મકરસંક્રાન્તિ : સૂર્યની ગતિ પર આધારિત તહેવાર. સૂર્ય જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ મકરરાશિમાં પ્રવેશે ત્યારે એટલે કે 14મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાન્તિનો ઉત્સવ ઊજવાય છે. અલબત્ત, આકાશમાં સૂર્ય 6 માસ દક્ષિણાયન એટલે દક્ષિણ દિશા તરફ જતો દેખાય છે, એ પછી 22મી ડિસેમ્બરના રોજ તે ઉત્તરાયન એટલે ઉત્તર દિશા તરફ ગતિ કરતો દેખાય છે. સૂર્યનું 22મી ડિસેમ્બરથી ઉત્તર દિશા તરફ જવું તેને ‘ઉત્તરાયન’ કહે છે. ગુજરાતીમાં ‘ઉત્તરાયન’નું ‘ઉતરાણ’ એવું રૂપ થયું છે અને પતંગ ચગાવવાના તહેવાર તરીકે તેને સામાન્ય રીતે લોકો ઓળખે છે. વસ્તુત: સૂર્યનું ઉત્તરાયન તો 22મી ડિસેમ્બરથી થાય છે; જ્યારે 14મી જાન્યુઆરીએ, મકરસંક્રાંન્તિને દિવસે આનંદ વ્યક્ત કરવા માટે પતંગ ચગાવવામાં આવે છે. 14મી ડિસેમ્બરથી 14મી જાન્યુઆરી સુધી ધનરાશિમાં સૂર્ય હોય છે અને તે ગાળો કુમુહૂર્ત તરીકે ઓળખાય છે. એ જ્યાં સુધી મકરરાશિમાં ન પ્રવેશે ત્યાં સુધી અશુભ સમય ગણાતો હોવાથી તેમાં ઉત્સવ ન ઊજવાય એ સ્વાભાવિક છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકર-રાશિમાં પ્રવેશતાં મંગળ કાર્ય થઈ શકે તેવો સમય શરૂ થતો હોવાના ખ્યાલે પતંગ ચગાવીને આનંદ વ્યક્ત કરવામાં આવે છે.
હિંદુ ધર્મશાસ્ત્ર મુજબ મકરસંક્રાન્તિના દિવસે સ્નાન, પૂજા, દાન અને શ્રાદ્ધ – એ ચાર ધાર્મિક વિધિઓને આવશ્યક માનવામાં આવી છે. મકરસંક્રાન્તિના દિવસે સ્નાન કરવાથી આરોગ્ય અને ધનની પ્રાપ્તિ થાય છે. એ ન કરવાથી રોગ અને ગરીબી મળે છે. વળી શ્રાદ્ધનો નિયમ એવો છે કે મકરસંક્રાન્તિના દિવસે પિંડ મૂક્યા વિના શ્રાદ્ધ કરવામાં આવે છે. વળી દેવો અને પિતૃઓને માટે જે પદાર્થનું દાન કરવામાં આવે તે પદાર્થ સૂર્યદેવ પ્રત્યેક જન્મે હંમેશાં આપે છે. તે દિવસે તલનું દાન પણ ફળદાયી ગણાય છે; તેથી દેવો માટે સફેદ તલનું અને પિતૃઓ માટે કાળા તલનું દાન કરવામાં આવે છે. તલની ગાય બનાવીને તેનું દાન, તલના તેલના દીવાઓનું દાન, તલથી હોમ અને તલના તેલથી અભ્યંગસ્નાન, તથા તલની વાનગી કે એકલા તલનો આહાર; તલથી પિતૃઓનું તર્પણ, તલ અને ચોખા વડે શિવનું મંદિરમાં પૂજન – એ મકરસંક્રાન્તિ માટે ધર્મશાસ્ત્રમાં ગણાવવામાં આવેલી ફળદાયક વિધિઓ છે. મકરસંક્રાન્તિના પવિત્ર કાળમાં જો સ્નાન, પૂજન, દાન અને શ્રાદ્ધ કરવામાં આવે તો તે વધુ પુણ્યદાયક થાય છે. વળી તે દિવસે ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ જે ગૃહસ્થ સંતતિવાળો હોય તેણે ઉપવાસ કરવાનો હોતો નથી. મકરસંક્રાન્તિના દિવસે દિવસ અને રાતે (એક અહોરાત્ર) ઉપવાસ કરવામાં આવે છે. તેવી રીતે આગલા અને પાછલા મળીને ત્રણ દિવસો સુધી ઉપવાસ કરવાની ભલામણ પણ ધર્મશાસ્ત્રમાં કરવામાં આવી છે.
વળી મકરસંક્રાન્તિના દિવસે શિવની પૂજામાં શિવ પર ઘીનો અભિષેક કરવાથી મહાફળ મળે છે. શિવને ગાયના ઘીથી સ્નાન કરાવી આઠ માસા સુવર્ણ અથવા પંચરત્ન (સુવર્ણ, હીરો, નીલમ, માણેક અને મોતી) સમર્પણ કરવામાં આવે છે. સાથે સાથે ચામર, છડી વગેરેનું સમર્પણ કરી શકાય. શિવપૂજન પછી બ્રાહ્મણભોજન અને સંન્યાસીને ભોજન કરાવી દક્ષિણા આપી તલ સાથે પંચગવ્યનુ’ (ગાયની દૂધ, દહીં, ઘી વગેરે પાંચ ચીજોનું) પ્રાશન કરીને ઉપવાસી પારણાં કરે છે. વળી વસ્ત્રદાન કરવાથી અધિક પુણ્ય મળે છે.
મકરસંક્રાન્તિના દિવસે તલ સાથે બળદનું દાન કરવાથી રોગમાંથી મુક્ત થવાય છે. તે દિવસે સૂર્યને દૂધ વડે સ્નાન કરાવવાથી મનુષ્યને સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે. મકરસંક્રાન્તિની જેમ સૂર્યની મેષ, કર્ક અને તુલા રાશિઓમાં સંક્રાન્તિ થાય ત્યારે પણ આ જ રીતે ઉપવાસ કરવાની સાથે આગલા અને પાછલા દિવસ સાથે બાર પહોર સુધી શુભકાર્યો કરવામાં આવતાં નથી અને વિદ્યાર્થીઓ માટે અનધ્યાય રાખવામાં આવે છે.
ચીમનલાલ વલ્લભરામ રાવળ
પ્ર. ઉ. શાસ્ત્રી