મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા

January, 2002

મંડેલા, (ડૉ.) નેલ્સન રોલિલાહલા (જ. 18 જુલાઈ 1918, કૂનુ, ઉમટાટા, ટ્રાન્સકી, દક્ષિણ આફ્રિકા) : રંગભેદ વિરુદ્ધ અશ્વેત પ્રજાના સ્વાતંત્ર્ય અને અધિકારોની લડતના શક્તિશાળી નેતા, રાજનીતિજ્ઞ, ધારાશાસ્ત્રી અને રંગભેદમુક્ત દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ. તેમના પિતા સ્થાનિક થેમ્બુ (Thembu) જાતિના મુખી હતા.

તેમણે થેમ્બુ રૉયલ લિનિયેજ સંસ્થામાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થી-રાજકારણમાં ભાગ લેતાં તેમને સંસ્થામાંથી બરતરફ કરવામાં આવેલા. ત્યારબાદ ફૉર્ટ હેર કૉલેજમાં દાખલા થયા, પણ અભ્યાસકાળ દરમિયાન વિદ્યાર્થી-હડતાળનું પ્રતિનિધિત્વ કરતાં તેમને કૉલેજમાંથી નિલંબિત (suspend) કરવામાં આવેલા. એથી તેઓ જોહાનિસબર્ગ ગયા અને ત્યાં કાયદાનો અભ્યાસ શરૂ કરતા પૂર્વે થોડા સમય માટે પોલીસ તરીકે નોકરી કરી.

ડૉ. નેલ્સન રોલિલાહલા મંડેલા

1942માં આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ નામના દક્ષિણ આફ્રિકાના રાજકીય પક્ષમાં જોડાયા અને તેની યુવાપાંખની સ્થાપનામાં સક્રિય કામગીરી બજાવી. પક્ષની આ પાંખ લડાયક અને જાતિવાદ-મુક્ત રાષ્ટ્રીયતા વિકસાવવા ઉત્સુક હતી, તેથી પક્ષની વિચારધારાનું પુનર્ગઠન કરવા તેમણે પ્રયાસ કર્યા. યુવાપાંખે રાષ્ટ્રીયતા બાબતે નવા કાર્યક્રમો સ્વીકારવા પક્ષને તાકીદ કરી. 1951માં આફ્રિકન રાષ્ટ્રવાદને વ્યાપક પરિમાણ બક્ષવા તેમણે પ્રયાસો કર્યા અને તેમાં ભારતીય રાષ્ટ્રવાદીઓની સહાય મેળવી. દક્ષિણ આફ્રિકાના અન્યાયી કાયદાઓ વિરુદ્ધ તેમણે ભારે પ્રતિકાર પેદા કર્યો અને 26 જૂન, 1952ના રોજ દક્ષિણ આફ્રિકા ખાતે ગાંધી-માર્ગે સવિનય કાનૂનભંગની લોકલડતનો આરંભ કર્યો. રંગભેદ ધરાવતા સરકારી કાયદાઓના પ્રતિકાર માટે તેમણે ‘મંડેલા પ્લાન’(M-Plan)ની આકર્ષક યોજના ઘડી અને રંગભેદ વિરુદ્ધ નાગરિક અધિકારોની લડતનાં મંડાણ કર્યાં.

વૈયક્તિક રીતે તેઓ માર્કસવાદથી પ્રભાવિત હોવા છતાં સંસદીય લોકશાહી પદ્ધતિના સમર્થક હતા. 1960 પછી આફ્રિકન નૅશનલ કૉંગ્રેસના નેતૃત્વની વિવિધ હરોળોની રચના કરીને તેમણે ઊંડી રાજકીય સૂઝ વ્યક્ત કરી, તેમજ આફ્રિકન નૅશનલ કૉંગ્રેસને સ્થાનિક સંગઠનમાંથી રાષ્ટ્રીય સંગઠનમાં રૂપાંતરિત કરી. આ રીતે તેમના નેતૃત્વનું કાઠું ઘડાવા લાગ્યું અને ટૂંક સમયમાં જ તેઓ રાષ્ટ્રીય કક્ષાના નેતા બન્યા. 1964માં તેમણે રિવોનિયાની ગોદી પરથી આપેલું વક્તવ્ય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રશંસા પામ્યું. ‘લંડન ટાઇમ્સે’ તેમને ‘આફ્રિકન રાષ્ટ્રવાદના પ્રચંડ નેતા’ તરીકે નવાજ્યા. આ વક્તવ્યથી તેમણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિની નવી ઊંચાઈઓ સર કરી.

