાન્યપણે મળતા મગરનું શાસ્ત્રીય નામ Crocodylus pallustris છે. તે ડાયનોસૉરના સમયનું પ્રાણી હોવા છતાં આ લાંબી ઉત્ક્રાંતિ દરમિયાન તેનાં લક્ષણોમાં થોડાક જ ફેરફાર જોવા મળે છે. તે સામાન્યત: ઉષ્ણ પ્રદેશો જેવા કે દક્ષિણ એશિયા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, મધ્ય અમેરિકા અને ભારતનાં નદી, સરોવર અને દરિયાકાંઠે જોવા મળે છે. દિવસ દરમિયાન મગર પાણીની બહાર જમીન પર, પરંતુ મધ્યાહ્ન સમયે પાણીની આસપાસ ઠંડકવાળી જગામાં આશ્રય લેતો હોય છે. જ્યારે રાત્રિ દરમિયાન તે પાણીમાં રહેતો હોય છે.

મગરનું શરીર આશરે 3–5 મીટર લાંબું હોય છે. શરીરની સપાટી   પર શૃંગી અધિચ્છદીય શલ્કયુક્ત કઠણ બાહ્ય કંકાલનું આવરણ હોય છે.  આ શલ્કો પટ્ટીઓના બનેલા હોય છે અને તેઓ ત્વચા પર આડી રેખાઓમાં ગોઠવાયેલા હોય છે. મગરના પૃષ્ઠભાગનો રંગ ઘેરો, જેતૂનહરિત (olive green), કાળાં ટપકાં કે પટ્ટીવાળો હોય છે. શીર્ષપ્રદેશમાં અગ્ર છેડો મુખ આગળથી સાંકડો અને મજબૂત હોય છે. જડબાં લાંબાં, શક્તિશાળી હોય છે, જેથી તેની પકડ ઘણી મજબૂત રહે. બંને જડબાંની કિનારી પર અણીદાર, વિવિધ પ્રકારના દાંતની પંક્તિ આવેલી હોય છે. પહેલો દાંત ગર્ત(socket)માં બંધ બેસે છે, જ્યારે પાંચમો અધોહનુ દાંત ઉપલા જડબાની બાહ્ય બાજુએ આવેલ ખાંચમાં ગોઠવાયેલો હોય છે, જેથી લીસા કે ચીકણી સપાટી ધરાવતા ભક્ષ્ય પણ તેની પકડથી છટકી શકતા નથી. મગરના દાંત હમેશાં પડી જતા હોય છે, પણ તેના સ્થાને નવા દાંત આવે છે. (દંતસૂત્ર : 16–19/ 14–15). જીભનો ઉપયોગ ખોરાક ગળવા પૂરતો મર્યાદિત હોય છે. ઉપાંગોની બંને જોડ શરીરના પ્રમાણમાં નાની હોય છે અને નહોરયુક્ત આંગળીઓ ધરાવે છે. અગ્ર ઉપાંગોમાં પાંચ આંગળી, જ્યારે પશ્ચ ઉપાંગોમાં ચાર આંગળી હોય છે. આંગળીઓની વચ્ચે ચામડીની જાળ આવેલી હોય છે, જે મગરને તરવામાં મદદરૂપ બને છે. પૂંછડી લાંબી, મજબૂત, વજનદાર અને ચપટી હોય છે. તેનો ઉપયોગ શત્રુને ફટકારવા અને ભક્ષ્ય મેળવવામાં થાય છે.

બાહ્ય કંકાલનું મગર

મગરના મુખના આગલા છેડેથી બે આંખો ઊપસી આવેલી જોવા મળે છે. તે જ પ્રમાણે શ્વસનછિદ્રોની જોડ પણ ત્વચાની સપાટી કરતાં પણ ઊંચે આવેલી હોય છે. મગર જ્યારે પાણીમાં તરે ત્યારે તે મુખનો આગલો ભાગ પાણીની બહાર કાઢે છે. તેથી પાણીમાં રહેવા છતાં મગરને જોવાની કે શ્વાસ લેવાની જરાય પણ તકલીફ પડતી નથી. તેનું કંઠછિદ્ર (pharyngeal opening) વાલ્વયુક્ત હોય છે. તરતી વખતે વાલ્વને લીધે કંઠછિદ્ર બંધ રહે છે, જેથી પાણી અન્નમાર્ગમાં પ્રવેશતું નથી. મગરને બાહ્ય કર્ણ હોતા નથી, જ્યારે કર્ણછિદ્ર ચામડીની સપાટીએ ખૂલે છે. કર્ણછિદ્રો ચામડીના આવરણ વડે ઢંકાયેલાં હોય છે. આ આવરણો જળાશયના પાણીને છિદ્રમાંથી અંત:કર્ણમાં પ્રવેશવાથી અવરોધે છે. સરીસૃપ હોવા છતાં મગરનું હૃદય ચતુષ્ખંડી હોય છે.

