મકરવૃત્ત (Tropic of Capricorn) : પૃથ્વીના ગોળા પરનું 23° 30´ દક્ષિણે આવેલું અક્ષાંશવૃત્ત. અક્ષાંશ એ કોણીય અંતર છે એટલે મકરવૃત્ત એ વિષુવવૃત્તીય તલસપાટીના સંદર્ભમાં પૃથ્વીના કેન્દ્રબિંદુથી દક્ષિણ ગોળાર્ધ તરફનું 23° 30´ કોણીય અંતર ગણાય. મકરવૃત્ત પૃથ્વી પર ઉષ્ણકટિબંધની દક્ષિણ સીમાને દર્શાવતી કાલ્પનિક રેખા છે. સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા દરમિયાન પૃથ્વી પોતાની ધરીને કક્ષાની સપાટી સાથે 23° 30´ને ખૂણે નમેલી રાખીને ફરે છે. આ સ્થિતિમાં તે જ્યારે વધુમાં વધુ દક્ષિણે આવે છે ત્યારે સૂર્યનાં સીધાં કિરણો આ રેખા પર પડે છે. સૂર્ય દક્ષિણ તરફ વધુમાં વધુ આ રેખા સુધી જ માથે આવી શકે છે. દર વર્ષે પૃથ્વી પર બાવીસમી ડિસેમ્બરે આ સ્થિતિ સર્જાય છે. આથી વધારે દક્ષિણમાં સૂર્યનાં સીધાં કિરણો પડી શકતાં નથી. સૂર્ય આ દિવસે મકરવૃત્ત પર 90° પર લંબસ્થિતિમાં, અને ઉત્તર ધ્રુવવૃત્તથી ક્ષિતિજ પર દેખાય છે.

પૃથ્વીની તલસપાટી પર મકરવૃત્ત અને અન્ય વૃત્તો

આ વખતે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળાની અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળાની ઋતુ હોય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશતો હોવાથી તેને મકરસંક્રાંતિ પણ કહે છે, તેથી જ આ અક્ષાંશવૃત્તને મકરવૃત્ત નામ અપાયેલું છે. મકર રાશિનું નામ મગર(પાશ્ચાત્ય પરંપરા પ્રમાણે બકરાનાં શિંગડાં) જેવો આકાર રચતા તારાઓના સમૂહ પરથી પડેલું છે. બાવીસમી ડિસેમ્બર એ ઉત્તર ગોળાર્ધમાં ટૂંકામાં ટૂંકો અને દક્ષિણ ગોળાર્ધમાં લાંબામાં લાંબો દિવસ હોય છે. આ દિવસ પછીથી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતો જણાય છે, તેથી ઉત્તરાયણની શરૂઆત થઈ ગણાય છે, ઉત્તર ગોળાર્ધ માટે તે પછીથી દિવસની લંબાઈ વધતી જાય છે અને દક્ષિણ ગોળાર્ધ માટે તે ઘટતી જાય છે.

મકરવૃત્ત દક્ષિણ અમેરિકાના ઉત્તર ચિલી, આર્જેન્ટીના, પૅરાગ્વે અને દક્ષિણ બ્રાઝિલમાંથી; આફ્રિકામાં તે નામિબિયા, બોત્સ્વાના, દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કરમાંથી તેમજ ઑસ્ટ્રેલિયાના મધ્યભાગમાંથી પસાર થાય છે.

ગિરીશભાઈ પંડ્યા