મકારિયોસ, આર્ચબિશપ

January, 2002

મકારિયોસ, આર્ચબિશપ (જ. 13 ઑગસ્ટ 1913, પાનો પાન સિરિઆ, પાફોસ, સાયપ્રસ; અ. 3 ઑગસ્ટ 1977, નિકોસિયા) : સાયપ્રસના પ્રમુખ, રાજકારણી અને ગ્રીક આર્ચબિશપ (1950થી ’77). મૂળ નામ મિખાઇલ ક્રિસ્ટોડોઉ માઉસકોસ.

ગરીબ ભરવાડના આ પુત્રે સાયપ્રસ ખાતેની યુનિવર્સિટી ઑવ્ ઍથેન્સમાં અને ત્યારબાદ બૉસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ થિયૉલૉજીમાં અભ્યાસ કર્યો. તેઓ 1946માં પાદરી, 1948માં બિશપ અને 1950માં આર્ચબિશપ બન્યા. 1956માં તેઓ સાયપ્રસ ઑર્થોડૉક્સ ચર્ચના વડા નિમાયા. આ જ વર્ષે નૅશનલ ઑર્ગેનિઝેશન ઑવ્ સાયપ્રિયૉટ ફાઇટર્સ(ટૂંકમાં EOKA તરીકે જાણીતા બનેલા સંગઠન)ના નેતા પણ બન્યા. આ ભૂગર્ભ સંગઠન 1955માં રચાયેલું હતું.

આર્ચબિશપ મકારિયોસ

1955થી ’59નાં ચાર વર્ષ તેમણે આ સંગઠન દ્વારા ગેરીલા યુદ્ધ ચાલુ રાખી, યુદ્ધની દોરવણી આપેલી. ગ્રીસ સાથે સાયપ્રસ જોડાય અને બંનેનું સંઘરાજ્ય બને એ માટે લશ્કરી પગલાં લેવાના પ્રયાસોને તેમણે ટેકો આપ્યો; એથી બ્રિટને તેમને 1956માં દેશનિકાલ કર્યા. 1959માં તેમણે આ સંઘરાજ્યની માંગણી પડતી મૂકી અને સરકાર સાથે સમાધાન કર્યું અને સાયપ્રસ પાછા ફર્યા. સાયપ્રસને સ્વતંત્રતા મળી અને તેઓ કામચલાઉ પ્રધાનમંડળમાં મંત્રી બન્યા. 13 ડિસેમ્બર 1959માં તેઓ નવા સાયપ્રસ પ્રજાસત્તાકના પ્રમુખ ચૂંટાયા. 1963માં પ્રમુખપદેથી તેમણે સાયપ્રસના બંધારણમાં સુધારા સૂચવ્યા. આથી સરકારમાંના તુર્કી સભ્યો તેમાંથી બહાર ચાલ્યા ગયા અને સાયપ્રસમાં કોમી હુલ્લડો શરૂ થયાં. તેમનું સમગ્ર વહીવટી તંત્ર આ તણાવભરી સ્થિતિ દૂર કરવાના કામમાં રોકાયું. સામાન્ય રીતે સાયપ્રસનાં હિતોના પુરસ્કર્તા આ નેતાએ બંને કોમોના ઐક્ય માટે કામ કર્યું. ડિસેમ્બર 1967માં તુર્કી-સાયપ્રસ કામચલાઉ સરકાર સ્થાપવામાં આવી અને તુર્કી લઘુમતીનાં હિતોની કાળજી લેવામાં આવી. આવી કોમી પરિસ્થિતિમાં તેઓ ફેબ્રુઆરી 1968માં બીજી વાર સાયપ્રસના પ્રમુખ ચૂંટાયા. પરંતુ સ્થાનિક સ્વાયત્તતા બાબતે બંને કોમો વચ્ચે પરિસ્થિતિ યથાવત્ રહી.

1972-73માં સાયપ્રસના અન્ય બિશપોએ તેમને રાજીનામું આપવા જણાવ્યું. 1974માં તેમની વિરુદ્ધ લશ્કરી બળવો થયો, તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા અને તેઓ માલ્ટા થઈને લંડન જતા રહ્યા. તુર્કીએ સાયપ્રસ પર આક્રમણ કર્યું અને ઉત્તર વિસ્તારમાં તુર્કી–સાયપ્રસના નવા રાજ્યની ઘોષણા કરી. તેમણે આ ટાપુના ભાગલા પાડવાના પગલાનો પ્રતિકાર કર્યો અને ડિસેમ્બરમાં સાયપ્રસ પાછા ફર્યા. સૈન્યનો બળવો અલ્પજીવી નીવડ્યો. તે પછી તેઓ ત્રીજી વાર 1974માં પ્રમુખપદે ચૂંટાયા, અને મૃત્યુ પર્યંત આ હોદ્દા પર રહ્યા. તેમના અવસાન બાદ આર્ચબિશપ અને રાજ્યના વડા-પ્રમુખના હોદ્દાને અલગ પાડવામાં આવ્યા.

રક્ષા મ. વ્યાસ