મગરનો ખોરાક મુખ્યત્વે માછલી, પક્ષીઓ અને નાના કાચબા જેવાં પ્રાણીઓનો બનેલો હોય છે. જળાશયની નજીક કાંઠે સહેજ અસાવધ હોય તેવા માનવ સહિત, ઘેટાં, વાછરડાં જેવાંને મજબૂત જડબાં વડે પકડી ઝડપથી પાણીની અંદર લઈ જાય છે અને ભક્ષ્યના કટકે કટકે માંસના ટુકડા કરી તેનું ભક્ષણ કરે છે.

મગર અંડપ્રસવી પ્રાણી છે અને તેની માદા ગ્રીષ્મઋતુને અંતે અને વર્ષાઋતુની શરૂઆતમાં ઈંડાં મૂકે છે. ઈંડાં મરઘીના જેવાં, પરંતુ સહેજ લાંબાં અને ઓછાં બરડ હોય છે. આ ઈંડાંને તે કચરા અને વનસ્પતિના બનાવેલા માળામાં મૂકે છે. ત્યારબાદ માળાને માટીમાં દાટે છે. બચ્ચાં જન્મે ત્યાં સુધી માતા માળા પર નજર રાખે છે. તાજાં જન્મેલાં બચ્ચાંનો અવાજ સંભળાય ત્યારે તરત જ માળામાંથી બચ્ચાને બહાર કાઢે છે. કેટલીક માદા પોતાનાં બચ્ચાને મોં વાટે અન્ય જગ્યાએ લઈ જાય છે. જો બીકને લીધે બચ્ચાં બૂમ પાડે તો આસપાસમાં આવેલા બધા મગર બચ્ચાંની મદદે દોડી જાય છે.

કદના આધારે મગરને મોટા અને નાના એમ બે વિભાગમાં વહેંચવામાં આવે છે :

(ક) મોટા મગરની જાતો : (1) સૉલ્ટ વૉટર (salt-water crocodile – C. porosus) – લંબાઈ 7 મીટર જેટલી, ખુલ્લા દરિયામાં તરી શકે છે. વતન : દક્ષિણ ભારત, સુન્ડા, ફિલિપાઇન્સ, મોલુક્કાસ, ન્યૂ જીનીઆ, ઉત્તર ઑસ્ટ્રેલિયા. લાંબા અંતર સુધી ખુલ્લા દરિયામાં તરી શકે છે. ઉદા. ભારતીય મહાસાગરમાં આ મગર 1,100 કિલોમીટર સુધી તરતો જણાય છે.

(2) નાઇલ – (C. niloticus) લંબાઈ 7 મીટર, આફ્રિકા અને મૅડાગાસ્કરનો વતની.

(3) ઓરીનોકો (C. intermediate) – લંબાઈ 7.2 મીટર, ઓરીનોકો અને ઍમેઝોન નદીમાં તે જોવા મળે છે.

(4) અમેરિકન – (C. acutus) – લંબાઈ 7.2 મીટર. દક્ષિણ ફ્લૉરિડા, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકા અને ઍન્ટિલિસમાં વસે છે. તે ભારતીય મગર સાથે સાર્દશ્ય ધરાવે છે.

(5) ઘડિયાલ (anarial) : ભારતની ગંગા નદીમાં દેખાતા આ મગરની લંબાઈ સામાન્યપણે 6.5 મીટર જેટલી હોય છે. કેટલાક ઘડિયાલની લંબાઈ 8 મીટર પણ નોંધાયેલી છે. ઘડિયાલનું મુખ સાંકડું જ્યારે ઘણું લાંબું હોવા ઉપરાંત તેનો છેડો આકારે કંદ (bulb) જેવો હોય છે.

(ખ) નાના મગરની જાતો : (1) મોરેલેટસ (C. moreletii) – લંબાઈ 2.5 મીટર જેટલી. અમેરિકાનો વતની.

(2) મગર (Mugger C. palaustris) – લંબાઈ 5 મીટર. ભારત અને શ્રીલંકામાં વસે છે. તે નાઇલ મગરને મળતો આવે છે.

(3) ઑસ્ટ્રેલિયન (Australian crocodile – C. johnsoni) – લંબાઈ 3 મીટર. – મોઢું લાંબું અને સાંકડું.

(4) ન્યૂ ગિનિયન (New Guinean crocodile – C. novaeguineae). લંબાઈ 3 મીટર જેટલી – મોઢું લાંબું.

નયન કે. જૈન