મંડી : હિમાચલ પ્રદેશની લગભગ મધ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 31° 13´ 50´´થી 32° 04´ 30´´ ઉ. અ. અને 76° 37´ 20´´થી 77° 23´ 15´´ પૂ. રે. વચ્ચેનો 3,950 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાંગરા જિલ્લો, પૂર્વમાં કુલુ જિલ્લો, દક્ષિણમાં સિમલા જિલ્લો, નૈર્ઋત્યમાં સોલન જિલ્લો તથા પશ્ચિમે બિલાસપુર અને હમીરપુર જિલ્લા આવેલા છે. જિલ્લાનું નામ જિલ્લામથક મંડી પરથી અપાયેલું છે. મંડી જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.

મંડી જિલ્લો

ભૂપૃષ્ઠ : જિલ્લાના જોગીન્દરનગર અને સુંદરનગર તાલુકાઓના થોડાક ફળદ્રૂપ ભાગોને બાદ કરતાં બાકીનો બધો જ પ્રદેશ સંપૂર્ણપણે પહાડી છે. આ જિલ્લામાં થઈને ચાર હારમાળાઓ પસાર થાય છે : (1) ધૌલાધાર : તે જિલ્લાની પૂર્વ સરહદે ઉત્તર-દક્ષિણ વિસ્તરેલી છે. 4,400 મીટર જેટલી ઊંચાઈ ધરાવતું નાર્ગુ તેનું સર્વોચ્ચ શિખર છે. કામરુનાગ નજીક તેમાંથી ગીચ વનરાજિ ધરાવતા ફાંટા જુદા પડે છે. આ હારમાળા સુકેત વિસ્તારનો અર્ધાથી વધુ ભાગ આવરી લે છે અને સતલજ નદી સુધી વિસ્તરેલી છે. ત્યાંથી તે ઈશાન તરફ ફંટાઈને કુલુ ટેકરીઓમાં જોડાઈ જાય છે. (2) ઘગ્ગરધાર : આ હારમાળા વિસ્તારની ર્દષ્ટિએ બીજા ક્રમે આવે છે. તે જોગીન્દરનગર તાલુકામાં હરાબાગ ખાતે જિલ્લામાં પ્રવેશે છે. તેમાં ઠીક ઠીક પ્રમાણમાં જંગલો હોવા છતાં પ્રાદેશિક રીતે ફળદ્રૂપ છે. અહીં ગુમા અને દ્રાંગ ખાતે મીઠાની ખાણો આવેલી છે. (3) સિકંદરાધાર : આ હારમાળા કમલાધાર અને લિન્ડીધાર – એમ બે હારોમાં વહેંચાયેલી છે. સુકેત અને બિલાસપુરની વાયવ્ય સરહદેથી તે વિસ્તરે છે. અકબરના શાસનકાળથી 375 વર્ષ અગાઉ થઈ ગયેલા સિકંદર લોદી પરથી તેને નામ અપાયેલું છે. કહેવાય છે કે કાંગરા જીતવા માટે તે આ માર્ગેથી પસાર થયેલો. અહીં હોશિયારપુર જવાના માર્ગ પર સુકેત સરહદથી થોડાક કિમી.ને અંતરે એક ઘાટ (pass) આવેલો છે. સિકંદરે તેની નજીકમાં છાવણી નાખેલી તથા ઘાટ નજીક આવેલા ઝરાની આસપાસ એક તળાવ તૈયાર કરાવેલું. એક લોકવાયકા મુજબ, ત્યાં ક્યારેક ‘શિકારી ધાર, ના વાર, ના પાર’ શબ્દો કોતરાવેલો એક પથ્થર ચણાવેલો જોવા મળતો હતો; પરંતુ વાસ્તવમાં ‘શિકારી ધાર’ નામની કોઈ ટેકરી ઘાટની એકેય બાજુ આવેલી નથી. (4) વૈરકેત ધાર : આ હારમાળા રેવલસરથી સુકેત સુધી વિસ્તરે છે, તેના કેટલાક ફાંટા કાંગરા અને સિકંદરાધારને જઈ મળે છે.