રંગભેદ વિરુદ્ધ નાગરિક અધિકારોની લડતના પ્રારંભે સહકાર્યકર નોમઝાનો વિનિફ્રેડ માડિકીઝેલા સાથે તેમનો પરિચય થયો, જે 1958માં બીજા લગ્નમાં અને 1996માં વિચ્છેદમાં પરિણમ્યો. ત્યારબાદ તેમણે ફરી લગ્ન કર્યાં છે. 1961 સુધીમાં દેશદ્રોહના આરોપોને કારણે તેમણે જેલવાસ વેઠ્યો. ત્યારબાદ શ્વેત લઘુમતીના અન્યાયી શાસનનો અંત લાવવાનો નિર્ધાર ર્દઢ બનતો ગયો અને લડત વધારે ઉગ્ર બની. આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. 1962માં તેમની ધરપકડ કરવામાં આવી અને 1964માં દક્ષિણ આફ્રિકાની સરકારને પદભ્રષ્ટ કરવાના આરોપસર તેમને આજીવન કારાવાસની સજા કરવામાં આવી. રોબેન ટાપુ પર આવેલી જેલને તેમણે પોતાના નિવાસસ્થાન તરીકે સ્વીકારી લીધી. આ કારાવાસ દરમિયાન નાગરિક અધિકારો અંગેની તેમની જેહાદ ચાલુ રહી. યાતનાઓ અને સિતમો વેઠવા છતાં તેમનું મનોબળ ટકી રહ્યું. તેઓ રંગભેદ વિરુદ્ધની વિશ્વવ્યાપી લડતમાં અશ્વેત પ્રજાના ઐક્યના પ્રતીક બન્યા. એફ. ડબ્લ્યૂ. ક્લાર્કની શ્વેત સરકારે ફેબ્રુઆરી, 1990માં તેમને 27 વર્ષના લાંબા કારાવાસમાંથી મુક્ત કર્યા. સરકારના આ પગલાને કારણે 1993માં એફ. ડબ્લ્યૂ. ક્લાર્ક તથા નેલ્સન મંડેલાને શાંતિ માટેનું નોબેલ પારિતોષિક સંયુક્ત રૂપે એનાયત થયું.

જેલમુક્તિ સાથે જ તેમણે જાહેર જીવનની પ્રવૃત્તિઓનો પુન: પૂરા જોશથી આરંભ કર્યો. આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ પક્ષ પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવતાં તે ફરીને ચેતનવંતો થયો. તેમણે ગોરી લઘુમતી સરકાર સાથે રંગભેદની નીતિ દૂર કરવા અને લોકશાહીની સ્થાપના કરવા અંગે વાટાઘાટો આરંભી, જે ફેબ્રુઆરી, 1993માં સફળ થઈ અને બહુજાતીય મુક્ત ચૂંટણીઓ યોજવાનો નિર્ણય લેવાયો. સરકારે એ સાથે પુખ્તવય મતાધિકારનો સ્વીકાર કર્યો અને એપ્રિલ, 1994માં પ્રથમ મુક્ત અને રંગભેદ વિનાની બહુજાતીય ચૂંટણીઓ યોજાઈ. આ ચૂંટણીમાં આફ્રિકન નૅશનલ કૉંગ્રેસ પક્ષને 62.65 ટકાની ભારે બહુમતી પ્રાપ્ત થઈ અને અશ્વેત પ્રજાના નેતા તરીકે તેઓ અપ્રતિમ યશના અધિકારી બન્યા. 10 મે 1994ના રોજ તેઓ રંગભેદમુક્ત નૂતન દક્ષિણ આફ્રિકાના પ્રથમ પ્રમુખ બન્યા. જૂન, ’99માં તેઓ હોદ્દા પરથી નિવૃત્ત થયા અને થાબૂમ્બેકીએ ત્યારબાદ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં.

1990માં તેમને ભારત સરકારે ‘ભારતરત્ન’થી વિભૂષિત કર્યા. ભારતનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત કરનાર તેઓ બીજા વિદેશી છે. 2000નો ગાંધી શાંતિ પુરસ્કાર તેમને તથા બાંગ્લાદેશની ગ્રામીણ વિકાસ બૅંકને સંયુક્ત રૂપે એનાયત થયો. આ પુરસ્કારથી પ્રાપ્ત થયેલ 50 લાખ રૂપિયાની ધન-રાશિ તેમણે કચ્છના ભૂકંપ-પીડિતો માટે ભારતના વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં જમા કરાવી માનવતાનું જ્વલંત ર્દષ્ટાંત પૂરું પાડ્યું છે.

‘લૉંગ વૉક ટુ ફ્રીડમ’ તેમની આત્મકથા છે.

રક્ષા મ. વ્યાસ