મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો ચહેરો પશ્ચિમ તરફ અર્થાત્ મક્કામાં આવેલા કાબા શરીફના સ્થાન તરફ રાખે છે.
મુસલમાનો આ શહેર અને કાબા શરીફને અત્યંત પવિત્ર ગણે છે. માત્ર મુસલમાનો જ અહીં પ્રવેશને પાત્ર ગણાય છે. ઇસ્લામ ધર્મ કહે છે કે દરેક મુસ્લિમે (જો તેની આર્થિક સ્થિતિ સારી હોય તો) જિંદગીમાં એક વાર તો મક્કાની હજ (યાત્રા) કરવી જ જોઈએ, જે તેની ફરજ બની રહે છે. હજ કરનારને હાજી કહેવાય છે.
શહેર : મક્કા શહેરની મધ્યમાં મુસ્લિમો માટે ઇબાદત કરવાના કેન્દ્રરૂપે કાબા શરીફ આવેલું છે. તેની ચારે તરફનો ભાગ (હરમ શરીફ) શ્રેણીબદ્ધ સ્તંભો સહિત કમાનોથી બાંધેલો છે. મધ્યસ્થ કાબા શરીફ અને કમાનાકાર બાંધકામની વચ્ચે 240 મીટર લાંબું અને 180 મીટર પહોળું અતિવિશાળ પ્રાંગણ છે. પ્રાંગણની મધ્યમાં કાબા શરીફ નામથી જાણીતી બનેલી ઘન-આકારની પથ્થરની ઇમારત આવેલી છે. તેમાં કાળો પથ્થર (સંગે અસવદ) છે. મુસ્લિમો તેને જન્નતમાંથી આવેલો હોવાનું માને છે.
1950–1960ના દાયકામાં મક્કામાં સાઉદી સરકારે યાત્રીઓ માટે સુવિધાભરી આધુનિક હોટેલો બાંધવાનું અને શહેરના આધુનિકીકરણનું આયોજન કરેલું. તે મુજબ પૂરતી રોશનીવાળા સારા માર્ગો બનાવ્યા અને યાત્રીઓની સલામતી તેમજ સ્વાસ્થ્યસંભાળની કાળજી રાખવાનું આયોજન થયું. જૂનાં રહેઠાણોને સ્થાને આધુનિક ઇમારતો બાંધવામાં આવી. આજુબાજુ નવાં પરાં પણ વિકસ્યાં. ઘણા અમીર નિવાસીઓ તે પછી ત્યાં રહેવા ગયા છે. મક્કામાં સાઉદી અરેબિયાના શાહી મહેલો પૈકીનો એક મહેલ પણ આવેલો છે. વળી ત્યાં ઉચ્ચ શિક્ષણની સંસ્થા પણ છે.
લોકો : મક્કાનું અર્થતંત્ર મોટેભાગે યાત્રીઓ તરફથી મળી રહેતાં નાણાં પર નિર્ભર છે. હજયાત્રીઓએ મુસ્લિમ વર્ષના છેલ્લા (જિલહજ) માસના આઠમા અને તેરમા દિવસની વચ્ચે જ હજ કરવાની હોય છે. ગણતરીના આ દિવસો દરમિયાન જ આ હજ કરવી પડતી હોઈને મક્કામાં ત્યારે સરેરાશ બધા મળીને અંદાજે 12.5 લાખ જેટલા યાત્રિકોની અવરજવર રહે છે. આ પૈકીની અડધા ઉપરાંતની સંખ્યા પરદેશોમાંથી આવે છે. આ વાર્ષિક હજયાત્રા દરમિયાન ભેગાં થતાં નાણાંમાંથી ઘણી મોટી રકમ આ શહેરને મળે છે. સરકાર તેમાંથી યાત્રીઓની સલામતી, સંભાળ, સુવિધાઓ તેમજ અન્ય સેવાઓ પાછળ નાણાં ખર્ચે છે. ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાંથી પણ ઘણા મુસ્લિમો હજ કરવા જાય છે અને હજનો લહાવો લઈ પોતે હાજી બન્યાની ધન્યતા અને પોતાની ફરજ પૂરી કર્યાનો સંતોષ અનુભવે છે.