જિલ્લામાં બધે જ ઊંચા ઢોળાવો પર છૂટાંછવાયાં જંગલો આવેલાં છે, પરંતુ સતલજ નદીખીણનાં જંગલો વધુ મહત્વનાં છે. વિશાળ જૂથોમાં જોવા મળતાં દેવદારનાં વૃક્ષો આશરે 3,000થી 1,650 મીટરની ઊંચાઈ પર, ચીલનાં વૃક્ષો 1,650થી 950 મીટરની ઊંચાઈ પર, જ્યારે ઓકનાં વૃક્ષો 2,750થી 950 મીટરની ઊંચાઈ પર બધે જ મળે છે. આથી વધુ નીચે વાંસ તથા અન્ય છોડવા પથરાયેલા છે. જંગલની મુખ્ય પેદાશોમાં ચીલ, વાંસ, રાળ, કાથો તથા અન્ય લાકડાંનો સમાવેશ થાય છે. એ રીતે જોતાં જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે આ પેદાશો પર નિર્ભર રહે છે. મૂલ્યવાન લાકડાંની નિકાસ થાય છે તથા તેનો અહીં બાંધકામમાં પણ ઉપયોગ થાય છે.

જળપરિવાહ : સતલજ અને બિયાસ અહીંની મુખ્ય નદીઓ છે. આ ઉપરાંત ઘણાં નાનાં નદીનાળાં આ બંને નદીઓને જઈ મળે છે. ઉહલ, લૂણી અને રીના બિયાસની ઉત્તર કાંઠાની; જ્યારે બાખર, સોન, રામોલી, સુકેતી, જીવની, જાજેહલી, તિરહાન અને હંસા તેના દક્ષિણ કાંઠાની સહાયક નદીઓ છે. જોગીન્દરનગર ખાતે ઉહલ નદીનાં પાણીમાંથી જળવિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. બિયાસ પર પાંડોહ ખાતે બંધ બાંધી તેનાં પાણીને બે બોગદાં મારફતે સતલજ તરફ વાળવામાં આવ્યાં છે. તેમાંથી વચ્ચે દેહાર ખાતે પણ વીજઊર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. બિયાસ નદી પર મંડી અને પાંડોહ ખાતે અવરજવર માટે બે પુલ બાંધવામાં આવ્યા છે. જિલ્લાની પૂર્વ અને દક્ષિણ સરહદ સતલજ નદીથી બનેલી છે. ફિરણુ ગામ નજીક તે જિલ્લામાં પ્રવેશે છે અને બાગરા, મહુનમ દેરા હાટ, બટવારા તથા દેહાર પાસેથી પસાર થાય છે. ત્યાંથી તે બિલાસપુર જિલ્લામાં પ્રવેશે છે. તેનો પ્રવાહ ઝડપી હોવાથી સિંચાઈ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. સુકેત પ્રદેશનો જળસ્રોત તેમાં ઠલવાય છે. ખદેલ, ભગવતી, બંતરેહર, સિવાન, બહેના, કોટલુ, બોગર, બાહલુ અને સિઉન સતલજની સહાયક નદીઓ છે.

સરોવરો : આ જિલ્લામાં રેવલસર, પરાશર અને કામરુનાગ નામનાં ત્રણ સરોવરો પણ આવેલાં છે.

ત્રિલોકીનાથ મંદિર, જિ. મંડી

રેવલસર : તે મંડીથી 24 કિમી. અંતરે 1,300 મીટરની ઊંચાઈએ આવેલું છે. હિન્દુઓ, શીખો અને બૌદ્ધોના પવિત્ર ગણાતા આ સરોવરમાં નાના નાના તરતા ટાપુઓ આવેલા છે, આ કારણે તેમજ તેના કાંઠાની હરિયાળીને કારણે તે જાણીતું બનેલું છે. લોકવાયકા કહે છે તેના તરતા ટાપુઓ કાયમ માટે તરતી સ્થિતિમાં જ રહેવાના છે. આ સ્થળે આવેલા મઠમાં પદ્મ સાંભા નામનો બૌદ્ધ સાધુ કેટલોક વખત રહેલો. આ સરોવરને કાંઠે એક બૌદ્ધ મંદિર પણ છે. કિન્નૌર, લાહોલ અને સ્પિતીના ઘણા બૌદ્ધ સાધુઓ આ મંદિરની મુલાકાતે આવે છે. વળી અહીંના સ્નાનઘાટ પર એક ગુરુદ્વારા પણ છે. હિન્દુઓ અને બૌદ્ધો રેવલસરને ઋષિ લોમસના નિવાસસ્થાન તરીકે પણ ઘટાવે છે. તેમની યાદમાં વૈશાખીના પ્રથમ દિવસે મેળો પણ ભરાય છે. હજારો યાત્રાળુઓ અહીં આવી તેના પવિત્ર જળમાં ડૂબકી મારી પુણ્ય મેળવે છે. શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહ પણ કેટલોક વખત અહીં રહેલા. તેઓ સરોવરથી 160 મીટરની ઊંચાઈ પર પથ્થરના એક મકાનમાં રહેતા હતા. શીખ લોકો વૈશાખ માસમાં તેમના માનમાં મેળો ભરે છે.

