મંડોવર : ગુજરાતના સોલંકી શૈલીના મંદિરમાં ગર્ભગૃહના પીઠની ઉપર ચણવામાં આવતી દીવાલનો અલંકૃત ભાગ. એની રચના અનેકવિધ સમતલ થરો દ્વારા થતી હોય છે. મહામંદિરોમાં સાધારણ રીતે આ થરોમાં નીચેથી ઉપરના ક્રમે જોતાં ખુરક, કુંભક, કલશ, કપોતાલી (કેવાલ), મંચિકા, જંઘા, ઉદગમ, ભરણી, શિરાવટી, મહાકેવાલ અને કૂટછાદ્ય નામે ઓળખાતા થરો જોવામાં આવે છે. દરેક બે થરની વચ્ચે તેમને છૂટા પાડનાર અંગ તરીકે અંતરપત્રની રચના કરાય છે. વળી આ દરેક થર પર નાનામોટા ગૌણ થરોની રચના પણ થાય છે.

મંડોવર

‘ખુરક’ એ સામાન્યત: કર્ણ, કર્ણિકા અને સ્કંધથી વિભૂષિત કરેલ સાદી બેઠકવાળો થર છે. કુંભક(કુંભો)ના મુખ પર તમાલપત્રોની રચના હોય છે અને તેના મુખ્ય દર્શનીય પેટા પર નાના કદના ગવાક્ષોમાં દેવ-દેવીઓ તથા ક્યારેક સ્ત્રી-પુરુષોનાં ભોગાસનોનાં શિલ્પોની રચના હોય છે. કલશનો મધ્યભાગ કલશ-ઘાટનો હોય છે અને ક્યારેક તેની મધ્યમાં પટ્ટિકાની રચના કરવામાં આવે છે. એમાં અક્ષમાલા કે મણિમેખલા પણ કોતરેલી હોય છે. કપોતાલી કે કેવાલની રચનામાં કપોત-કબૂતરના મસ્તકભાગનું રૂપસામ્ય નજરે પડે છે. એમાં કેટલીક વાર ચૈત્યગવાક્ષની આકૃતિઓની હારમાળાનું અંકન પણ થાય છે. મંચિકાના ઘાટમાં કામરૂપ (અલંકૃત પટ્ટિકા), સ્કંધ, કર્ણ, કપોતાલી વગેરે ગૌણ થરો હોય છે.

જંઘા મંડોવરનો મુખ્ય થર ગણાય છે. એમાં મોટેભાગે સ્તંભિકાઓ અને તોરણયુક્ત ગવાક્ષની રચના થાય છે. એમાં દેવ-દેવીઓ, તાપસો તેમજ વિવિધ અંગ-ભંગવાળી નર્તિકાઓ તથા સ્ત્રી-પુરુષોનાં ભોગાસનોનાં શિલ્પો મૂકવામાં આવે છે. ઉદગમ એ પગથિયાંવાળા પિરામિડના ઘાટની રચના છે, જેમાં ‘જાલક’ નામે જાણીતી કોતરણી કરવામાં આવે છે. ચોરસ કે ગોળ ઘાટની ભરણી અને શિરાવટીના ઘાટ, સ્તંભ પરના આ નામના ઘાટ સાથે સામ્ય ધરાવે છે. ભરણીમાં કર્ણસ્કંધ, અશોકપલ્લવ, તમાલપત્ર, કપોતાલી, કામરૂપ વગેરે ઘાટોનું સંયોજન કરવામાં આવે છે. એવી જ રીતે શિરાવટીમાં ભારપુત્તલિકા અને સ્કંધની રચના થાય છે. મહાકપોતાલી કે મહાકેવાલનો ઘાટ કેવાલને મળતો હોય છે. અત્યંત નિર્ગમિત કૂટછાદ્ય આ તમામ થરોના મુખ્ય છાવણ તરીકે રચાય છે. કૂટછાદ્યમાં પણ છાદ્યની નીચે દંડિકા અને લૂમાની રચના થાય છે.

સોલંકીકાળ(942થી 1304)નાં મંદિરો પૈકી કેટલાંકમાં ઉપરના તમામ થરો અને કેટલાંકમાં એમાંના એકાદબે ઓછા-વત્તા કે એકના એક થરનું વારંવાર પુનર્નિર્માણ થતું ર્દષ્ટિગોચર થાય છે; બેવડી–ત્રેવડી જંઘાની રચનાનાં મંડોવરવાળાં મંદિરોને મેરુ પ્રકારનાં ગણવામાં આવ્યાં છે. મોઢેરાના સૂર્યમંદિરમાં ઉપરના લગભગ બધા થરો આકાર પામ્યા છે. મંદિરોના જંઘાના મધ્યગવાક્ષોમાં સ્થાપેલી દેવ-દેવીઓની પ્રતિમાઓને આધારે મંદિર કયા દેવનું હશે એ પણ ઘણી વાર નક્કી થાય છે; દા. ત., મોઢેરાના સૂર્યમંદિરના મંડોવરમાં બાર આદિત્યોનાં મૂર્તિશિલ્પો નજરે પડે છે. સૂણકના નીલકંઠ મંદિરના ગવાક્ષમાં કાલી, ભૈરવ અને નટેશની મૂર્તિઓ; સંડેરના મંદિરના જંઘાગવાક્ષમાં શિવ, વિષ્ણુ અને બ્રહ્માની; રુહાવીના જંઘાગવાક્ષમાં બ્રહ્મા-સાવિત્રી, શિવ-પાર્વતી અને લક્ષ્મી-નારાયણની યુગલમૂર્તિઓ; ગોરાદના જંઘાગવાક્ષમાં મહાકાલી, નટેશ અને ભૈરવની મૂર્તિઓ જોવામાં આવે છે.

પ્રવીણચંદ્ર પરીખ