ઇતિહાસ : ઈ. સ. 400ના અરસામાં મક્કા એક વેપારી મથક બન્યું. ત્યારે ત્યાંની લોકવસ્તી અનેક દેવોને પૂજતી હતી. તે બધા દેવોની મૂર્તિઓ કાબા ખાતે આવેલી હતી. હજરત મુહમ્મદ પયગંબર (સ. અ.) 570ની સાલમાં અહીં જન્મેલા. મુહમ્મદ પયગંબર મોટા થયા પછી લોકોને ધાર્મિક ઉપદેશ આપતા, તેનો ત્યાંના તત્કાલીન લોકો વિરોધ કરતા હતા અને તેમને જાકારો આપતા હતા. તેથી હજરત મુહમ્મદ પયગંબર (સ. અ.) અને તેમના સહાબીઓ (અનુયાયીઓ)એ ઈ.સ. 622માં આ શહેરમાંથી હિજરત કરી. તે પછીનાં આઠ વર્ષ બાદ હજરત મુહમ્મદ પયગંબર અને તેમના ઘણા સહાબીઓએ પાછા આવીને મક્કાનો કબજો લઈ લીધો. કાબા શરીફ અને તેની આસપાસની ઇમારત પરની બધી મૂર્તિઓને નષ્ટ કરી દીધી. ત્યારથી મક્કા પ્રથમ આરબ-ઇસ્લામિક સામ્રાજ્યનું મધ્યવર્તી ધાર્મિક કેન્દ્ર બની રહ્યું છે. સાતમી સદીના મધ્ય ભાગ દરમિયાન એશિયાના જુદા જુદા ભાગોમાંથી મુસ્લિમો એક પછી એક પ્રદેશો જીતતા ગયેલા, ત્યારપછીથી આ શહેરનું રાજકીય મહત્વ ઘટતું ગયું, પણ ધાર્મિક મહત્વ વધતું ગયું.
પછીનાં વરસોમાં મક્કા સ્વતંત્ર રહ્યું હોવા છતાં તેણે દમાસ્કસની સત્તા તથા ઇરાકના બગદાદના અબ્બાસી વંશના ખલીફાની સાર્વભૌમ સત્તા માન્ય રાખી હતી. ઈ. સ. 1269માં ઇજિપ્તના મામલુક સુલતાનોના અંકુશ હેઠળ મક્કા ગયું. ઈ. સ. 1517માં મક્કા પર કૉન્સ્ટન્ટિનોપલ(ઇસ્તંબુલ)ના ઑટોમન તુર્કોનું પ્રભુત્વ સ્થપાયું હતું. મક્કા શહેરના સ્થાનિક શાસકો મુહમ્મદના વંશજો અથવા શરીફોમાંથી પસંદ કરવામાં આવતા હતા. તેઓ આસપાસના પ્રદેશો પર મજબૂત અંકુશ ધરાવતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ તુર્કી સત્તાનું પતન થવા સાથે મક્કા પર સત્તા માટે શરીફો અને મધ્ય એશિયાના વહાબીઓ વચ્ચે વિવાદ થયો. ઈ. સ. 1925માં રાજા ઇબ્ન સાઉદે મક્કામાં વિજયપ્રવેશ કર્યો અને તે સાઉદી અરેબિયાનો એક ભાગ બની ગયું. 1932માં આ સમગ્ર વિસ્તારને ‘સાઉદી અરેબિયા’ નામ આપવામાં આવ્યું. અલ સાઉદે નીતિ અને કાયદાઓનો કડક અમલ કર્યો તથા હજયાત્રીઓની સગવડો સુધારી. બીજા વિશ્વવિગ્રહ બાદ મક્કાનો નોંધપાત્ર આર્થિક વિકાસ થયો છે. 1950ના દાયકાથી શરૂ કરીને મક્કાનું આધુનિકીકરણ થતું ગયું છે, શહેરને નવું સ્વરૂપ મળ્યું છે. 1970 અને 1980ના બે દાયકાઓ દરમિયાન મક્કામાં ગ્રામીણ પ્રજાએ પણ આવીને વસવાનું શરૂ કરેલું હોવાથી શહેરની વસ્તીમાં ઘણો વધારો થયેલો છે. 1986ની ગણતરી મુજબ મક્કાની વસ્તી 6,18,000 જેટલી છે.
હજરતે અસવદ : મક્કામાં આવેલો મુસ્લિમોનો કાળા રંગનો પવિત્ર પાષાણ. અરબી નામ : અલ-હઝર-અલ-અસવદ. મક્કા ખાતે આવેલી વિશાળ મસ્જિદમાં મધ્યસ્થ સ્થાનક રૂપે કાબાની પૂર્વ દીવાલમાં તે જડેલો છે. સંભવત: તે આરબોના પૂર્વ-ઇસ્લામ ધર્મની તવારીખનો ખ્યાલ આપે છે. 930માં કરમાટિન પંથના કોઈ ધર્માંધ ઝનૂની માણસે તે પાષાણ લઈ લીધેલો અને તે પછીનાં 20 વર્ષ સુધી તે રાખી મૂકેલો.
ગિરીશભાઈ પંડ્યા
રફીક લાલીવાલા
અબ્દુલરહીમ મોમિન
મહેબૂબ દેસાઈ