મકાર્ટની, પૉલ (સર)

January, 2002

મકાર્ટની, પૉલ (સર) (જ. 1942, લિવરપૂલ, નૉર્થવેસ્ટ ઇંગ્લૅન્ડ) : નામી સંગીતકાર, ગીતલેખક તથા સંગીતનિયોજક (composer). બીટલ્સ વૃંદમાં તેઓ મંદ્ર સૂરના ગિટારવાદક, ગાયક તથા ગીતકાર હતા. ‘મકાર્ટની’ (1970) નામના આલબમથી તેમણે એકલ-ગાયક (soloist) તરીકે પ્રારંભ કર્યો અને એ વૃંદના વિભાજનની જાણે આગાહી કરી.

1971માં તેમણે પોતાનાં પત્ની લિન્ડા(જ. 1942)ના સહયોગથી ‘વિંગ્ઝ’ નામે બૅન્ડની સ્થાપના કરી (1981માં તેનું વિસર્જન કર્યું). ‘મલ ઑવ્ કિંટીર’ની એકલા યુ.કે.માં જ 25 લાખ રેકૉર્ડ વેચાઈ અને એ રીતે તે શ્રેષ્ઠ વેચાણપાત્ર રેકૉર્ડ બની રહી. 1979માં તેઓ સર્વકાલીન શ્રેષ્ઠ સંગીતરચનાકાર તરીકે જાહેર થયા. 1978 સુધીમાં તેમણે 43 ગીતોનું લેખન કે સહ-લેખન કર્યું હતું અને તે પ્રત્યેકની 10 લાખ રેકૉર્ડ વેચાઈ હતી.

તે પછીનાં આલબમમાં ‘બૅન્ડ ઑવ્ ધ રન’ (1973), ‘વિંગ્ઝ ઓવર અમેરિકા’ (1977), ‘ગિવ માઇ રિગાર્ડ્ઝ ટુ બ્રૉડ સ્ટ્રીટ’ (1984), ‘ટ્રિપિંગ ધ લાઇવ ફૅન્ટૅસ્ટિક’ (1990) અને ‘ફ્લેમિંગ પાઇ’(1997)નો સમાવેશ થાય છે; તેમના સંગીતને જર્મનીમાંથી અનેક ઍવૉર્ડ મળ્યા. સ્ટીવ વન્ડર સાથે તૈયાર કરેલ ‘ઍબની ઍન્ડ આઇવરી’ 1982ના વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી સફળ નીવડ્યું હતું. તેમણે વિશ્વભરમાં સંગીત કાર્યક્રમો આપ્યા છે અને નાણાં ખર્ચીને આવેલા સૌથી વિશાળ પ્રેક્ષકવૃંદ (largest paid attendance) સમક્ષ ગાયનવાદનનો કાર્યક્રમ આપવા બદલ તે ‘ગિનીઝ બુક ઑવ્ વર્લ્ડ રેકૉર્ડ્ઝ’માં સ્થાન પામ્યા છે. આ પ્રસંગ 1990માં રિયો દ જાનેરો ખાતે બનેલો. ‘વી ઑલ સ્ટૅન્ડ ટુગેધર’ (1984) નામક ગીત ધરાવતી ફિલ્મ તથા વિડિયોનું લેખન તથા નિર્માણ તેમણે સંભાળ્યું હતું. આ રચનાએ નાતાલના લોકપ્રિય ગીત તરીકે કાયમી સ્થાન મેળવ્યું છે. તેમની ‘લિવરપૂલ ઑરેટૉરિયો’ નામક (કાર્લ ડેવિસના સહયોગથી લખેલી) રચના, રૉયલ લિવરપૂલ ફિલ્હામૉર્નિક ઑરકેસ્ટ્રા દ્વારા 1991માં પ્રસ્તુત થઈ હતી અને ત્યારથી તેમણે શાસ્ત્રીય સંગીતના નિયોજક તરીકે વિશેષ રસ લેવા માંડ્યો. 1995માં તેમણે હૅરિસન તથા સ્ટારના સહયોગથી ‘રિટ્રૉસ્પેક્ટિવ બીટલ્સ ઍન્થૉલોજી’ પ્રગટ કરી.

તેમણે ‘ઑલ યૂ નીડ ઇઝ લવ’ (1968) તથા ‘પૉલ મકાર્ટની ઇન હિઝ ઓન વર્ડ્ઝ’ (1976) નામનાં પુસ્તકો લખ્યાં છે. ‘રૂપર્ટ ઍન્ડ ધ ફ્રૉગ સાગ’ (1984) નામક ‘ઍનિમેટેડ ફિલ્મ’માં લેખન, નિર્માણ તથા સંગીત–નિયોજનની ત્રિવિધ જવાબદારી તેમણે પાર પાડી હતી. આ ફિલ્મને 1984માં ‘બ્રિટિશ એકૅડેમી ઑવ્ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ’ તરફથી ઍવૉર્ડ મળ્યો હતો. 1997માં તેમને ‘સર’નો ખિતાબ અપાયો હતો.

મહેશ ચોકસી