પરાશર : મંડીથી ઈશાનમાં આશરે 34 કિમી. અંતરે 3,100 મીટરની ઊંચાઈ પર આ સરોવર આવેલું છે. ત્યાં એક નાનું મંદિર પણ છે. દર વર્ષે જૂનમાં ત્યાં મેળો ભરાય છે. મેળામાં ધાબળા અને ઊનનું પુષ્કળ વેચાણ થાય છે.

કામરુનાગ : આ સરોવર જિલ્લાના ચાચ્યોટ તાલુકામાં આશરે 3,150 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તેના કાંઠા પર આવેલા મંદિર ખાતે દર વર્ષે જૂનમાં મેળો ભરાય છે.

ખેતીપશુપાલન : જિલ્લો પહાડી હોવા છતાં ઘણાખરા લોકો ખેતીના વ્યવસાયમાં રોકાયેલા છે. રાજ્ય સરકાર પણ ખેતી માટે ખૂબ પ્રોત્સાહન આપે છે. અહીંની જમીનો કથ્થાઈ રંગવાળી તથા પહાડી છે. ઘઉં, ડાંગર, લગભગ બધાં જ શાકભાજી, સફરજન, જરદાલુ, અખરોટ, લીંબુ અને નારંગી જેવાં ફળો, આદું અને વટાણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં વિશેષે કરીને બટાટા તથા અન્ય શાકભાજી અને ફળોની વાડીઓ વિકસાવવામાં આવેલી છે. પશુધન ખેતી પછીના ક્રમે આવે છે. અહીંના લગભગ દરેક ઘરમાં ગાય, ભેંસ, ઘેટાં-બકરાં, ડુક્કર, ટટ્ટુ જેવાં ઓછાંવત્તાં કોઈ ને કોઈ પશુઓ હોય છે જ. લાહોલ અને સ્પિતી તરફથી તેમજ અન્ય બરફવાળા નજીકના પ્રદેશોમાંથી લોકો ઘેટાંબકરાંનાં ટોળાં લઈને ચરિયાણ માટે અહીં ઊમટી પડે છે.

ઉદ્યોગવેપાર : ઘણા લાંબા કાળથી મંડી તેની મીઠાની ખાણો માટે જાણીતું બનેલું છે. ચૂનાખડકો પણ અહીં વિશાળ જથ્થામાં મળે છે. આ ઉપરાંત અહીંથી કોલસો, માટી, ડોલોમાઇટ, તેમજ થોડા પ્રમાણમાં લોહ, તાંબું અને સોનું પણ મળી આવે છે. જિલ્લામાં કોઈ ખાસ ઉદ્યોગો વિકસ્યા નથી. જિલ્લાનો મોટો ભાગ પહાડી છે. પહાડી ઢોળાવો જંગલોથી સમૃદ્ધ હોઈ જંગલપેદાશો મળી રહે છે. બાગાયતી વાડીઓનો વિકાસ થયેલો છે. રાજ્ય સરકાર તરફથી ગૃહઉદ્યોગો તેમજ અન્ય નાના પાયા પરના ઉદ્યોગોને પ્રોત્સાહન અપાતું જાય છે. આ માટે સુંદરનગર ખાતે પૉલિટેક્નિક, ઔદ્યોગિક તાલીમી સંસ્થા અને ઑટોમોબાઇલ સંસ્થા ઊભી કરવામાં આવી છે; જ્યાંથી વિવિધ વ્યવસાયલક્ષી વિદ્યાશાખાઓના તાલીમાર્થીઓ બહાર પડે છે. જિલ્લામાં આયુર્વેદિક ઔષધો, બંદૂકો, ઊની કામળા, શાલ તેમજ અન્ય પોશાકોનું ઉત્પાદન લેવાય છે, તેમની નિકાસ પણ થાય છે, જ્યારે ખાદ્યપદાર્થો, પેટ્રોલિયમ-પેદાશો, કાપડ વગેરેની આયાત થાય છે.

