મકરંદ (ઈ. સ.ની 15મી સદીના ઉત્તરાર્ધમાં હયાત) : ભારતીય જ્યોતિષશાસ્ત્રના લેખક. તેમણે લખેલા ગ્રંથનું નામ પણ તેમના નામ પરથી ‘મકરંદ’ રાખવામાં આવ્યું છે. તેઓ કાશીના વતની હતા. તેમનો સમય 15મી સદીના અંતભાગમાં અને 16મી સદીના આરંભમાં ગણવાનું કારણ એ છે કે તેમણે પોતાનો ગ્રંથ ઈ. સ. 1479માં રચ્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેઓ આકાશના ગ્રહો, નક્ષત્રો, તારાઓ વગેરેના જ્ઞાતા હતા અને જ્યોતિષશાસ્ત્રમાં પ્રત્યેક વર્ષનું પંચાંગ નક્કી કરવામાં કુશળ હતા. પોતાના ગ્રંથ ‘મકરંદ’માં તેમણે પંચાગ બનાવવાની પદ્ધતિ અને સારણી એટલે ગણતરીઓ આપી છે. કાશીમાં લખાયેલા તેમના આ ગ્રંથનું સર્વપ્રથમ પ્રકાશન પણ કાશીમાંથી જ થયું છે. આજે પણ કાશીમાં–ઉત્તર ભારતમાં તથા મધ્યપ્રદેશમાં તેમની પદ્ધતિ મુજબ પંચાંગો તૈયાર કરી વિદ્વાનો પ્રકાશિત કરે છે.

‘મકરંદ’ ગ્રંથનો મુખ્ય બીજરૂપ સિદ્ધાન્ત સૂર્યસિદ્ધાન્ત છે, જે આજે પણ સાચો જ છે. આના આધારે તિથિ, ઘડી, પળ વગેરેનું સૂક્ષ્મ ગણિત કરીને પંચાંગ તૈયાર કરવામાં આવ્યું છે. દિવાકર નામના વિદ્વાને આ ગ્રંથ પર ‘મકરંદ વિવરણ’ નામની ટીકા 1619માં સંસ્કૃત ભાષામાં લખી છે; જ્યારે 1667માં ગોકુલનાથ દૈવજ્ઞ નામના વિદ્વાને ‘મકરંદ’ ગ્રંથમાંની સારણીઓની  ઉપપત્તિઓ (એટલે સ્પષ્ટીકરણો) લખી છે. કાશીમાં આ ગ્રંથ લખાયો હોવાથી પ્રસ્તુત ગ્રંથમાં  લેખકે આપેલી તિથિ વગેરેની ગણતરી કાશીના અક્ષાંશ અને રેખાંશ પ્રમાણેની છે. ભારતનાં અન્ય સ્થળો માટે તેમાં અક્ષાંશ-રેખાંશ પ્રમાણે થોડો ફેરફાર કરવાથી ચોક્કસ ઇષ્ટ ઘડી મળે છે. આ ગ્રંથ પંચાંગ માટેનું હાથવગું સાધન છે. આધુનિક યુગમાં હવે આ કાર્ય કમ્પ્યૂટર વડે કરવામાં આવે છે.

બટુક દલીચા