પરિવહન : આ જિલ્લામાંથી નૅરોગેજ રેલમાર્ગ તથા રાષ્ટ્રીય ધોરી માર્ગ–21 પસાર થાય છે. મંડીનગર વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર-ક્ષેત્રે આગળ પડતું છે. જિલ્લાનાં નગરો, ગામડાં અને તાલુકામથકોને નાનામોટા માર્ગોથી તેમજ દૂરદૂરનાં સ્થળોને કેડીઓથી સાંકળી લેવામાં આવ્યાં છે.

પ્રવાસન : આ જિલ્લામાં મંડી, જોગીન્દરનગર, સુંદરનગર, બરોટ, ચૌન્ત્રા, ગુમા, કાર્સોંગ, પાંડોહ, દેહાર, રેવલસર, પરાશર, ટટ્ટાપાની જેવાં ઘણાં અગત્યનાં પ્રવાસસ્થળો આવેલાં છે. આ પૈકી ટટ્ટાપાની, ગુમા અને ચૌન્ત્રા વિશેષ ઉલ્લેખનીય છે. ટટ્ટાપાની સતલજ નદીના જમણા કાંઠે આવેલો ગરમ પાણીનો ઝરો છે; તેમાં સ્નાન કરવાથી વાનો દુખાવો મટતો હોવાનું કહેવાય છે. તે સિમલાથી 56 કિમી. અને સેવનીથી 5 કિમી. અંતરે આવેલું છે. પ્રવાસીઓ માટેનું તે આકર્ષણનું કેન્દ્ર છે. ગુમા મંડી-બૈજનાથ માર્ગ પર મંડીથી 56 કિમી. અંતરે આવેલું છે. મીઠાની ખાણો માટે તે જાણીતું છે. એક કાળે તે અલગ દેશી રાજ્ય હતું, પરંતુ રાજા નારાયણના સમયમાં તેને મંડીમાં ભેળવી દેવાયેલું. તે પછી અહીંના રાજા સૂરજસેનના સમયમાં કુલુના રાજવીએ તેને કબજે કરેલું, પરંતુ મંડીના રાજા સીધસેને તેને ફરીથી મેળવી લીધું. ચૌન્ત્રા એ જોગીન્દરનગરથી આશરે 9 કિમી. અંતરે આવેલું રમણીય ગામ છે. તે આછા ઢોળાવવાળા ફળદ્રૂપ પહાડી વિસ્તારમાં આવેલું છે. તેની આજુબાજુનો વિસ્તાર હિમમઢ્યાં ઊંચાં શિખરોથી તથા ચીલ-પાઇનનાં વૃક્ષોથી છવાયેલો છે. આ ગામ તેની લીલી અને કાળી ચા માટે ખૂબ જાણીતું બનેલું છે. આ ઉપરાંત જિલ્લાનાં જુદાં જુદાં સ્થળોએ વારતહેવારે જુદા જુદા મેળા ભરાય છે અને ઉત્સવો ઊજવાય છે.

વસ્તી : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 7,76,372 જેટલી છે. તે પૈકી 3,85,746 પુરુષો અને 3,90,626 સ્ત્રીઓ છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 7,20,603 અને 55,769 જેટલું છે. ધર્મવિતરણ મુજબ અહીં હિન્દુઓ : 7,65,635; મુસ્લિમ : 5,376; ખ્રિસ્તી : 104; શીખ : 3,569; બૌદ્ધ : 1,521; જૈન : 42; અન્યધર્મી 9 અને અનિર્ણીત ધર્મવાળા 116 જેટલા છે. આ જિલ્લામાં હિન્દી અને પહાડી ભાષાઓ બોલાય છે. અહીં શિક્ષિતોની સંખ્યા 4,06,732 છે તે પૈકી 2,45,787 પુરુષો અને 1,60,945 સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી શિક્ષિતોનું પ્રમાણ અનુક્રમે 3,64,279 અને 42,453 જેટલું છે.

જિલ્લાનાં નગરોમાં જરૂરી શિક્ષણસંસ્થાઓની સગવડો છે. મંડી, સુંદરનગર અને સરકાઘાટ ખાતે ત્રણ કૉલેજો છે. જિલ્લાનાં 16 % ગામો(446 ગામ)માં એક કે બીજા પ્રકારની તબીબી સેવાઓ મળી રહે છે. મંડી, જોગીન્દરનગર, સુંદરનગર અને પાંડોહ ખાતે હૉસ્પિટલો આવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 16 તાલુકાઓ અને 10 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. અહીં 6 નગરો અને 3,338 (520 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. બધાં જ નગરો એક લાખથી ઓછી વસ્તીવાળાં છે.

ઇતિહાસ : 1948ના એપ્રિલની 15મી તારીખે હિમાચલ પ્રદેશ રાજ્યની રચના વખતે મંડી અને સુકેતનાં દેશી રાજ્યોને ભેળવી આ જિલ્લાની રચના કરેલી છે. ત્યારબાદ તેમાં કોઈ ખાસ ફેરફારો થયેલા નથી.

મંડી (શહેર) : મંડી જિલ્લાનું જિલ્લામથક તથા મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 31° 42´ ઉ. અ. અને 76° 55´ પૂ. રે. અગાઉના સમયમાં પણ તે મંડી દેશી રાજ્યનું મુખ્ય મથક હતું. 1948માં હિમાચલ પ્રદેશની રાજ્ય તરીકે રચના થતાં તે જિલ્લાનું વડું વહીવટી મથક બન્યું છે. તે બિયાસ નદીને કાંઠે સમુદ્રસપાટીથી આશરે 800 મીટરની ઊંચાઈએ આવેલું હોવા છતાં સપાટ ભૂમિ પર વસેલું છે. તેની આજુબાજુ ઊંચી ટેકરીઓ આવલી છે. તે સિમલા, પઠાણકોટ, કુલુ તેમજ અન્ય જિલ્લામથકો સાથે સંકળાયેલું છે. 1877માં અહીં બિયાસ નદી પર લોખંડનો એક ઝૂલતો પુલ બાંધેલો. હવે નગરવિસ્તાર પણ વધ્યો છે. બિયાસ નદી જૂના મંડીને નવાનગર વિભાગથી અલગ પાડે છે. અહીં ઐતિહાસિક તેમજ પુરાતત્વીય ર્દષ્ટિએ અગત્યનાં ગણાતાં ભૂતનાથ, ત્રિલોકનાથ, પંચવક્ત્ર, તરણા જેવાં ઘણાં મંદિરો આવેલાં છે. નગરમાં સુયોજિત ચૌહાટ નામનું બજાર છે. આ બજારથી ઊંચાઈવાળા સ્થાને ‘ચૌન્ત્ર’ નામની ઇમારત છે, જ્યાં દેશી રજવાડાના રાજવીઓ તેમનો દરબાર ભરતા. આજે તેમાં જિલ્લાકચેરી બેસે છે. ઇમારતની ઈશાન બાજુએ પદાલ નામનું એક સુંદર મેદાન છે. ત્યાં હવે ખલિયાર નામની નવી વસાહત વિકસી છે. આજે મંડી નગરમાં ઉચ્ચશિક્ષણની, તબીબી તથા મનોરંજનની સગવડો છે. અહીં પ્રવાસી-રહેઠાણો, સિનેમાઘરો, સભાગૃહો અને વિશ્રામગૃહો પણ છે. હિમાલયના ઊંચાઈવાળા ભાગો તેમજ ગંગાના મેદાનની વચ્ચે આજે મંડી એક પ્રવૃત્તિમય વેપારી મથક બની રહેલું છે.

ગિરીશભાઈ પંડ્યા